પ્રધાનમંત્રીનું કાર્યાલય

મોહાલી, પંજાબમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 AUG 2022 5:58PM by PIB Ahmedabad

પંજાબના રાજ્યપાલ શ્રી બનવારી લાલ પુરોહિતજી, મુખ્યમંત્રી શ્રીમાન ભગવત માણજી,  સંસદમાં મારા સાથી ભાઈ મનીષ તિવારીજી, તમામ તબીબો, સંશોધકો, પેરામેડિક્સ, અન્ય કર્મચારી તથા પંજાબના ખૂણે ખૂણેથી આવેલા મારા પ્યારા બહેનો અને ભાઈઓ.

આઝાદીના અમૃતકાળમાં દેશ નવા સંકલ્પોને હાંસલ કરવા તરફ આગળ ધપી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ દેશની બહેતર બની રહેલી આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ છે. હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરથી પંજાબ, હરિયાણાની સાથે સાથે હિમાચલ પ્રદેશના લોકોને પણ લાભ થનારો છે. આજે હું આ ધરતીનો અન્ય એક કારણસર આભાર વ્યક્ત કરવા માગું છું. પંજાબ સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાંતિવીરો, રાષ્ટ્રભક્તિની ઓતપ્રોત પરંપરાની આ પવિત્ર ધરતી રહી છે. પોતાની આ પરંપરાને પંજાબે હર ઘર તિરંગા અભિયાન દરમિયાન પણ સમૃદ્ધ રાખી છે. આજે હું પંજાબની જનતાનો, ખાસ કરીને અહીંના યુવાનોનો, હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છુ.

સાથીઓ,
થોડા દિવસ અગાઉ લાલ કિલ્લા પરથી આપણે સૌએ આપણા દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. ભારતને વિકસિત બનાવવા માટે તેની આરોગ્ય સેવાઓને પણ વિકસિત કરવી એટલી જ જરૂરી હોય છે. જ્યારે ભારતના લોકોને ઇલાજ માટે આધુનિક હોસ્પિટલ મળશે, આધુનિક સવલતો મળશે તો તેઓ વધારે ઝડપથી સ્વસ્થ થઈ જશે, તેમની ઉર્જા યોગ્ય દિશામાં લાગી જશે, વધારે ફળદ્રુપતા થશે. આજે હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના રૂપમાં પણ દેશને એક આધુનિક હોસ્પિટલ મળી છે. આ આધુનિક સુવિધાના નિર્માણમાં કેન્દ્ર સરકારના ટાટા મેમોરિયલ સેન્ટરે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. આ કેન્દ્ર દેશ-વિદેશમાં પોતાની  સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને કેન્સરના દર્દીઓનું જીવન બચાવી રહ્યું છે. દેશમાં કેન્સરની આધુનિક સુવિધાઓના નિર્માણમાં ભારત સરકાર અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. મને કહેવામાં આવ્યું છે કે હવે ટાટા મેમોરિયલ સેન્ટરની પાસે દર વર્ષે દોઢ લાખ નવા દર્દીઓના ઇલાજની સવલત તૈયાર થઈ ગઈ છે. આ બાબત કેન્સરના દર્દીઓને ઘણી મોટી રાહત આપનારું કાર્ય થયું છે. મને યાદ છે અહીં ચંદીગઢમાં હિમાચલના દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો કેન્સર સહિત અનેક ગંભીર બિમારીઓના ઇલાજ માટે પીજીઆઈ આવતા હતા. પીજીઆઈમાં ઘણી ભીડ હોવાને કારણે દર્દીઓને પણ તથા તેમના પરિવારજનોને પણ ઘણી મુશ્કેલી રહેતી હતી. હવે તો હિમાચલ પ્રદેશમાં બિલાસપુરમાં એઇમ્સ બની ગઈ છે અને અહીં કેન્સરની સારવાર માટે આવડી મોટી સુવિધા બની ગઈ છે. જેને બિલાસપુર નજીક પડે છે તે ત્યાં જશે અને જેને મોહાલી નજીક પડે છે તે અહીં આવશે.

સાથીઓ,
લાંબા સમયથી દેશમાં એ આશંકા રહી છે કે આપણા દેશમાં આરોગ્ય માટેની એક એવી સિસ્ટમ હોય જે ગરીબમાં ગરીબની પણ ચિંતા કરતી હોય. એક એવી આરોગ્ય વ્યવસ્થા જે ગરીબના આરોગ્યની ચિંતા કરે, ગરીબોને બીમારીઓથી બચાવે, બીમારી થઈ તો પછી તેની સારવાર સરળ બનાવે. સારી આરોગ્ય વ્યવસ્થાનો અર્થ માત્ર ચાર દિવાલ બનાવવાનો હોતો નથી. કોઈ પણ દેશની આરોગ્ય વ્યવસ્થાની સિસ્ટમ ત્યારે જ મજબૂત બનશે જ્યારે તે તમામ પ્રકારનો ઉકેલ આપે, ડગલે ને પગલે તેનો સાથ આપે. આથી જ વીતેલા આઠ વર્ષમાં દેશમાં હોલિસ્ટક હેલ્થકેરને સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.  ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં જેટલું કાર્ય છેલ્લા સાતથી આઠ વર્ષમાં થયું છે તેટલું અગાઉ 70 વર્ષમાં થયું ન હતું. આજે આરોગ્યના ક્ષેત્ર માટે ગરીબમાં ગરીબને આરોગ્ય સવલત માટે દેશ એક નહીં, બે નહીં છ મોરચા પર એક સાથે કામ કરીને દેશની આરોગ્ય સુવિધાઓને સુધારવામાં આવી રહી છે, મજબૂત કરવામાં આવી રહી છે. પહેલો મોરચો છે પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહિત કરવી. બીજો મોરચો છે ગામડે ગામડામાં નાની અને આધુનિક હોસ્પિટલ શરૂ કરવી. ત્રીજો મોરચો છે શહેરોમાં મેડિકલ કોલેજ અને મેડિકલ રિસર્ચ ધરાવતા મોટા સંસ્થાનો શરૂ કરવા. ચોથો મોરચો છે દેશભરમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યામાં વધારો કરવો. પાંચમો મોરચો છે દર્દીઓની સસ્તી દવાઓ, સસ્તા સાધનો ઉપલબ્ધ કરાવવાનો. અને છઠ્ઠો મોરચો છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓને થતી સમસ્યાઓ દૂર કરવાનો. આ છ મોરચા પર કેન્દ્ર સરકાર આજે વિક્રમી રોકાણ કરી રહી છે. હજારો, કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.

સાથીઓ,
આપણે ત્યાં હંમેશાં કહેવાતું આવ્યું છે કે બીમારીથી બચવું તે જ સૌથી શ્રેષ્ઠ ઇલાજ હોય છે. આ જ વિચાર સાથે દેશમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર પર આટલો ભાર મૂકવામાં આવી રહ્યો છે. હજી થોડા દિવસ અગાઉ જ એક અહેવાલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જળ જીવન મિશનના કારણે પાણીથી થનારી બીમારીઓમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. એટલે કે હવે આપણે બચાવ માટે કામ કરીએ છીએ તો બીમારી પણ ઓછી આવશે. આ પ્રકારના વિચારો પર અગાઉની સરકારો કામ કરતી ન હતી. પરંતુ આજે અમારી સરકાર તમામ અભિયાન ચલાવીને, જન જાગરૂકતામાં અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરી રહી છે અને બીમાર થતા બચાવી રહી છે. યોગ અને આયુષને લઈને આજે દેશમાં અભૂતપૂર્વ જાગરૂકતા ફેલાયેલી છે. દુનિયામાં યોગ માટે આકર્ષણ વધ્યું છે. ફિટ ઇન્ડિયા અભિયાન દેશના યુવાનોમાં લોકપ્રિય બની રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાને ઘણી બધી બીમારીઓને રોકવામાં મદદ કરી છે. પોષણ અભિયાન અને જળ જીવન મિશનથી કુપોષણને અંકુશમાં રાખવામાં મદદ મળી રહી છે. આપણી માતાઓ અને બહેનોને એલપીજી જોડાણની સુવિધા આપીને અમે તેમને ધુમાડાથી થનારી બીમારીઓ, કેન્સર જેવા સંકટોથી બચાવી છે.

સાથીઓ,
આપણા ગામડાઓમાં જેટલી સારી હોસ્પિટલ હશે, તપાસ માટે જેટલી સુવિધા હશે તેટલી જ ઝડપથી રોગની પણ ખબર પડી જાય છે. અમારી સરકાર આ બીજા મોરચા પર પણ ખૂબ ઝડપથી કામ કરી રહી છે. અમારી સરકાર દરેક ગામડાને આધુનિક સુવિધાથી જોડવા માટે દોઢ લાખથી વધારે હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવી રહી છે. મને આનંદ છે કે તેમાંથી લગભગ સવા લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટરે કામ કરવાનો પ્રારંભ કરી દીધો છે. અહીં પંજાબમાં પણ લગભગ ત્રણ હજાર હેલ્થ અને વેલનેસ સેન્ટર સેવા આપી રહ્યા છે. દેશભરમાં આ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં અત્યાર સુધીમાં લગભગ 22 કરોડ લોકોની કેન્સરથી સંકળાયેલી સ્ક્રિનિંગ થઈ ચૂકી છે જેમાંથી લગભગ 60 લાખ સ્ક્રિનિંગ આ મારા પંજાબમાં થઈ છે. તેમાંથી જેટલા સાથીઓની કેન્સરના પ્રારંભિક તબક્કાની ઓળખ થઈ છે તેમને ગંભીર જોખમમાંથી બચાવવા શક્ય બની શક્યું છે.

સાથીઓ,
એક વાર જ્યારે બીમારીની ખબર પડે છે તો એવી હોસ્પિટલની જરૂર પડે છે જ્યાં ગંભીર બીમારીઓનો યોગ્ય રીતે ઇલાજ થઈ શકે. આ જ વિચાર સાથે કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજના લક્ષ્યાંક પર કામ કરી રહી છે. આયુષ્માન ભારત હેલ્થ માળખાના મિશન અંતર્ગત જિલ્લા સ્તર પર આધુનિક આરોગ્ય સુવિધા બનાવવા માટે 64 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એક સમયે દેશમાં માત્ર સાત એઇમ્સ રહેતી હતી. આજે તેની સંખ્યા 21 થઈ ગઈ છે. અહીં પંજાબમાં બઠિંડામાં પણ એઇમ્સ શાનદાર સેવા આપી રહી છે. જો હું કેન્સરની હોસ્પિટલની જ વાત કરું તો દેશના દરેક ખૂણામાં કેન્સરથી જોડાયેલા ઇલાજની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પંજાબમાં આ આટલું મોટું કેન્દ્ર બની ગયું છે. હરિયાણામાં ઇજ્જરમાં પણ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરવામાં આવ્યું છે. પૂર્વ ભારત તરફ જઇએ તો વારાણસી કેન્સરની સારવારનું એક કેન્દ્ર બની ગયું છે. કોલકાતામાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસ પર કામ ચાલી શરૂ થઈ ગયું છે. થોડા દિવસ અગાઉ જ આસામના દિબ્રુગઢમાં મને એક સાથે સાત કેન્સર હોસ્પિટલનુ લોકાર્પણ કરવાની તક સાંપડી હતી. અમારી સરકારે દેશભરમાં કેન્સરથી જોડાયેલા લગભગ 40 વિશેષ સંસ્થાનને મંજૂર કર્યા છે જેમાંથી અનેક હોસ્પિટલ સેવા આપવાની શરૂઆત કરી ચૂકી છે.

સાથીઓ,
હોસ્પિટલ બનાવવી જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી પર્યાપ્ત સંખ્યામાં સારા તબીબોનું હોવું છે. બીજું પેરામેડિકલ ઉપલબ્ધ હોવું એટલું જ જરૂરી છે. તેના માટે આજે દેશમાં મિશન મોડ પર કામ કરવામાં આવી રહ્યું છે. 2014 પહેલાં દેશમાં 400થી પણ ઓછી મેડિકલ કોલેજ હતી. એટલે કે 70 વર્ષમાં 400થી પણ મેજિકલ કોલેજ. જ્યારે પાછલા આઠ વર્ષમાં 200થી વધારે નવી મેડિકલ કોલેજ દેશમાં બનાવવામાં આવી છે. મેડિકલ કોલેજના વ્યાપનો અર્થ છે મેડિકલ બેઠકોની સંખ્યા વધી છે. મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મોટી તકો છે. અને દેશના આરોગ્યનું ધ્યાન રાખનારા હેલ્થ પ્રોફેશનલ્સની સંખ્યા વધી છે. એટલે કે આરોગ્ય ક્ષેત્રમાં રોજગારના પણ અનેક અવસર તેનાથી તૈયાર થઈ રહ્યા છે. અમારી સરકારે પાંચ લાખ કરતાં વધારે આયુષ ડૉક્ટર્સને પણ એલોપેથિક ડૉક્ટરોની માફક માન્યતા આપી છે. તેનાથી ભારતમાં ડૉક્ટર અને દર્દીઓ વચ્ચેના અનુપાતમાં પણ સુધારો થયો છે.

સાથીઓ,
અહીં બેઠેલા આપણે તમામ લોકો ઘણા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. આપણે તમામને અનુભવ છે કે ગરીબના ઘરમાં જ્યારે બીમારી આવે છે તો ઘર અને જમીન સુધી વેચાઈ જાય છે. આથી જ અમારી સરકારે દર્દીઓને સસ્તી દવાઓ, સસ્તા ઇલાજ ઉપલબ્ધ કરાવવાની બાબતે પણ એટલો જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આયુષ્માન ભારતે ગરીબને પાંચ લાખ રૂપિયા સુધીના વિનામૂલ્યે ઇલાજની સવલત આપી છે. તેના અંતર્ગત અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડ દર્દીઓએ પોતાની સારવાર કરાવી છે અને એક રૂપિયાનો તેમને ખર્ચ કરવો પડ્યો નથી. અને તેમાં કેન્સરના પણ ઘણા બધા દર્દીઓ છે. આયુષ્માન ભારતને કારણે ગરીબના 40 હજાર કરોડ રૂપિયા જો આ વ્યવસ્થા ન હોત તો તેમના ખિસ્સામાંથી જનારા હતા. તે 40 હજાર કરોડ રૂપિયા આપ જેવા પરિવારોના બચ્યા છે. એટલું જ નહીં પંજાબ સહિત દેશભરમાં જે જનઔષધિ કેન્દ્રોનું નેટવર્ક છે, જે અમૃત સ્ટોર છે ત્યાં પણ કેન્સરની દવાઓ અત્યંત મામૂલી કિંમતે ઉપલબ્ધ છે. કેન્સરની 500થી વધારે દવાઓ જે અગાઉ ઘણી મોંઘી રહેતી હતી તેની કિંમતમાં લગભગ 90 ટકા ઘટાડો થયો છે.  એટલે કે જે દવા અગાઉ 100 રૂપિયાની મળતી હતી તે દવા જનઔષધિ કેન્દ્ર પર દસ રૂપિયામાં ઉપલબ્ધ હોય છે. તેનાથી પણ ગરીબોના દર વર્ષે સરેરાશ લગભગ એક હજાર કરોડ રૂપિયા બચ્યા છે. દેશભરમાં લગભગ નવ હજાર જનઔષધિ કેન્દ્ર પર સસ્તી દવાઓ, ગરીબ તથા મધ્યમ વર્ગની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો,

સરકારના હોલિસ્ટિક હેલ્થકેર અભિયાનમાં નવા શિખર સર કર્યા છે આધુનિક ટેકનોલોજીએ. આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે દરેક દર્દીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા મળે, સમયસર મળે અને ઓછામાં ઓછી તકલીફ રહે. ટેલિમેડિસીન, ટેલિકન્સલ્ટેશનની સવલતને કારણે આજે દૂર દૂરના ગામડાની વ્યક્તિ પણ શહેરોમાંથી ડૉક્ટરો પાસેથી પ્રારંભિક સલાહ લઈ રહી છે. સંજીવની એપ મારફતે પણ અત્યાર સુધીમાં કરોડો લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે. હવે તો દેશમાં મેઇડ ઇન ઇન્ડિયા 5G સેવા લોંચ થઈ રહી છે. તેનાથી રિમોટ હેલ્થ કેર ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. ત્યારે ગામડાના, ગરીબ પરિવારના દર્દીઓને વારંવાર હોસ્પિટલ જવાની મજબૂરી પણ ઘટી જશે.

સાથીઓ,
હું દેશના દરેક કેન્સર પીડિત અને તેમના પરિવાર સાથે એક વાત ચોક્કસ કહેવા માગીશ. તમારી પીડા હું સારી રીતે સમજું છું. પરંતુ કેન્સરથી ડરવાની નહીં લડવાની જરૂર છે. તેનો ઇલાજ શક્ય છે. હું એવા અનેક લોકોને જાણું છું જેઓ કેન્સરની સામે લડાઈ જીતીને આજે આરામથી જીવન વીતાવી રહ્યા છે. આ લડતમાં તમારે જે કાંઈ મદદ જોઇએ કેન્દ્ર સરકાર આજે તે ઉપલબ્ધ કરાવી રહી છે. આ હોસ્પિટલ સાથે સંકળાયેલા આપ તમામ સાથીઓને મારો ખાસ આગ્રહ રહેશે કે કેન્સરને કારણે જે ડિપ્રેશનની સ્થિતિ આવે છે તેનાથી લડવા માટે પણ આપણે દર્દીઓની, પરિવારોની મદદ કરવાની છે. એક વિકાસશીલ સમાજ તરીકે આ આપણા સૌની જવાબદારી છે કે આપણે માનસિક આરોગ્યને લઈને આપણા વિચારોમાં પરિવર્તન અને ખુલ્લાંપણું લાવીએ. ત્યારે જ આ સમસ્યાનું યોગ્ય સમાધાન આવશે. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા મારા સાથીઓને પણ હું આ જ કહીશ કે આપ પણ ગામડાઓમાં કેમ્પ લગાવો છો તો આ સમસ્યા પર ચોક્કસ ફોકસ કરો. સૌના પ્રયાસથી આપણે કેન્સરની વિરુદ્ધ દેશની લડતને મજબૂત કરીશું, આ જ ભરોસા સાથે પંજાબવાસીઓને અને જેનો લાભ હિમાચલને પણ મળનારો છે આજે એક મોટી ભેટ આપના ચરણોમાં સમર્પિત કરતાં હું સંતોષ અનુભવી રહ્યો છું, ગર્વની અનુભૂતિ કરી રહ્યો છું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/JD



(Release ID: 1854222) Visitor Counter : 239