પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વકર્મા જયંતીના પાવન પર્વ પર આઇટીઆઈના કૌશલ દિક્ષાંત સમારંભ પર પ્રધાનંમત્રીના સંબોધનનો મૂળ પાઠ

Posted On: 17 SEP 2022 4:35PM by PIB Ahmedabad

નમસ્કાર!

આજે મારું સૌભાગ્ય છે કે, મને દેશના ITI'sના લાખો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરવાની તક મળી છે. કૌશલ્ય વિકાસ કે સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીગણ, શિક્ષણગણ, શિક્ષણ જગતના અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

21મી સદીમાં પ્રગતિના પંથે અગ્રેસર આપણા દેશમાં આજે એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે. પહેલીવાર ITIના 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારંભનું આયોજન થયું છે. 40 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમ થકી પણ જોડાયેલા છે. હું તમને બધાને કૌશલ્ય દીક્ષાંત સમારંભની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આજે તો સોનામાં સુગંધ જેવો પ્રસંગ છે. આજે ભગવાન વિશ્વકર્માની જયંતી પણ છે. આ કૌશલ્ય દીક્ષાંત સમારંભ, પોતાના કૌશલ્યથી નવનિર્માણના પથ પર તમારું પહેલું પગલું, અને વિશ્વકર્મા જયંતીનો પવિત્ર પાવન અવસર! કેટલો અદ્ભૂત સંયોગ છે. હું ખાતરી સાથે કહી શકું છું કે, તમારી આ શરૂઆત જેટલી સુખદ છે, એટલી જ તમારી આવતીકાલની સફર પણ સર્જનાત્મક બનશે. તમને અને તમામ દેશવાસીઓને ભગવાન વિશ્વકર્માની જયંતીની પણ હાર્દિક શુભકામનાઓ.

સાથીદારો,

વિશ્વકર્મા જયંતી, આ કૌશલ્યની પ્રાણપ્રતિષ્ઠાનું પર્વ છે. જેમ કોઈ મૂર્તિકાર મૂર્તિ બનાવે છે, પણ જ્યાં સુધી તેની પ્રાણપ્રતિષ્ઠા થતી નથી, ત્યાં સુધી તે મૂર્તિ ભગવાનનું સ્વરૂપ કહેવાતી નથી. આજે આપણે બધા માટે ગર્વની વાત છે કે આજે વિશ્વકર્મા જયંતીના દિવસે તમારા કૌશલ્યની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે, તમારા કૌશલ્યને માન્યતા મળી રહી છે. વિશ્વકર્મા જયંતી ખરાં અર્થમાં શ્રમ કરનાર વ્યક્તિનું સન્માન છે, શ્રમિકનો દિવસ છે. આપણે ત્યાં શ્રમિકના કૌશલ્યમાં ઈશ્વરનો અંશ જોવામાં આવ્યો છે, તેને વિશ્વકર્મા સ્વરૂપે જોવામાં આવ્યો છે. એટલે તમારી પાસે આજે જે કૌશલ્ય છે, સ્કિલ છે, તેમાં એક યા બીજા સ્વરૂપે ઈશ્વરનો અંશ છે. મારું માનવું છે કે, આ યોજન ભગવાન વિશ્વકર્મા ને આપણી એક ભાવભીની કૌશલાંજલિની જેમ છે. કૌશલાંજલિ કહો કે કર્માંજલિ કહો, વિશ્વકર્મા જયંતીથી વધારે સારો દિવસ બીજો કયો હોઈ શકે.

