પ્રધાનમંત્રીનું કાર્યાલય
બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન
Posted On:
07 SEP 2022 3:01PM by PIB Ahmedabad
1. પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ સરકારના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીનાએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 05 થી 08 સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ તેમની સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી શેખ હસીનાના કાર્યક્રમમાં 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે થયેલા યુદ્ધ દરમિયાન શહીદ થયેલા અને ગંભીર રીતે ઇજા પામેલા ભારતીય સશસ્ત્ર દળોના 200 વંશજો માટે "બંગબંધુ શેખ મુજીબુર રહેમાન વિદ્યાર્થી શિષ્યવૃત્તિ"નો પણ સમાવેશ થાય છે. તેમણે એક વ્યાવસાયિક કાર્યક્રમમાં પણ સંબોધન આપ્યું હતું, આ કાર્યક્રમનું આયોજન 7 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય અને બાંગ્લાદેશના વેપારી સમુદાયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
2. બંને દેશના પ્રધાનમંત્રીઓએ 6 સપ્ટેમ્બર 2022ના રોજ એક મર્યાદિત અને બંધબારણે થયેલી બેઠક કરી હતી અને ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં ચર્ચા યોજવામાં આવી હતી. આ બેઠકો બંને પક્ષે ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે જોવા મળી હતી. બંને દેશના નેતાઓએ ગાઢ ઐતિહાસિક અને ભાઇચારાના સંબંધો અને લોકશાહી અને બહુલવાદના સહિયારા મૂલ્યો પર આધારિત દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે સંબંધો સાર્વભૌમત્વ, સમાનતા, વિશ્વાસ અને સમજણ પર આધારિત સર્વવ્યાપી દ્વિપક્ષીય ભાગીદારીમાં પ્રતિબિંબિત થાય છે જે વ્યૂહાત્મક ભાગીદારીમાં પણ આગળ વધ્યા છે.
3. બંને નેતાઓએ બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ, રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી તેમજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીમાં સામેલ થવા માટે માર્ચ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધેલી સત્તાવાર મુલાકાત અને ત્યારબાદ ડિસેમ્બર 2021 માં બાંગ્લાદેશના વિજય દિવસની સુવર્ણ જયંતિની ઉજવણીમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેવા માટે ભારતના રાષ્ટ્રપતિએ લીધેલી સત્તાવાર મુલાકાતના સંસ્મરણોને યાદ કર્યા હતા.
4. બંને દેશના પ્રધાનમંત્રીઓએ ઉચ્ચ સ્તરીય મુલાકાતોના સતત આદાનપ્રદાન અંગે સંતોષ વ્યક્ત કરવા સાથે તેની નોંધ લીધી હતી, જેના કારણે પારસ્પરિક સહકારના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકી છે. બંને પક્ષોએ જૂન 2022માં ભારતની નવી દિલ્હી ખાતે બંને દેશોના વિદેશ મંત્રીઓના નેતૃત્વ હેઠળ સંયુક્ત સલાહકાર પંચની સાતમી બેઠકના સફળ આયોજનને પણ યાદ કર્યું હતું.
5. બંને પ્રધાનમંત્રીઓએ રાજકીય અને સુરક્ષા સહયોગ, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, વેપાર અને જોડાણ, જળ સંસાધનો, વીજળી અને ઉર્જા, વિકાસ સહયોગ, સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત પારસ્પરિક દ્વિપક્ષીય સહયોગના તમામ ક્ષેત્ર પર વિગતે ચર્ચા કરી હતી. તેઓ પર્યાવરણ, આબોહવા પરિવર્તન, સાઇબર સુરક્ષા, ICT, અવકાશ ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને બ્લુ ઇકોનોમી જેવા પારસ્પરિક સહકારના નવા ક્ષેત્રોમાં એકબીજાને સહયોગ આપવા માટે પણ સંમત થયા હતા.
6. તેમણે આગળ, એકબીજાના હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓના વિવિધ પરિબળો પર વિગતો ચર્ચા કરી હતી. કોવિડ-19 મહામારીની અસર તેમજ વૈશ્વિક વિકાસને કારણે પુરવઠા શૃંખલામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને, બંને નેતાઓએ પ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મિત્રતા અને ભાગીદારીની ભાવનામાં વધુ સહયોગની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.
7. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પેટા-પ્રાદેશિક રેલવે, માર્ગ અને અન્ય કનેક્ટિવિટી સંબંધિત પહેલોને લાગુ કરવાના મહત્વને રેખાંકિત કર્યું હતું. બંને પક્ષોએ ટોંગી-અખૌરા લાઇનના ડ્યૂઅલ-ગેજમાં રૂપાંતરણ, રેલવે રોલિંગ સ્ટોકના પુરવઠા, બાંગ્લાદેશ રેલવેના કર્મચારીઓ માટે ક્ષમતા નિર્માણ, બાંગ્લાદેશ રેલવેની વધુ સારી સેવાઓ માટે IT સોલ્યુશન્સનું આદાનપ્રદાન વગેરે જેવી હાલમાં ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલને આવકારી હતી. બંને પક્ષોએ કૌનિયા- લાલમોનીરહાટ- મોગલઘાટ- ન્યૂ ગીતાલદહા લિંક, હિલી અને બિરમપુર વચ્ચે લિંકની સ્થાપના, બેનપોલ- જશોર લાઇન પર ટ્રેક અને સિગ્નલિંગ સિસ્ટમ અને રેલવે સ્ટેશનોનું અપગ્રેડેશન, બુરીમારી અને ચાંગરાબંધા વચ્ચે લિંક ફરી સ્થાપિત કરવી, સિરાજગંજ ખાતે કન્ટેનર ડેપોનું નિર્માણ કરવું વગેરે જેવી નવી પહેલોને પણ આવકારી હતી, અને બંને પક્ષો દ્વિપક્ષીય વિકાસ સહકાર હેઠળ શ્રેણીબદ્ધ નાણાકીય સાધનોની મદદથી આ પરિયોજનાઓને ભંડોળ આપવા માટે સંમતિ દર્શાવી હતી. ભારતે અનુદાન પેટે 20 બ્રોડ-ગેજ ડીઝલ લોકોમોટિવ્સ પ્રદાન કરવા માટે આપેલા સંકેતને બાંગ્લાદેશ તરફથી આવકારવામાં આવ્યો હતો.
8. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં જોવા મળેલી વૃદ્ધિની પ્રશંસા કરી હતી, તેમજ ભારત સમગ્ર એશિયામાં બાંગ્લાદેશ માટે સૌથી મોટા નિકાસના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે તેની પણ પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશ પક્ષ દ્વારા ભારત પક્ષને વિનંતી કરવામાં આવી હતી કે, ચોખા, ઘઉં, ખાંડ, ડુંગળી, આદુ અને લસણ જેવી આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓનો અનુમાનિત પુરવઠો પહોંચાડવામાં આવે. ભારતીય પક્ષે જણાવ્યુ હતું કે, પ્રવર્તમાન પુરવઠાની સ્થિતિના આધારે બાંગ્લાદેશની વિનંતીઓ પર સાનુકૂળ રીતે વિચાર કરવામાં આવશે ભારત દ્વારા બાંગ્લાદેશની વિનંતી પર વિચાર કરવામાં આવશે અને આ સંદર્ભે તમામ પ્રયાસો કરવામાં આવશે.
9. ભારત-બાંગ્લાદેશ સરહદનું શાંતિપૂર્ણ સંચાલન કરવું એ બંને પક્ષોની સહિયારી અગ્રતા છે તે બાબતને સ્વીકારીને, સરહદે શાંતિ જાળવવા અને ગુનાખોરી મુક્ત સરહદ રાખવાના ઉદ્દેશ સાથે બંને નેતાઓએ અધિકારીઓને ઝીરો લાઇનના 150 યાર્ડની અંદર બાકી રહેલા તમામ વિકાસલક્ષી કાર્યોને પૂરા કરવા માટે ઝડપી ગતિએ કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં ત્રિપુરા ક્ષેત્રથી શરૂ થતી ફેન્સિંગનો સમાવેશ થાય છે.
10. સરહદ પર બનતી ઘટનાઓના કારણે મૃત્યુની સંખ્યામાં થયેલા નોંધપાત્ર ઘટાડાની નોંધ લઇને આ બાબતે સંતોષ વ્યક્ત કરવાની સાથે, બંને પક્ષો આ આંકડો શૂન્ય સુધી લાવવા માટે કામ કરવા અંગે સંમત થયા હતા. બંને પક્ષોએ હથિયારો, માદક દ્રવ્યો અને નકલી ચલણની દાણચોરી સામે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તસ્કરીને રોકવા માટે બંને સરહદોએ રક્ષક દળો દ્વારા વધારવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા સાથે નોંધ લીધી હતી. બંને નેતાઓએ આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાંથી નાબૂદ કરવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને પ્રદેશ અને તેનાથી આગળ આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરપંથીઓના ફેલાવાને રોકવા અને અટકાવવા માટે તેમના સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો.
11. ભારત અને બાંગ્લાદેશના સંયુક્ત નદી આયોગની 38મી મંત્રી સ્તરીય બેઠક (23-25 ઑગસ્ટ 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી) બોલાવવા અંગે સંતોષ સાથે તેની નોંધ લેતા બંને નેતાઓએ ભારત પ્રજાસત્તાકના જલ શક્તિ મંત્રાલય અને અને જળ સંસાધન મંત્રાલય, પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ સરકાર વચ્ચે સહી કરવામાં આવેલા MoUને આવકાર્યો હતો જે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહિયારી સરહદી નદી કુશિયારામાંથી પાણી લેવા અંગે કરવામાં આવ્યો છે, અને આ કરારથી બાંગ્લાદેશને તેની સિંચાઇને લગતી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે અને દક્ષિણ આસામ માટે જળ પરિયોજનાઓ મેળવવાનું સરળ બનશે.
12. ભારતીય પક્ષ દ્વારા ત્રિપુરા રાજ્યની સિંચાઇને લગતી તાકીદની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ફેની નદી પરના વચગાળાના જળ વહેંચણી કરાર પર વહેલી તકે હસ્તાક્ષર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ પક્ષે ભારતના આ અનુરોધની નોંધ લીધી હતી. ત્રિપુરામાં સબરૂમ નગર માટે પીવાના પાણીના પુરવઠા માટે ફેની નદીમાંથી 1.82 ક્યુસેક પાણી મેળવવા અંગે બંને દેશો વચ્ચે 2019માં કરવામાં આવેલા MoUને અમલમાં મૂકવા માટે ભારતને ઇન્ટેક વેલ બાંધવા માટે સક્ષમ બનાવવા બદલ ભારતીય પક્ષે બાંગ્લાદેશનો આભાર માન્યો હતો.
13. દ્વિપક્ષીય સંબંધોમાં જળ વ્યવસ્થાપનના મહત્વને ઓળખી કાઢીને, બંને નેતાઓએ સહકાર વધુ વ્યાપક બનાવવા માટે સંયુક્ત નદી આયોગના નિર્ણયની પ્રશંસા કરી હતી જેમાં ડેટાના આદાન-પ્રદાનને પ્રાથમિકતા આપવા અને વચગાળાના જળ વહેંચણીના કરારોનું માળખું ઘડવા માટે વધારાની સંખ્યામાં નદીઓનો સમાવેશ કરીને સહકારના ક્ષેત્રને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેતાઓએ ગંગાના પાણીની વહેંચણી સંધિ, 1996ની જોગવાઇઓ હેઠળ બાંગ્લાદેશ દ્વારા પ્રાપ્ત થતા પાણીના મહત્તમ ઉપયોગ માટે અભ્યાસ હાથ ધરવા માટે સંયુક્ત ટેકનિકલ સમિતિની રચના કરવાના નિર્ણયને આવકાર્યો હતો.
