આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) દ્વારા ઇથેનોલની પ્રાપ્તિ માટેના વ્યવસ્થાતંત્રને મંજૂરી આપી - ઇથેનોલ પુરવઠા વર્ષ (ESY) 2022-23 માટે જાહેર ક્ષેત્રની QMCને પુરવઠા માટેના ઇથેનોલના ભાવમાં સુધારો

Posted On: 02 NOV 2022 3:23PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ 1 ડિસેમ્બર 2022 થી 31 ડિસેમ્બર 2023 સુધીના ESY 2022-23 દરમિયાન આગામી ખાંડની સિઝન 2022-23 માટે EBP પ્રોગ્રામ હેઠળ વિવિધ શેરડી આધારિત કાચા માલમાંથી મેળવેલા ઇથેનોલના ઊંચા ભાવને મંજૂરી આપી છે, જે નીચે મુજબ છે:

  1. C હેવી મોલાસીસ (ગોળ) માંથી બનાવેલા ઇથેનોલની કિંમત રૂ. 46.66 પ્રતિ લીટરથી વધારીને રૂ. 49.41 પ્રતિ લીટર કરવામાં આવશે,
  2. B હેવી મોલાસીસમાંથી બનાવેલા ઇથેનોલની કિંમત રૂ. 59.08 પ્રતિ લીટરથી વધારીને રૂ. 60.73 પ્રતિ લીટર કરવામાં આવશે,
  3. શેરડીના રસ/ખાંડ/ખાંડની ચાસણીમાંથી બનાવેલા ઇથેનોલની કિંમત રૂ. 63.45 પ્રતિ લીટરથી વધારીને રૂ. 65.61 પ્રતિ લીટર કરવામાં આવશે,
  4. આ ઉપરાંત, GST અને પરિવહન ચાર્જ પણ ચપકવવાપાત્ર રહેશે.

તમામ ડિસ્ટિલરીઓ આ યોજનાનો લાભ લઇ શકશે અને તેમાંથી મોટી સંખ્યામાં ડિસ્ટીલરીઓ EBP કાર્યક્રમ માટે ઇથેનોલ સપ્લાય કરે તેવી અપેક્ષા છે. ઇથેનોલના પુરવઠાકારોને વળતરક્ષમ ભાવ મળવાથી શેરડીના ખેડૂતોને વહેલી ચુકવણી કરવામાં મદદ થશે, જેથી આ પ્રક્રિયામાં શેરડીના ખેડૂતોની મુશ્કેલી ઘટાડવામાં યોગદાન આપી શકાશે.

સરકાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમનો અમલ કરી રહી છે, જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) 10% સુધી ઇથેનોલ મિશ્રિત કરીને પેટ્રોલ વેચે છે. વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમને 01 એપ્રિલ, 2019ના રોજ અમલ સાથે કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ સિવાય સમગ્ર ભારતમાં વિસ્તરિત કરવામાં આવ્યો છે. આ હસ્તક્ષેપ દ્વારા ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરાયો છે.

સરકારે 2014થી ઇથેનોલની પ્રશાસિત કિંમત જાહેર કરી છે. 2018 દરમિયાન પ્રથમ વખત સરકાર દ્વારા, ઇથેનોલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ફીડ સ્ટોક પર આધારિત ઇથેનોલની અલગ કિંમત જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણયોના કારણે ઇથેનોલના પુરવઠામાં નોંધપાત્ર સુધારો થયો છે, પરિણામે જાહેર ક્ષેત્રની OMC દ્વારા ઇથેનોલની પ્રાપ્તિ ઇથેનોલ પુરવઠા વર્ષ 2013-14માં 38 કરોડ લીટર હતી તે વધીને (ESY - હાલમાં 1 ડિસેમ્બરથી શરૂ કરીને ત્યારપછીના વર્ષની 30 નવેમ્બર સુધીના ઇથેનોલ પુરવઠાના એક વર્ષ તરીકે નિર્ધારિત કરેલ છે) વર્તમાન ESY 2021-22માં 452 કરોડ લીટરથી વધુના કરાર સુધી પહોંચી છે. જૂન, 2022માં સરેરાશ 10% મિશ્રણ સુધી પહોંચવાનું લક્ષ્‍ય પ્રાપ્ત કરવામાં આવ્યું છે, જે નવેમ્બર, 2022ની લક્ષિત તારીખ કરતાં ઘણું વહેલું છે.

સરકારે અગાઉ 2030 થી વહેલા ESY 2025-26 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણના લક્ષ્યને આગળ ધપાવ્યું છે અને "ભારતમાં ઇથેનોલ મિશ્રણ 2020-25 માટે રોડમેપ" જાહેર ડોમેનમાં મૂકવામાં આવ્યો છે. અન્ય તાજેતરના સક્ષમકર્તાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે: ઇથેનોલ ડિસ્ટિલેશનની ક્ષમતા વધારીને વાર્ષિક 923 કરોડ લીટર સુધી કરવી; ઇથેનોલની ઉપણ ધરાવતા રાજ્યોમાં ખાનગી ખેલાડીઓ દ્વારા સમર્પિત ઇથેનોલ પ્લાન્ટ્સ (DEP)ની 431 કરોડ લીટરની વાર્ષિક ક્ષમતા સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવા માટે લાંબા ગાળાના ઑફ-ટેક એગ્રીમેન્ટ્સ (LTOA) કરવા જેનાથી આવનારા વર્ષોમાં રૂ. 25,000- રૂ. 30,000 કરોડનું રોકાણ આવવાની અપેક્ષા છે; રેલવે અને પાઇપલાઇન દ્વારા ઇથેનોલ અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું મલ્ટિમોડલ પરિવહન. આ તમામ પગલાંઓ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

સરકારે ઇથેનોલના ઉત્પાદન માટે ખાંડ અને ખાંડ આધારિત ફીડસ્ટોકના ડાયવર્ઝન સહિત શેરડીના ખેડૂતોની લેણાં રકમમાં ઘટાડો કરવા માટે સંખ્યાબંધ નિર્ણયો લીધા છે. હવે, શેરડીના રસ અને બી હેવી મોલાસીસનું ઇથેનોલમાં રૂપાંતરણ થવાથી ખાંડની મોસમની શરૂઆતથી જ મોટા પ્રમાણમાં ઇથેનોલ ઉપલબ્ધ થાય છે, તેથી ઇથેનોલ પુરવઠા વર્ષનો સમયગાળો 1 નવેમ્બર 2023થી ફરીથી નિર્ધારિત કરીને 1 નવેમ્બરથી શરૂ કરીને ત્યારપછી આવતા વર્ષની 31 ઓક્ટોબર સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, શેરડીના વાજબી અને વળતરક્ષમ ભાવ (FRP) અને મિલમાં ખાંડની પડતર કિંમતમાં ફેરફાર થયો હોવાથી, વિવિધ શેરડી આધારિત ફીડ સ્ટોકમાંથી મેળવેલા ઇથેનોલના મિલમાં પડતર ભાવમાં સુધારો કરવાની જરૂર છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1873075) Visitor Counter : 229