પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી ઇથેનોલ મિશ્રણ અંગેના રોડમેપ પર આગળ વધીને, E20 ઇંધણ લોન્ચ કરશે

પ્રધાનમંત્રી ગ્રીન ઇંધણ અંગે જનજાગૃતિ કેળવવા માટે ગ્રીન મોબિલિટી રેલીને લીલી ઝંડી બતાવશે

પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલની ‘અનબોટલ્ડ’ પહેલ હેઠળ ગણવેશ લોન્ચ કરશે - દરેક ગણવેશ લગભગ 28 વપરાયેલી PRT બોટલના રિસાયક્લિંગને સમર્થન આપશે

પ્રધાનમંત્રી સૌર અને સહાયક ઉર્જાના સ્રોતો પર કામ કરતા એક ક્રાંતિકારી ઇન્ડોર સોલાર કૂકિંગ ઉકેલ એવા ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલાર કૂકિંગ સિસ્ટમના ટ્વીન-કૂકટોપ મોડલનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં લેવાયેલા વધુ એક પગલાં રૂપે તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી, તુમાકુરુ ઔદ્યોગિક ટાઉનશિપ અને તુમાકુરુમાં બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કરશે

Posted On: 04 FEB 2023 11:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે, તેઓ તુમાકુરુ ખાતે નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે અને વિકાસલક્ષી વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023

પ્રધાનમંત્રી બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી સપ્તાહ (IEW) 2023નું ઉદ્ઘાટન કરશે. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા, IEWનો ઉદ્દેશ્ય ઉર્જા ટ્રાન્ઝિશન પાવરહાઉસ તરીકે ભારતની વધી રહેલી શક્તિને પ્રદર્શિત કરવાનો છે. કાર્યક્રમ પરંપરાગત અને બિન-પરંપરાગત ઉર્જા ઉદ્યોગ, સરકારો અને શિક્ષણવિભાગના અગ્રણીઓને જવાબદારીપૂર્ણ ઉર્જા ટ્રાન્ઝિશનના કારણે રજૂ થતા હોય તેવા પડકારો અને અવસરો અંગે ચર્ચા કરવા માટે એકસાથે લાવશે. તેમાં સમગ્ર દુનિયામાંથી 30 થી વધુ મંત્રીઓની ઉપસ્થિતિ જોવા મળશે. ભારતના ઉર્જા ભવિષ્યના પડકારો અને તકોની ચર્ચા કરવા માટે 30,000 થી વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 500 વક્તા એકઠા થશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના CEO સાથે ગોળમેજી સંવાદમાં ભાગ લેશે. તેઓ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં અનેકવિધ પહેલનો પણ પ્રારંભ કરશે.

ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ સરકાર દ્વારા ધ્યાનમાં રાખવામાં આવતા મુખ્ય ક્ષેત્રો પૈકી એક છે. સરકારના નિરંતર પ્રયાસોના પરિણામ સ્વરૂપે, 2013-14 થી ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતામાં ગણો વધારો જોવા મળ્યો છે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 કરોડ રૂપિયાની આસપાસની વિદેશી હૂંડિયામણની બચત સહિત અન્ય ઘણા લાભો પણ પ્રાપ્ત થયા છે. પરિણામે, 2014 થી 2022 દરમિયાન ઇથેનોલના પુરવઠા માટે આશરે રૂ. 81,800 કરોડની ચુકવણી કરવામાં આવી છે અને ખેડૂતોને રૂ. 49,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ઇથેનોલ મિશ્રણ રોડમેપને અનુરૂપ, 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 84 રિટેલ આઉટલેટ્સ પર E20 ઇંધણના વેચાણનો પ્રારંભ કરશે. E20 પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું મિશ્રણ છે. સરકાર 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20% મિશ્રણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2G-3G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે જે દિશામાં પ્રગતિને વધુ સરળ બનાવશે.

પ્રધાનમંત્રી ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપશે. રેલીમાં ગ્રીન એનર્જીના સ્રોતો પર ચાલતા વાહનોની સહભાગીતા જોવા મળશે અને તેનાથી ગ્રીન ઇંધણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલનીઅનબોટલ્ડપહેલ હેઠળ ગણવેશ લોન્ચ કરશે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર રીતે નાબૂદ કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી દ્વારા સંચાલિત પ્રયાસ હેઠળ, ઇન્ડિયન ઓઇલ દ્વારા રિટેઇલ ગ્રાહક એટેન્ડન્ટ્સ અને LPG ડિલિવરી કર્મચારીઓ માટે રિસાઇકલ પોલિએસ્ટર (rPET) અને કપાસમાંથી બનેલો ગણવેશ અપનાવવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહક એટેન્ડન્ટના ગણવેશનો દરેક સેટ લગભગ 28 વપરાયેલી PET બોટલના રિસાઇકલિંગને સમર્નથ કરશે. ઇન્ડિયન ઓઇલ પહેલને ટકાઉ વસ્ત્રો માટેની બ્રાન્ડઅનબોટલ્ડદ્વારા આગળ ધપાવી રહી છે, જે રિસાયકલ કરેલા પોલિએસ્ટરમાંથી બનાવેલી વસ્તુઓના વેચાણ માટે લોન્ચ કરવામાં આવી છે. બ્રાન્ડ હેઠળ, ઇન્ડિયન ઓઇલ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગ્રાહક એટેન્ડેન્ટ્સ માટે ગણવેશની જરૂરિયાત મુજબ, સૈન્ય માટે બિન-યોદ્ધા ગણવેશ માટે, સંસ્થાઓ માટે ગણવેશ/ડ્રેસનું વેચાણ કરવાનો અને છૂટક ગ્રાહકોને વેચાણ કરવાનું લક્ષ્ય રાખે છે.

પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમના ટ્વીન-કુકટોપ મોડલનું પણ લોકાર્પણ કરશે અને વ્યાપારી ધોરણે તેનો અમલ કરવા માટે પણ પ્રારંભ કરાવશે. ઇન્ડિયન ઓઇલે અગાઉ સિંગલ કૂકટોપ સાથે આવિષ્કારી અને પેટન્ટ લીધેલી ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ તૈયાર કરી હતી. આના માટે પ્રાપ્ત થયેલા પ્રતિસાદના આધારે, ટ્વીન-કુકટોપ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે જે વપરાશકર્તાઓને વધુ સુગમતા અને સરળતા પ્રદાન કરે છે. તે એક ક્રાંતિકારી ઇન્ડોર સોલર કૂકિંગ ઉકેલ છે જે એકસાથે સૌર અને સહાયક ઉર્જા સ્રોતો પર કામ કરે છે અને તેને ભારત માટે રસોઇનો ભરોસાપાત્ર ઉકેલ બનાવે છે.

 

પ્રધાનમંત્રી તુમાકુરુની મુલાકાતે

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં લેવાયેલા વધુ એક બીજા પગલા તરીકે, પ્રધાનમંત્રી તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. તેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. તે એક સમર્પિત નવી ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે જે હેલિકોપ્ટર બનાવવાની ક્ષમતા અને ઇકોસિસ્ટમમાં વૃદ્ધિ કરશે.

હેલિકોપ્ટર ફેક્ટરી એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર વિનિર્માણ સુવિધા છે અને શરૂઆતમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH)નું ઉત્પાદન કરશે. LUH સ્વદેશી રીતે ડિઝાઇન કરેલું અને વિકસાવવામાં આવેલું 3-ટન વર્ગનું સિંગલ એન્જિન બહુલક્ષી યુટિલિટી હેલિકોપ્ટર છે, જેમાં ઉચ્ચ દાવપેચની વિશિષ્ટ ખાસિયત છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને ઇન્ડિયન મલ્ટીરોલ હેલિકોપ્ટર (IMRH) જેવા અન્ય હેલિકોપ્ટર તેમજ ભવિષ્યમાં LCH, LUH, સિવિલ ALH અને IMRH ના સમારકામ અને ઓવરહોલ માટે ફેક્ટરીનું વિસ્તરણ કરવામાં આવશે. ફેક્ટરીમાં ભવિષ્યમાં સિવિલ LUHની નિકાસ કરવાની ક્ષમતા પણ છે.

સુવિધા ભારતને હેલિકોપ્ટર સંબંધિત પોતાની તમામ જરૂરિયાત સ્વદેશી રીતે પૂરી કરવામાં સમર્થ બનાવશે અને ભારતમાં હેલિકોપ્ટરના ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ અને વિનિર્માણમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય તેવી વિશિષ્ટતા મેળવશે.

ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યું છે. આના પરિણામે પ્રદેશમાં લગભગ 6000 લોકોને રોજગારી મળશે.

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી તુમાકુરુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ, ચેન્નાઇ બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોરના ભાગ રૂપે તુમાકુરુમાં ત્રણ તબક્કામાં 8484 એકરમાં ફેલાયેલી ઔદ્યોગિક ટાઉનશિપનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી તુમાકુરુમાં તિપ્તુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તિપ્તુર બહુ-ગ્રામ્ય પીવાલાયક પાણી પુરવઠા પરિયોજના રૂ. 430 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ચિક્કનાયકનાહલ્લી તાલુકાની 147 વસાહતો માટે બહુ-ગ્રામ્ય પાણી પુરવઠા યોજના આશરે રૂ. 115 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. પરિયોજનાથી પ્રદેશના લોકો માટે પીવાના શુદ્ધ પાણીના પુરવઠાની જોગવાઇને સરળ થશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1896276) Visitor Counter : 195