ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે આજે કેન્દ્રીય પોલીસ તાલીમ સંસ્થા (CPIT)ની સમીક્ષા બેઠક યોજાઇ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ અપેક્ષાઓ, ફરજની ભાવના અને લક્ષ્યોની સિદ્ધિ માટે તાલીમની અસરકારક પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂક્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન કર્મયોગી હેઠળ, કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર અને DSPના સ્તર સુધીના પોલીસ કર્મચારીઓની તાલીમ સર્વાંગી અભિગમ સાથે હાથ ધરવી જોઇએ
તમામ પોલીસકર્મીઓ માટે 60 ટકા તાલીમ સૌના માટે એકસમાન હોવી જોઇએ, જ્યારે 40 ટકા તાલીમ તેમના દળ આધારિત હોવી જોઇએ, જેથી આપણે આપણી તાલીમ ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ
આધુનિક ટેકનિકની સાથે સાથે પોલીસ દળોમાં રાષ્ટ્રભક્તિ, તંદુરસ્તી, શિસ્ત, સંવેદનશીલતા અને સ્વ-સમર્પણની ભાવના કેળવવાની જરૂર છે
પોલીસકર્મીઓની તાલીમમાં સમયની સાથે પરિવર્તન તે ખૂબ જ મહત્વનું છે, તાલીમમાં કડકાઈ અને સંવેદનશીલતા બંને પર ભાર મૂક્યો
પોલીસ દળોની તાલીમમાં ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે એ વર્તમાન સમયની માંગ છે પરંતુ તે જ સમયે આપણે મૂળભૂત પોલીસ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને તેનો અમલ કરવો જોઇએ
Posted On:
19 JUL 2022 7:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય પોલીસ તાલીમ સંસ્થાઓ (CPTI)ની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય પોલીસ દળોના મહાનિદેશકો અને પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરો તેમજ કેન્દ્રીય પોલીસ તાલીમ સંસ્થાઓના વડાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા, કેન્દ્રીય ગૃહમંત્રી અપેક્ષાઓ, ફરજની ભાવના અને લક્ષ્યોની સિદ્ધિ માટે અસરકારક તાલીમ પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન કર્મયોગી હેઠળ, કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર અને DSPના સ્તર સુધીના પોલીસ કર્મચારીઓની તાલીમ સર્વાંગી અભિગમ સાથે હાથ ધરવામાં આવવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પોલીસકર્મીઓ માટે 60 ટકા તાલીમમાં સૌના માટે એક સમાન તાલીમ હોવી જોઇએ, જ્યારે બાકીની 40 ટકા તાલીમ તે પોલીસકર્મીના દળ આધારિત હોવી જોઇએ, જેથી આપણે આપણી તાલીમ ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ.
શ્રી અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, સમયની સાથે પોલીસકર્મીઓની તાલીમમાં પરિવર્તન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તેમણે તાલીમમાં કડકાઈ અને સંવેદનશીલતા બંને પરિબળો પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, આધુનિક ટેકનિકોના ઉપયોગની સાથે સાથે પોલીસ દળોમાં રાષ્ટ્રભક્તિ, તંદુરસ્તી, શિસ્ત, સંવેદનશીલતા અને સ્વ-સમર્પણની ભાવના કેળવવાની પણ જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ દળોની તાલીમમાં ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે, પરંતુ સાથે સાથે આપણે મૂળભૂત પોલીસ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે અને તેને વ્યવહારમાં લાવીને અમલ પણ કરવો જોઇએ. તેમણે તમામ સ્તરે પોલીસકર્મીઓ માટે ઑનલાઇન તાલીમની અસરની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય પોલીસ તાલીમ સંસ્થાઓ દ્વારા સુરક્ષા સંબંધિત પડકારોની સતત બદલાતી પ્રકૃતિ અને ઝડપી તેમજ અસરકારક પ્રતિસાદ આપવા માટે પોલીસ કર્મચારીઓની ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે યોગ્ય સમયે યોગ્ય તાલીમના મહત્વ પર ભાર મૂકતા પ્રેઝન્ટેશનો તૈયાર કરવામાં આવ્યા હતા. હાઇબ્રિડ લર્નિંગ અને ઉભરતા તાલીમ દૃષ્ટાંતો, તાલીમની પદ્ધતિઓ અને ટેકનિકના સંબંધિત ગુણો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ટ્રેનિંગ નીડ એનાલિસિસ (TNA), તાલીમ સંસાધનોની ઉત્પાદકતા, તાલીમ આપનારાઓનો વિકાસ, શ્રેષ્ઠ પ્રથાઓનો પ્રસાર, સંશોધન અને પ્રકાશન, અભ્યાસની સામગ્રીના ધોરણો નક્કી કરવા, ઇ-સામગ્રી, તાલીમ મૂલ્યાંકનમાં શ્રેષ્ઠ પ્રથાઓ, તાલીમ સંબંધિત માળખાકીય સુવિધાઓનો વિકાસ, તાલીમની ક્ષમતાનું વિસ્તરણ, તાલીમમાં નવી પહેલ અને નવીનતાઓ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ જેવા મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી, ભોપાલની કેન્દ્રીય પોલીસ તાલીમ એકેડેમી, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) એકેડેમી, સીમા સુરક્ષાદળ (BSF) એકેડેમી, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) એકેડેમી, રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા એકેડેમી, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), ઉત્તર પૂર્વ પોલીસ એકેડમી, ભોપાલ સ્થિત સશસ્ત્ર સીમા બળ (SSB) અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
SD/GP/JD
(Release ID: 1842867)
Visitor Counter : 299