ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશના ભોપાલમાં દેશમાં સૌપ્રથમ વખત હિન્દીમાં MBBSના અભ્યાસક્રમનો પ્રારંભ કર્યો
આજે દેશના શિક્ષણ ક્ષેત્રના પુનર્જિવન અને પુનઃનિર્માણનો દિવસ છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક, ટેકનિકલ અને તબીબી શિક્ષણમાં માતૃભાષાને મહત્વ આપીને એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે
પ્રધાનમંત્રી મોદી તમામ પ્રાદેશિક ભાષાઓમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું આહ્વાન કર્યું હતું અને મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકારે સૌથી પહેલા મોદીજીની આ ઇચ્છા પૂરી કરી છે
આજે મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના માધ્યમથી આપણી ભાષાઓને મહત્વ આપવાની શરૂઆત થઇ ગઇ છે, JEE, NEET અને UGC પરીક્ષાઓ દેશની 12 ભાષાઓમાં યોજવામાં આવી રહી છે
આજથી, વિદ્યાર્થીઓ માતૃભાષામાં ટેકનિકલ અને મેડિકલ શિક્ષણ મેળવવા ઉપરાંત, તેઓ તેમની પોતાની ભાષામાં સંશોધન પણ કરી શકશે
21મી સદીમાં કેટલીક તાકાતઓ બ્રેઇન ડ્રેઇન થિયરી અપનાવી છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ થિયરીને બ્રેઇન ગેઇન થિયરીમાં બદલી રહ્યા છે
વિદ્યાર્થીઓએ તેમની ભાષાકીય હીનતાની ભાવનામાંથી બહાર આવવું જોઇએ, કારણ કે આજે દેશમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની સરકાર છે અને તમે તમારી પોતાની ભાષાઓમાં તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરી શકો છો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચો પર રાજભાષા હિન્દીમાં તેમનું સંબોધન આપીને વિશ્વને એક સંદેશ આપ્યો છે, જ્યારે શ્રી મોદીજી વૈશ્વિક મંચ પર હિન્દીમાં બોલે છે, ત્યારે આપણા યુવાનોનો આત્મવિશ્વાસ વધે છે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ટેકનિકલ અને તબીબી શિક્ષણ ક્ષેત્રમાં ઘણા ફેરફાર કર્યા છે
2014માં 387 મેડિકલ કોલેજો હતી અને વધીને આજે 596 થઇ ગઇ છે, MMBSની બેઠકો 51 હાજરથી વધીને 79 હજાર, IITની સંખ્યા 16 થી વધીને 23, IIMની સંખ્યા 13થી વધીને 20 અને IIITની સંખ્યા 9 થી વધીને 25 થઇ ગઇ છે
2014માં દેશમાં 723 યુનિવર્સિટીઓ હતી, જેને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધારીને 1043 કરી દીધી છે
મોદીજી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી આપણી ભાષાઓના ગૌરવને સ્થાપિત કરીને અને આખા દેશમાં ટેકનિકલ, મેડિકલ તેમજ કાયદાના અભ્યાસની વ્યવસ્થા કરવાથી દેશની ક્ષમતાની ક્રાંતિ આવવાની છે
ભાષા અને બૌદ્ધિકક્ષમતા વચ્ચે કોઇ જ પારસ્પરિક સંબંધ નથી, ભાષા તો માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે જ્યારે બૌદ્ધિક ક્ષમતા તો બાળકને ઇશ્વરે જ આપેલી હોય છે જેને શિક્ષણ દ્વારા નિખારી શકાય છે
આજની આ શરૂઆતથી ભારત સંશોધન ક્ષેત્રે દુનિયામાં ઘણું આગળ વધશે અને આપણા બાળકોની બૌદ્ધિક ક્ષમતાનો પણ વિશ્વને પરિચય થશે
Posted On:
16 OCT 2022 4:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશના ભોપાલમાં દેશમાં સૌપ્રથમ વખત હિન્દીમાં MBBSના અભ્યાસક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉપસ્થિતોને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ભારતના મેડિકલ ક્ષેત્ર માટે આજનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને આવનારા સમયમાં સોનેરી અક્ષરોથી લખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશના શિક્ષણ ક્ષેત્રના પુનર્જિવન અને પુનઃનિર્માણનો દિવસ છે. શ્રી શાહે આગળ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક, ટેકનિકલ અને તબીબી શિક્ષણમાં બાળકની માતૃભાષાને મહત્વ આપીને ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ તમામ પ્રાદેશિક ભાષાઓ જેમ કે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, બંગાળી વગેરેમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું હતું અને મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર આનો અમલ કરવામાં સૌથી આગળ રહી છે અને આનાથી મોદીજીની ઇચ્છા પૂરી થઇ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજથી હવે હિન્દીમાં તબીબી શિક્ષણનો પ્રારંભ થઇ રહ્યો છે અને ટૂંક સમયમાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ હિન્દીમાં પણ શરૂ કરવામાં આવશે અને દેશભરની આઠ ભાષાઓમાં એન્જિનિયરિંગના પુસ્તકોના અનુવાદની શરૂઆત થઇ ગઇ છે, અને ટૂંક સમયમાં જ દેશભરના વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં ટેકનિકલ તેમજ મેડિકલ શિક્ષણ મેળવી શકશે. તેમણે આગળ કહ્યું હતું, કે આ દિવસ ઘણો મહત્વનો છે કારણ કે આજથી વિદ્યાર્થીઓ માત્ર તેમની માતૃભાષામાં ટેકનિકલ અને તબીબી શિક્ષણની સૂચનાઓ પ્રાપ્ત કરશે એવું નથી, પરંતુ તેઓ તેમની પોતાની ભાષામાં સંશોધન પણ કરી શકશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મધ્યપ્રદેશ એવું પ્રથમ રાજ્ય છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની નવી શિક્ષણ નીતિને ખૂબ જ સારી રીતે પાયાથી લાગુ કરી રહ્યું છે. શ્રી શાહે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વિચારવાની પ્રક્રિયા તેની માતૃભાષામાં જ સૌથી શ્રેષ્ઠ રીતે થાય છે અને માતૃભાષામાં બોલાતા શબ્દો હૃદયને સ્પર્શે છે. તેમણે કહ્યું હતું કે વિચાર, પુનરાવર્તન, રિસર્ચ, તર્ક, વિશ્લેષણ અને નિર્ણય પર પહોંચવાની પ્રક્રિયા આપણું મન માતૃભાષામાં જ કરે છે. તેમણે કહ્યું હતું કે જો અભ્યાસ અને સંશોધન માતૃભાષામાં કરવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશોના વિદ્યાર્થીઓ કરતાં જરાય ઓછા સક્ષમ નથી અને તેઓ સંશોધનમાં ભારતનું નામ રોશન કરશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 21મી સદીમાં કેટલીક તાકાતઓ બ્રેઇન ડ્રેઇનની થિયરી અપનાવી અને આજે પ્રધાનમંત્રી મોદી બ્રેઇન ડ્રેઇનની થિયરીને બ્રેઇન ગેઇન થિયરીમાં રૂપાંતરિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આજે મોદીજીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિએ આપણી ભાષાઓને મહત્વ આપવાની શરૂઆત કરી છે. દેશની 12 ભાષાઓમાં આપણે JEE, NEET અને UGCની પરીક્ષાઓ લેવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ દેશની 13 ભાષાઓમાં લેવામાં આવી રહી છે અને 10 રાજ્યોએ તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, મલયાલમ અને ગુજરાતીમાં અનુવાદ કરીને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો શીખવવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પોતાની જ ભાષામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓની ક્ષમતામાં ચોક્કસપણે વધારો થશે. તેમણે દેશભરના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તમારે ભાષાકીય હીનતાની ભાવનામાંથી બહાર આવવું જોઇએ કારણ કે આજે દેશમાં નરેન્દ્ર મોદીજીની સરકાર છે અને તમે તમારી પોતાની ભાષામાં તમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરી શકો છો. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજીએ વૈશ્વિક મંચો પર તેમની રાજભાષા હિન્દીમાં ભાષણ આપીને સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે મોદીજી વૈશ્વિક મંચ પર હિન્દીમાં સંબોધન આપે છે ત્યારે દેશભરના યુવાનોનો આત્મવિશ્વાસ વધે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ટેકનિકલ અને તબીબી શિક્ષણના ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2014માં મેડિકલ કોલેજોની સંખ્યા 387 હતી જે વધીને 596 થઇ ગઇ છે, MBBSની બેઠકોની સંખ્યા 51 હજારથી વધારીને 79 હજાર કરવામાં આવી છે. IITની સંખ્યા 16 હતી જે હવે 23 થઇ ગઇ છે, IIMની સંખ્યા 13 હતી જે હવે વધીને 20 થઇ ગઇ છે અને IIITની સંખ્યા 9 હતી જે હવે વધીને 25 થઇ ગઇ છે. 2014માં, દેશમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 723 હતી, જે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વધારીને 1043 કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મોદીજી દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી, આપણી ભાષાઓનું ગૌરવ સ્થાપિત કરીને અને સમગ્ર દેશમાં આપણી ભાષાઓમાં ટેકનિકલ, તબીબી અને કાયદાના અભ્યાસની વ્યવસ્થા કરીને, દેશની ક્ષમતામાં એક ક્રાંતિ થવા જઇ રહી છે. શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે, અંગ્રેજીનો પ્રચાર- પ્રસાર કરનારા લોકોએ ભાષાને બૌદ્ધિક ક્ષમતા સાથે સાંકળી લીધી છે, પરંતુ ભાષા અને બૌદ્ધિક ક્ષમતા વચ્ચે કોઇ જ સંબંધ નથી હોતો. ભાષા એ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે જ્યારે બૌદ્ધિક ક્ષમતા તો બાળકને ઇશ્વરે જ આપેલી હોય છે જેને શિક્ષણ દ્વારા નિખારી શકાય છે અને જો માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવે તો તે બૌદ્ધિક ક્ષમતા વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમણે કહ્યું હતું કે આજની આ શરૂઆતથી ભારત સમગ્ર વિશ્વમાં સંશોધન ક્ષેત્રે ઘણું આગળ વધશે અને આપણા બાળકોની બૌદ્ધિક ક્ષમતાનો પરિચય પણ સમગ્ર દુનિયાને થશે.
YP/GP/JD
(Release ID: 1868331)
Visitor Counter : 294