પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રોજગારમેળા અંતર્ગત 71,000 નિમણૂક પત્રોનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કર્યું
નવા નિયુક્ત થયેલા ઉમેદવારો સાથે સંવાદ કર્યો
“નિયમિત રોજગારમેળાનું આયોજન આ સરકારની નિશાની બની ગયા છે”
"કેન્દ્રીય નોકરીઓમાં, ભરતીની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બની છે"
"ભરતી અને બઢતીમાં પારદર્શક પ્રક્રિયા યુવાનોમાં વિશ્વાસ પેદા કરે છે"
"‘નાગરિક હંમેશા સાચો છે’ અભિગમ સાથે સેવાનું વલણ અપનાવીને લોકોને સેવા આપો"
"ટેક્નોલોજી દ્વારા સ્વ-શિક્ષણ એ આજની પેઢી માટે એક અવસર છે"
"આજનું ભારત ઝડપી વિકાસનું સાક્ષી બની રહ્યું છે, જેના કારણે સ્વ-રોજગારની તકોનું મોટા પ્રમાણમાં વિસ્તરણ થાય છે"
"તમારે શીખવાનું છે અને દેશને આગળ લઇ જવા માટે તમારી જાતને સમર્થ બનાવવાની છે"
Posted On:
20 JAN 2023 11:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી કરવામાં આવેલા લગભગ 71,000 ઉમેદવારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગારમેળો એ રોજગારીના સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતાની દિશામાં લેવામાં આવતું એક પગલું છે. રોજગારમેળાનું આયોજન વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ તેમજ દેશના વિકાસમાં સહભાગી થવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે નવા નિયુક્ત કરવામાં આવેલા ઉમેદવારો સાથે સંવાદ પણ કર્યો હતો.
પશ્ચિમ બંગાળની સુપ્રભા બિસ્વાસ કે જેમને પંજાબ નેશનલ બેંકમાં નિયુક્તિ બદલ નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો તેઓ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે નિમણૂકની ઔપચારિકતા ઝડપથી પૂરી કરવા બદલ અને સેવા કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેના સતત અભ્યાસ વિશે પણ પૂછપરછ કરીહતી. તેમણે iGOT મોડ્યૂલ સાથે પોતે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું અને મોડ્યૂલના ફાયદા વિશે વિગતવાર સમજાવ્યું હતું. શ્રી મોદીએ તેમની નોકરીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના પ્રોત્સાહન વિશે પણ પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ દરેક ક્ષેત્રમાં છોકરીઓ પ્રગતિના નવા શિખરો સર કરી રહી હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શ્રીમાન ફૈઝલ શૌકત શાહને શ્રીનગરમાં NIT ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમણે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી અને માહિતી આપી કે તેઓ પોતાના પરિવારમાં સરકારી નોકરી મેળવનારા પ્રથમ વ્યક્તિ છે. તેમની આ નિમણૂકથી તેમના સાથીદારો પર કેવી અસર પડી છે તે અંગે પ્રધાનમંત્રી પ્રશ્ન કર્યો હતો. જવાબમાં ફૈઝલે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, તેમના મિત્રો સરકારી નોકરીમાં જોડાવા માટે પ્રેરાઇ રહ્યા છે. તેમણે પણ iGOT મોડ્યૂલના લાભો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરમાં ફૈઝલ હોંશિયાર યુવાનો નવી ઊંચાઇઓ પર પહોંચશે. તેમણે નવા નિયુક્ત થયેલા યુવાનોને જીવનમાં નિરંતર અભ્યાસ અને શીખવાનું ચાલુ રાખવાનો અનુરોધ કર્યો હતો.
મણિપુરની રહેવાસી સુશ્રી વાહનેઇ ચોંગને ગુવાહાટીના AIIMS ખાતે નર્સિંગ અધિકારી તરીકે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં આરોગ્ય ક્ષેત્રે સેવા આપવાનું તેમનું સ્વપ્ન હતું. અન્ય લોકોની જેમ, તેઓ પણ તેમના પરિવારમાંથી સરકારી નોકરીમાં નિયુક્તિ મેળવનારા પ્રથમ સભ્ય છે. પ્રધાનમંત્રીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન તેમને કોઇ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો કે નહીં તેના વિશે પૂછ્યું હતું અને તેમને પોતાના અનુભવો શેર કરવા માટે પણ કહ્યું હતું. પ્રત્યુત્તરમાં તેણે સતત શીખવાની પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેણે કાર્યસ્થળમાં જાતીય સતામણીની સમસ્યાનો સામનો કરવા માટેની જોગવાઇઓ વિશે સંવેદનશીલતા અને નિરંતર શીખવા વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ તેમને પૂર્વોત્તર ક્ષેત્રમાં નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, સરકાર આ પ્રદેશનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
બિહારના દિવ્યાંગજન શ્રી રાજુ કુમારને ભારતીય પૂર્વીય રેલ્વેમાં જુનિયર એન્જિનિયર તરીકે નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે. રાજુ નામના આ દિવ્યાંગે પોતાની અહીં સુધીની સફર અંગે વિગતે વાત કરી હતી અને તેમણે જીવનમાં ખૂબ આગળ વધવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. અત્યાર સુધી પોતાના સાથીદારો અને પરિવાર તરફથી મળેલા સમર્થન વિશે પણ તેમણે વાત કરી હતી. રાજુએ કર્મયોગી પ્રારંભ અભ્યાસક્રમ પર 8 અભ્યાસક્રમ કર્યા છે અને તણાવ વ્યવસ્થાપન તેમજ આચારસંહિતા પરના અભ્યાસક્રમથી તેમને ઘણો ફાયદો થયો હોવાનું કહ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ UPSCની જાહેર સેવા પરીક્ષા માટે પ્રયાસ કરશે. પ્રધાનમંત્રીએ તેમની યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી.
તેલંગાણાના રહેવાસી કન્નમાલા વામ્શી ક્રિષ્નાને કોલ ઇન્ડિયા લિમિટેડમાં મેનેજમેન્ટ તાલીમર્થીના હોદ્દા પર નિયુક્તિ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. તેમને આ મુકામ સુધી પહોંચાડવા માટે તેમના માતા-પિતાએ કરેલા સખત પરિશ્રમ અને તેમણે વેઠેલી મુશ્કેલીઓની પ્રધાનમંત્રીએ નોંધ લીધી અને નવા તાલીમાર્થીએ પણ પોતાની અહીં સુધીની સફરનું વર્ણન કર્યું હતું તેમજ રોજગારમેળાનું આયોજન કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. કન્નમાલાવંશી ક્રિષ્નાને પણ આ મોડ્યૂલ ખૂબ જ ઉપયોગી લાગ્યું જેમાં ખાસ કરીને તે મોબાઇલ ફોન પર ઉપલબ્ધ હોવાથી તેમને ઘણું ગમ્યું છે. શ્રી મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ તેમની કારકિર્દીમાં નિરંતર શીખતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાયેલા લોકોને સંબોધન આપતા ટિપ્પણી કરી હતી કે, વર્ષ 2023માં યોજવામાં આવેલો આ પહેલો રોજગારમેળો છે, જે 71,000 પરિવારો માટે સરકારી વર્ગમાં રોજગારની અમૂલ્ય ભેટ લઇને આવ્યો છે. પ્રધાનમંત્રીએ નવા નિયુક્ત કરાયેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને નોંધ્યું હતું કે, રોજગારીની આ તકો માત્ર નવા નિયુક્ત થયેલા ઉમેદવારોમાં જ નહીં, પરંતુ કરોડો પરિવારોમાં પણ આશાનું નવું કિરણ પ્રગટાવશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, NDA શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોજગારમેળાઓનું નિયમિત આયોજન થવાના કારણે આગામી દિવસોમાં લાખો નવા પરિવારોને સરકારી નોકરીઓમાં નિયુક્ત કરવામાં આવશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આસામ સરકારે ગઇકાલે જ રોજગાર મેળાનું આયોજન કર્યું હતું અને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ઉત્તરાખંડ જેવા અન્ય રાજ્યો ખૂબ જ ટૂંક સમયમાં તેનું આયોજન કરવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “નિયમિત રોજગારમેળાનું આયોજન આ સરકારની નિશાની બની ગયા છે. આવા આયોજનો બતાવે છે કે, આ સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે તેને સાકાર કરવામાં આવ્યા છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ નવા નિયુક્ત થયેલા ઉમેદવારોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી સ્પષ્ટપણે જોઇ શકે છે અને નોંધ્યું હતું કે, આમાંના મોટાભાગના ઉમેદવારો સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને કેટલાય ઉમેદવારો તો એવા છે કે તેમના પરિવારમાં પાંચ પેઢીમાં પહેલી વખત જ કોઇએ સરકારી નોકરી મેળવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ બાબત માત્ર સરકારી નોકરી મેળવવાથી આગળની છે. ઉમેદવારોને એ વાતની ખુશી છે કે, પારદર્શક અને સ્પષ્ટ ભરતી પ્રક્રિયા દ્વારા તેમની પ્રતિભાને ઓળખવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમે ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ફેરફાર અનુભવ્યો હશે. કેન્દ્રીય નોકરીઓ માટે કરવામાં આવતી ભરતીની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બની છે”.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં આવેલી આ પારદર્શિતા અને ગતિ આજે સરકારના કામના દરેક પાસાને દર્શાવે છે. શ્રી મોદીએ એ સમયને પણ યાદ કર્યો હતો જ્યારે નિયમિત ધોરણે મળતી બઢતીમાં પણ વિલંબ થતો હતો અને લોકો વિવાદોમાં ફસાયેલા રહેતા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સરકારે આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે અને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "ભરતી અને બઢતીની પ્રક્રિયામાં આવેલી પારદર્શકતા યુવાનોમાં વિશ્વાસ પેદા કરે છે".
આજે જે ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે તેમના માટે આ એક નવી સફરની શરૂઆત છે તે વાતને રેખાંકિત કરતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની વિકાસ યાત્રામાં તેઓ સરકારી તંત્રનો એક ભાગ બનીને જે યોગદાન અને સહભાગીતા કરશે તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ઘણા નવા નિયુક્ત કરવામાં આવેલા ઉમેદવારો સરકારના સીધા પ્રતિનિધિઓ તરીકે સામાન્ય જનતા સાથે સંપર્કમાં આવશે અને તેઓ પોતાની રીતે અસર ઊભી કરશે. વ્યાપાર અને ઉદ્યોગની દુનિયામાં ઉપભોક્તા હંમેશા સાચા હોય છે તેવી કહેવત સાથે સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ‘નાગરિક હંમેશા સાચા હોય છે’ એ મંત્ર જ પ્રશાસનમાં અમલમાં મૂકવો જોઇએ. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે કોઇની નિમણૂક સરકારી ક્ષેત્રમાં થાય છે, ત્યારે તે કામને નોકરી નહીં પરંતુ સરકારી સેવા તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે કહ્યું હતું કે, "આનાથી સેવાનું વલણ અપનાવવાની લાગણી જન્મે છે અને તેને મજબૂત પણ બનાવે છે". તેમણે 140 કરોડ ભારતીય નાગરિકોની સેવા કરીને જે આનંદનો અનુભવ થાય છે તેના પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી લોકો પર સકારાત્મક અસર પડે છે.
પ્રધાનમંત્રીએ iGOTKarmyogi પ્લેટફોર્મ પર ઑનલાઇન અભ્યાસક્રમો લેનારા સંખ્યાબંધ સરકારી કર્મચારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ પર સત્તાવાર તાલીમ ઉપરાંત વ્યક્તિગત વિકાસ માટે પણ ઘણા અભ્યાસક્રમો ઉપબલ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી દ્વારા સ્વ-શિક્ષણ મેળવવું એ આજની પેઢી માટે એક અવસર છે. શ્રી મોદીએ પોતાનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને મરવા દીધો નથી. તેમણે કહ્યું હતું કે, "સ્વ-શિક્ષણનું વલણ રાખવાથી શીખનારની ક્ષમતાઓ, તેમની સંસ્થાઓ અને ભારતની ક્ષમતાઓમાં પણ સુધારો આવશે".
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ઝડપથી બદલાઇ રહેલા ભારતમાં, રોજગાર અને સ્વ-રોજગારની તકોમાં સતત સુધારો થઇ રહ્યો છે. ઝડપી વૃદ્ધિ સ્વ-રોજગારની તકોના વિશાળ વિસ્તરણ તરફ દોરી જાય છે. આજનું ભારત આ બાબતનું સાક્ષી છે.”
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવામાં આવ્યો હોવાથી તેના કારણે છેલ્લાં આઠ વર્ષમાં લાખો રોજગારીની તકોનું સર્જન થયું છે. તેમણે માળખાકીય સુવિધાઓમાં સો લાખ કરોડના રોકાણનું ઉદાહરણ આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા નિર્માણ પામતા માર્ગો કેવી રીતે રોજગારીની સંખ્યાબંધ તકોનો માર્ગ મોકળો કરે છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, નવા રસ્તાઓ અથવા રેલ્વે લાઇનની પરિઘ સાથે નવા બજારોનો ઉદય થાય છે અને ખેતરમાંથી ફિલ્ડ સુધીની અનાજની હેરફેરને ઘણી સરળ બનાવે છે અને સાથે જ પ્રવાસનને પણ વેગ આપે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આ તમામ સંભાવનાઓએ રોજગારીની તકોને જન્મ આપ્યો છે".
પ્રધાનમંત્રીએ દરેક ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવા માટેના ભારત-નેટ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને, જ્યારે આ કનેક્ટિવિટી અમલમાં આવે ત્યારે તેનાથી ઉભી થતી રોજગારની નવી તકો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેઓ ટેકનોલોજીના ખૂબ સારા જાણકાર નથી તેઓ પણ તેના ફાયદા સમજે છે. આનાથી ગામડાઓમાં ઑનલાઇન સેવાઓ પૂરી પાડવાથી ઉદ્યોગસાહસિકતાનું નવું ક્ષેત્ર ખુલ્યું છે. શ્રી મોદીએ ટીઅર 2 અને ટીઅર 3 શહેરોમાં વિકાસ પામી રહેલા સ્ટાર્ટઅપ પરિદૃશ્યની પણ નોંધ લીધી અને કહ્યું હતું કે, આ સફળતાએ વિશ્વમાં યુવાનો માટે એક નવી ઓળખ ઊભી કરી છે.
નવા નિયુક્ત થયેલા ઉમેદવારોની અત્યાર સુધીની સફર અને તેમણે કરેલા પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ તેમને દેશના લોકોની સેવા કરવાની તક મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કઇ બાબત તેમને અહીં લઇને આવી છે તે યાદ રાખવા માટે ભારપૂર્વક આહ્વાન કર્યું હતું અને તેમને સતત પોતાના લક્ષ્ય તરફ ઝુકેલા રહેવા અને સેવા આપતા રહેવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, "તમારે શીખવાનું છે અને દેશને આગળ લઇ જવા માટે તમારી જાતને સમર્થ બનાવવાની છે".
પૃષ્ઠભૂમિ
રોજગારમેળો એ રોજગારી સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણ કરવાની દિશામાં લેવાયેલું એક પગલું છે. રોજગારમેળો વધુ રોજગારના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી થવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા નવા નિયુક્ત કરાયેલા ઉમેદવારો ભારત સરકાર હેઠળ જુનિયર એન્જિનીયર, લોકો પાયલટ, ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર્સ, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક-સેવક, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડૉક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, PA, MTS તેમજ અન્ય વિવિધ જગ્યાઓ/હોદ્દાઓ પર જોડાશે.
આ રોજગાર કાર્યક્રમ દરમિયાન કર્મયોગી પ્રારંભ મોડ્યૂલમાંથી અભ્યાસ માટે નવા સામેલ કરાયેલા અધિકારીઓનો અનુભવ પણ શેર કરવામાં આવશે. કર્મયોગીપ્રારંભ મોડ્યૂલ એ વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવા નિયુક્ત થયેલા ઉમેદવારો માટે ઑનલાઇન ઓરિએન્ટેશન અભ્યાસક્રમ છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1892441)
Visitor Counter : 286
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam