પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ કહ્યું કે, હાલમાં ચાલી રહેલા સમુદ્ર કાંઠાની સફાઇ અભિયાનને સમાજના તમામ વર્ગો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે
અન્ય લોકો ઉપરાંત રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, જાણીતી હસ્તીઓ, ફિલ્મ અને રમતગમતની હસ્તીઓ, નાગરિક સમાજ સમૂહો વગેરે ખૂબ જ ઉત્સાહ સાથે અભિયાનમાં જોડાઇ રહ્યા છે
“સ્વચ્છ સાગર, સુરક્ષા સાગર” નામના વિશ્વના સૌથી લાંબા અને સૌથી મોટા બીચ સફાઇ અભિયાનને સૌ લોકોએ પોતાના તરફથી સમર્થન આપવાનો સંકલ્પ લીધો: સોશિયલ મીડિયા દ્વારા અભિયાનને સમર્થન આપવા બદલ મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હીમાં પત્રકારો સાથે સંવાદ કરતાં, મંત્રીએ “આંતરરાષ્ટ્રીય સમુદ્ર કાંઠાની સફાઇ દિવસ” નિમિત્તે મુખ્યત્વે સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિત 1,500 ટન કચરો, દરિયા કિનારેથી દૂર કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉમદા અભિયાનમાં મીડિયાનો સંપૂર્ણ સહયોગ માંગ્યો
પ્રધાનમંત્રી મોદીએ ગઇ કાલે મુંબઇના જુહુ બીચ પરથી કચરો દૂર કરવાના સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરીને ભારતના દરિયાકિનારાને સ્વચ્છ રાખવા પર ભાર મૂક્યો
Posted On:
13 SEP 2022 6:35PM by PIB Ahmedabad
75 દિવસ સુધી ચાલનારા સમુદ્ર કાંઠાની સફાઇ અભિયાનને સમાજના તમામ વર્ગો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અન્ય લોકો ઉપરાંત રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, જાણીતી હસ્તીઓ, ફિલ્મ અને રમતગમતની હસ્તીઓ, નાગરિક સમાજના સમૂહો વગેરે આ અભિયાનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે અને “સ્વચ્છ સાગર, સુરક્ષા સાગર” નામના વિશ્વના આ સૌથી લાંબા અને સૌથી મોટા બીચ સફાઇ અભિયાનને સૌ લોકોએ પોતાના તરફથી સમર્થન આપવાનો સંકલ્પ લીધો. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા તમામ અન્ય કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો તેમજ દરિયા કાંઠો ધરાવતા રાજ્યોની રાજ્ય સરકારો સાથે સહયોગ દ્વારા આ અભિયાનનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
17મી સપ્ટેમ્બરે “આંતરરાષ્ટ્રીય સમુદ્ર કાંઠાની સફાઇ દિવસ”ના ત્રણ દિવસ પહેલાં આજે નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર), પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર); PMO, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેઓ 17 સપ્ટેમ્બરના રોજ મુંબઇના જુહુ બીચ પર આ સફાઇ અભિયાનમાં જોડાશે અને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના જુહુ મતક્ષેત્રના સાંસદ પૂનમ મહાજન અને અનેક જાણીતી હસ્તીઓ અને NGO પણ આ સફાઇ અભિયાનમાં જોડાશે.
મંત્રીશ્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપેલા સમર્થન બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મુંબઇના જુહુ બીચ ખાતેથી કચરો દૂર કરવાના સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ભારતના દરિયાકિનારાને સ્વચ્છ રાખવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા બીચ પર સફાઇ અંગે પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના જવાબમાં શ્રી મોદીએ ટ્વીટ કર્યું હતું, “પ્રશંસનીય... આ પ્રયાસમાં સામેલ થયેલા તમામ લોકોની હું પ્રશંસા કરું છું. ભારતને એક લાંબો અને સુંદર દરિયાકિનારો આશીર્વાદરૂપે મળ્યો છે અને આપણે આપણા દરિયાકિનારાને સ્વચ્છ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તે ખૂબ જ મહત્વનું છે." મંત્રીશ્રીએ કહ્યું હતું કે, "મુંબઇના જુહુ બીચ પર ક્લિનથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને યુવાનો અને નાગરિક સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.”
ડૉ. જીતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિશ્વ પ્રસિદ્ધ પુરી ખાતેના બીચ પર સફાઇ અભિયાનનું નેતૃત્વ સંભાળશે, જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગી ચાંદીપુર ખાતે આ અભિયાનમાં જોડાશે. પશ્ચિમ બંગાળના હુગલીના ભાજપના સાંસદ શ્રીમતી લોકેટ ચેટર્જી ડી-ડેના રોજ દિઘા ખાતે રહેશે. આર.કે.મિશનના વડા દક્ષિણ બંગાળમાં બક્ખલી ખાતે અભિયાનનું નેતૃત્વ સંભાળશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદર (માધવપુર) ખાતે રહેશે જ્યારે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ ખોડાભાઇ રૂપાલા જાફરાબાદ, અમરેલી ખાતે સફાઇ કામગીરીમાં જોડાશે.
ગોવાના રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઇ અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંત 17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ અને ઉત્તર ગોવાના દરિયાકિનારા પર બીચની સફાઇના અભિયાનમાં ભાગ લેશે.
એવી જ રીતે, કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન કોચી ખાતે રહેશે, જ્યારે વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન તિરુવનંતપુરમ ખાતે કોવલમ બીચ પર રહેશે.
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત મેંગલોરના પનામ્બુર બીચ ખાતે આ અભિયાનમાં જોડાશે, જ્યારે તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તામિલિસાઇ સૌંદરરાજન પુડુચેરી બીચ ખાતે આ અભિયાનમાં મદદનો હાથ લંબાવશે.
મિઝોરમના રાજ્યપાલ ડૉ. કે. હરિબાબુ વિઝાગ બીચ ખાતે આ અભિયાનમાં ભાગ લેશે જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગન ચેન્નઇ ખાતેના કાર્યક્રમમાં જોડાશે.
ડૉ. જિતેન્દ્ર સિંહે આગળ માહિતી આપી હતી કે, આ અભિયાન સમગ્ર સરકારના અભિગમ ઉપરાંત સમગ્ર રાષ્ટ્રની સહભાગીતાના મોડમાં પ્રવેશી ગયું છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, વિદેશ બાબતોનું મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય ઉપરાંત રાષ્ટ્રીય સેવા યોજના (NSS), ભારતીય તટરક્ષક દળ, રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), સીમા જાગરણ મંચ, SFD, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધી (PSG) જેવી સંસ્થાઓ અને સંગઠનો તેમજ અન્ય સામાજિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે.
સમુદ્ર કાંઠાના રાજ્યોના સાંસદોએ પણ વિશ્વમાં આ પ્રકારના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી ચાલનારા સમુદ્ર કાંઠાના સફાઇ અભિયાનને સંપૂર્ણ સમર્થન આપવાનો સંકલ્પ લીધો છે અને તેમણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને સ્થાનિક NGOને સામેલ કરીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ સલાહ આપી છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1859041)
Visitor Counter : 262