ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીનાં સમાપન સત્રને સંબોધન કર્યું


આજના યુગના ગુનાઓ રોકવા અને ગુનેગારોને અટકાવવા માટે, આપણે પરંપરાગત જીઓ-ગ્રાફિક સરહદોથી ઉપર વિચારવું પડશે
'સરહદ પારના આતંકવાદ' સામે લડવા માટે 'સરહદ પારનો સહકાર' ખૂબ જ મહત્વપૂર્ણ છે

બધા દેશોએ 'આતંકવાદ' અને 'આતંકવાદી' ની વ્યાખ્યા પર સહમત થવું પડશે અને આતંકવાદ સામે સાથે મળીને લડવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ, 'સારો આતંકવાદ, ખરાબ આતંકવાદ' અને 'આતંકવાદી હુમલો - નાનો કે મોટો' જેવાં વર્ણનો બંને એક સાથે જઈ શકતા નથી

ઑનલાઇન કટ્ટરપંથીકરણ દ્વારા સરહદ પારના આતંકવાદના ફેલાવાના પડકાર પર સર્વસંમતિ બનાવવી પણ જરૂરી છે, આપણે આ સમસ્યાને રાજકીય સમસ્યા તરીકે ન ગણી શકીએ

ઇન્ટરપોલે કાઉન્ટર-ટેરરિઝમ એજન્સીઓ અને સભ્ય દેશોની એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ વચ્ચે 'રિયલ-ટાઇમ ઇન્ફર્મેશન એક્સચેન્જ લાઇન' સ્થાપિત કરવા માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની પહેલ કરવી જોઈએ

હું સૂચન કરીશ કે ઇન્ટરપોલે છેલ્લાં 100 વર્ષોમાં તેના અનુભવ અને સિદ્ધિઓના આધારે આગામી 50 વર્ષ માટે 'ભાવિ યોજના' તૈયાર કરવી જોઈએ

ભારત એક સમર્પિત કેન્દ્ર અથવા સંમેલનની સ્થાપના કરવા અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ વિરોધી અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ માટે સમર્પિત સંચાર નેટવર્ક શરૂ કરવા માટે ઇન્ટરપોલ સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે

Posted On: 21 OCT 2022 6:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીનાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઈન્ટરપોલના ચેરમેન અને સીબીઆઈના ડાયરેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RM2N.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, 21 ઓક્ટોબર ભારતીય પોલીસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અને ભારત આ દિવસને પોલીસ સ્મારક દિવસ તરીકે ઉજવે છે. તેમણે કહ્યું કે ભારતની એકતા અને લોકશાહીની સુરક્ષા માટે 35,000 પોલીસકર્મીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને ભારતીયો આ દિવસે આ અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. તેમણે કહ્યું કે કોવિડ -19 રોગચાળા પછી, નવી દિલ્હીમાં ઇન્ટરપોલની સામાન્ય સભાનું આયોજન કરવું એ પોતે જ મહત્વપૂર્ણ છે. વિશ્વએ કોવિડ -19 મહામારી દરમિયાન 'પોલીસ' ના માનવ ચહેરાનો અનુભવ કર્યો છે અને વિશ્વએ પોલીસ તરફ જોવાની રીત બદલી નાખી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002P2IP.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં 100 વર્ષમાં ઇન્ટરપોલ 195 દેશોનો વિસ્તૃત અને અસરકારક મંચ બની ગયું છે, જે દુનિયાભરમાં અપરાધોનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત ઇન્ટરપોલનાં સૌથી જૂના સભ્યોમાંનું એક છે અને ભારત વર્ષ 1949થી ઇન્ટરપોલ સાથે સંકળાયેલું છે. આજનાં વિશ્વમાં ઇન્ટરપોલ જેવું પ્લેટફોર્મ સહકાર અને બહુપક્ષીયવાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર, ગૃહ મંત્રાલય અને વિવિધ ભારતીય પોલીસ દળો જાહેર સુરક્ષા, વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે ઇન્ટરપોલનાં અર્થપૂર્ણ પ્રયાસો અને પ્રદાનની પ્રશંસા કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003E5EI.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ભારત માટે નવી વાત નથી. કદાચ સૌથી પહેલાં, ફોજદારી ન્યાય પ્રણાલી પર ચિંતન અને ચિંતા બંનેનો ઉદભવ ભારતમાં થયો છે. જ્યારે જ્યારે રાજ્યની કલ્પના કરવામાં આવી ત્યારે પોલીસ તંત્રો સંભવતઃ રાજ્યના પ્રથમ મહત્ત્વના કાર્ય તરીકે ઉભરી આવ્યા હોત અને નાગરિકોની સલામતી એ કોઈ પણ રાજ્યની અગ્રિમ જવાબદારી છે. તેમણે કહ્યું કે કોઈ પણ ભારતીય એતિહાસિક ગ્રંથો અને મહાકાવ્યોમાં ન્યાયશાસ્ત્ર અને સજાની ઉંડી સમજ જોઈ શકે છે. હજારો વર્ષ પહેલાં રામાયણમાં અને તેમનાં લખાણોમાં વિદુર, શુક્રાચાર્ય, ચાણક્ય, થિરુકુરલ વગેરેએ "સૌહાર્દપૂર્ણ ન્યાય અને યોગ્ય સજા"ના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે. શ્રી શાહે કહ્યું હતું કે મહાભારતના શાંતિપર્વમાં પ્રકરણ 15માં એક શ્લોક છે, જેનો અર્થ થાય છે –

"ગુનેગારોને નિયંત્રણમાં રાખવા માટે ન્યાયની પ્રણાલી એ દરેક અસરકારક અને સફળ સરકારી પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ન્યાય એ છે જે સમાજમાં સુશાસનની ખાતરી આપે છે. જો રાત્રિ દરમિયાન ન્યાય જાગતો હોય, તો જ નાગરિકો અને સમાજ નિર્ભય રહે, અને એક સારા સમાજની રચના થાય."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00404Q3.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવા હંમેશા તત્પર રહે એ સુનિશ્ચિત કરવા સતત પગલાં લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારે તાજેતરમાં ભવિષ્યના પડકારોનું સમાધાન કરવા માટે ઘણાં નવા પગલાં લીધાં છે, જેમ કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના. આઈ.સી.જે.એસ.ના રૂપમાં ફોજદારી ન્યાયના મુખ્ય આધારસ્તંભ એટલે કે ઈ-કોર્ટ, ઈ-જેલ, ઈ-ફોરેન્સિક્સ અને ઈ-પ્રોસિક્યુશનને 'ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ' (સીસીટીએનએસ) સાથે સંકલિત કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે આતંકવાદ, નાર્કોટિક્સ અને આર્થિક અપરાધો જેવા અપરાધો પર એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો પણ નિર્ણય કર્યો છે. ભારત સરકારે સાયબર ક્રાઇમને વ્યાપક રિસ્પોન્સ સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયન સાયબર-ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ-4સી)ની સ્થાપના કરી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, ડેટા અને માહિતી ક્રાંતિની આજની દુનિયામાં, ગુના અને ગુનેગાર બંનેની પ્રકૃતિ બદલાઈ ગઈ છે. હાલ ગુનાની કોઈ ભૌગોલિક સીમા નથી, જો આવા ગુનાઓ અને ગુનેગારોને રોકવા હોય તો આપણે બધાએ પરંપરાગત ભૌગોલિક સરહદની ઉપર વિચારવું પડશે અને કાર્યવાહી કરવી પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, 'અપરાધિક સિન્ડિકેટ્સ' આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સાંઠગાંઠ ધરાવે છે, એ બાબતને ધ્યાનમાં રાખીને એવું કોઈ કારણ નથી કે શા માટે દેશોએ એકબીજા સાથે સહકાર અને સંકલન ન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, અમારી પોલીસ અને કાયદા અમલીકરણ એજન્સીઓ રાજ્યની સાર્વભૌમત્વની મર્યાદામાં રહીને કાયદાને લાગુ કરવા અને અપરાધની વૈશ્વિક પ્રકૃતિને સમજવા, ગુનેગારોને શોધી કાઢવા અને ન્યાયની ચિંતા કરવાના બેવડા પડકારોનો સામનો કરી રહી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ પડકારો વચ્ચે સુરક્ષા એજન્સીઓની કામગીરી સરળ કરવામાં ઇન્ટરપોલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં આ વધારે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને આ દિશામાં કેટલાક મુદ્દાઓ તરફ જનરલ એસેમ્બલીનું ધ્યાન દોરતા કહ્યું હતું કે આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા છે અને તે અત્યંત સુસંગત છે કે 2020-25 માટે ઇન્ટરપોલના સાત વૈશ્વિક પોલીસિંગ લક્ષ્યોમાં પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય "આતંકવાદના જોખમનો સામનો" છે. તેમણે કહ્યું કે આતંકવાદ માનવાધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન છે અને 'સરહદ પારના આતંકવાદ' સામે લડવા માટે 'સરહદ પારનો સહકાર' ખૂબ જ મહત્વપૂર્ણ છે, આના વિના આપણે સરહદ પારના આતંકવાદ સામે લડી શકીએ નહીં.

તેમણે કહ્યું કે આ માટે ઇન્ટરપોલ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સૌપ્રથમ તમામ દેશોએ 'આતંકવાદ' અને 'આતંકવાદી'ની વ્યાખ્યા પર સંમત થવું પડશે. જો 'આતંકવાદ' અને 'આતંકવાદી'ની વ્યાખ્યાઓ પર સર્વસંમતિ ન સધાય તો આપણે વૈશ્વિક લડાઈ એકસાથે ન લડી શકીએ.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા અને 'સારો આતંકવાદ, ખરાબ આતંકવાદ' અને 'આતંકવાદી હુમલો - મોટો કે નાનો' જેવાં વર્ણનો ... બન્ને સાથે ન જઈ શકે. તેમણે કહ્યું કે, ઓનલાઈન કટ્ટરવાદથી સરહદ પારથી ફેલાવાઈ રહેલા આતંકવાદી વિચારધારાના પડકાર પર સર્વસંમતિ સાધવી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે આપણે તેને રાજકીય વિચારધારા તરીકે ન જોઈ શકીએ. જો આપણે ઓનલાઇન કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાને રાજકીય સમસ્યા ગણીએ તો આતંકવાદ સામેની આપણી લડાઈ અધૂરી રહેશે. ચાલો આપણે સૌ એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ થઈએ કે આતંકવાદ સામેની અસરકારક લડાઈ લાંબા સમય સુધી ચાલનારી, વ્યાપક અને ટકાઉ હોવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક આતંકવાદનાં તમામ સ્વરૂપો સામે લડવા કટિબદ્ધ છે તથા ટેકનિકલ સહાય અને માનવ સંસાધન પ્રદાન કરવા માટે ઇન્ટરપોલ સાથે કામ કરવા કટિબદ્ધ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઘણાં દેશોમાં ઇન્ટરપોલની નોડલ એજન્સી અને દેશની કાઉન્ટર-ટેરર એજન્સી અલગ-અલગ જોવા મળી છે, આવી સ્થિતિમાં દુનિયાની તમામ આતંકવાદ વિરોધી એજન્સીઓ માટે આતંકવાદના પડકારને પહોંચી વળવા માટે એક થવું મુશ્કેલ છે. તેમણે ઇન્ટરપોલને તમામ સભ્ય દેશોની આતંકવાદ વિરોધી એજન્સીઓ વચ્ચે 'રિયલ-ટાઇમ ઇન્ફર્મેશન એક્સચેન્જ લાઇન' સ્થાપિત કરવા માટે કાયમી વ્યવસ્થા પર વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, આ સિસ્ટમ આવનારા દિવસોમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈને વધુ મજબૂત બનાવશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતની આઝાદીના 75મા વર્ષના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે 'ડ્રગ્સ મુક્ત ભારત'નું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે માદક દ્રવ્યોના વૈશ્વિક વેપારના ઉભરતા પ્રવાહો અને નાર્કો-ટેરર જેવા પડકારોને ધ્યાનમાં રાખીને, તમામ દેશો વચ્ચે માહિતી અને ગુપ્ત માહિતીના આદાનપ્રદાન માટેના પ્લેટફોર્મ, ગુપ્તચર-આધારિત સંયુક્ત કામગીરી, પ્રાદેશિક દરિયાઇ સુરક્ષા સહકાર, પરસ્પર કાનૂની સહાય, મની લોન્ડરિંગનો સામનો કરવા માટે અસરકારક વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં ગાઢ સહકારની જરૂર છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ઑફ ઇન્ડિયાએ નશીલા દ્રવ્યો જપ્ત કરવામાં, તેનો નાશ કરવામાં અને કેસોનાં નિષ્કર્ષમાં ઘણી સારી સફળતા હાંસલ કરી છે. ઇન્ટરપોલની 'ઓપરેશન લાયન-ફિશ' અને ભારતના 'ઓપરેશન ગરુડ'નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે 'ઓપરેશન લાયન-ફિશ'માં ભારતે સૌથી મોટી જપ્તી કરીને મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું કે, તમામ સભ્ય દેશોની એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ વચ્ચે રિયલ ટાઇમ ઇન્ફર્મેશન એક્સચેન્જ નેટવર્ક અને એક વ્યાપક નાર્કો ડેટાબેઝ સ્થાપિત કરવા માટે ઇન્ટરપોલ દ્વારા વધુ કામ કરવાની જરૂર છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઇન્ટરપોલ તેનાં શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત કરવા જઈ રહી છે અને તેમને આ ઉજવણી જોવાની તક મળી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં, દિલ્હીમાં જનરલ એસેમ્બલીમાં ભાગ લેનારાઓએ 'ગ્લોબલ ક્રાઇમ ટ્રેન્ડ રિપોર્ટ 2022' અને 'ઇન્ટરપોલ વિઝન 2030' પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સક્રિય પોલીસિંગ, મેટાવર્સ અને સાયબર થ્રેટ લેન્ડસ્કેપમાં થઈ રહેલા ફેરફારોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઇન્ટરપોલના આઇ-ફેમિલિયા અને ઇન્ટરનેશનલ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ ડેટાબેઝનો ઉપયોગ વધારવાના બે મોટા ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે 1923માં ઇન્ટરપોલની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તે સમયના ગુના અને નીતિના પડકારો અને આજની પદ્ધતિઓમાં ભારે તફાવત છે અને આગામી દાયકાઓમાં વધુ ફેરફારો આવશે. શ્રી શાહે કહ્યું હતું કે, અપરાધની માનસિકતા ક્યારેય બદલાતી નથી, પણ માધ્યમો બદલાઈ રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સૂચવ્યું હતું કે ઇન્ટરપોલે છેલ્લાં 100 વર્ષના તેના અનુભવ અને સિદ્ધિઓના આધારે આગામી 50 વર્ષ માટે 'ભાવિ યોજના' તૈયાર કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઇન્ટરપોલ તેના નેજા હેઠળ એક અભ્યાસ જૂથની રચના પણ કરી શકે છે, જેના દ્વારા આગામી 25 અને 50 વર્ષના પડકારો અને તેના ઉકેલો પર વિસ્તૃત સંશોધન કરી શકાય છે. જો વર્લ્ડ પોલિસિંગ 2048 અને 2073નો રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો આવનારાં 50 વર્ષોમાં ગ્લોબલ પોલિસિંગને ઘણો ફાયદો થશે. દર પાંચ વર્ષ પછી આ યોજનાની સમીક્ષા કરવી પણ સુસંગત રહેશે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સંશોધન સભ્ય દેશોની કાયદા પ્રવર્તન એજન્સીઓ માટે અતિ ઉપયોગી સાબિત થશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઇન્ટરપોલનો ઝંડો ઓસ્ટ્રિયાને સોંપ્યો હતો અને વિયેના જનરલ એસેમ્બલીના આયોજન માટે શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારત તરફથી પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, નાર્કો-ટેરર, ઓનલાઇન કટ્ટરવાદ, સંગઠિત સિન્ડિકેટ અને મની લોન્ડરિંગ જેવા તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા માટે ભારત ઇન્ટરપોલ સાથે જોડાણની ભૂમિકામાં કામ કરવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે, આ સંદર્ભમાં ભારત એક સમર્પિત કેન્દ્ર કે સંમેલન સ્થાપિત કરવા તથા સમગ્ર વિશ્વમાં આતંકવાદ વિરોધી અને નશીલા દ્રવ્યો વિરોધી એજન્સીઓ માટે સમર્પિત સંચાર નેટવર્ક શરૂ કરવામાં ઇન્ટરપોલને મદદ કરવા કટિબદ્ધ છે. શ્રી અમિત શાહે મહાસભાનાં સફળ સંચાલન માટે ઇન્ટરપોલ અને સીબીઆઇની પ્રશંસા કરી હતી.

YP/GP/JD



(Release ID: 1870140) Visitor Counter : 171