સાથીદારો,

છેલ્લાં 8 વર્ષ દરમિયાન દેશે ભગવાન વિશ્વકર્માની પ્રેરણાથી અનેક નવી યોજનાઓ શરૂ કરી છે, શ્રમ એવ જયતેની આપણી પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવા માટે પ્રયાસ કર્યો છે. અત્યારે દેશ એક વાર ફરી કૌશલ્યને સન્માન આપી રહ્યો છે, કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) પર પણ એટલો જ ભાર આપ્યો છે. આ સદીને ભારતની સદી બનાવવા માટે બહુ જરૂરી બાબત છે – ભારતના યુવા પેઢીને અભ્યાસની સાથે સ્કિલ કે કૌશલ્યમાં જ કુશળ બનાવવી. આ જ વિચાર સાથે અમારી સરકારે યુવાનોના કૌશલ્ય વિકાસ અને નવી સંસ્થાઓના નિર્માણને સૌથી વધુ મહત્વ આપ્યું છે. આપણા દેશમાં પ્રથમ આઇટીઆઇની સ્થાપના વર્ષ 1950માં થઈ હતી. ત્યારબાદ સાત દાયકામાં લગભગ 10 હજાર નવી આઇટીઆઈ ઊભી થઈ હતી. અમારી સરકારે છેલ્લાં 8 વર્ષ દરમિયાન લગભગ 5 હજાર નવી આઇટીઆઈ ઊભી કરી છે. છેલ્લાં આઠ વર્ષમાં આ આઇટીઆઈ સંસ્થાઓએ 4 લાખથી વધારે નવી બેઠકો ઉમેરી છે. આ ઉપરાંત દેશભરમાં રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ, ભારતીય કૌશલ્ય સંસ્થાઓ અને હજારો કૌશલ્ય વિકાસ કેન્દ્રો પણ ખોલ્યાં છે. શાળાસ્તરે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર, 5 હજારથી વધારે કૌશલ્ય કેન્દ્રો પણ ખોલવા તરફ અગ્રેસર છે. દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. તેમાં પણ અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, શાળાઓમાં કૌશલ્યલક્ષી અભ્યાસક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે.

આઇટીઆઇ સંસ્થાઓના તમે બધા વિદ્યાર્થીઓ માટે સરકારે એક વધુ નિર્ણય લીધો છે, જેનો લાભ તમને બધાને મળી રહ્યો છે. 10મું ધોરણ પાસ કરીને આઇટીઆઇમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને નેશનલ ઓપન સ્કૂલ માધ્યમથી સરળતાપૂર્વક 12મી પાસનું સર્ટિફિકેટ પણ મળી રહ્યું છે. તેના પગલે તમને આગળ અભ્યાસ કરવામાં વધારે સરળતા રહેશે. તમારા માટે એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય થોડા મહિના અગાઉ લેવાઈ ગયો છે. હવે આપણી સેનામાં આઇટીઆઈમાંથી ટેકનિકલ તાલીમ લઈને બહાર આવતા યુવાનોની ભરતી માટે વિશેષ જોગવાઈ છે. એટલે આઇટીઆઈમાંથી બહાર નીકળતા યુવાનોને સેનામાં પણ ભરતી થવાની તકો મળશે.

સાથીદારો,

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0ના આ ગાળામાં ભારતની સફળતામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ – આઇટીઆઈની પણ બહુ મોટી ભૂમિકા છે. સમય સાથે થઈ રહેલા પરિવર્તનને સુસંગત રોજગારી કે નોકરીમાં કામગીરીઓ પણ બદલાઈ રહી છે. એટલે સરકારે આ વાતનું વિશેષ ધ્યાન રાખ્યું છે કે, આપણી આઇટીઆઈ સંસ્થાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને દરેક આધુનિક અભ્યાસક્રમની સુવિધા પણ મળે. અત્યારે કોડિંગથી લઈને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, 3ડી પ્રિન્ટિંગ, ડ્રોન ટેકનોલોજી, ટેલી-મેડિસિન સાથે જોડાયેલા અનેક અભ્યાસક્રમો આઇટીઆઈ સંસ્થાઓમાં શરૂ થયા છે. તમે એ પણ જોઈ રહ્યાં છો કે, અત્યારે ભારત કઈ રીતે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં, ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં લીડ લઈ રહ્યું છે. આપણી અક આઇટીઆઈ સંસ્થાઓમાં એની સાથે સંબંધિત અભ્યાસક્રમો શરૂ થવાથી તમારા જેવા વિદ્યાર્થીઓને રોજગારની તક મળવામાં વધારે સરળતા ઊભી થશે.

