પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રોજગાર મેળાનો પ્રારંભ કર્યો – 10 લાખ લોકોની ભરતી માટેની કવાયત શરૂ


“આપણા કર્મયોગીઓના પ્રયાસોથી સરકારી વિભાગોની કાર્યક્ષમતામાં વધારો થયો છે”

“છેલ્લા 8 વર્ષમાં કરવામાં આવેલા સુધારાઓના કારણે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શક્યું છે”

“દેશમાં પહેલાં ક્યારેય મુદ્રા યોજના જેટલા મોટાપાયે સ્વ-રોજગાર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો નથી”

“અમે દેશના યુવાનોને અમારી સૌથી મોટી તાકાત માનીએ છીએ”

“કેન્દ્ર સરકાર વધુને વધુ નોકરીઓનું સર્જન કરવા માટે એકસાથે અનેક મોરચે કામ કરી રહી છે”

“21મી સદીના ભારતમાં સરકારી સેવાઓ એ લોકોને સેવા આપવા અને સમય મર્યાદામાં કાર્યો પૂરા કરવાની પ્રતિબદ્ધતા છે”

“જ્યારે પણ તમે ઓફિસના દરવાજામાંથી અંદર પ્રવેશો ત્યારે તમારા 'કર્તવ્ય પથ'ને હંમેશા ધ્યાનમાં રાખો”

Posted On: 22 OCT 2022 1:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 10 લાખ કર્મચારીઓની ભરતીની કવાયત એટલે કેરોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો. આ સમારંભ દરમિયાન, નવા નિયુક્ત કરવામાં આવેલા 75,000 કર્મચારીઓને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.

નવા નિયુક્તિ કરવામાં આવેલા કર્મચારીઓને સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ સૌને ધનતેરસની વધામણી અને શુભેચ્છાઓ પાઠવીને પોતાની વાતની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આજે તે દિવસ છે જ્યારે રોજગાર મેળાના રૂપમાં એક નવી કડી દેશમાં રોજગાર અને સ્વ-રોજગાર અભિયાન સાથે જોડાઇ રહી છે જે છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યું છે”. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યક્રમ હેઠળ 75,000 યુવાનોને નિયુક્તિ પત્રો આપવામાં આવી રહ્યા છે. તેમણે રોજગાર મેળા પાછળનો તર્ક સમજાવતા જણાવ્યું હતું કે, “અમે નક્કી કર્યું છે કે એક જ વારમાં નિયુક્તિ પત્રો આપવાની પરંપરા શરૂ કરવી જોઇએ જેથી કરીને વિભાગોમાં સમયબદ્ધ રીતે પ્રોજેક્ટ પૂરા કરવાના સામૂહિક સ્વભાવનો વિકાસ થાય”. આગામી દિવસોમાં પણ ઉમેદવારોને સરકાર તરફથી સમયાંતરે નિયુક્તિ પત્રો આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, “મને એ વાતની ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે NDA શાસિત અને ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવા જ મેળાનું આયોજન કરવામાં આવશે”.

નવા નિયુક્ત કરાયેલા કર્મચારીઓના ઇન્ડક્શનના સમયના મહત્વને આવકારતા અને તેને રેખાંકિત કરતા, પ્રધાનમંત્રીએ નવા નિયુક્તિ પામેલાઓને જણાવ્યું હતું કે, અમૃતકાળમાં, વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે, આપણે આત્મનિર્ભર ભારતના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારતને આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવામાં આવિષ્કારકર્તાઓ, ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને ઉત્પાદન તેમજ સેવાઓના ક્ષેત્રના લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સબ કા પ્રયાસના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રવાસમાં દરેક વ્યક્તિના પ્રયાસો મહત્વપૂર્ણ છે અને સબ કા પ્રયાસની આ લાગણી ત્યારે જ શક્ય છે જ્યારે તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે.

તેમણે જણાવ્યું હતું કે, માત્ર થોડા મહિનાના સમયમાં લાખો ખાલી જગ્યાઓ પર ભરતી માટે પસંદગીની પ્રક્રિયા પૂરી કરવી અને નિયુક્તિ પત્રો ઇશ્યુ કરવા એ છેલ્લા 7થી 8 વર્ષમાં સરકારી તંત્રમાં આવેલા પરિવર્તનનો સંકેત છે. તેમણે કહ્યું હતું કે, “આજે, કામની સંસ્કૃતિમાં પરિવર્તન આવી રહ્યું છે”. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા કર્મયોગીઓના પ્રયાસોને કારણે જ સરકારી વિભાગોની કાર્યક્ષમતામાં વધારો થયો છે”. જ્યારે સરકારી નોકરીઓ માટે અરજી કરવી એ એક જટિલ પ્રક્રિયા હતી અને પસંદગીમાં પણ પક્ષપાત કરવામાં આવતો હતો તેમજ ભ્રષ્ટાચાર પ્રચંડ પ્રમાણે થતો હતો તે દિવસો પણ તેમણે યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું  કે, તેમની સરકારના પ્રારંભિક વર્ષો દરમિયાન કેન્દ્ર સરકારના ગ્રૂપ C અને ગ્રૂપ Dની જગ્યાઓમાં ભરતી માટે સ્વ-પ્રમાણીકરણ અને ઇન્ટરવ્યુને નાબૂદ કરવા જેવા પગલાં લેવાથી યુવાનોને મદદ મળી છે.

