પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા - MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી


ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું

રૂપિયા 1000 કરોડથી વધુના મૂલ્યની અન્ય આંતરદેશીય જળમાર્ગ અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યાં

હલ્દિયામાં મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

“પૂર્વીય ભારતમાં પર્યટનના સંખ્યાબંધ સ્થળોને MV ગંગા વિલાસ ક્રૂઝથી ફાયદો થશે”

“ક્રૂઝના આગમનથી તેના પગલે વિકાસની નવી રેખાનું નિર્માણ થશે”

“આજે ભારતમાં બધું જ છે અને ઘણું બધું એવું છે તમારી કલ્પના બહાર છે”

“ગંગાજી માત્ર એક નદી નથી અને અમે આ પવિત્ર નદીની સેવા કરવા માટે નમામી ગંગે અને અર્થ ગંગા દ્વારા એક બેવડો અભિગમ અપનાવી રહ્યા છીએ”

“વધી રહેલી વૈશ્વિક પ્રોફાઇલની સાથે, ભારતની મુલાકાત લેવાની અને તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ વધી રહી છે”

“21મી સદીનો આ દાયકો ભારતમાં માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો દાયકો છે”

“નદી જળમાર્ગો ભારતની નવી તાકાત છે”

Posted On: 13 JAN 2023 11:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના સૌથી લાંબી નદી પર ચાલનારા ક્રૂઝ- MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું અને વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા 1000 કરોડથી વધુ મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગોની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા. રિવર ક્રૂઝ પર્યટનને વેગ આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને અનુરૂપ, આ સેવાનો પ્રારંભ થવાથી રિવર ક્રૂઝની અત્યાર સુધી ઉપયોગમાં ન લેવાયેલી વિરાટ સંભાવનાઓના દ્વાર ખુલી જશે અને તે ભારત માટે રિવર ક્રૂઝ પર્યટનના નવા યુગનો આરંભ કરશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ભગવાન મહાદેવની સ્તુતિ કરી અને લોહરીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આપણા તહેવારોમાં દાન, આસ્થા, તપ અને શ્રદ્ધા તેમજ તેમાં નદીઓની વિશેષ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ બધુ જ નદીના જળમાર્ગને લગતી પરિયોજનાઓને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. તેમણે એ બાબતે સૌનું ધ્યાન દોર્યું હતું કે, કાશીથી દિબ્રુગઢ સુધીની સૌથી લાંબા નદી પરની ક્રૂઝ યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આજે વિશ્વના પર્યટન નકશા પર ઉત્તર ભારતના પર્યટન સ્થળોને અગ્રેસર લાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે વારાણસી, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને બિહાર, આસામમાં રૂપિયા 1000 કરોડના મૂલ્યની અન્ય પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જે પૂર્વીય ભારતમાં પર્યટન અને રોજગાર માટેની ક્ષમતાઓને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ દરેક ભારતીયના જીવનમાં ગંગા નદીની કેન્દ્રીય ભૂમિકાને રેખાંકિત કરતાં એ બાબતનો અફસોસ કર્યો હતો કે, દેશને આઝાદી મળી તે પછીના સમયગાળામાં કાંઠાની આસપાસનો વિસ્તાર વિકાસના કાર્યોમાં પાછળ રહી ગયો હતો જેના કારણે આ વિસ્તારમાંથી મોટાપાયે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. પ્રધાનમંત્રીએ આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અપનાવવામાં આવેલા બેવડા અભિગમ વિશે વિગતવાર સમજાવ્યું હતું. એક તરફ, તરફ નમામી ગંગે દ્વારા ગંગાને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ, અર્થ ગંગાહાથ ધરવામાં આવી હતી. જે રાજ્યોમાંથી ગંગા નદી પસાર થાય છે ત્યાં આર્થિક ગતિશીલતાના માહોલનું નિર્માણ કરવા માટે 'અર્થ ગંગા' પગલાં લેવામાં આવ્યા છે.

ક્રૂઝની પ્રથમ યાત્રામાં પ્રવાસ કરી રહેલા વિદેશોમાંથી આવેલા પર્યટકો સીધા સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે ભારતમાં બધું જ છે અને એવું ઘણું બધું છે જે તમારી કલ્પના બહારનું પણ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતનો અનુભવ માત્ર હૃદયથી જ કરી શકાય છે કારણ કે, આ રાષ્ટ્રએ પ્રદેશ કે ધર્મ, સંપ્રદાય કે દેશને ધ્યાનમાં લીધા વિના ખુલ્લા દિલથી સૌનું સ્વાગત કર્યું છે અને વિશ્વના તમામ ભાગોમાંથી આવતા પ્રવાસીઓને આવકાર આપ્યો છે.

પ્રધાનમંત્રીએ નદીમાં ચાલનારા ક્રૂઝમાં મુસાફરીના અનુભવ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમાં દરેક માટે કંઇક ખાસ છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, જેઓ આધ્યાત્મિકતા શોધી રહ્યા છે તેમના માટે કાશી, બોધગયા, વિક્રમશિલા, પટના સાહિબ અને માજુલી જેવા સ્થળોને આવરી લેવામાં આવશે, જેઓ બહુરાષ્ટ્રીય ક્રૂઝનો અનુભવ ઇચ્છતા હોય તેવા પ્રવાસીઓને બાંગ્લાદેશમાં ઢાકા થઇને જવાની તક મળશે અને જેઓ ભારતની કુદરતી વિવિધતાના સાક્ષી બનવા માગે છે તેઓ સુંદરવન અને આસામના જંગલોમાંથી પસાર થવાનો આનંદ માણી શકશે. આ ક્રૂઝ 25 અલગ અલગ નદીઓના પ્રવાહોમાંથી પસાર થશે તેનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ક્રૂઝ ભારતની નદી પ્રણાલીને સમજવામાં ઊંડો રસ ધરાવતા હોય તેવા લોકો માટે નોંધનીય મહત્વ ધરાવે છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, જેઓ ભારતની અસંખ્ય રાંધણકળા અને વ્યંજનોનો આસ્વાદ માણવા માંગે છે તેમના માટે આ એક સોનેરી તક છે. દેશના યુવાનો માટે જ્યાં રોજગારીની નવી તકોનું સર્જન થવાનું છે તેવા ક્રૂઝ પર્યટનના નવા યુગ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, કોઇપણ વ્યક્તિ આ ક્રૂઝ પર ભારતના વારસા અને તેની આધુનિકતાના અસાધારણ સંકલનની સાક્ષી બની શકે છે. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, “માત્ર વિદેશી પ્રવાસીઓ જ નહીં, પરંતુ જે ભારતીયોને આવા અનુભવ માટે વિવિધ દેશોમાં જવું પડે છે તેઓ પણ હવે ઉત્તર ભારત તરફ પ્રસ્થાન કરી શકે છે”. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, બજેટ તેમજ લક્ઝરી અનુભવને ધ્યાનમાં રાખીને ક્રૂઝ ટુરીઝમને વેગ આપવા માટે દેશના અન્ય આંતરદેશીય જળમાર્ગોમાં પણ આવા જ અનુભવો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત પર્યટનના એક મજબૂત તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે કારણ કે વધી રહેલી વૈશ્વિક પ્રોફાઇલ સાથે, લોકોમાં ભારત વિશે જાણવાની જિજ્ઞાસામાં પણ વૃદ્ધિ થઇ રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આથી જ છેલ્લા 8 વર્ષ દરમિયાન દેશમાં પર્યટન ક્ષેત્રના વિસ્તરણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આસ્થાના સ્થળોનો પ્રાથમિકતાના આધારે વિકાસ કરવામાં આવ્યો છે અને કાશી આવા પ્રયાસોનું જીવંત દૃશ્ટાંત પૂરું પાડે છે. સુવિધાઓમાં કરવામાં આવેલા સુધારા અને કાશી વિશ્વનાથ ધામના કાયાકલ્પ સાથે, કાશીમાં આવનારા ભક્તોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. આનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને મોટો વેગ મળ્યો છે. આધુનિકતા, આધ્યાત્મિકતા અને આસ્થાથી છલકાતું નવું ટેન્ટ સિટી પ્રવાસીઓને નવતર અનુભવ આપશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ દેશમાં 2014 પછી ઘડવામાં આવેલી નીતિઓ, લેવામાં આવેલા નિર્ણયો અને દિશાનિર્દેશનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું હતું કે, “21મી સદીનો આ દાયકો ભારતમાં માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો દાયકો છે. ભારત માળખાકીય સુવિધાઓમાં એવા સ્તરનું સાક્ષી બન્યું છે જેના વિશે થોડા વર્ષો પહેલાં તો કોઇ કલ્પના પણ નહોતા કરતા. તેમણે જણાવ્યું હતું કે, ઘર, શૌચાલય, હોસ્પિટલ, વીજળી, પાણી, રાંધણગેસ, શૈક્ષણિક સંસ્થાઓ જેવી સામાજિક માળખાકીય સુવિધાઓથી લઇને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઇને રેલવે, જળમાર્ગો, હવાઇમાર્ગો અને રસ્તાઓ જેવા ભૌતિક કનેક્ટિવિટીને લગતી માળખાકીય સુવિધાઓ, આ બધુ જ ઝડપી ગતિએ ભારતનો વિકાસ થઇ રહ્યો હોવાના મજબૂત સૂચક છે. તેમણે ટાંક્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં ભારત શ્રેષ્ઠ અને સૌથી મોટાં લક્ષ્ય પર ધ્યાન આપી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ દેશમાં પરિવહનના આ માધ્યમમાં સમૃદ્ધ ઇતિહાસ હોવા છતાં 2014 પહેલાં ભારતમાં નદીના જળમાર્ગોનો વપરાશ ખૂબ જ ઓછો કરવામાં આવ્યો હતો તે બાબત પર ભાર મૂક્યો હતો. 2014 પછી, ભારત આધુનિક ભારતનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પોતાની પ્રાચીન શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. દેશની મોટી નદીઓમાં જળમાર્ગોનો વિકાસ કરવા માટે નવો કાયદો અને વિગતવાર એક્શન પ્લાન ઘડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, 2014માં દેશમાં માત્ર 5 રાષ્ટ્રીય જળમાર્ગો હતા, જ્યારે હવે દેશમાં 111 રાષ્ટ્રીય જળમાર્ગો છે અને લગભગ બે ડઝન જળમાર્ગો તો પહેલાંથી જ કાર્યરત થઇ ગયા છે. તેવી જ રીતે, નદીના જળમાર્ગો દ્વારા માલસામાનના પરિવહનમાં 8 વર્ષ પહેલાં માત્ર 30 લાખ મેટ્રિક ટન સામાનનું પરિવહન થતું હતું જે વધીને 3 ગણું થઇ ગયું છે.

પ્રધાનમંત્રીએ પૂર્વીય ભારતના વિકાસની થીમ પર પાછા આવતાં જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમો પૂર્વ ભારતને વિકસિત ભારતના નિર્માણ માટે વિકાસનું એન્જિન બનાવવામાં મદદરૂપ થશે. આ હલ્દિયા મલ્ટીમોડલ ટર્મિનલને વારાણસી સાથે જોડે છે અને ભારત બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ અને પૂર્વોત્તર સાથે પણ જોડાયેલ છે. આનાથી કોલકાતા બંદર અને બાંગ્લાદેશને પણ એકબીજા સાથે જોડાય છે. આનાથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશ સુધીના વેપારની સુવિધા મળશે.

પ્રધાનમંત્રીએ સ્ટાફ અને કૌશલ્યવાન કર્મચારીઓની તાલીમની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગુવાહાટીમાં એક કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે અને જહાજોના સમારકામ માટે ગુવાહાટીમાં એક નવી સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ ક્રૂઝ જહાજ હોય કે પછી કાર્ગો જહાજ, તેઓ માત્ર પરિવહન અને પર્યટનને જ પ્રોત્સાહન આપતા નથી, પરંતુ તેમની સેવા સાથે સંકળાયેલો સમગ્ર ઉદ્યોગ પણ નવી તકોનું સર્જન કરે છે”.

પ્રધાનમંત્રીએ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો તેનો ઉલ્લેખ કરીને માહિતી આપી હતી કે, જળમાર્ગો માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક છે એવું નથી પરંતુ નાણાં બચાવવામાં પણ તે મદદરૂપ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, જળમાર્ગોનું પરિચાલન કરવાનો ખર્ચ જમીન માર્ગોના પરિચાલનની સરખામણીએ અઢી ગણો ઓછો છે અને રેલવેની સરખામણીએ એક તૃતીયાંશ જેટલો ઓછો ખર્ચ થાય છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતમાં હજારો કિલોમીટરના જળમાર્ગ નેટવર્કનો વિકાસ કરવાનું સામર્થ્ય છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ભારતમાં 125 થી વધુ નદીઓ અને નદીઓના પ્રવાહો છે જેને માલસામાન અને ફેરી દ્વારા લોકોના આવન-જાવન માટે વિકસાવી શકાય છે જ્યારે બંદર-આધારિત વિકાસનું વધુ વિસ્તરણ કરવા માટે પણ તેને પ્રોત્સાહન આપી શકાય તેમ છે. તેમણે જળમાર્ગોનું આધુનિક મલ્ટી-મોડલ નેટવર્ક તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને પૂર્વોત્તરમાં જળ જોડાણને જેનાથી મજબૂતી મળી છે તેવી બાંગ્લાદેશ તેમજ અન્ય દેશો સાથેની ભાગીદારી વિશે તેમણે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં, ભારતમાં જળમાર્ગોનો વિકાસ કરવા માટે નિરંતર ચાલતી વિકાસ પ્રક્રિયા અંગે ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે, “વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે મજબૂત કનેક્ટિવિટી હોવી પણ આવશ્યક છે.” પ્રધાનમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની નદીઓ, દેશની જળશક્તિ અને દેશના વેપાર તેમજ પર્યટનને નવી ઊંચાઇઓ આપશે અને ક્રૂઝમાં મુસાફરી કરતા તમામ લોકોનો સુખદ પ્રવાસ રહે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી શ્રી હેમંત વિશ્વ સર્મા, કેન્દ્રીય બંદર અને જહાજ, અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

MV ગંગા વિલાસ

ઉત્તરપ્રદેશના વારાણસીથી MV ગંગા વિલાસની સફરનો પ્રારંભ સાથે થશે અને ભારત તેમજ બાંગ્લાદેશમાં 27 નદી પ્રણાલીઓ પાર કરીને, બાંગ્લાદેશ થઇને આસામના દિબ્રુગઢ સુધી પહોંચવા માટે 51 દિવસમાં લગભગ 3,200 કિમીની મુસાફરી કરશે. MV ગંગા વિલાસમાં ત્રણ ડેક છે, 36 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા 18 સ્યૂટ બોર્ડ પર છે, જેમાં તમામ વૈભવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રથમ સફરમાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓએ સંપૂર્ણ લંબાઇના રૂટની મુસાફરીનો પ્રારંભ કર્યો છે.

MV ગંગા વિલાસ ક્રૂઝ દેશની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, રાષ્ટ્રીય ઉદ્યાન, નદીઓના ઘાટ અને બિહારના પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મુખ્ય શહેરો સહિત પર્યટન સંબંધિત 50 સ્થળોની મુલાકાત સાથે 51 દિવસની ક્રૂઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ પ્રવાસીઓને અનુભવલક્ષી સફર પર જવાની અને ભારત તેમજ બાંગ્લાદેશની કળા, સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેવાની તક પૂરી પાડશે.

રિવર ક્રૂઝ પર્યટનને વેગ આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને અનુરૂપ, આ સેવાનો પ્રારંભ થવાથી રિવર ક્રૂઝની અત્યાર સુધી ઉપયોગમાં ન લેવાયેલી વિરાટ સંભાવનાઓના દ્વાર ખુલી જશે અને તે ભારત માટે રિવર ક્રૂઝ પર્યટનના નવા યુગનો આરંભ કરશે.

વારાણસીમાં ટેન્ટ સિટી

આ પ્રદેશમાં પર્યટન ક્ષેત્રની સંભાવનાનો ઉપયોગ કરવા માટે ગંગા નદીના કાંઠે ટેન્ટ સિટીની પરિકલ્પના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ શહેરના ઘાટોની સામે વિકસાવવામાં આવ્યો છે જે રહેવા માટેની સગવડ પૂરી પાડશે અને વારાણસીમાં, જેમાં ખાસ કરીને કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટનના પગલે અહીં વધી રહેલા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળશે. વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા PPP મોડમાં તેનો વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ આસપાસમાં આવેલા વિવિધ ઘાટોમાંથી બોટ દ્વારા ટેન્ટ સિટી પહોંચી શકશે. ટેન્ટ સિટી દર વર્ષે ઓક્ટોબરથી જૂન મહિના સુધી કાર્યરત રહેશે અને વરસાદની મોસમમાં નદીના પાણીનું સ્તર વધી જતું હોવાથી ત્રણ મહિના માટે તેને સમેટી લેવામાં આવશે.

આંતરદેશીય જળમાર્ગ પરિયોજનાઓ

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં હલ્દિયા મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. જળમાર્ગ વિકાસ પરિયોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા, હલ્દિયા મલ્ટી-મોડલ ટર્મિનલની માલસામાનનું સંચાલન કરવાની ક્ષમતા વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન (MMTPA)થી વધુ છે અને બર્થ લગભગ 3000 ડેડવેઇટ ટનેજ (DWT) સુધીના જહાજોનું સંચાલન કરી શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ગાઝીપુર જિલ્લાના સૈયદપુર, ચોચકપુર, ઝમાનિયા અને ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના કાંસપુર ખાતે ચાર ફ્લોટિંગ કમ્યુનિટી જેટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ બિહારના સમસ્તીપુર જિલ્લામાં દિઘા, નકટા ડિયારા, બાર્હ, પટણા જિલ્લાના પાનાપુર અને હસનપુર ખાતે પાંચ કમ્યુનિટી જેટીનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં ગંગા નદીના કાંઠે 60 થી વધુ કમ્યુનિટી જેટીનું નિર્માણ કવરામાં આવી રહ્યું છે જેથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે અને આ પ્રદેશમાં સ્થાનિક સમુદાયોની આજીવિકામાં સુધારો થાય. કમ્યુનિટી જેટીઓ ગંગા નદીના અંતરિયાળ વિસ્તારોમાં અને તેની આસપાસમાં આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપતા નાના ખેડૂતો, મત્સ્યઉદ્યોગ એકમો, અસંગઠિત કૃષિ-ઉત્પાદક એકમો, બાગાયત ખેતી કરનારાઓ, ફુલનો વ્યવસાય કરનારાઓ અને કારીગરો માટે સરળ લોજિસ્ટિક્સ ઉકેલ પ્રદાન કરીને લોકોની આજીવિકા સુધારવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.

પ્રધાનમંત્રીએ ગુવાહાટી ખાતે પૂર્વોત્તર પ્રદેશ માટેના દરિયાઇ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તે કેન્દ્ર પૂર્વોત્તર પ્રદેશમાં સમૃદ્ધ પ્રતિભાવાન લોકોનો સમૂહ તૈયાર કરવામાં મદદ કરશે અને વૃદ્ધિ પામી રહેલા લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં વધુ સારી રોજગારીની તકો પૂરી પાડશે.

આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં પાંડુ ટર્મિનલ ખાતે જહાજના સમારકામની સુવિધા તેમજ એલિવેટેડ રોડનો શિલાન્યાસ પણ કર્યો હતો. પાંડુ ટર્મિનલ પર જહાજ રિપેરિંગ સુવિધા ઘણો કિંમતી સમય બચાવશે કારણ કે કોલકાતા સમારકામ સુવિધા અને બેક સુધી જહાજનું પરિવહન કરવામાં એક મહિના કરતાં વધુ સમય લાગી જાય છે. આ ઉપરાંત, નાણાકીય દૃષ્ટિએ પણ તેનાથી મોટી બચત થઇ શકશે કારણ કે જહાજના પરિવહન ખર્ચમાં પણ ઘણી બચત થશે. પાંડુ ટર્મિનલને NH 27 થી જોડતો સમર્પિત માર્ગ 24 કલાક કનેક્ટિવિટી પૂરી પાડી શકશે.

YP/GP/JD(Release ID: 1890980) Visitor Counter : 290