સાથીદારો,

અત્યારે દેશમાં જેમ જેમ ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે, તેમ તેમ રોજગારીની તકો પણ વધી રહી છે. જેમ અત્યારે દેશના દરેક ગામ સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચી રહ્યું છે, લાખો કોમન સર્વિસ સેન્ટર ખુલી રહ્યાં છે, તો આઇટીઆઈમાંથી ભણીને બહાર આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે ગામડાઓમાં પણ વધારે તકો ઊભી રહી છે. ગામડે-ગામડે મોબાઇલનું રિપેર કામ હોય, ખેતીમાં નવી ટેકનોલોજી સાથે જોડાયેલું કામ હોય, ડ્રોનથી ખાતર કે દવાનો છંટકાવ કરવાનું કામ હોય – આ પ્રકારની અનેક નવી રીતે રોજગારી ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાઈ રહી છે. આ સંભાવનાઓનો આપણી યુવા પેઢીને સંપૂર્ણ લાભ મળે એમાં આઇટીઆઈ સંસ્થાઓની ભૂમિકા બહુ મોટી અને અહમ છે. સરકાર આ જ વિચાર સાથે સતત આઇટીઆઈ સંસ્થાઓને અપગ્રેડ કરવાનું પણ કામ કરી રહી છે, સમયને અનુકૂળ પરિવર્તનનો પ્રયાસ કરી રહી છે.

સાથીદારો,

સ્કિલ ડેવલપમેન્ટ કે કૌશલ્ય વિકાસ સાથે યુવાનોમાં સોફ્ટ સ્કિલ્સ હોવી પણ એટલી જ જરૂરી છે. આઇટીઆઈ સંસ્થાઓમાં હવે એના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વ્યવસાયની યોજના કેવી રીતે બનાવાય, બેંકોમાંથી લોન મેળવવાની કઈ કઈ યોજનાઓ છે, કેવી રીતે જરૂરી ફોર્મ ભરવા, કેવી રીતે નવી કંપનીની નોંધણી કરાવી – આ તમામ સાથે સંબંધિત જાણકારીઓને પણ તમારા અભ્યાસક્રમ સાથે જ આપવાનું કામ ચાલી રહ્યું છે. સરકારના આ જ પ્રયાસોના પરિણામે અત્યારે ભારતની પાસે કૌશલ્યમાં ગુણવત્તા પણ આવી રહી છે અને વિવિધતા પણ. છેલ્લાં થોડાં સમયમાં આપણા આઇટીઆઈ પાસ થયેલા વિદ્યાર્થીઓએ વર્લ્ડ સ્કિલ્સ કોમ્પિટિશનમાં ઘણાં મોટાં પુરસ્કારો મેળવ્યાં છે.

સાથીદારો,

સ્કિલ ડેવલપમેન્ટ કે કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલું અન્ય એક પાસું છે, જેની ચર્ચા કરવી એટલી જ જરૂરી છે. જ્યારે કોઈ યુવાન પાસે શિક્ષણની શક્તિ સાથે કૌશલ્યનું સામર્થ્ય પણ હોય છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. જ્યારે યુવા પેઢી કૌશલ્ય સાથે સશક્ત થઈને બહાર નીકળે છે, ત્યારે તેમના મનમાં આ વિચાર પણ હોય છે કે, કેવી રીતે તે પોતાનું કામ શરૂ કરે. સ્વરોજગારીની આ ભાવનાને સાથસહકાર આપવા માટે અત્યારે તમારી પાસે ગેરેન્ટી વિના લોન આપતી મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ જેવી યોજનાઓની તાકાત પણ છે. લક્ષ્ય સામે છે, તમારે એ દિશામાં આગળ વધવાનું છે. અત્યારે દેશે તમારો હાથ પકડ્યો છે, આવતીકાલે તમારે દેશને પ્રગતિના પંથે અગ્રેસર કરવાનો છે. જે રીતે તમારા જીવનના આગામી 25 વર્ષ બહુ મહત્વપૂર્ણ છે, એ જ રીતે દેશ માટે પણ અમૃતકાળના આ 25 વર્ષ એટલાં જ મહત્વપૂર્ણ છે. તમે તમામ યુવાનો, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ અભિયાનના કર્ણધાર છો. તમે ભારતના ઉદ્યોગજગતની કરોડરજ્જુ સમાન છો અને અને એટલે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમારી બહુ મોટી ભૂમિકા છે.

સાથીદારો,

તમારે અન્ય એક વાત યાદ રાખવાની છે. અત્યારે દુનિયાના ઘણા મોટા દેશોને પોતાના સ્વપ્નો સાકાર કરવા માટે, પોતાના વિકાસની ગતિને જાળવી રાખવા માટે કૌશલ્ય ધરાવતી વર્કફોર્સની જરૂર છે. તમારા માટે દેશની સાથે વિદેશોમાં પણ અનેક તકો રાહ જોઈ રહી છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારત પ્રત્યે દુનિયાનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. કોરોનાકાળમાં પણ ભારતે સાબિત કર્યું છે કે, તેની કુશળતા ધરાવતી વર્કફોર્સ, તેની યુવા પેઢી, કઈ રીતે મોટા પડકારોનું સમાધાન કરવામાં સક્ષમ છે. અત્યારે આરોગ્યલક્ષી સેવાઓ હોય કે હોટેલ-હોસ્પિટલ મેનેજમેન્ટ હોય, ડિજિટલ સોલ્યુશન્સ હોય કે આપત્તિ નિવારણનાં વ્યવસ્થાપનનું ક્ષેત્ર હોય – ભારતની યુવા પેઢી પોતાની કુશળતાને કારણે, પોતાની પ્રતિભાના બળે દરેક દેશમાં પોતાનો ડંકો વગાડી રહ્યાં છે. મને યાદ છે, વિદેશ પ્રવાસો દરમિયાન મને કેટલીક વાર અલગ-અલગ મોટા નેતાઓએ કહ્યું કે, અમારા દેશમાં આ ઇમારત ભારતના લોકોએ બનાવી છે, આ પ્રોજેક્ટ ભારતના લોકોએ પૂરો કર્યો છે. તમારે પણ આ જ વિશ્વાસને સંપૂર્ણ લાભ મેળવવો જોઈએ.

સાથીદારો,

આજે હું તમને વધુ એક આગ્રહ કરવા ઇચ્છું છું. તમે જે કંઈ પણ શીખ્યાં છો, તે તમારા ભવિષ્યનો આધાર જરૂરી બનશે, પણ તમારે ભવિષ્યને હિસાબે તમારા કૌશલ્યને વધારવું પણ પડશે. એટલે જ્યારે કૌશલ્યની વાત આવે છે, ત્યારે તમારો મંત્ર આ હોવો જોઈએ – સ્કિલિંગ, રિસ્કિલિંગ એન્ડ અપસ્કિલિંગ એટલે કે કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્યમાં સંવર્ધન. તમે ભલે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તેમાં શું નવું થઈ રહ્યું છે એના પર જરૂર નજર રાખજો. જેમ જો કોઈ વિદ્યાર્થીએ ઓટોમોબાઇલનો સામાન્ય કોર્સ કર્યો છે, તો તેણે હવે ઇલેક્ટ્રિક વાહનના હિસાબે પોતાની કુશળતા વધારવી પડશે. આ જ રીતે દરેક ક્ષેત્રમાં ચીજવસ્તુઓ કે કામગીરી ઝડપથી બદલાઈ રહી છે. એટલે તમે તમારા કૌશલ્યને બદલાતા સમય સાથે સંવર્ધિત કરતાં રહો, ઇનોવેટ કરતાં રહો. તમારા ક્ષેત્રમાં કઈ નવી કુશળતા શીખવાથી તમારા કામની ક્ષમતામાં અનેકગણો વધારો થશે – આની જાણકારી મેળવવી બહુ જરૂરી છે. એટલે નવું કૌશલ્ય પણ જરૂર શીખો અને પોતાની જાણકારીને પોતાના કૌશલ્ય સાથે નવા ભારતના શ્રેષ્ઠ ભવિષ્યને દિશા આપશો.

બીજું, સાથીદારો, એક વાત હું કહેવા ઇચ્છું છું કે, તમે ક્યારેય તમારી જાતનું મૂલ્ય ઓછું ન આંકો. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારું કૌશલ્ય, તમારું સામર્થ્ય, તમારો સંકલ્પ, તમારું સમર્પણ દેશની બહુ મોટી મૂડી છે. મારા માટે ગર્વની વાત છે કે, આજે વિશ્વકર્મા જયંતી પર મને જેમના હાથમાં કુશળતા છે, કૌશલ્ય છે અને તમારી આંખોમાં બહુ મોટાં સ્વપ્નો છે, તમારા જેવા નવયુવાનો સાથે સંવાદ કરવાની તક મળી છે. ભગવાન વિશ્વકર્મા તમારા પર સતત આશીર્વાદ વરસાવતા રહે, તમારું કૌશલ્ય સતત વધતું રહે, તેમાં વધારો થતો રહે, આ જ ભાવના સાથે તમને બધાને ઘણી શુભકામનાઓ.

ધન્યવાદ!

YP/GP/JD



(Release ID: 1860247) Visitor Counter : 148