પ્રધાનમંત્રીનું કાર્યાલય

76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની દિવાલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની મુખ્ય બાબતો

Posted On: 15 AUG 2022 2:17PM by PIB Ahmedabad
  1. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અનેક શુભકામનાઓ.
  2. હું વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો, ભારતના પ્રેમીઓને આ અમૃત મહોત્સવની ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.
  3. આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે છેલ્લાં 75 વર્ષમાં દેશ માટે જીવન સમર્પિત કરનાર, કુરબાનીઓ આપનાર, દેશની સુરક્ષા કરનાર, દેશના સંકલ્પનો પૂર્ણ કરનાર તમામ લોકોના યાદ કરવાનો પ્રસંગ છે.
  4. 75 વર્ષની આપણી આ સફર અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે. સુખદુઃખ આવતા રહ્યાં છે અને આ દરમિયાન પણ આપણા દેશવાસીઓએ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, પુરુષાર્થ કર્યો છે, હાર માની નથી, સંકલ્પોની શક્તિ જરાં પણ ઓછી થઈ નથી.
  5. ભારતની વિવિધતા જ ભારતની અમૂલ્ય શક્તિ છે. શક્તિનું અતૂટ પ્રમાણ છે. દુનિયાને ખબર નહોતી કે, ભારતની પાસે એક સ્વાભાવિક સામર્થ્ય છે, સંસ્કારની એક સરિતા છે અને એ છે – ભારત લોકતંત્રની જનની છે, Mother of Democracy છે.
  6. વર્ષ 2014માં દેશવાસીઓએ મને જવાબદારી સુપરત કરી હતી. આઝાદી પછી જન્મ થયેલી હું પ્રથમ વ્યક્તિ હતી, જેને લાલ કિલ્લા પરથી દેશવાસીઓનું ગૌરવગાન કરવાની તક મળી હતી.
  7. મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું – છેવાડાના માનવી સુધી પહોંચવું, તેમની ચિંતા કરવી. મહાત્મા ગાંધીજીની આકાંક્ષા  હતી – દરિદ્રનારાયણને સમર્થન બનાવવા. મેં મારી જાતને તેમના આ સ્વપ્નોને સાકાર કરવા માટે સમર્પિત કરી છે.
  8. અમૃતકાળની પ્રથમ સવાર આકાંક્ષી સમાજની આકાંક્ષા પૂરાં કરવાની સોનેરી તક આપે છે. આપણા દેશની અંદર કેટલું મોટું સામર્થ્ય છે એ એક તિરંગા ઝંડાએ પુરવાર કરી દેખાડ્યું છે. વિશ્વના દરેક ખૂણામાં આપણો તિરંગો આન-બાન-શાનથી લહેરાઈ રહ્યો છે.
  9. સરકારને પણ સમય સાથે દોડવું પડે છે અને મને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કે કોઈ પણ પ્રકારની શાસન વ્યવસ્થા કેમ ન હોય – દરેકને આ આકાંક્ષી સમાજની આકાંક્ષાને પૂરી કરવી પડશે, તેમની આકાંક્ષાઓ પૂરી કરવા આપણે વધારે રાહ નહીં જોવી પડે.
  10. આપણે છેલ્લાં થોડાં દિવસોમાં આ તાકાતનો અનુભવ કર્યો છે અને એ છે – ભારતમાં સામૂહિક ચેતનાનું નવજાગરણ. આઝાદના આટલા સંઘર્ષમાં જે અમૃત હતું, તે હવે એકત્ર થઈ રહ્યું છે, સંકલિત થઈ રહ્યું છે.
  11. દુનિયાએ કોરાનાના સમયગાળામાં રસી લેવી કે ન લેવી, રસી અસરકારક છે કે નહીં, એ વિમાસમણમાં જીવી રહી હતી. તે સમયે મારા ગરીબ દેશ 200 કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર પાડીને દુનિયાને ચોંકાવી દે એવું કામ કરી દેખાડ્યું છે.
