પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગુજરાત રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

Posted On: 29 OCT 2022 3:46PM by PIB Ahmedabad

નમસ્તે!

સામે લાભ પાંચમ હોય અને ગુજરાતના યુવાનો માટે રોજગાર મેળાનું આટલું મોટું આયોજન હોય, જાણે સોનામાં સુગંધ મળી ગઈ હોય, આજે ગુજરાતનાં હજારો દીકરા-દીકરીઓને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં કેડરમાં નિમણૂક પત્રો અને સિલેક્શન પત્ર, પસંદગી પત્રોનું એક સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. હું આપ સહુ નવયુવાનોને, દીકરા-દીકરીઓને આ ઘડીએ ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ધનતેરસના દિવસે જ્યારે મેં દિલ્હીથી રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાની શરૂઆત કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે ભારત સરકાર તો આ કાર્યક્રમનું આયોજન કરે જ છે, પરંતુ ભારત સરકારનાં આયોજન વિશે જાણીને અન્ય રાજ્ય સરકારો પણ મેદાનમાં આવી છે, અને મને આનંદ છે કે ગુજરાત આમાં પણ તેની પરંપરાને અનુસરીને આ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું છે. તો ભારત સરકારના આ કાર્યક્રમમાં જે રીતે થયું, તે રીતે આગળ રહીને ઉત્સાહ સાથે ગુજરાત જેવું રાજ્ય પણ આ કાર્યને પોતાનાં માથે લે તો ગુજરાત અભિનંદનનું અધિકારી છે.

મને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સેવાના પંચાયત પસંદગી બૉર્ડમાં આજે 5000થી વધુ મિત્રોને નિયુક્તિના પત્રો મળી રહ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આ જે ભરતી બૉર્ડ છે, એમાં લોકરક્ષકની ભરતી છે, એમાં પણ આજે 8000થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો મળવાના છે. હું ભૂપેન્દ્રભાઈ અને તેમની સરકારને આ ત્વરિત પગલાં માટે અને આટલા મોટા કાર્યક્રમ માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું અને એટલું જ નહીં, હમણાં થોડા દિવસ પહેલાં જ બીજી જુદી જુદી ભરતીઓ દ્વારા ૧૦ હજાર યુવાનોને નિમણૂક પત્રો પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે એવું પણ મેં સાંભળ્યું છે. આનો અર્થ એ થયો કે તેમણે જે ૩૫ હજાર ભરતીઓ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, તેમાં તેમણે મોટી છલાંગ તો લગાવી દીધી.

સાથીઓ,

જે રીતે આજે ગુજરાત જે વિકાસની ઊંચાઇએ આગળ વધી રહ્યું છે અને તેમાં પણ જે રીતે ભૂપેન્દ્રભાઈનાં નેતૃત્વમાં ગુજરાત નવી ઔદ્યોગિક નીતિ લઈને આવ્યું છે તેને જે રીતે આવકારવામાં આવી છે, મને જે રીતે દેશના અલગ અલગ પ્રદેશોમાંથી સાહસિકો મળે છે, જે ગુજરાતની ઔદ્યોગિક નીતિના આટલા વખાણ કરે છે અને તેમાં એક વાત આગળ આવી રહી છે કે ઔદ્યોગિક નીતિનાં કારણે ઉદ્યોગો તો આવશે જ, દેશ-વિદેશથી આવશે, પરંતુ સૌથી મોટી બાબત છે રોજગારની તકો, અને સંપૂર્ણપણે વિવિધ રોજગારનાં ક્ષેત્રો ખુલી રહ્યાં છે. એટલું જ નહીં આ કારણે સ્વરોજગાર માટે પણ વિશાળ મેદાન મળવાનું છે, અને ગુજરાત સરકારે ટેકનોલોજીનાં માધ્યમથી ઓજસ જેવાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યાં છે, ત્રીજા અને ચોથા વર્ગની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની પ્રથા સમાપ્ત થઈ ગઈ, ભરતી પ્રક્રિયા એકદમ સરળ થઈ ગઈ, અને એકદમ પારદર્શક બની ગઈ છે. રોજગારી વધારવાની દિશામાં ગુજરાત સરકારે જે અનુબંધમ મોબાઇલ એપ અને વૅબ પોર્ટલનો વિકાસ પણ કર્યો છે તેનો અર્થ એ થયો કે પારદર્શિતા પણ અને સરળ પહોંચ પણ, આ વ્યવસ્થા ગુજરાતના યુવાનો માટે પણ એક મોટી તક બની ગઈ છે. અને તેના દ્વારા, રોજગાર શોધનારા પણ અને જેમને નવયુવાનોની જરૂર છે, જેમને નવાં નવાં કૌશલ્યોની જરૂર છે, બંને બાજુએ આ પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. પ્રાપ્તકર્તા અને આપનાર બંને માટે એક પ્લેટફોર્મ બની ગયું છે.

ગુજરાત લોક સેવા આયોગ, તેણે જે સુનિયોજનથી અને તત્કાલ ભરતી પ્રક્રિયાનું જે મૉડલ ઊભું કર્યું છે, હું ૧૦૦ ટકા માનું છું કે રાષ્ટ્રીય સ્તરે પણ તમામ રાજ્યો આ મૉડલનો અભ્યાસ કરશે અને તેમની જરૂરિયાતો અનુસાર તેમાં ઓછુંવત્તું કરીને દેશ માટે ચોક્કસપણે ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને આ માટે પણ ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈની આખી ટીમ માટે મારી જેટલી પ્રશંસા કરું તે ઓછી છે.

