સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઇ-લોન્ચિંગ કર્યું

Posted On: 09 AUG 2022 6:48PM by PIB Ahmedabad

આજે, સહકારી સંસ્થાઓ માટે ખૂબ જ દિવસ મહત્વનો છે, આજે દેશભરની તમામ સહકારી મંડળીઓ માટે GeMના દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે

સહકારી ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ રહેલી છે અને આ ક્ષેત્રના વિસ્તરણ માટે GeM પોર્ટલ ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ સાબિત થશે

પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ હેઠળ, સહકારિતા મંત્રાલયે સહકારી સમિતિઓ માટે સંખ્યાબંધ ઉપાય કર્યા છે અને છેલ્લા એક વર્ષમાં મંત્રાલય સતત 25 થી 30 પહેલ પર સમાંતર ધોરણે કામ કરી રહ્યું છે

પૅક્સથી માંડીને એપૅક્સ સુધીના સર્વગ્રાહી અભિગમ સાથે સહકારી નીતિ પણ ઘડવામાં આવી રહી છે, સરકાર સહકારિતાનું વિસ્તરણ કરવા માંગે છે પરંતુ તેનો કોઇ ડેટાબેઝ નથી, તેથી મંત્રાલય તમામ પ્રકારની સહકારી સમિતિઓનો રાષ્ટ્રીય સ્તરનો ડેટાબેઝ પણ તૈયાર કરી રહ્યું છે

દેશના 60 કરોડ લોકો એવા હતા જેમનો આખો દિવસ બે ટંકનાં ભોજન અને રોજબરોજની અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવા માટેની ચિંતામાં પસાર થઇ જતો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ 60 કરોડ લોકોને બેંક ખાતા, ગેસ સિલિન્ડર, શૌચાલય, વીજળી, પીવાનું શુદ્ધ પાણી અને મફત અનાજ આપીને તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરીને તેમની આકાંક્ષાઓને જીવંત કરી છે, અને સહકારિતામાં જ આ તમામ આકાંક્ષાઓને પૂરી કરવાનું સામર્થ્ય છે

સહકારિતાનું મોડલ એક એવું મોડલ છે જેમાં ઓછી મૂડીમાં પણ લોકો સાથે મળીને સૌથી મોટું કામ સરળતાથી પાર પાડી શકે છે

જો કોઇ પણ વ્યવસ્થા સમયની સાથે પોતાનામાં પરિવર્તન ના લાવે તો તે જૂની થઇ જાય છે, સહકારી ક્ષેત્રના વિસ્તરણ માટે તેમાં સુધારો કરવો જરૂરી છે

આઝાદી મળી તે પછીના સમયથી જ આ ક્ષેત્રની અવગણના કરવામાં આવી છે પરંતુ પ્રધાનમંત્રી મોદીજી ઐતિહાસિક સુધારા અને આધુનિકીકરણ દ્વારા તેના વિસ્તરણને વેગ આપી રહ્યા છે

સહકારિતા યુનિવર્સિટીની સ્થાપનાનું કામ પણ આગળ વધી રહ્યું છે, આનાથી નવા વ્યાવસાયિકો તૈયાર થશે અને સહકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમજ નવા કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થશે

એક નિકાસ ગૃહની પણ નોંધણી કરવામાં આવી રહી છે, જે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે, તે દેશભરની સહકારી મંડળીઓને નિકાસ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે

હવે કોઇપણ વ્યક્તિ સહકારી ક્ષેત્ર સાથે બીજા વર્ગ તરીકેનો વ્યવહાર નથી કરી શકતા પરંતુ આપણે પણ પરિવર્તનની શરૂઆત કરવી પડશે, પારદર્શિતાની દિશામાં આગળ વધવું પડશે અને પોતાની જાતને તૈયાર કરવી પડશે

સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે GeM પોર્ટલ ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે અને પારદર્શિતા હશે, ત્યારે જ તો ખેડૂતો અને દૂધ ઉત્પાદકોનો વિશ્વાસ પણ સમિતિઓ અને તેમના સભ્યો પર વધશે

GeM પોર્ટલ લાવીને મોદીજીએ સરકારી ખરીદીમાં પારદર્શિતા લાવવાનું કામ કર્યું છે, આ એક નવી વ્યવસ્થા છે, શરૂઆતમાં કેટલીક વહીવટી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તેની પાછળના ઇરાદા પર કોઇએ શંકા કરવી જોઇએ નહીં

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે 5 વર્ષમાં પારદર્શિતા સાથે સરકારી ખરીદીનું આ સફળ મોડલ આખી દુનિયા જોશે

આજે GeM નું ​​જે પ્રકારે વિસ્તરણ થયું છે તે અકલ્પનીય છે, GeM પર લગભગ 62000 સરકારી ખરીદદારો ઉપલબ્ધ છે અને લગભગ 49 લાખ વેચાણકર્તાઓ નોંધાયેલા છે

સાથે જ, લગભગ 10,000 કરતાં વધારે ઉત્પાદનો અને 288 થી વધુ સેવાઓ સૂચિબદ્ધ થઇ ગઇ છે, અત્યાર સુધીમાં 2 લાખ 78 હજાર કરોડ રૂપિયાનો વ્યવસાય પણ પૂરો થઇ ગયો છે જે GeMની એક ઘણી મોટી સિદ્ધિ છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઇ-લોન્ચિંગ કર્યું હતું. ભારત સરકારના સહકારિતા મંત્રાલય, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ (NCUI) અને GEM દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય સહકારિતા અને ઉત્તર પૂર્વ ક્ષેત્ર વિકાસ રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા અને NCUIના અધ્યક્ષ શ્રી દીલીપ સંઘાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QGDJ.jpg

 

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઇતિહાસનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. 1942 માં, 9 ઑગસ્ટના રોજ, ગાંધીજીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારત છોડો ચળવળની શરૂઆત કરી હતી અને આજે 9 ઑગસ્ટના રોજ આઝદીના અમૃત મહોત્સવમાં વધુ એક મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં આખા દેશની તમામ સહકારી મંડળીઓ માટે GeMના દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ રહેલી છે અને આ ક્ષેત્રના વિસ્તરણ માટે GeM પોર્ટલ ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ સાબિત થશે. સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે સરકારના મોટાભાગના એકમો GeM ના માધ્યમથી ખરીદી કરે છે, તેથી સહકારી સમિતિઓએ પણ તેમના બજારને વધારવા માટે GeM પર પૂરવઠો પૂરો પાડવા માટે નોંધણીની તૈયારી શરૂ કરવી જોઇએ. તેમણે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘને પણ સહકારી સંસ્થાઓનું માર્કેટિંગ વધારવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આના માટે GeMથી સારો બીજો કોઇ રસ્તો હોઇ શકે નહીં.

સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, આઝાદી મળી તે પછીથી આ ક્ષેત્રની  હંમેશા ઉપેક્ષા કરવામાં આવી છે પરંતુ પ્રધાનમંત્રી મોદીજી ઐતિહાસિક સુધારા અને આધુનિકીકરણ સાથે તેના વિસ્તરણને વેગ આપી રહ્યા છે. મોદીજીના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયે વિસ્તરણ કરવા માટે સંખ્યાબંધ ઉપાય કર્યા છે અને છેલ્લા એક વર્ષમાં મંત્રાલય દ્વારા સતત 25 થી 30 પહેલો પર સમાંતર ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પૅક્સથી માંડીને એપૅક્સ સુધીના સર્વગ્રાહી અભિગમ સાથે સહકારી નીતિ પણ ઘડવામાં આવી રહી છે. સરકાર સહકારી સમિતિઓનું વિસ્તરણ કરવા માંગે છે પરંતુ તેના માટે કોઇ ડેટાબેઝ ઉપલબ્ધ નથી, તેથી મંત્રાલય દ્વારા તમામ પ્રકારની સહકારી સમિતિઓનો રાષ્ટ્રીય સ્તરનો ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીની સ્થાપનાનું કામ પણ આગળ વધી રહ્યું છે, તેનાથી નવા વ્યાવસાયિકો તૈયાર થશે. આ યુનિવર્સિટીમાં સહકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો અને નવા કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રી શાહે આગળ કહ્યું હતું કે, એક નિકાસ ગૃહની પણ નોંધણી કરવામાં આવી રહી છે, જે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. તેનાથી દેશભરની સહકારી સમિતિઓને નિકાસ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાશે. તેમણે કહ્યું હતું કે, બહુ રાજ્ય સરકારી અધિનિયમમાં પણ ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને મોદી સરકારે તમામ પૅક્સને કોમ્પ્યુટરાઇઝ કરવાનો નિર્ણય પણ લીધો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027YSN.jpg

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં જનસંખ્યા જ મોટી તાકાત ધરાવે છે કારણ કે આખરે છેવટે તો જનસંખ્યા એક બજાર પણ હોય જ છે. 2014 સુધીમાં દેશની વસ્તી 130 કરોડ હતી પરંતુ બજાર માત્ર 60 કરોડનું હતું કારણ કે બાકીના લોકો પાસે ખરીદ શક્તિ જ ન હતી. દેશના 60 કરોડ લોકોનો આખો દિવસ બે ટંકના ભોજન અને રોજીંદી વપરાશની અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરવા માટેની ચિંતામાં જ પસાર થઇ જતો હતો અને તેમની ઘણી પેઢીઓ આ વિચાર કરવામાં જ પસાર થઇ ગઇ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગરીબોને બેંક ખાતા, ગેસ સિલિન્ડર, શૌચાલય, વીજળી, પીવાનું શુદ્ધ પાણી અને મફત અનાજ આપીને તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરીને આ 60 કરોડ લોકોની આકાંક્ષાઓને જીવંત કરી છે અને સહકારી ક્ષેત્ર આ તમામ આકાંક્ષાઓ પૂરી કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે પ્રાથમિક જરૂરિયાત પૂરી થઇ ગયા પછી, આ લોકોના મનમાં વધુ નાણાંની કમાણી કરીને જીવનમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા જાગી છે અને સહકારિતાના માધ્યમથી તેઓ આ મહત્વાકાંક્ષાને પૂરી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, દેશના 60 કરોડ લોકો પાસે પાંચ હજાર રૂપિયા હોય તો પણ તેઓ સૌથી મોટી સહકારી સંસ્થા ચલાવી શકે છે. અમૂલનું ઉદાહરણ આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે 20 લાખ બહેનો 60 હજાર કરોડનું ટર્નઓવર વટાવી દીધું છે તેવી સહકારી સંસ્થા કેટલાય વર્ષોથી સફળતાપૂર્વક ચલાવી રહી છે અને તે સહકારી મંડળી માત્ર ચાલે છે એવું નથી પરંતુ ખૂબ સારો નફો પણ કરે છે.

સહકારિતા મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, સહકારિતાનું મોડલ જ એક એવું મોડલ છે જેમાં ઓછી મૂડીમાં પણ લોકો એક સાથે મળીને સૌથી મોટું કામ પણ સરળતાથી પાર પાડી શકે છે. તેમણે કહ્યું હતું કે, અગાઉના સહકારી મોડલમાં વધારે સંભાવનાઓ ન હતી પરંતુ શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમાં 60 કરોડ લોકોની આકાંક્ષાઓને જીવંત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, જો કોઇ પણ વ્યવસ્થા જો સમયની સાથે પોતાનામાં પરિવર્તન લાવે નહીં તો તે જૂની થઇ જાય છે, સહકારી ક્ષેત્રના વિસ્તરણ માટે તેમાં સુધારો કરવો જરૂરી છે. આપણા દેશમાં સહકારી વ્યવસ્થા 115 વર્ષ જૂની છે, કાયદાઓ પણ ઘણા જૂના છે, વચ્ચે કેટલાક નાના ફેરફારો થયા છે પરંતુ સમય અનુસાર તેમાં આમૂલ પરિવર્તન અને આધુનિકીકરણ થયું નથી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TTRY.jpg

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોઇ પણ વ્યક્તિ હવે સહકારી ક્ષેત્ર સાથે બીજા વર્ગ તરીકેનો વ્યવહાર નથી કરી શકતી, પરંતુ આપણે પણ પરિવર્તનની શરૂઆત કરવી પડશે, પારદર્શિતાની દિશામાં આગળ વધવું પડશે અને આપણે પોતાની જાતને તૈયાર કરવી પડશે. સહકારિતા ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે GeM પોર્ટલ ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે અને જ્યારે પારદર્શિતા આવશે ત્યારે ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકોનો સમિતિઓ અને તેમના સભ્યો પરનો વિશ્વાસ પણ વધશે. તેમણે કહ્યું હતું કે, GeM પોર્ટલ લાવીને મોદીજીએ સરકારી ખરીદીમાં પારદર્શિતા લાવવાનું કામ કર્યું છે, આ એક નવી વ્યવસ્થા છે માટે, શરૂઆતમાં કેટલીક વહીવટી સમસ્યાઓ આવી શકે છે પરંતુ કોઇ પણ વ્યક્તિએ તેના મૂળ ઇરાદા પર શંકા કરવી જોઇએ નહીં. શ્રી શાહે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓમાં ચૂંટણી, ભરતી અને ખરીદી આ ત્રણેય ક્ષેત્રોમાં પારદર્શિતા લાવવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે. ખરીદીમાં પારદર્શિતા લાવવા માટે GeM કરતાં વધુ સારું માધ્યમ બીજું કોઇ હોઇ શકે નહીં. સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષમાં પારદર્શિતા સાથે સરકારી ખરીદીનું આ સફળ મોડલ આખી દુનિયા જોશે.

સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, જે પ્રકારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં અત્યાર સુધી GeMની સફર આગળ વધતી રહી છે તેને જોતા તેઓ ખૂબ જ આશાવાદી છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી હોય તેવી જોડવામાં આવનારી સમિતિઓમાં 589 રાજ્ય સરકારની સમિતિઓ હતી અને આજ સુધીમાં 289 સમિતિઓ જોડાઇ છે, તેમજ 54 બહુ-રાજ્ય સહકારી સંસ્થાઓમાંથી 45 જોડાઇ ગઇ છે જે એક મોટી સિદ્ધિ છે. તેમણે કહ્યું હતું કે, આજે GeMનું જે વિસ્તરણ કરવામાં આવ્યું છે તે અકલ્પનીય છે, GeM પર લગભગ 62000 સરકારી ખરીદદારો ઉપલબ્ધ છે અને લગભગ 49 લાખ વેચાણકર્તાઓ નોંધાયેલા છે. સાથે જ, 10,000 કરતાં વધારે ઉત્પાદનો અને 288 થી વધુ સેવાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂપિયા 2 લાખ 78 હજાર કરોડનો વ્યવસાય પણ પૂરો થઇ ગયો છે જે GeMની ખૂબ જ મોટી સિદ્ધિ છે. શ્રી શાહે કહ્યું હતું કે, આજનો દિવસ આપણા દેશ માટે પવિત્ર દિવસ છે, આજના દિવસે જ ભારત છોડો ચળવળની શરૂઆત થઇ હતી, 6 વર્ષ પહેલા આજના દિવસે જ GeMની શરૂઆત કરવામાં આવી હતી અને આજે GeM પર સહકારી સંસ્થાઓનું ઓનબોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે. આના માટે, સહકારિતા સાથે સંકળાયેલા તમામ લોકોને, GeMની સમગ્ર ટીમને અને તમામ 8 લાખ સહકારી મંડળીઓને અને ખાસ કરીને શ્રી પીયૂષ ગોયલજીને ખૂબ ખૂબ અભિનંદન.

SD/GP/JD

 



(Release ID: 1850313) Visitor Counter : 271