  12. વિશ્વ ભારત તરફ ગર્વ સાથે જોઈ રહ્યું છે. એક અપેક્ષા સાથે તાકી રહ્યું છે. સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર દુનિયા શોધવા લાગી છે. વિશ્વના અભિગમમાં આ પરિવર્તન, વિશ્વના વિચારમાં આ ફેરફાર 75 વર્ષની આપણી અનુભવની સફરનું પરિણામ છે.
  13. જ્યારે રાજકીય સ્થિરતા હોય, નીતિઓમાં ગતિશીલતા હોય, નિર્ણયો ઝડપથી લેવાતા હોય, ત્યારે વિકાસ માટે દરેક ભાગીદાર બને છે. આપણે સબ કા સાથ, સબ કા વિકાસનો મંત્ર લઈને સફર શરૂ કરી હતી, પણ હવે જોતજોતામાં દેશવાસીઓએ સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસથી તેમાં રંગ ભરી દીધો છે, નવી રોનક લાવી દીધી છે.
  14. મને લાગે છે કે, આગામી 25 વર્ષ માટે આપણે પંચપ્રણ પર આપણી શક્તિ કેન્દ્રિત કરવી પડશે. જ્યારે હું પંચપ્રણની વાત કરું છું, ત્યારે પ્રથમ પ્રણ કે સંકલ્પ છે – હવે દેશ મોટો સંકલ્પ લઈને આગેકૂચ કરશે. બીજું પ્રણ કે સંકલ્પ છે – આપણે આપણી અંદર, આપણી ટેવોની અંદર ગુલામીનો કોઈ અંશ રહેવા નહીં દઈએ. ત્રીજું પ્રણ કે સંકલ્પ છે – આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. ચોથું પ્રણ કે સંકલ્પ છે – એકતા અને એકજૂથતા. અને પાંચમું પ્રણ કે સંકલ્પ છે – નાગરિકોની ફરજ, જેમાં પ્રધાનમંત્રી પણ બાકાત નહીં હોય, મુખ્યમંત્રીઓ પણ બાકાત નહીં હોય.
  15. મહાસંકલ્પ, મારો દેશ વિકસિત દેશ બનશે, developed country હશે, વિકાસના દરેક માપદંડમાં આપણે માનવકેન્દ્રિત વ્યવસ્થાને વિકસિત કરીશું, આપણા કેન્દ્રમાં મનુષ્ય હશે, આપણા કેન્દ્રના મનુષ્યની આશા-આકાંક્ષાઓ હશે. આપણે જાણીએ છીએ કે, જ્યારે ભારત મોટો સંકલ્પ લે છે, ત્યારે એને પાર પાડીને પણ દેખાડે છે.
  16. જ્યારે મેં અહીં સ્વચ્છતાની વાત કરી હતી, ત્યારે મારા પ્રથમ ભાષણને દેશવાસીઓએ ઝીલી લીધું હતું. દરેક વ્યક્તિએ જ્યાં શક્ય હોય ત્યાં સ્વચ્છતા તરફ આગેકૂચ કરી હતી અને ગંદકી પ્રત્યે નફરત એક સ્વાભાવ બનતો ગયો છે.
  17. જ્યારે આપણે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, ત્યારે આ લક્ષ્યાંક બહુ મોટો લાગતો હતો. અગાઉની કામગીરી બયાન કરતી હતી કે, આ શક્ય નથી, પણ સમય અગાઉ આપણે 10 ટકા ઇથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરીને દેશને આ સ્વપ્નને સાકાર કરી દીધું હતું.
  18. અઢી કરોડ લોકોને આટલા ઓછા સમયમાં વીજળીનું જોડાણ પહોંચાડવું કોઈ નાનીસૂની કામગીરી નહોતી – પણ દેશએ ભગીરથ પ્રયાસ કરીને આ લક્ષ્યાંક પર પાડી દીધો છે.
  19. શું આપણે આપણા માપદંડો નહીં સ્થાપિત કરીએ? શું 130 કરોડનો દેશ પોતાના માપદંડોને પાર પાડવા પુરુષાર્થ નથી કરી શકતો? આપણે કોઈ પણ સ્થિતિમાં બીજા જેવા દેખાવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. આપણે જેવા છીએ, આપણી પાસે જે સામર્થ્ય છે, એ જ સામર્થ્ય સાથે કામ કરીશું – આ જ આપણો મિજાજ હોવો જોઈએ.
  20. જે રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની છે, જે મનોમંથન સાથે બની છે અને ભારતની ધરતી સાથે, મૂળભૂત સ્થિતિસંજોગો સાથે જોડાયેલી શિક્ષણ નીતિ બની છે, એનું સત્વ, એનો આત્મા આપણી ધરતી સાથે સંબંધિત છે. આપણને જે કૌશલ્યનું બળ મળ્યું છે, એ એક એવું સામર્થ્ય છે, જે આપણને ગુલામીમાંથી મુક્તિ મેળવવાની તાકાત આપશે.
  21. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. આપણે ભાષા આવડતી હોય કે ન આવડતી હોય, પણ મારા દેશની ભાષા છે, મારા પૂર્વજોની ભાષા છે, તેમણે દુનિયાને આ ભાષા આપી છે એટલે આપણને એના પર ગર્વ હોવો જોઈએ.
  22. આજે દુનિયા સર્વાંગી આરોગ્ય સુવિધા કે સારસંભાળની ચર્ચા કરી રહી છે, પણ જ્યારે સર્વાંગી સ્વાસ્થ્ય સુવિધા કે સારવારની ચર્ચા થયા છે, ત્યારે તેની નજર ભારતના યોગ પર પડે છે, ભારતના આયુર્વેદ પર જાય છે, ભારતની સર્વાંગી સંપૂર્ણ જીવનશૈલી પર જાય છે. આ આપણો વારસો આપણે દુનિયાને ભેટ ધર્યો છે.
  23. આજે વિશ્વ પર્યાવરણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓના સમાધાનનો માર્ગ આપણી પાસે છે. આ માટે આપણી પાસે જે વારસો છે, એ આપણા પૂર્વજોએ જ આપણને આપ્યો છે.
  24. અત્યારે આપણાં પારિવારિક મૂલ્યો, વિશ્વના સામાજિક તણાવની ચર્ચા થઈ રહી છે. વ્યક્તિતવ તણાવની ચર્ચા થાય છે, તો લોકો યોગ તરફ જુએ છે. સામૂહિક તણાવની વાત આવે છે, તો ભારતની પારિવારિક વ્યવસ્થા તરફ જુએ છે.
  25. આપણે એ લોકોએ છીએ, જે જીવમાં શિવને જોઈએ છીએ, આપણે એ લોકો છીએ, જે નરમાં નારાયણના દર્શન કરીએ છીએ, આપણે એ લોકો છીએ, જે નારીને નારાયણી કહીએ છીએ, આપણે એ લોકો છીએ, જે વૃક્ષમાં પરમાત્માને જોઈએ છીએ, આપણે એ લોકો છીએ, જે નદીને માતા માનીએ છીએ, આપણે એ લોકો છીએ, જે દરેક કંકરમાં શંકરને જોઈએ છીએ.
  26. જનકલ્યાણથી જગકલ્યાણના માર્ગે ચાલનારા આપણે લોકો જ્યારે દુનિયા માટે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે કહીએ છીએ – સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ.
  27. એક અન્ય મહત્વપૂર્ણ વિષય છે – એકતા, અખંડિતતા. આટલા માટે દેશની વિવિધતાને આપણે ઉજવવી જોઈએ, આટલા પંથ અને પરંપરાઓ આપણી આન-બાન-શાન છે. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચું નથી, બધા બરોબર છે, બધા સમાન છે. કોઈ મારું નથી, કોઈ પારકું નથી, બધા આપણા છે.
  28. જો બેટા-બેટી એકસમાન નહીં હોય, તો એકતાનો મંત્ર આપણે આપણા જીવનમાં વણી નહીં શકીએ. જાતિગત સમાનતા કે લિંગ સમાનતા આપણી એકતાની પ્રથમ શરત છે.
  29. જ્યારે આપણે એકતાની વાત કરીએ છીએ, જો આપણે ત્યાં એક જ માપદંડ હોય, એક જ ધારાધોરણ હોય, જે માપદંડને આપણે ઇન્ડિયા ફર્સ્ટ – ભારત સર્વોપરી કહીએ, તો હું જે કંઈ પણ કરી રહ્યો છું, જે પણ વિચારું, જે પણું બોલું તે ઇન્ડિયા ફર્સ્ટને અનુકૂળ છે અને હોવું જોઈએ.
  30. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજિંદા જીવનમાં મહિલાઓને અપમાનિત કરતી, તેની ગરિમાનો ભંગ કરતી વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ. નારીશક્તિનું ગૌરવ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવામાં બહુ મોટી મૂડી બનવાનું છે. આ સામર્થ્ય હું જોઈ રહ્યું છે અને એટલે જ હું આ વાતનો આગ્રહ રાખું છું.
  31. આપણે ફરજ પર ભાર મૂકવો જ પડશે. પોલીસ હોય કે નાગરિક હોય, શાસક હોય કે નોકરિયાત હોય – નાગરિક ફરજોથી કોઈ અછૂત ન રહી શકે. જો દરેક નાગરિક ફરજોને અદા કરશે, તો મને વિશ્વાસ છે કે, આપણે ઇચ્છિત લક્ષ્યાંકને પાર પાડવામાં સમય અગાઉ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ.
  32. આત્મનિર્ભર ભારત, આ દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક અંગની જવાબદારી બની જાય છે. આ આત્મનિર્ભર ભારત કોઈ સરકારી એજન્ડા, સરકારી કાર્યક્રમ નથી. આ સમાજનું જન આંદોલન છે, જેને આપણે આગળ વધારવાનું છે.
  33. તમે જુઓ, પીએલઆઈ યોજના, એક લાખ કરોડ રૂપિયા, દુનિયાના લોકો હિંદુસ્તાનમાં પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યાં છે. ટેકનોલોજી લઈને આવી રહ્યાં છે. રોજગારીની નવી તકોનું સર્જન કરી રહ્યાં છે. ભારત ઉત્પાદનનું કેન્દ્ર બની રહ્યું છે.
  34. આઝાદીના 75 વર્ષ પછી જે અવાજને સાંભળવા માટે આપણા કાન આતુર હતા, 75 વર્ષ પછી એ અવાજ સંભળાઈ રહ્યો છે. 75 વર્ષ પછી લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવા પહેલી વાર ભારતમાં બનેલી મેડ ઇન ઇન્ડિયા તોપે આપી છે. કયો એવો હિંદુસ્તાની હશે, જેને આ અવાજ નવી પ્રેરણા, નવી તાકાત નહીં આપે.
  35. દેશની સેનાના જવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપવા ઇચ્છું છું. મારી આત્મનિર્ભરતાની વાતને સંગઠિત સ્વરૂપમાં, સાહસ સ્વરૂપે મારી સેનાના જવાનોએ સેનાનાયકોએ જે જવાબદારી સાથે તેમના ખભા પર ઉઠાવી લીધી છે, એ જોઈને જેટલી સલામી આપું એટલી ઓછી છે.
  36. આપણે આત્મનિર્ભ બનવાનું છે – ઊર્જા ક્ષેત્રમાં. સૌર ક્ષેત્ર હોય, પવન ઊર્જાનું ક્ષેત્ર હોય, અક્ષય ઊર્જાનું ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ માર્ગ હોય, મિશન હાઇડ્રોજન હોય, જૈવઇંધણનો પ્રયાસ હોય, ઇલેક્ટ્રિક વાહન અપનાવવાની વાત હોય, આપણે આત્મનિર્ભર બનીને આ વ્યવસ્થાઓને આગળ વધારવી પડશે.
  37. હું ખાનગી ક્ષેત્રને પણ અપીલ કરી છું...આવો...આપણે વિશ્વમાં છવાઈ જવાનું છે. આત્મનિર્ભર ભારતનું આ સ્વપ્ન છે કે, દુનિયાની જે પણ જરૂરિયાતો છે તેને પૂર્ણ કરવામાં ભારત પાછળ નહીં રહે. આપણા લઘુ ઉદ્યોગ હોય, સૂક્ષ્મ ઉદ્યોગ હોય, કુટિર ઉદ્યોગ હોય, ઝીરો ખામીયુક્ત, ઝીરો ખામીયુક્ત ઉત્પાદનો પૂરાં પાડીને આપણે દુનિયા સુધી પહોંચવાનું છે. આપણે સ્વદેશી પર ગર્વ કરવો પડશે.
  38. આપણો પ્રયાસ છે કે, દેશના યુવાનોને અસીમ અંતરિક્ષથી લઈને દરિયાની ઊંડાઈ સુધી સંશોધન માટે ભરપૂર મદદ મળે. એટલે આપણે સ્પેસ મિશનને, ડીપ ઓશન મિશનને વધાર્યું છે. અંતરિક્ષ અને દરિયાની અગાધ ઊંડાઈમાં જ આપણા ભવિષ્ય માટે જરૂરી સમાધાનો છે.
  39. આપણે વારંવાર લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરીએ છીએ. તેમણે જય જવાન, જય કિસાનનો મંત્ર આપ્યો હતો, જે આજે પણ દેશ માટે પ્રેરણાદાયક છે. પછી અટલબિહારી વાજપેયીએ જય વિજ્ઞાન કરીને તેમાં એક કડી જોડી દીધી હતી અને દેશે તેને પ્રાથમિકતા આપી હતી. પણ હવે અમૃતકાળ માટે એક વધુ જરૂરિયાત છે અને આ જરૂરિયાત છે – જય અનુસંધાનની. જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન-જય અનુસંધાન-ઇનોવેશન.
  40. ઇનોવેશનની તાકાત જુઓ. આજે આપણી યુપીઆઈ-ભીમ, આપણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હોય, ફિનટેકની દુનિયામાં આપણું સ્થાન, આજે વિશ્વમાં રિયલ ટાઇમ 40 ટકા ડિજિટલ માધ્યમ થકી નાણાકીય વ્યવહારો મારા દેશમાં થઈ રહ્યાં છે, હિંદુસ્તાને આ કરીને દેખાડ્યું છે.
  41. આજે મને ખુશી છે કે, હિંદુસ્તાનના ચાર લાખ કોમન સર્વિસ સેન્ટર્સ ગામડાઓમાં વિકસિત થઈ રહ્યાં છે. ગામના યુવાનો, દીકરા-દીકરીઓ કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યાં છે.
  42. આ જે ડિજિટલ ઇન્ડિયાનું અભિયાન છે, જે સેમિકંડક્ટર તરફ આપણે જે પગલાં લઈ રહ્યાં છીએ, 5જી તરફ અગ્રેસર થઈ રહ્યાં છીએ, ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરી રહ્યાં છીએ, આ ફક્ત આધુનિકતાની ઓળખ છે એવું નથી. ત્રણ મોટી તાકાતો તેની અંદર સમાયેલી છે. શિક્ષણમાં ધડમૂળથી પરિવર્તન આ ડિજિટલ માધ્યમથી આવવાનું છે. સ્વાસ્થ્ય સેવાઓમાં મૂળભૂત ક્રાંતિ ડિજિટલ માધ્યમથી આવવાની છે. કોઈ પણ જીવનમાં બહુ મોટો ફેરફાર ડિજિટલ માધ્યમથી થવાનો છે.
  43. આપણું અટલ ઇનોવેશન મિશન, આપણા ઇન્ક્યુબેશન સેન્ટર, આપણા સ્ટાર્ટઅપ એક નવા, સંપૂર્ણ ક્ષેત્રનો વિકાસ કરી રહ્યું છે, યુવા પેઢી માટે નવી તકો લઈને આવી રહ્યું છે.