14. અગાઉ હાથ ધરવામાં આવેલી ચર્ચાઓને યાદ કરતાં, પ્રધાનમંત્રી શેખ હસીનાએ તિસ્તા નદીના પાણીની વહેંચણી અંગેના વચગાળાના કરારને પૂરો કરવા માટે બાંગ્લાદેશની લાંબા સમયથી પડતર વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો, જેના મુસદ્દાને 2011માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંને નેતાઓએ નદીઓમાં પ્રદૂષણ અને સહિયારી નદીઓના સંદર્ભમાં નદીના પર્યાવરણ અને નદીની નેવિગેબિલિટીમાં સુધારો કરવા જેવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સાથે મળીને કામ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
15. પેટા-પ્રાદેશિક સહકારમાં વૃદ્ધિ કરવાની ભાવના સાથે, બંને નેતાઓએ બંને દેશોની પાવર ગ્રીડને સૂમેળમાં જોડવા માટેના પ્રોજેક્ટને ઝડપથી અમલમાં મૂકવા સંમતિ વ્યક્ત કરી હતી, જેમાં કટિહાર (બિહાર)થી બોરનગર (આસામ) થઇને બાંગ્લાદેશમાં પરબતીપુર સુધી સૂચિત ઉચ્ચ ક્ષમતાની 765 KV ટ્રાન્સમિશન લાઇન નાખવાનો સમાવેશ થાય છે, જેને અનુકૂળ રીતે તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ માટેના ભારત- બાંગ્લાદેશ સંયુક્ત સાહસ દ્વારા તૈયાર કરવામાં આવશે. ઉર્જા ક્ષેત્રમાં પેટા-પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત કરવા અંગે પણ બંને પક્ષે સંમતિ સાધવામાં આવી હતી. બાંગ્લાદેશ પક્ષે ભારતમાં થઇને નેપાળ અને ભૂટાનથી વીજળી આયાત કરવાની વિનંતી કરી હતી. ભારતીય પક્ષે માહિતી આપી હતી કે આ અંગેની માર્ગદર્શિકા પહેલાંથી ભારતમાં લાગુ કરવામાં આવેલી છે.
16. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફ્રેન્ડશિપ પાઇપલાઇન પર થયેલી પ્રગતિની બંને નેતાઓએ સમીક્ષા કરી હતી, જે બાંગ્લાદેશની ઉર્જાની માંગને પૂરી કરવામાં યોગદાન આપશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પરિયોજનાનું કામ ખૂબ જ વહેલી તકે પૂરું કરવામાં આવશે. બાંગ્લાદેશ પક્ષે ભારતીય પક્ષને પેટ્રોલિયમ ઉત્પાદનોની સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરવા માટે પણ વિનંતી કરી હતી. ભારતીય પક્ષે બંને પક્ષોની અધિકૃત એજન્સીઓ વચ્ચે ચર્ચાનું આયોજન કરવાની સુવિધા પૂરી પાડવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. આસામ અને મેઘાલયમાં આવેલા વિનાશક પૂરને કારણે ઉભા થયેલા વિક્ષેપોને ધ્યાનમાં રાખીને આસામથી ત્રિપુરા સુધી પેટ્રોલિયમ, તેલ અને લુબ્રિકન્ટના પરિવહનને બાંગ્લાદેશના માર્ગે થઇને શક્ય બનાવવા માટે બાંગ્લાદેશ દ્વારા સમયસર આપવામાં આવેલા સહયોગની ભારતીય પક્ષે પ્રશંસા કરી હતી. ભારતીય પક્ષે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ને બાંગ્લાદેશને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના રજિસ્ટર્ડ G2G સપ્લાયર તરીકે દાખલ કરવાના બાંગ્લાદેશ પક્ષના નિર્ણયને પણ આવકાર્યો હતો.
17. વિકાસની ભાગીદારીમાં બંને પક્ષો વચ્ચેના મજબૂત સહયોગ અંગે બંને નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશ પક્ષે ભારત દ્વારા જે કાર્યક્ષમતા પર વિકાસલક્ષી ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું તેની પ્રશંસા કરવામાં આવી હતી, જેના કારણે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન ભંડોળની વહેંચણીના સંદર્ભમાં ભારત ટોચનું વિકાસલક્ષી ભાગીદાર બન્યું હતું.
18. બંને નેતાઓએ ચટ્ટોગ્રામ અને મોંગલા પોર્ટ્સ (ACMP)નો ઉપયોગ કરવા અંગે કરવામાં આવેલા કરાર હેઠળ સફળતાપૂર્વક ટ્રાયલ રન પૂરી કરવામાં આવી તે સિદ્ધિને આવકારી હતી અને વહેલામાં વહેલી તકે તેની સંપૂર્ણ કામગીરી પૂરી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતીય પક્ષે તૃતીય દેશના એક્ઝિમ કાર્ગોને સમાવી શકાય તે માટે 2015ના દ્વિપક્ષીય કોસ્ટલ શિપિંગ કરારના વિસ્તરણની દિશામાં કામ કરવા માટેની પોતાની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને દેશો વચ્ચે પ્રત્યક્ષ શિપિંગ લિંકનું ઝડપથી અન્વેષણ કરવા માટે પણ બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી હતી. તેમણે ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ (PIWTT)ના રૂટ 5 અને 6 (ધુલિયાનથી રાજશાહી - અરિચા સુધી વિસ્તરણ) અને રૂટ 9 અને 10 (દૌદકાંડીથી સોનામુરા) પર પ્રોટોકોલ હેઠળ નદીની સેવાઓ શરૂ કરવાના નિર્ણયને અમલમાં મૂકવા માટે પણ સંમતિ દર્શાવી હતી. ભારતીય પક્ષે બાંગ્લાદેશ સાથે ત્રિપુરાને જોડતા ફેની નદી પરના મૈત્રી બ્રિજના પરિચાલન માટે બાકી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇમિગ્રેશન અને કસ્ટમ સુવિધાઓને લગતા કાર્યો વહેલી તકે પૂરા કરવા માટે બાંગ્લાદેશને વિનંતી કરી હતી.
19. BBIN મોટર વાહન કરારના વહેલી તકે અમલીકરણ દ્વારા દ્વિપક્ષીય અને પેટા-પ્રાદેશિક કનેક્ટિવિટીને સુધારવાના પ્રયાસોને ઝડપી બનાવવા માટે પણ બંને નેતાઓ સંમત થયા હતા. ભારતીય પક્ષે બાંગ્લાદેશ દ્વારા પશ્ચિમ બંગાળના હિલીથી મેઘાલયના મહેન્દ્રગંજ સુધીના બાંગ્લાદેશ થઇને આવતા ધોરીમાર્ગ સહિત નવી પેટા-પ્રાદેશિક કનેક્ટિવિટી પરિયોજનાઓ શરૂ કરવા માટે સહયોગ આપવા અંગે બાંગ્લાદેશ પક્ષને વિનંતી કરી હતી અને આ સંદર્ભમાં વિગતવાર પરિયોજના રિપોર્ટ તૈયાર કરવાની દરખાસ્ત કરી હતી. આ જ ભાવનામાં, બાંગ્લાદેશે ભારત - મ્યાનમાર - થાઇલેન્ડ ત્રિપક્ષીય ધોરીમાર્ગ પરિયોજના માટે ચાલી રહેલી પહેલમાં ભાગીદાર બનવાની પોતાની આતુરતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
20. ભારતીય પક્ષે માહિતી આપી હતી કે તેણે નિર્દિષ્ટ લેન્ડ કસ્ટમ સ્ટેશન્સ/એરપોર્ટ્સ/બંદરો દ્વારા ત્રીજા દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરવા માટે બાંગ્લાદેશને તેના પ્રદેશ દ્વારા મફત પરિવહનની ઓફર કરવામાં આવી છે. આ સંદર્ભમાં ભારતીય પક્ષે બાંગ્લાદેશના વેપારી સમુદાયને ત્રીજા દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ માટે તેના બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. નેપાળ અને ભૂટાનમાં બાંગ્લાદેશને ઉત્પાદનોની નિકાસ કરવા માટે પણ ભારત મફત પરિવહન પ્રદાન કરે છે. બાંગ્લાદેશ પક્ષે નવા ઉદ્ઘાટન કરવામાં આવેલા ચિલાહાટી- હલ્દીબારી માર્ગ દ્વારા ભૂટાન સાથે રેલવે જોડાણની પણ વિનંતી કરી હતી. ભારતીય પક્ષ તેની કાર્યક્ષમતા અને સંભવિતતાને આધારે વિનંતી પર વિચાર કરવા સંમતિ વ્યક્ત કરી હતી. આ અને અન્ય ક્રોસ બોર્ડર રેલ લિંક્સને વ્યવહારુ બનાવવા માટે, ભારતીય પક્ષે બાંગ્લાદેશ પક્ષને ચિલાહાટી - હલ્દીબારી ક્રોસિંગ પર બંદર પ્રતિબંધો દૂર કરવા વિનંતી કરી હતી.
21. બંને નેતાઓએ તાજેતરમાં સંયુક્ત સંભવિતતા અભ્યાસને અંતિમ ઓપ આપવામાં આવ્યો તે કાર્યને આવકાર્યું હતું હતું જેમાં ભલામણ કરવામાં આવી હતી કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેમણે બંને પક્ષોના વેપાર અધિકારીઓને કેલેન્ડર વર્ષ 2022 ની અંદર વાટાઘાટો શરૂ કરવા અને બાંગ્લાદેશના LDC દરજ્જામાંથી અંતિમ ગ્રેજ્યુએશન થવા માટે સમયસર તેને વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
22. બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવાના મહત્વનો પુનરોચ્ચાર કરતા, તેમણે લેન્ડ કસ્ટમ સ્ટેશનો/લેન્ડ પોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના અપગ્રેડેશનની તાકીદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ઓળખી કાઢવામાં આવેલા લેન્ડ કસ્ટમ સ્ટેશનો પર બંદર પ્રતિબંધો અને અન્ય નોન-ટેરિફ (બિન-નૂર) અવરોધો દૂર કરવા પર ભાર મૂક્યો હતો. ભારતીય પક્ષે બજારની સરળતા માટે, ICP અગરતલા-અખૌરાથી શરૂ કરીને, ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની સરહદ પર, પોર્ટ પ્રતિબંધો અથવા પ્રતિબંધોની નકારાત્મક સૂચિ વગર ઓછામાં ઓછા એક મોટા લેન્ડ પોર્ટ માટે તેની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ પેટ્રાપોલ-બેનપોલ ICP ખાતે બીજા ફ્રેટ ગેટનો વિકાસ કરવા માટે ભંડોળ પૂરું પાડવાની ભારતની દરખાસ્ત પર થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું હતું અને અધિકારીઓને વહેલી તકે કામ પૂરું કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
23. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોમાં વધુ ઘનિષ્ઠતા આવી તે બદલ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓ સંરક્ષણ માટે ક્રેડિટ લાઇન હેઠળના પ્રોજેક્ટને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા માટે પણ સંમત થયા હતા, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે. ભારતે આ સંબંધમાં બાંગ્લાદેશ સશસ્ત્ર દળો માટે વાહનોની પ્રારંભિક ખરીદીની યોજનાને અંતિમ સ્વરૂપ આપવાનું સ્વાગત કર્યું અને દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધારવા માટે આતુર હોવાનું જણાવ્યું હતુ. ભારતીય પક્ષે વહેલી તારીખે સઘન સમુદ્રી સુરક્ષા માટે કોસ્ટલ રડાર સિસ્ટમ પ્રદાન કરવા માટે 2019ના MoUને અમલમાં મૂકવાની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો.
24. કોવિડ-19 મહામારી દરમિયાન બાંગ્લાદેશને રસી મૈત્રી અને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો અને બાંગ્લાદેશ દ્વારા ભારતને દવાઓની ભેટ આપવા સહિત બંને દેશો વચ્ચેના ગાઢ સહકારને આવકારતાં, બંને નેતાઓએ લોકોથી લોકો વચ્ચેના સંબંધો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ રેલવે, માર્ગ, હવાઇ અને પાણી સંબંધિત કનેક્ટિવિટી ફરી શરૂ થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં, બાંગ્લાદેશ પક્ષે મોટાભાગની રોડ અને રેલ ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર ભારતને ફરીથી ખોલવાની સુવિધાઓનું સ્વાગત કર્યું હતું અને વહેલામાં વહેલી તારીખે તમામ લેન્ડ પોર્ટ/ICP પર ઇમિગ્રેશન સુવિધાઓને કોવિડ-19 પહેલાના સ્તર પર પુનઃસ્થાપિત કરવા માટે વિનંતી કરી હતી. બંને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી પેસેન્જર ટ્રેન, જૂન 2022 થી મિતાલી એક્સપ્રેસની નિયમિત સેવાઓ શરૂ કરવાનું સ્વાગત કર્યું.
25. બંને નેતાઓ બંગબંધુ (મુજીબ: ધ મેકિંગ ઓફ એ નેશન) પર સંયુક્ત રીતે નિર્મિત ફિલ્મનું વહેલી તકે લોન્ચિંગ થવા માટે પ્રતિક્ષા કરી રહ્યા હોવાનું કહ્યું હતું. તેઓ બાંગ્લાદેશના મુજીબ નગરથી ઐતિહાસિક માર્ગ "શાધિનોતા શોરોક" ના પરિચાલન સહિત અન્ય પહેલો તરફ કામ કરવા પણ સંમત થયા હતા - આ બાંગ્લાદેશના મુજીબ નગરથી પશ્ચિમ બંગાળના નાદિયામાં ભારત-બાંગ્લાદેશ સરહદ સુધીનો ઐતિહાસિક માર્ગ છે અને 1971માં બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધ પર એક દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ પક્ષે 1971માં બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધ પર દુર્લભ વિડિયો ફૂટેજના સંયુક્ત સંકલનનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. બાંગ્લાદેશ પક્ષે ભારતીય પક્ષ દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાં બંગબંધુ ચેરની સ્થાપનાની પ્રશંસા કરી હતી.
26. બંને નેતાઓ બાંગ્લાદેશના સ્ટાર્ટ-અપ પ્રતિનિધિમંડળની પ્રથમ મુલાકાતની પ્રતિક્ષામાં હોવાનું જણાવ્યું હતું, જે બંને દેશો વચ્ચે આવિષ્કારમાં ભાગીદારીને ઉત્તેજન આપશે. બંને પક્ષોએ આગામી મહિનાઓમાં આયોજન કરવામાં આવી રહેલા યુવા એક્સચેન્જના પુનઃપ્રારંભ પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશ પક્ષે ભારતમાં તબીબી સુવિધાઓ પર બાંગ્લાદેશના મુક્તિજોધની તબીબી સારવાર પૂરી પાડવાની ભારતની પહેલ માટે ઊંડી પ્રશંસા કરી હતી.
27. બંને નેતાઓએ 'સુંદરવનના સંરક્ષણ' અંગે કરવામાં આવેલા 2011ના MoUના અસરકારક અમલીકરણ પર ખાસ ભાર મૂક્યો હતો, જેમાં વહેલી તકે JWGનું આયોજન કરવાનું સામેલ છે, જેથી આ મુખત્રિકોણીય જંગલની ઇકોસિસ્ટમ અને આ ઇકોસિસ્ટમ પર નિર્ભર લોકો ટકાઉક્ષમ રીતે રહી શકે.
28. બંને પક્ષોએ સહકારના નવા અને ઉભરતા ક્ષેત્રોની સંભવિતતાનો લાભ લેવાનું મહત્વ સ્વીકાર્યું અને બંને પક્ષોના સત્તાધિકારોને બાહ્ય અવકાશ, ગ્રીન એનર્જી, પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ અને નાણા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ટેક્નોલોજી સક્ષમ સેવાઓના અદ્યતન ક્ષેત્રોમાં સહયોગ વધારવા નિર્દેશ આપ્યો હતો.
29. પ્રાદેશિક પરિસ્થિતિના સંદર્ભમાં, ભારતે મ્યાનમારના રખાઇન રાજ્યમાંથી બળજબરીથી વિસ્થાપિત થયેલા 10 લાખથી વધુ લોકોને આશ્રય આપવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવાની બાંગ્લાદેશની ઉદારતાની પ્રશંસા કરી હતી અને, આ બળજબરીથી વિસ્થાપિત થયેલા લોકોને તેમના વતન પર સલામત, ટકાઉક્ષમ રીતે અને ઝડપથી પરત મોકલવાનું સુનિશ્ચિત કરવાના પ્રયાસમાં બંને દેશોના એકમાત્ર પડોશી દેશ તરીકે સહકાર બાંગ્લાદેશ અને મ્યાનમાર બંને સતત સહકાર આપવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી.
30. બંને પક્ષોએ પ્રાદેશિક સંગઠનો દ્વારા મજબૂત પ્રાદેશિક સહકાર માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતીય પક્ષે BIMSTEC સચિવાલયની યજમાની અને તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસમાં બાંગ્લાદેશના યોગદાનની પ્રશંસા કરી હતી. ભારતીય પક્ષે ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA) ના અધ્યક્ષ તરીકે બાંગ્લાદેશને તેમની ક્ષમતામાં તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
31. મુલાકાત દરમિયાન નીચે ઉલ્લેખિત MoU અને કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને આદાનપ્રદાન કરવામાં આવ્યા હતા:
a) ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય અને બાંગ્લાદેશ સરકારના જળ સંસાધન મંત્રાલય વચ્ચે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહિયારી બોર્ડર નદી કુશિયારામાંથી પાણી લેવા અંગે MoU;
b) ભારત સરકારના રેલવે મંત્રાલય (રેલવે બોર્ડ) અને બાંગ્લાદેશ સરકારના રેલવે મંત્રાલય વચ્ચે ભારતમાં બાંગ્લાદેશના રેલવે કર્મચારીઓની તાલીમ આપવા અંગે MoU;
c) ભારત સરકારના રેલવે મંત્રાલય (રેલવે બોર્ડ) અને બાંગ્લાદેશ સરકારના રેલવે મંત્રાલય વચ્ચે બાંગ્લાદેશ રેલવે માટે IT સિસ્ટમો જેમ કે FOIS અને અન્ય IT એપ્લિકેશન્સમાં સહયોગ પર MoU કરવામાં આવ્યો;
d) ભારતની કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) અને બાંગ્લાદેશની બાંગ્લાદેશ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (BCSIR) વચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહકાર પર MoU કરવામાં આવ્યો;
e) અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહકાર માટે ન્યૂઝપેસ ઇન્ડિયા લિમિટેડ અને બાંગ્લાદેશ સેટેલાઇટ કંપની લિમિટેડ વચ્ચે MoU કરવામાં આવ્યો;
f) પ્રસાર ભારતી અને બાંગ્લાદેશ ટેલિવિઝન (BTV) વચ્ચે પ્રસારણ ક્ષેત્રમાં સહકાર આપવા અંગે MoU; અને
g) ભારતની નેશનલ જ્યુડિશિયલ એકેડમી તેમજ બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલત વચ્ચે ભારતમાં બાંગ્લાદેશ ન્યાયિક અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અંગે MoU કરવામાં આવ્યો.
32. આ મુલાકાત દરમિયાન નીચે ઉલ્લેખિત પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરાયું/જાહેરાત કરવામાં આવી/રિલિઝ કરવામાં આવી હતી:
a) મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ, રામપાલ, બાંગ્લાદેશના યુનિટ-1નું લોકાર્પણ;
b) રૂપશા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન;
c) ખુલના - દર્શના રેલવે લાઇન અને પરબોતીપુર - કૌનિયા રેલવે લાઇન માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સિ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત.
d) પ્રધાનમંત્રી શેખ હસીના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ 23 ભારતીય અને 5 અન્ય દક્ષિણ એશિયાઇ દેશોની ભાષાઓમાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક ‘7મી માર્ચ સ્પીચ’નો અનુવાદ ધરાવતું પુસ્તક રજૂ કરવામાં આવ્યું.
e) અનુદાન આધારે બાંગ્લાદેશ રેલવેને 20 બ્રોડગેજ લોકોમોટિવ્સ આપવા અંગેની જાહેરાત કરવામાં આવી.
f) બાંગ્લાદેશ સરકારના માર્ગ અને ધોરીમાર્ગ વિભાગને માર્ગના બાંધકામ માટેના ઉપકરણો અને મશીનરીના પુરવઠા અંગેની જાહેરાત કરવામાં આવી.
33. પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમના ઉષ્માભર્યા અને ઉદાર આતિથ્ય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને ભારતના લોકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી હસીનાએ પ્રધાનમંત્રી મોદીને બાંગ્લાદેશની મુલાકાત લેવા માટે સૌહાર્દપૂર્ણ આમંત્રણ આપ્યું હતું અને બંને નેતાઓ તમામ સ્તરે અને મંચો પર વાતચીત ચાલુ રાખવા માટે તત્પરતા દાખવી હતી.
YP/GP/JD
(Release ID: 1857602)
Visitor Counter : 333
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam