યુવા બાબતો અને રમત મંત્રાલય

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે શ્રી શિવરાજ સિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મધ્ય પ્રદેશને પાંચમી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનાં સ્થળ તરીકે જાહેર કર્યું


મધ્ય પ્રદેશનાં 8 શહેરોમાં 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી આ રમતોત્સવ આયોજિત થશે

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં સૌપ્રથમ વખત વૉટર સ્પોર્ટ્સ શરૂ થશે

Posted On: 20 OCT 2022 5:03PM by PIB Ahmedabad

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની આગામી આવૃત્તિ મધ્ય પ્રદેશમાં યોજાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ રમત-ગમત સ્પર્ધા 31 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે અને 11 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થશે.

ગુરુવારે બપોરે આ કાર્યક્રમમાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રમાણિક, મધ્ય પ્રદેશ સરકારનાં રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી શ્રીમતી યશોધરા રાજે સિંધિયા; રમત-ગમત સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી; સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના મહાનિદેશક શ્રી સંદિપ પ્રધાન અને કેન્દ્રીય રમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા તેમજ રાજ્ય સરકારના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, "હું મધ્ય પ્રદેશને ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું આયોજન કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માનું છું. અમે તેને અત્યાર સુધીની સૌથી વિશેષ ખેલો ઇન્ડિયા ગેમ્સ બનાવવાનું અને 'અતિથિ દેવો ભવ'ની અમારી ફિલોસોફીને ધ્યાનમાં રાખીને તેનું આયોજન કરવાનું વચન આપીએ છીએ.

"અમારી પાસે મધ્ય પ્રદેશમાં શૂટિંગ અને વૉટર સ્પોર્ટ્સ એકેડેમી જેવાં વિશ્વ કક્ષાનાં સ્પોર્ટ્સ સ્ટેડિયમો છે. બીજી ઘણી સુવિધાઓ પણ આવી રહી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધી રહેલા વિકાસ અને ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું આયોજન કરવાના વિશેષાધિકાર સાથે મને ખાતરી છે કે મધ્ય પ્રદેશમાં રમતગમત ક્રાંતિ થશે.

સ્વદેશી રમતો ફરી એક વખત આગામી કેઆઇવાયજીનો ભાગ બનશે તેનો ઉલ્લેખ કરતાં શ્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, "આ જ રીતે ઑલિમ્પિક રમતો અને સ્વદેશી રમતોને ટેકો આપવાનું પ્રધાનમંત્રીનું વિઝન હતું. હું મધ્ય પ્રદેશનો આભાર માનું છું કે જેમણે મલખંભની રમતને તેમની રાજ્ય રમત બનાવી છે."

"રમતગમત એ રાજ્યનો વિષય છે. મને ખુશી છે કે મધ્ય પ્રદેશ જેવાં રાજ્યો આપણી રમતગમતની ઇકોસિસ્ટમનાં નિર્માણમાં તેમની ભૂમિકા નિભાવવાં આગળ આવી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, તમામ રાજ્યોએ તેમાંથી શીખવું જોઈએ અને સમજવું જોઈએ કે જિલ્લા કક્ષાએથી લઈને રાજ્ય કક્ષાએ રમતગમતના વિકાસ માટે આપણે એકંદરે યોગદાન આપવું પડશે. તેમણે પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ અને મુખ્યમંત્રી કપ (મધ્યપ્રદેશ) જેવા રમતગમતના કાર્યક્રમોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી અનુરાગ સિંહ ઠાકુરે પુનરોચ્ચાર કર્યો હતો કે, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સે દેશમાં રમતગમત અને રમતવીરોને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ જ કારણ છે કે, હરિયાણામાં યોજાયેલી છેલ્લી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં 12 રાષ્ટ્રીય વિક્રમો તૂટ્યા હતા.

શુભકામનાઓ પાઠવતા શ્રી નિશિથ પ્રમાણિકે ઉમેર્યું હતું કે, "મધ્ય પ્રદેશ સરકારે વર્ષોથી રમતવીરોને ટેકો આપવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. દરેક રાજ્યએ એક ઉદાહરણ લેવું જોઈએ કે રમતવીરોને તેમનાં શિખર પર પહોંચવામાં મદદ કરવા માટે પ્રધાનમંત્રીનું વિઝન કેવી રીતે આકાર લઈ રહ્યું છે. મને ખાતરી છે કે 'મહાકાલની ભૂમિ'માં આગામી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ અત્યાર સુધીની સૌથી વિશેષ રમતો હશે."

શ્રીમતી યશોધરા રાજેએ જણાવ્યું હતું કે, ભારતમાં રમતગમત માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનું કામ સરકારે કર્યું છે. ભારતીય ખેલાડીઓ વિશ્વભરની રમતોમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ખાસ કરીને આપણી દીકરીઓ મેડલ જીતીને સતત રમત-ગમતમાં ભારતનું ગૌરવ વધારી રહી છે.

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની આગામી એડિશનમાં કુલ 27 શાખાઓ સામેલ થશે. રમતોના ઇતિહાસમાં પ્રથમ વખત વૉટર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રમતો અને સ્વદેશી રમતોની સાથે કેનો સ્લેલોમ, કાયાકિંગ, કેનોઇંગ અને રોવિંગ જેવી નવી શાખાઓ પણ જોવા મળશે. આ ગેમ્સ મધ્ય પ્રદેશનાં આઠ શહેરો - ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, ખરગોન (મહેશ્વર) અને બાલાઘાટમાં યોજાશે.

YP/GP/JD

 

 



(Release ID: 1869718) Visitor Counter : 168