  44. આપણા નાનાં ખેડૂતો – તેમનું સામર્થ્ય, આપણા નાનાં ઉદ્યોગસાહસિકો – તેમનું સામર્થ્ય, આપણા લઘુ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, સૂક્ષ્મ ઉદ્યોગ, લારી-રેકડી ફેરવતા લોકો, ઘરોમાં કામ કરતાં લોકો, ઓટો રિક્ષા ચલાવતા લોકો, બસ સેવાઓ આપતા લોકો – આ સમાજનો જે બહુ મોટો વર્ગ છે, તેમને સક્ષમ બનાવવામાં ભારતના સશક્તીકરણની ગેરન્ટી કે ચાવી રહેલી છે.
  45. નારી શક્તિઃ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં જુઓ – રમતગમતનું મેદાન હોય કે યુદ્ધની ભૂમિ હોય – ભારતની નારીશક્તિ એક નવા સામર્થ્ય, નવા વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. તેમનું ભારતની 75 વર્ષની સફરમાં જે પ્રદાન રહ્યું છે, તેમાં હું હવે અનેકગણું યોગદાન આગામી 25 વર્ષમાં જોઈ રહ્યો છું.
  46. ભારતના બંધારણના ઘડવૈયાઓનો પણ આભાર પ્રકટ કરવા ઇચ્છું છું કે તેમણે આપણને સંઘવાદી માળખું આપ્યું છે. હાલ સમયની માગ છે કે આપણે સહકારી સંઘવાદની સાથે સાથે સહકારી સ્પર્ધાત્મક સંઘવાદની જરૂરમાં માનીએ, આપણે વિકાસ કરવા માટે તંદુરસ્ત સ્પર્ધા કરીએ, તેની જરૂર છે.
  47. દેશની સામે બે મોટા પડકારો છે – પહેલો પડકાર છે – ભ્રષ્ટાચાર અને બીજો પડકાર છે – ભાઈભત્રીજાવાદ, પરિવારવાદ.
  48. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ કોતરી રહ્યો છે, તેની સામે દેશને લડવું પડશે. અમારો પ્રયાસ છે કે, જેમણે દેશને લૂંટ્યો છે, તેમને પરત ફરવું જ પડશે. અમે આ દિશામાં પ્રયાસરત છીએ.
  49. જ્યારે હું ભાઇ-ભતીજાવાદ અને પરિવારવાદની વાત કરું છું, ત્યારે લોકોને લાગે છે કે, હું ફક્ત રાજનીતિની વાત કરી રહ્યો છું. એવું નથી. કમનસીબે રાજકીય ક્ષેત્રની આ ગંદકી હિંદુસ્તાનની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષણ આપે છે, તેને આગળ વધારી રહી છે.
  50. મારા દેશના નવયુવાનો હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, તમારા સ્વપ્નોને સાકાર કરવા માટે હું ભાઇભતીજાવાદ સામે લડાઈમાં તમારો સાથસહકાર મેળવવા ઇચ્છું છું.
  51. આ અમૃતકાળમાં આપણે આગામી 25 વર્ષમાં, એક ક્ષણ પણ એ ભૂલવું ન જોઈએ. એક-એક દિન, સમયની દરેક ક્ષણ, જીવનની દરેક કણ, માતૃભૂમિ માટે જીવવું અને એ જ આઝાદીના લડવૈયાઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.
  52. જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ, હવે અમૃતકાળની દિશામાં બદલાઈ ગયો છે, આગળ વધી ગયો છે, ત્યારે આ અમૃતકાળ દરમિયાન તમામનો પ્રયાસ અનિવાર્ય છે. ટીમ ઇન્ડિયાની ભાવના જ દેશને આગળ વધારવામાં મદદરૂપ થશે, દેશને અગ્રેસર કરશે. 130 કરોડ દેશવાસીઓની આ ટીમ ઇન્ડિયા સ્વરૂપે આગળ વધીને તમામ સ્વપ્નોને સાકાર કરશે., આ જ વિશ્વાસ સાથે મારી સાથે બોલો
  53. જય હિંદ.

SD/GP/JD 



(Release ID: 1852038) Visitor Counter : 484