પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું
“તમે 'અમૃત પેઢી'નું પ્રતિનિધિત્વ કરો છો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું સર્જન કરશે”
"જ્યારે સ્વપ્નો સંકલ્પમાં પરિવર્તિત થાય છે અને જીવન તેને સમર્પિત થાય છે, ત્યારે સફળતા નિશ્ચિત છે. આ સમય ભારતના યુવાનો માટે નવી તકોનો સમય છે"
"ભારતનો સમય આવી ગયો છે"
"યુવા શક્તિ ભારતની વિકાસલક્ષી સફરનું પ્રેરક બળ છે"
"જ્યારે દેશ યુવાનોની ઊર્જા અને ઉત્સાહથી ભરેલો છે, ત્યારે તે દેશની પ્રાથમિકતાઓ હંમેશા તેના યુવાનો રહેશે"
"આ ખાસ કરીને દેશની દિકરીઓ માટે સંરક્ષણ દળો અને એજન્સીઓમાં મોટી સંભાવનાઓનો સમય છે"
Posted On:
28 JAN 2023 7:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક પીએમ રેલીને સંબોધન કર્યું હતું. આ વર્ષે, એનસીસી તેની સ્થાપનાનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એનસીસીનાં 75 સફળ વર્ષોની યાદમાં વિશેષ ડે કવર અને રૂ. 75/- નાં મૂલ્યનો ખાસ બનાવેલો સિક્કો બહાર પાડ્યો હતો. એકતા જ્યોત – કન્યાકુમારીથી દિલ્હીને પ્રધાનમંત્રીને સોંપવામાં આવી હતી અને કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે પ્રગટાવવામાં આવી હતી. આ રેલી હાઈબ્રીડ ડે-નાઈટ ઈવેન્ટ તરીકે યોજાઈ હતી અને તેમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થશે. વસુધૈવ કુટુમ્બકમ્ની સાચી ભારતીય ભાવનામાં, 19 વિદેશી દેશોના 196 અધિકારીઓ અને કેડેટ્સને આ ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું.
આ રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત અને એનસીસી બંને ચાલુ વર્ષે તેમની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છે તથા તેમણે એનસીસીનું નેતૃત્વ કરીને અને તેનો હિસ્સો બનીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનારા લોકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કેડેટ્સને જણાવ્યું હતું કે, એનસીસી કેડેટ અને દેશના યુવાનો તરીકે તેઓ દેશની 'અમૃત પેઢી'નું પ્રતિનિધિત્વ કરે છે, જે આગામી 25 વર્ષમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે તથા 'વિકસિત' અને 'આત્મનિર્ભર ભારત'નું નિર્માણ કરશે. પ્રધાનમંત્રીએ કેડેટ્સને એકતા જ્યોત માટે પ્રશંસા કરી હતી, જ્યાં તેમણે કન્યાકુમારીથી દિલ્હી સુધી 60 દિવસ સુધી દરરોજ 50 કિલોમીટરનું અંતર કાપીને દોડ પૂર્ણ કરી હતી અને કહ્યું હતું કે, જ્યોત અને સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરી છે.
એનસીસી કેડેટ્સે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ પ્રથમ વખત કર્તવ્ય પથ પર યોજાઈ રહેલી પરેડની વિશેષતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એનસીસી કેડેટ્સને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પોલીસ સ્મારક, લાલ કિલ્લામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ, પ્રધાનમંત્રી સંગ્રહાલય, સરદાર પટેલ મ્યુઝિયમ અને બી આર આંબેડકર મ્યુઝિયમ જેવાં સ્થળોની મુલાકાત લેવાનું સૂચન પણ કર્યું હતું, જેથી તેઓ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મેળવી શકે.
પ્રધાનમંત્રીએ યુવાનોને રાષ્ટ્રનું સંચાલન કરતી મુખ્ય ઊર્જા તરીકે કેન્દ્રીયતા પર ભાર મૂક્યો હતો. "જ્યારે સ્વપ્નો સંકલ્પમાં પરિવર્તિત થાય છે અને જીવન તેને સમર્પિત હોય છે ત્યારે સફળતા નિશ્ચિત છે. આ ભારતના યુવાનો માટે નવી તકોનો સમય છે. બધે જ સ્પષ્ટ છે કે ભારતનો સમય આવી ગયો છે. સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે અને આ બધું ભારતના યુવાનોના કારણે થયું છે." પ્રધાનમંત્રીએ જી-20ની આગામી અધ્યક્ષતા માટે યુવાનોના ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે દેશ યુવાનોની ઊર્જા અને ઉત્સાહથી ભરેલો હશે, ત્યારે તે દેશની પ્રાથમિકતા હંમેશા તેના યુવાનો રહેશે." તેમણે યુવાનોને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો, જે તેમનાં સ્વપ્નોને સાકાર કરવામાં તેમને મદદરૂપ થશે. ડિજિટલ ક્રાંતિ હોય, સ્ટાર્ટ-અપ ક્રાંતિ હોય કે પછી નવીનીકરણની ક્રાંતિ હોય, દેશના યુવાનો માટે વિવિધ ક્ષેત્રો ખુલી રહ્યાં છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના યુવાનો જ આ ક્ષેત્રના સૌથી મોટા લાભાર્થી છે. ભારતમાં એસોલ્ટ રાઇફલ્સ અને બુલેટ પ્રૂફ જેકેટ્સ પણ આયાત કરવામાં આવતા હતા એ બાબત તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારા પર પ્રકાશ પાડ્યો હતો અને જાણકારી આપી હતી કે, અત્યારે ભારત સંરક્ષણનાં સેંકડો ઉપકરણોનું ઉત્પાદન કરી રહ્યું છે. તેમણે ઝડપથી ચાલી રહેલાં સરહદી માળખાગત કાર્ય વિશે પણ વાત કરી હતી તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી ભારતના યુવાનો માટે તકો અને સંભવિતતાઓની નવી દુનિયા શરૂ થશે.
પ્રધાનમંત્રીએ યુવાનોની ક્ષમતાઓમાં વિશ્વાસનાં સકારાત્મક પરિણામોનાં ઉદાહરણ સ્વરૂપે ભારતનાં અંતરિક્ષ ક્ષેત્રમાં હરણફાળને રજૂ કરી હતી. યુવા પ્રતિભાઓ માટે અવકાશ ક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાથી, પ્રથમ ખાનગી ઉપગ્રહનાં પ્રક્ષેપણ જેવાં મહાન પરિણામો આવ્યાં. એ જ રીતે, ગેમિંગ અને એનિમેશન ક્ષેત્ર ભારતના પ્રતિભાશાળી યુવાનો માટે તકોનું વિસ્તરણ કરી રહ્યું છે. ડ્રોન ટેકનોલોજી મનોરંજન, લોજિસ્ટિક્સથી માંડીને કૃષિ સુધીનાં નવાં ક્ષેત્રોને પણ હસ્તગત કરી રહી છે.
સંરક્ષણ દળો અને એજન્સીઓ સાથે જોડાવાની યુવાનોની આકાંક્ષા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ખાસ કરીને દેશની દિકરીઓ માટે મોટી સંભાવનાઓનો સમય છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં છેલ્લાં ૮ વર્ષમાં મહિલાઓની સંખ્યા બમણી થતી જોવા મળી છે. ત્રણેય સશસ્ત્ર દળોની સરહદ પર મહિલાઓનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. તેમણે નૌકાદળમાં નાવિક તરીકે મહિલાઓની પ્રથમ ભરતીનો ઉલ્લેખ કર્યો હતો. સશસ્ત્ર દળોમાં મહિલાઓએ લડાયક ભૂમિકાઓમાં પ્રવેશવાનું શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, મહિલા કેડેટ્સની પ્રથમ બેચે એનડીએ, પૂણેમાં તાલીમ શરૂ કરી દીધી છે. તેમણે વધુમાં ૧૫૦૦ છોકરીઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમને સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે કારણ કે આ શાળાઓ પ્રથમ વખત કન્યા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. એનસીસીમાં પણ છેલ્લા એક દાયકામાં મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો જોવા મળ્યો છે.
યુવા શક્તિની શક્તિનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશની સરહદ અને દરિયાકિનારાના વિસ્તારોમાંથી એક લાખથી વધારે કેડેટ્સની નોંધણી કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો આટલી મોટી સંખ્યામાં યુવાનો રાષ્ટ્રના વિકાસ માટે એકમંચ પર આવશે, તો કોઈ પણ ઉદ્દેશ પર વિજય પ્રાપ્ત વિનાનો નહીં રહે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેડેટ્સ વ્યક્તિગત રીતે અને એક સંસ્થા તરીકે દેશના વિકાસમાં તેમની ભૂમિકાનું વિસ્તરણ કરશે. તેમણે નોંધ્યું હતું કે, આઝાદીની લડતના સમય દરમિયાન ઘણાં બહાદુરોએ દેશ માટે પોતાનાં જીવનનું બલિદાન આપવાનો માર્ગ અપનાવ્યો હતો, પણ આજે દેશ માટે જીવન જીવવાની ઇચ્છા છે, જે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.
પ્રધાનમંત્રીએ મતભેદોનાં બીજ રોપવાં અને લોકોમાં ખાઈ પેદા કરવાના પ્રયાસો સામે કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, "આવા પ્રયત્નો છતાં ભારતના લોકોમાં ક્યારેય મતભેદ નહીં થાય" તેમણે કહ્યું હતું કે 'મા કે દૂધ મેં કભી દરાર નહીં હો સકતી'. "કારણ કે એકતાનો આ મંત્ર અંતિમ મારણ છે. એકતાનો મંત્ર એક સંકલ્પ છે અને ભારતની તાકાત પણ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ એકમાત્ર રસ્તો છે, જેનાથી ભારત ભવ્યતા હાંસલ કરી શકશે.
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માત્ર ભારતનો અમૃત કાલ જ નહીં, પણ ભારતના યુવાનોનો અમૃત કાલ છે અને જ્યારે દેશ તેની આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે સફળતાનાં શિખર પર યુવાનો જ ઉપસ્થિત રહેશે. શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, "આપણે કોઈ પણ તક ગુમાવવી ન જ જોઈએ અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પ સાથે આગળ વધતા રહેવું જોઈએ."
આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, ડીજી એનસીસી, લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, જનરલ મનોજ પાંડે, ચીફ ઑફ નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિકુમાર, ચીફ ઑફ એર સ્ટાફ અને સંરક્ષણ સચિવ શ્રી ગિરધર અમામાણે ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1894402)
Visitor Counter : 268
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam