ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીમા સુરક્ષા દળ (BSF)ની 'પ્રહરી' મોબાઇલ એપ અને 13 મેન્યુઅલની સંશોધિત આવૃત્તિનું લોકાર્પણ કર્યું


બીએસએફની આ એપ સક્રિય શાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે, હવે જવાનો વ્યક્તિગત અને સેવા સંબંધિત માહિતી, આવાસ, આયુષ્યમાન-સીએપીએફ અને રજા સંબંધિત માહિતી તેમના મોબાઇલ પર મેળવી શકે છે

જીપીએફ હોય, બાયો ડેટા હોય કે પછી "કેન્દ્રીયકૃત લોક ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ" (સીપી-ગ્રામ્સ) પર સમસ્યા નિવારણ કે પછી ઘણી કલ્યાણકારી યોજનાઓની માહિતી હોય, હવે જવાનો આ તમામ માહિતી એપ્લિકેશન દ્વારા મેળવી શકે છે અને આ એપ તેમને ગૃહ મંત્રાલયનાં પોર્ટલ સાથે પણ કનેક્ટ કરશે

ઉપરાંત, 13 મેન્યુઅલમાં બહુ રાહ જોવાઈ રહેલા સુધારા અને અપડેટ્સથી ઓપરેશન, વહીવટ અને તાલીમ કાર્યોની વધુ સારી સમજણમાં વધારો થશે અને કાર્યને વેગ મળશે

દેશની સરહદોની સુરક્ષા પિલર કે ફેન્સિંગ નહીં, પરંતુ તે સરહદ પર ઊભેલા જવાનની વીરતા, દેશભક્તિ અને સતર્કતા જ કરી શકે છે
સીમા સુરક્ષા દળને અનેક વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયું છે જેમાં એક મહાવીર ચક્ર, 4 કીર્તિ ચક્ર, 13 વીર ચક્ર અને 13 શૌર્ય ચક્ર સામેલ છે, બીએસએફએ ખૂબ બહાદુરીથી એટલાં યુદ્ધો લડ્યાં છે કે દરેક યુદ્ધ પર એક પુસ્તક લખી શકાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે, તમામ સરહદી સુરક્ષા દળોએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દ્વારા ગામની અંદર પ્રવાસન વધારવા, ગામને આત્મનિર્ભર અને સુવિધાઓથી ભરપૂર બનાવવાની દિશામાં પ્રયાસો કરવા જોઇએ

સરહદી ગામની અંદર વસ્તી હોય ત્યારે જ સરહદ સુરક્ષા થઈ શકે છે, સરહદો પર જવાનોની તૈનાતી સાથે સાથે કાયમી સુરક્ષા માત્ર ગામમાં સ્થાયી થયેલા દેશપ્રેમી નાગરિકો જ આપી શકે છે અને તમામ બોર્ડર ગાર્ડિંગ ફોર્સે તેને મજબૂત બનાવવો પડશે અને અમલી પણ કરવો પડશે

છેલ્લાં 3 વર્ષમાં બીએસએફનાં માધ્યમથી 26000 કિલો નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે અને 2500 હથિયાર અને દારૂગોળા પકડાયા છે, સરહદ પર એન્ટી ડ્રોન ટેકનોલોજી હજી પ્રાયોગિક તબક્કામાં છે પરંતુ તે ઘણી હદ સુધી સફળ રહી છે

બીએસએફે છેલ્લા 6 મહિનાની અંદર જ પશ્ચિમી સીમા પર 22 ડ્રોનને તોડી પાડ્યાં છે, જે એક બહુ મોટી ઉપલબ્ધિ છે, સાથે જ નાપાક ઇરાદા સાથે નાર્કોટિક્સ અને આતંકવાદ ફેલાવવા માટે હથિયારો લાવનારા ડ્રોન પર પણ સફળતા મળી રહી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે જે પહેલ કરી છે તેનો સરહદી વિસ્તારોમાં અમલ કરવો ખૂબ જ જરૂરી છે, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, ગેસ, વીજળી અને પીવાનાં પાણીની સુવિધાઓ સરહદી ગામોમાં પહોંચાડીશું ત્યારે જ ત્યાં રહેતા લોકોને લાગશે કે કોઈ અમારી ચિંતા કરી રહ્યું છે અને તેમણે અહીં જ રહેવું જોઈએ

Posted On: 29 DEC 2022 6:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ની 'પ્રહરી' મોબાઇલ એપ અને મેન્યુઅલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ, બીએસએફના મહાનિદેશક, કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્ર શાસિત પ્રદેશો અને બીએસએફના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે બીએસએફની આ એપ સક્રિય શાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે, હવે જવાનો વ્યક્તિગત અને સેવા સંબંધિત માહિતી, આવાસ, આયુષ્યમાન-સીએપીએફ અને રજાઓ સંબંધિત માહિતી તેમના મોબાઇલ પર મેળવી શકે છે. પછી તે જીપીએફ હોય, બાયો ડેટા હોય કે પછી "સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રિવેન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ" (સીપી-ગ્રામ્સ) પર સમસ્યા નિવારણ કે પછી ઘણી કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી હોય, હવે જવાનો આ તમામ માહિતી એપ દ્વારા મેળવી શકે છે અને આ એપ તેમને ગૃહ મંત્રાલયનાં પોર્ટલ સાથે પણ કનેક્ટ કરશે. આ સાથે 13 મેન્યુઅલમાં બહુ રાહ જોવાઈ રહેલા સુધારા અને અપડેટથી ઓપરેશન, એડમિનિસ્ટ્રેશન અને ટ્રેનિંગનાં કાર્યોની વધુ સારી સમજમાં વધારો થશે અને કામને વેગ મળશે, જે માટે બીએસએફના મહાનિર્દેશક શ્રી પંકજ કુમાર અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તેનાથી બીએસએફના તમામ સ્તરના જવાનો અને અધિકારીઓની કામગીરી સરળ બનશે. તેમણે કહ્યું હતું કે, આ ઘણી બધી નવી પહેલ બીએસએફનાં કામમાં સરળતા પણ લાવશે અને સુવિધા પણ લાવશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે સીમા સુરક્ષા દળ દેશની સૌથી મુશ્કેલ સીમાની દેખરેખ રાખે છે. અટલજીએ બનાવેલા વન બોર્ડર વન ફોર્સના નિયમ પછી, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આપણી સરહદોની જવાબદારી બીએસએફના માથે આવી છે અને બીએસએફના વીર જવાનો ખૂબ જ સતર્કતા, ધૈર્ય અને તત્પરતાની સાથે સાથે સતત પ્રયત્નો સાથે આ સરહદોનું રક્ષણ કરે છે. તેમણે કહ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા પિલર કે ફેન્સિંગ નહીં, પરંતુ તે સરહદ પર ઊભેલા જવાનની વીરતા, દેશભક્તિ અને સતર્કતા જ કરી શકે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશના ગૃહ મંત્રી તરીકે તેઓ આ પ્રસંગે આજે બીએસએફના તમામ જવાનોની વીરતા, સતર્કતા અને સજાગતાની પ્રશંસા કરવા ઇચ્છે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમણે તમામ સીમા સુરક્ષા દળોને આગ્રહ કર્યો હતો કે તેમણે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ દ્વારા ગામની અંદર પ્રવાસન વધારવા, ગામને આત્મનિર્ભર અને સંપૂર્ણ સુસજ્જ બનાવવાની દિશામાં પ્રયાસ કરવા જોઇએ. શ્રી શાહે કહ્યું હતું કે, સરહદની સુરક્ષા ત્યારે જ થઈ શકે જ્યારે સરહદી ગામની અંદર વસ્તી હોય, સરહદ પર જવાનોની તૈનાતીની સાથે સાથે સ્થાયી સુરક્ષા ગામમાં સ્થાયી થયેલા દેશપ્રેમી નાગરિકો જ આપી શકે છે અને તમામ બોર્ડર ગાર્ડિંગ ફોર્સે તેને મજબૂત બનાવવો પડશે અને અમલી પણ કરવો પડશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સીમા સુરક્ષા દળનો ખૂબ જ લાંબો ઇતિહાસ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને એક મહાવીર ચક્ર, 4 કીર્તિ ચક્ર, 13 વીર ચક્ર અને 13 શૌર્ય ચક્ર સહિત અનેક વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે,બીએસએફએ ખૂબ બહાદુરીથી એટલાં યુદ્ધો લડ્યાં છે કે દરેક યુદ્ધ પર એક પુસ્તક લખી શકાય છે. ગૃહ મંત્રીએ કહ્યું કે છેલ્લાં 3 વર્ષમાં બીએસએફનાં માધ્યમથી 26000 કિલો નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે અને 2500 હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરહદ પર ડ્રોન વિરોધી ટેકનોલોજી હજુ પ્રાયોગિક તબક્કામાં છે તેમ છતાં તે મહદઅંશે સફળ રહી છે. બીએસએફે છેલ્લા છ મહિનાની અંદર જ પશ્ચિમી સરહદ પર 22 ડ્રોન તોડી પાડ્યા છે, જે એક બહુ મોટી ઉપલબ્ધિ છે, સાથે જ નાપાક ઇરાદાથી નાર્કોટિક્સ અને આતંકવાદને ફેલાવવા માટે હથિયારો લાવનારા ડ્રોન પર પણ સફળતા મળી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, નોઇડામાં "બીએસએફ ડ્રોન/યુએવી અને સાયબર ફોરેન્સિક લેબ"ની સ્થાપના કરવામાં આવી છે, જેનાથી જપ્ત કરવામાં આવેલા ડ્રોન મારફતે સરહદ પાર તેનાં જોડાણો અને સ્થાનનો બહુ સારી રીતે નકશો તૈયાર કરાયો છે અને તેની ઓળખ કરવામાં આવી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે સરહદ પર કેટલાંક સ્થળોએ ફેન્સિંગ થઈ શકતું નહોતું, બીએસએફે ત્યાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ સર્વેલન્સ માટે ઇન-હાઉસ ટેકનોલોજી વિકસાવી છે, જેનો ખર્ચ બહુ ઓછો છે અને તેની કાર્યદક્ષતા ઘણી વધારે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, બીએસએફના જવાનો દિવસ અને રાત સતર્કતા સાથે સરહદની સુરક્ષા કરવામાં સફળ થયા છે અને દુર્ગમ સ્થળોએ 140 કિલોમીટરનું ફેન્સિંગ અને આશરે 400 કિમી માર્ગોનું નિર્માણ પૂર્ણ થયું છે. વળી, 120થી વધુ બોર્ડર આઉટ પોસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, જેટલી સતર્કતાથી બીએસએફના જવાનો -40 ડિગ્રીથી લઈને 46 ડિગ્રી તાપમાનમાં ઊભા રહીને સીમા પર દેશની સુરક્ષા કરે છે એટલી જ સજાગતાથી નરેન્દ્ર મોદી સરકાર તેમના પરિવારની સારસંભાળ રાખે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, હાઉસિંગ માટે એક નવી એપ તૈયાર કરવામાં આવી છે અને તે લૉન્ચ થયાના 2 મહિનાની અંદર જ હાઉસિંગ સેટિસ્ફેક્શન રેશિયો 10 ટકા વધી ગયો છે, જે એક બહુ મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું હતું કે, સક્રિય શાસન કેવી રીતે હોઈ શકે તેનું પણ આ એક બહુ મોટું ઉદાહરણ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે, બોર્ડર ઇન્ડિયાના વિકાસ માટે પણ સરકારે ઘણું કામ કર્યું છે. 9 ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સ વિકસાવવામાં આવી છે અને 14 વધુ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ગૃહ મંત્રીએ બીએસએફના તમામ વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું કે સરહદી જિલ્લાઓની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકારોના જેટલા પણ જનકલ્યાણકારી કાર્યક્રમો છે તેનો 100 ટકા અમલ જિલ્લા કલેક્ટરના સહયોગથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો સરહદી ગામડાંઓ છોડીને જઈ રહ્યા છે, જો આપણે તેમને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાથી સજ્જ કરીએ, તો તેમને ત્યાં રહેવાનું કારણ મળે છે. સાથે જ જો તેમને ગેસ, વીજળી અને પીવાનાં પાણીની સુવિધાથી સજ્જ કરી દઈએ તો તેમને પણ લાગશે કે કોઇ આપણી ચિંતા કરી રહ્યું છે અને તેમણે અહીં જ રહેવું જોઇએ. ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે જે પહેલ હાથ ધરી છે તેનો પ્રાથમિકતા સાથે સરહદી વિસ્તારોમાં અમલ કરવો ખૂબ જ જરૂરી છે અને તેમાં દેશની સરહદ પર તૈનાત સુરક્ષા દળો અને ખાસ કરીને બીએસએફની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

YP/GP/JD(Release ID: 1887355) Visitor Counter : 237