પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું
"પ્રતિભા અથવા ટેકનોલોજીની વાત આવે છે ત્યારે મનમાં સૌથી પહેલા 'બ્રાન્ડ બેંગલુરુ' આવે છે"
“સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ છે”
"હાલમાં ચાલી રહેલા અનિશ્ચિતના સમયમાં સમગ્ર દુનિયા ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમત છે"
"રોકાણકારોને લાલ ફિતાશાહીમાં ફસાવવાને બદલે, આપણે રોકાણ માટે લાલ જાજમનો માહોલ બનાવ્યો છે"
"નવા ભારતનું નિર્માણ હિંમતપૂર્ણ સુધારાઓ, મોટી માળખાકીય સુવિધાઓ અને શ્રેષ્ઠ પ્રતિભાથી જ શક્ય બને છે"
"રોકાણ અને માનવ મૂડી પર ધ્યાન કેન્દ્રિત કરીને જ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે"
"કર્ણાટકના વિકાસને ડબલ એન્જિનની સરકારની તાકાત વેગ આપી રહી છે"
"ભારતમાં રોકાણ કરવું મતલબ કે, સમાવેશિતામાં રોકાણ કરવું, લોકશાહીમાં રોકાણ કરવું, દુનિયા માટે રોકાણ કરવું અને વધુ સારા, સ્વચ્છ તેમજ સુરક્ષિત ગ્રહ માટે રોકાણ કરવું"
Posted On:
02 NOV 2022 11:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કર્ણાટકના લોકોને તેમના રાજ્યોત્સવ બદલ શુભેચ્છા પાઠવી હતી. આ રાજ્યોત્સવ ગઇકાલે ઉજવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, કર્ણાટક પરંપરા અને ટેકનોલોજી, પ્રકૃતિ અને સંસ્કૃતિ, અદ્ભુત સ્થાપત્ય અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ્સનું સંયોજન છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે પ્રતિભા અથવા ટેકનોલોજીની વાત આવે છે ત્યારે મનમાં બ્રાન્ડ બેંગલુરુ સૌથી પહેલા આવે છે. આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સ્થાપિત થયેલું છે”.
પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં રોકાણકારોનું સંમેલન યોજવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, આ સંમેલન સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે નોંધ્યું હતું કે, વિનિર્માણ અને ઉત્પાદન મોટાભાગે રાજ્ય સરકારની નીતિઓ અને નિયંત્રણ પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ વૈશ્વિક રોકાણકાર સંમેલન દ્વારા, રાજ્યો ચોક્કસ ક્ષેત્રોને લક્ષ્ય બનાવી શકે છે અને અન્ય દેશો સાથે ભાગીદારી બનાવી શકે છે" તેમજ આ સંમેલનમાં હજારો કરોડોની ભાગીદારીનું આયોજન કરવામાં આવ્યું છે જેના પરિણામે દેશના યુવાનો માટે રોજગારમાં વધારો થશે તે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેસ, 21મી સદીમાં ભારતે પોતાની વર્તમાન સ્થિતિમાંથી માત્ર આગળ જ વધવાનું છે. ગયા વર્ષે ભારતમાં 84 અબજ ડૉલરનું વિક્રમી વિદેશી રોકાણ આવ્યું હતું. ભારત પ્રત્યે વૈશ્વિક સમુદાયના આશાવાદની ભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, “અનિશ્ચિતતાના આ સમય દરમિયાન, હજુ પણ મોટાભાગના રાષ્ટ્રો ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમત છે. વિભાગીકરણના આ સમયમાં ભારત દુનિયા સાથે આગળ વધી રહ્યું છે અને દુનિયા સાથે મળીને કામ કરવા પર ભાર આપી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે પુરવઠા સાંકળમાં વિક્ષેપ પડ્યો છે એવા સમય દરમિયાન ભારત સમગ્ર દુનિયાને દવાઓ અને રસીઓનો પુરવઠો પહોંચાવા અંગે ખાતરી આપી શકે છે. અત્યારે બજાર સંતૃપ્તિનો માહોલ સર્જાયો હોવા છતાં, આપણા નાગરિકોની આકાંક્ષાઓને કારણે આપણા સ્થાનિક બજારો ઘણા મજબૂત છે. પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, વૈશ્વિક કટોકટીના હાલના સમયમાં પણ નિષ્ણાતો, વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ ભારતને એક તેજસ્વી સ્થળ તરીકે બિરદાવ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "અમે પસાર થઇ રહેલા દરેક દિવસની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આપણી મૂળભૂત બાબતોને નક્કર બનાવવા માટે નિરંતર કામ કરી રહ્યા છીએ." પ્રધાનમંત્રીએ ભારતીય અર્થવ્યવસ્થાના માર્ગને સમજવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે 9-10 વર્ષ પહેલાં જ્યારે દેશ નીતિ અને અમલીકરણ સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો તે સ્થિતિમાંથી અભિગમમાં આવેલા પરિવર્તન અંગે સમજાવ્યું હતું. તેમણે રેખાંકિત કર્યું કે, "આપણે રોકાણકારોને લાલ ફિતાશાહીમાં ફસાવવાને બદલે, રોકાણ માટે લાલ જાજમનો માહોલ બનાવ્યો છે, અને નવા જટિલ કાયદા બનાવવાને બદલે, અમે તેમને તર્કસંગત બનાવ્યા છે."
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "નવા ભારતનું નિર્માણ માત્ર હિંમતપૂર્ણ સુધારાઓ, વિશાળ માળખાકીય સુવિધાઓ અને શ્રેષ્ઠ પ્રતિભાથી જ શક્ય છે. આજે સરકારના દરેક ક્ષેત્રમાં હિંમતપૂર્ણ સુધારા હાથ ધરવામાં આવી રહ્યા છે.” તેમણે GST, IBC, બેંકિંગ સુધારા, UPI, 1500 જૂના કાયદાના નાબૂદીકરણ અને 40 હજાર બિનજરૂરી અનુપાલનનો દૂર કરવાના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કંપની અધિનિયમની ઘણી બધી જોગવાઇઓનું નિરાપરાધીકરણ, ફેસલેસ આકારણી, FDI માટે નવા માર્ગો, ડ્રોન સંબંધિત નિયમોનું ઉદારીકરણ, જીઓસ્પેટિયલ અને અવકાશ ક્ષેત્ર તેમજ સંરક્ષણ ક્ષેત્ર જેવા પગલાં અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં કાર્યરત હવાઇમથકોની સંખ્યા વધીને બમણી થઇ ગઇ છે અને 20થી વધુ શહેરોમાં મેટ્રો સેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેનો ઉદ્દેશ સંકલિત માળખાકીય વિકાસનો છે. તેમણે આ બાબતે સમજાવ્યું હતું કે, જ્યારે યોજનાના અમલીકરણમાં સૌથી કાર્યક્ષમ માર્ગની ચર્ચા કરવામાં આવે છે ત્યારે માત્ર માળખાકીય સુવિધાના વિકાસ માટે જ રોડ મેપ નથી તૈયાર કરવામાં આવતો પરંતુ હાલની માળખાકીય સુવિધાઓએ માટે પણ તેને તૈયાર કરવામાં આવે છે. શ્રી મોદીએ છેવાડા સુધીની કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂક્યો હતો અને ઉત્પાદન અથવા સેવાને વિશ્વ કક્ષાના બનાવીને તેને સુધારવાની રીતો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ આ યાત્રામાં યુવાનો દ્વારા કરવામાં આવતી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતમાં દરેક ક્ષેત્ર યુવા શક્તિ ઊર્જાથી આગળ વધી રહી છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "રોકાણ અને માનવ મૂડી પર ધ્યાન કેન્દ્રીત કરીને જ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે. આ વિચારસરણી પર આગળ વધીને આપણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપ્યું છે. અમારો ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવાની સાથે સાથે માનવ મૂડીમાં સુધારો કરવાનો પણ છે. પ્રધાનમંત્રીએ આરોગ્ય ખાતરી યોજનાઓ; આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તરીકે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ; ધોરીમાર્ગોનું નેટવર્ક તેમજ શૌચાલય અને સ્વચ્છ પીવાના પાણીની જોગવાઇ; ભાવિ માળખાકીય સુવિધાઓ તેમજ સ્માર્ટ સ્કૂલ દ્વારા ઉત્પાદન પ્રોત્સાહનો જેવી બાબતો પર એક સાથે ભાર આપવાનો ઉલ્લેખ કરીને આ અંગે વિગતે સમજાવ્યું હતું. દેશના પર્યાવરણ માટે અનુકૂળ વિકાસ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હરિયાળીમાં વૃદ્ધિ અને ટકાઉક્ષમ ઊર્જા તરફની અમારી પહેલોએ વધુને વધુ રોકાણકારોને આકર્ષિત કર્યા છે. જેઓ પોતાનો ખર્ચ પાછો મેળવવા માગે છે અને આ પૃથ્વી પ્રત્યેની તેમની જવાબદારી પણ નિભાવવા માગે છે, તેઓ આશા સાથે ભારત તરફ નજર કરી રહ્યા છે.”
કર્ણાટકમાં ડબલ એન્જિન સરકારની શક્તિને પ્રતિબિંબિત કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘણા ક્ષેત્રોનો ઝડપી વિકાસ થવા પાછળનું એક કારણ આ પણ છે. આ અંગે દ્રષ્ટાંત આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કર્ણાટકે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોચના રેન્કર્સમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને FDIના સંદર્ભમાં ટોચના રાજ્યોની યાદીમાં તેનો સમાવેશ થવાનો શ્રેય આને જાય છે. તેમણે રેખાંકિત કર્યું હતું, "ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 400 અહીં છે અને ભારતના 100 પ્લસ યુનિકોર્નમાંથી, 40 કરતાં વધુ કર્ણાટકમાં છે". પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે કર્ણાટક, આજે સમગ્ર દુનિયામાં સૌથી મોટા ટેકનોલોજીના ક્લસ્ટર તરીકે ગણના પામે છે જે ઉદ્યોગ, માહિતી ટેકનોલોજી, ફિનટેક, બાયોટેક, સ્ટાર્ટઅપ્સ તેમજ ટકાઉક્ષમ ઊર્જાનું ઘર છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, "દરેક ક્ષેત્રમાં વિકાસની નવી ગાથા આલેખાઇ રહી છે". તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કર્ણાટકના વિકાસના અનેક માપદંડો માત્ર ભારતના અન્ય રાજ્યોને જ નહીં પરંતુ કેટલાક દેશોને પણ પડકાર ફેંકી રહ્યા છે. ભારત વિનિર્માણના ક્ષેત્રમાં નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે તે બાબત પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સેમિકન્ડક્ટર મિશનનો ઉલ્લેખ કર્યો હતો અને નિર્દેશ કર્યો કે અહીંની ટેક ઇકોસિસ્ટમ ચિપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને નવી ઊંચાઇઓ પર લઇ જશે.
પ્રધાનમંત્રીએ રોકાણકારની સાથે ભારતની દૂરંદેશી વચ્ચે સામ્યતા દર્શાવતા જણાવ્યું હતું કે, જેમ જેમ એક રોકાણકાર મધ્યમ અને લાંબા ગાળાની દૂરંદેશી સાથે આગળ વધે છે તેમ ભારત પાસે પણ પ્રેરણાદાયી લાંબા ગાળાની દૂરંદેશી છે. તેમણે નેનો યુરિયા, હાઇડ્રોજન ઊર્જા, ગ્રીન એમોનિયા, કોલ ગેસિફિકેશન અને સ્પેસ સેટેલાઇટના ઉદાહરણો આપીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ભારત સમગ્ર વિશ્વના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, "અત્યારે ભારતનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને આઝાદી કા અમૃત મહોત્સવમાં, દેશના લોકો નવા ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઇ રહ્યા છે." પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, ભારતે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી નિર્ધારિત કર્યું છે અને તેના માટે રોકાણ તેમજ ભારતની પ્રેરણા એકસાથે આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સહિયારો, લોકશાહી અને મજબૂત ભારતનો વિકાસ સમગ્ર દુનિયાના વિકાસને વેગ આપશે. પ્રધાનમંત્રીએ સમાપનમાં કહ્યું હતું કે, "ભારતમાં રોકાણ કરવાનો મતલબ છે કે, લોકશાહીમાં રોકાણ કરવું, દુનિયા માટે રોકાણ કરવું અને વધુ સારા, સ્વચ્છ તેમજ સુરક્ષિત વિશ્વ માટે રોકાણ કરવું".
પૃષ્ઠભૂમિ
આ સંમેલનનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય સંભવિત રોકાણકારોને આકર્ષવાનો અને આગામી દાયકા માટે વિકાસની યોજના તૈયાર કરવાનો છે. બેંગલુરુમાં 2 થી 4 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 80 થી વધુ વક્તા સત્રોનું આયોજન કરવામાં આવશે. અહીં જે વક્તાઓ સંબોધન આપવાના છે તેમાં કુમાર મંગલમ બિરલા, સજ્જન જિંદાલ અને વિક્રમ કિર્લોસ્કર જેવા કેટલાક ટોચના ઉદ્યોગ અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ, ત્રણસોથી વધુ પ્રદર્શકો સાથે સંખ્યાબંધ બિઝનેસ એક્ઝિબિશન અને કન્ટ્રી સેશનનું પણ સમાંતર રીતે આયોજન કરવામાં આવશે. કન્ટ્રી સેશનોનું આયોજન સહભાગી દેશો ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ, દક્ષિણ કોરિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવશે જેઓ પોતપોતાના દેશોમાંથી ઉચ્ચ-સ્તરીય મંત્રી અને ઔદ્યોગિક પ્રતિનિધિમંડળને લાવશે. આ કાર્યક્રમની વૈશ્વિક વ્યાપકતા કર્ણાટકને પોતાની સંસ્કૃતિ સમગ્ર દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1872975)
Visitor Counter : 284
Read this release in:
Marathi
,
Odia
,
Telugu
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Kannada
,
Malayalam