આજે, ભારત સમગ્ર વિશ્વમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. છેલ્લા 8 વર્ષમાં હાથ ધરવામાં આવેલા સુધારાઓને કારણે આપણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, છેલ્લા 7થી 8 વર્ષોમાં આપણે 10મા સ્થાનેથી આગળ વધીને 5મા સ્થાન સુધી પહોંચી ગયા છીએ. દેશ જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે તેની વિરાટતાનો સ્વીકાર કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત નકારાત્મક અસરોને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, “આ એટલા માટે શક્ય બન્યું છે, કારણ કે છેલ્લા 8 વર્ષોમાં આપણે દેશની અર્થવ્યવસ્થાની એવી ખામીઓથી મુક્તિ મેળવી છે જેના કારણે આપણને આગળ વધવામાં અવરોધો ઉભા થતા હતા”.

કૃષિ, ખાનગી ક્ષેત્ર અને MSME જેવા ક્ષેત્રો જેમાં સૌથી વધુ સંખ્યામાં નોકરીનું સર્જન અને નિયુક્તિ થાય છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતના યુવાનોને કૌશલ્યવાન બનાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે અમે યુવાનોના કૌશલ્ય વિકાસ પર સૌથી વધુ ભાર આપી રહ્યા છીએ. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, દેશના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર યુવાનોને તાલીમ આપવા માટે એક વિશાળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્કીલ ઇન્ડિયા અભિયાન હેઠળ 1.25 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કૌશલ વિકાસ કેન્દ્રો અને સેંકડો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, ડ્રોન નીતિને ઉદાર બનાવવી, અવકાશ નીતિના દ્વાર ખોલવા અને મુદ્રા યોજના હેઠળ 20 લાખ કરોડ રૂપિયાની લોન આપવા જેવી પહેલોના કારણે આ પ્રક્રિયા વધારે આગળ વધારી શકાઇ છે. તેમણે કહ્યું હતું કે, “દેશમાં પહેલાં ક્યારેય આટલા મોટાપાયે સ્વ-રોજગાર કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો નથી”.

તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, સ્વ-સહાય સમૂહો ઉપરાંત, ખાદી અને ગ્રામોદ્યોગ ગામડાઓમાં રોજગારનું સર્જન કરતા હોવાના મુખ્ય ઉદાહરણો છે. દેશમાં પ્રથમ વખત ખાદી અને ગ્રામોદ્યોગનું મૂલ્ય રૂ. 4 લાખ કરોડનો આંકડો ઓળંગી ગયું છે તેમજ ખાદી અને ગ્રામોદ્યોગમાં 4 કરોડ કરતાં વધારે નોકરીઓનું સર્જન થયું છે. તેમણે કહ્યું હતું કે, “મોટી સંખ્યામાં આપણી બહેનોનો આમાં ઘણો મોટો હિસ્સો ધરાવે છે.

સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન પર સૌનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખી દુનિયામાં આના કારણે આપણા દેશના યુવાનોની ક્ષમતા સ્થાપિત થઇ છે. એવી જ રીતે, MSMEને મહામારી દરમિયાન મોટાપાયે ટેકો આપવામાં આવ્યો હતો, જેમાંથી લગભગ 1.5 કરોડ નોકરીઓનું રક્ષણ થઇ શક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મનરેગા દ્વારા દેશમાં 7 કરોડ લોકોને રોજગારી આપવામાં આવે છે.

21મી સદીમાં દેશ માટે સૌથી મહત્વાકાંક્ષી પરિયોજના મેક ઇન ઇન્ડિયાઅને આત્મનિર્ભર ભારત છે. આજે, દેશ ઘણી બાબતોમાં સતત વધી રહેલા આયાતકારની સ્થિતિમાંથી ખૂબ મોટા નિકાસકાર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. એવા ઘણા ક્ષેત્રો છે જેમાં ભારત આજે વૈશ્વિક હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાંથી વિક્રમી માત્રામાં નિકાસ થઇ એ પણ રોજગારીમાં મજબૂત વૃદ્ધિ થઇ રહી હોવાનું દર્શાવે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સરકાર ઉત્પાદન અને પર્યટન ક્ષેત્રોમાં વ્યાપકપણે કામ કરી રહી છે કારણ કે આ બંને ક્ષેત્રોમાં રોજગારીની તકોની વિશાળ સંભાવના છે”. આખી દુનિયાની કંપનીઓ ભારતમાં આવે, તેમની ફેક્ટરીઓ સ્થાપે અને વિશ્વની માંગ પૂરી કરી શકે તે માટે પ્રક્રિયાઓ પણ સરળ બનાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા ઉત્પાદનના આધારે પ્રોત્સાહન આપવા માટે PLI યોજના પણ શરૂ કરવામાં આવી છે. જેટલું વધુ ઉત્પાદન થશે, તેટલું વધારે પ્રોત્સાહન આપવામાં આવશે, એ ભારતની નીતિ છે. આજે આપણને તેના પરિણામો અનેક ક્ષેત્રોમાં દેખાઇ રહ્યા છે. પાછલા વર્ષોના EPFOનો જે ડેટા આવી રહ્યો છે તે પણ દર્શાવે છે કે રોજગાર સંબંધિત સરકારની નીતિઓના કારણે પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, બે દિવસ પહેલાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષે ઑગસ્ટ મહિનામાં લગભગ 17 લાખ લોકો EPFOમાં જોડાયા હતા અને હવે તેઓ દેશની ઔપચારિક અર્થવ્યવસ્થાનો એક હિસ્સો બની ગયા છે. તેમણે માહિતી આપી હતી કે, આવા લગભગ 8 લાખ લોકો 18 થી 25 વર્ષની વય જૂથના છે.

પ્રધાનમંત્રીએ માળખાકીય સુવિધાઓના સર્જન દ્વારા રોજગાર નિર્માણના પાસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લા આઠ વર્ષ દરમિયાન દેશભરમાં હજારો કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રેલવે લાઇનના ડબલિંગ, ગેજ રૂપાંતરણ અને વિદ્યુતીકરણ પર આખા દેશમાં નિરંતર કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં નવા હવાઇમથકોનું નિર્માણ કરવામાં આવી રહ્યં છે, રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને નવા જળમાર્ગો તૈયાર કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડથી વધુ ઘરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે”.

પ્રધાનમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, દેશમાં વધુને વધુ રોજગારીનું સર્જન કરવા માટે કેન્દ્ર સરકાર એકસાથે અનેક મોરચે કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ માળખાકીય સુવિધાઓના વિકાસના સંદર્ભમાં ભારત સરકારના 100 લાખ કરોડ રૂપિયાથી વધુના લક્ષ્ય સાથે કામ કરવાની માહિતી આપી હતી. તેમણે નોંધ્યું હતું કે, સ્થાનિક સ્તરે યુવાનો માટે લાખો રોજગારીની તકો ઊભી કરીને વિકાસના કાર્યો મોટા પાયે હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આસ્થા, આધ્યાત્મિકતા અને ઐતિહાસિક દૃશ્ટિએ મહત્વ ધરાવતા સ્થળોના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો જેનો અત્યારે સમગ્ર દેશમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આધુનિક માળખાકીય સુવિધાઓ માટે કરવામાં આવી રહેલા આ કાર્યો પર્યટન ક્ષેત્રને પણ નવી ઉર્જા આપી રહ્યા છે અને દૂરના વિસ્તારોમાં પણ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતની સૌથી મોટી તાકાત દેશના યુવાનોમાં રહેલી છે. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા પાછળનું સૌથી મોટું પ્રેરક બળ તેઓ છે. પ્રધાનમંત્રીએ નવા નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ જ્યારે ઓફિસોના દરવાજામાંથી અંદર પ્રવેશ કરે ત્યારે હંમેશા તેમના 'કર્તવ્ય પથ'ને ધ્યાનમાં રાખે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમને દેશના નાગરિકોની સેવા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.” પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં જણાવ્યું હતું કે, 21મી સદીમાં ભારત સરકારની નોકરી એ માત્ર સુવિધાઓ માટે જ નથી પરંતુ એક પ્રતિબદ્ધતા અને દેશના ખૂણે ખૂણા સુધી લોકોને સમયબદ્ધ રીતે સેવા પહોંચાડવાની સોનેરી તક છે.

પૃષ્ઠભૂમિ

આજની પહેલ યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવા માટે અને નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની નિરંતર પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર, તમામ મંત્રાલયો અને વિભાગો મંજૂર કરવામાં આવેલી પોસ્ટ્સ સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે.

દેશભરમાંથી નવી ભરતીઓ માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારો ભારત સરકારના 38 મંત્રાલયો/વિભાગોમાં જોડાશે. નવા નિયુક્તિ પામેલા કર્મચારીઓ વિવિધ સ્તરે સરકારમાં જોડાશે જેમ કે, ગ્રૂપ - A, ગ્રૂપ - B (ગેઝેટેડ), ગ્રૂપ - B (નોન-ગેઝેટેડ) અને ગ્રૂપ - C. જે હોદ્દાઓ પર નિયુક્તિઓ કરવામાં આવી રહી છે તેમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ કર્મી, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, LDC, સ્ટેનો, PA, આવકવેરા ઇન્સ્પેક્ટરો અને MTS તેમજ અન્ય હોદ્દાઓ સામેલ છે.

વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રત્યક્ષ રીતે અથવા તો UPSC, SSC અને રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા મિશન મોડમાં આ ભરતીઓ કરવામાં આવી રહી છે. ઝડપથી ભરતી કરવા માટે પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તેને ટેકનોલોજી સક્ષમ બનાવવામાં આવી છે.


YP/GP/JD

 



(Release ID: 1870245) Visitor Counter : 355