સાથીઓ,

આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યો પણ જ્યારે તેના ભાગીદાર બન્યાં છે ત્યારે જેમ ભારત સરકારે રોજગાર મેળાની શરૂઆત કરી, આજે ગુજરાત થોડા દિવસોમાં જ જોડાઈ ગયું, ત્યારે મારી પાસે માહિતી છે કે લગભગ તમામ રાજ્યો આગળ આવી રહ્યાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આવી રહ્યા છે. ભારત સરકારે 1 વર્ષમાં 10 લાખ લોકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પરંતુ જે રીતે રાજ્યો જોડાઈ રહ્યાં છે, મને લાગે છે કે આ આંકડો લાખોની ઉપર જઈ રહ્યો છે. આનો અર્થ એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આજે શાસનમાં એવી પેઢીને જોડી રહી છે, જેનાં કારણે ભારત સરકારનું જે લક્ષ્ય છે 100 ટકા અમલીકરણ - સંતૃપ્તિ લાવવાનું, લાસ્ટ માઇલ ડિલિવરીમાં મદદ કરવાનું છે. આ જે નવું કાર્યબળ આવશે, આ નવયુવાન દીકરા-દીકરીઓ જે ઉત્સાહ અને ઉમંગથી આવશે, આ કામને ખૂબ વેગ મળી જશે. અને હું આશા રાખું છું કે આ નવા રોજગાર મેળનવાર, આપણા નવા યુવાનો, નવાં દીકરા અને દીકરીઓ, એક પ્રતિબદ્ધતા સાથે સમાજ માટે કંઇક કરવું છે, પોતાનાં રાજ્ય માટે, પોતાનાં ગામ માટે, પોતાના વિસ્તાર માટે, તેમનો અનેક ગણો ઉત્સાહ, ઉમંગ અને પ્રતિબદ્ધતા સાથે સરકારની સમગ્ર વ્યવસ્થામાં નવી પ્રાણ શક્તિ બની જશે. અને સૌથી મોટી વાત એ છે કે મિત્રો, આજે ભારત અમૃત કાલમાં પ્રવેશી ચૂક્યું છે. આપણે 75 વર્ષ પૂરાં કર્યાં છે, 2047માં જ્યારે ભારત આઝાદીનાં 100 વર્ષ પૂરાં કરશે, ત્યારે આપણે આ 25 વર્ષમાં આપણા દેશને એટલો આગળ લઈ જવાનો છે, અને મજા એ છે કે આપનો પણ આ જ અમૃત કાળ છે જીવનનો. આવનારાં 25 વર્ષ તમારાં વ્યક્તિગત જીવનમાં જેમ મહત્વનાં છે તમારાં સપનાં, તમારા સંકલ્પ, તમારી ઊર્જા, તમારી મહત્વકાંક્ષાઓ આ બધું ભારતને 2047માં એટલી મોટી ઊંચાઇ પર લઇ જશે કે જેના સૌથી મોટા ભાગીદાર પણ તમે હશો અને હક્કદાર પણ આપ જ હશો.

કેવી સોનેરી તક આવી છે અને આ શુભ અવસર પર હું બધા નવા યુવાનોને, તેમને જીવનમાં આ જે તક મળી છે, પરંતુ તકમાં અટકવાનું નથી, મિત્રો, હવે તો ઘણા કોર્સ ઓનલાઇન ચાલે છે, સતત વિકાસ કરતા રહેવું, ક્યાંય અટકવાનું નથી, આગળ વધવાનું છે એટલે વધવાનું છે, અને મેં એવા ઘણા લોકો જોયા છે જ્યાં કૉલેજની અંદર પટાવાળાની નોકરીથી નોકરી શરૂ કરી હોય અને ત્યાં જ રહીને અભ્યાસ કરતા કરતા, ત્યાં જ કૉલેજમાં પ્રોફેસર બની ગયા હોય, પ્રગતિને ક્યાંય અટકવા ન દેશો. નવું નવું શીખવું જોઈએ, અંદરના વિદ્યાર્થીને હંમેશા જીવંત રાખવો જોઈએ. તમે સરકારની વ્યવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છો, પરંતુ જીવનનાં સપનાંઓનાં સંકલ્પો માટે આ જ તમારા માટે દ્વાર છે, ઘણું આગળ વધવાનું છે, અને આપણે જ આગળ વધવાનું છે, એટલું જ નહીં, આપણે સૌને આગળ વધારવાના છે. પછાતમાં પછાત મનુષ્યને સુખ મળે તે માટે આપણે મહેનત કરીએ છીએ ને, તો જીવનનો સંતોષ મળે છે, આપણને જે કામ મળ્યું છે તે કાર્ય આપણે ખંતથી કરીએ છીએ ને, તેનો જે આનંદ છે, તે પ્રગતિનાં દ્વાર ખોલે છે, અને હું માનું છું કે આપણા ગુજરાતનાં દીકરા-દીકરીઓ આવનારાં 25 વર્ષ ભારતનો અમૃત કાળ વિશ્વનાં કલ્યાણનો અમૃત કાળ છે, અને આપ તેના સારથિ બની રહ્યાં છો. કેવો શુભ સંયોગ છે, કેવો મહાન ઉત્તમ અવસર છે, તમને ઘણી ઘણી શુભકામનાઓ! હું તમને જેટલી શુભકામનાઓ આપું એટલી ઓછી છે! ખૂબ આગળ વધો, આપનાં માતા-પિતાનાં સપનાં પૂરાં કરો!

આભાર સાથીઓ!

YP/GP/JD

 




(Release ID: 1871864) Visitor Counter : 164