પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ પ્રાકૃતિક ખેતી સંમેલનને સંબોધન કર્યું

“ગુજરાત અમૃત કાળના લક્ષ્યાંકો હાંસલ કરવાના દેશના સંકલ્પોમાં મોખરે છે”

“પ્રાકૃતિક ખેતીનું સુરત મોડલ સંપૂર્ણ દેશ માટે આદર્શ બની શકે છે”

“‘સબ કા પ્રયાસ’ નવા ભારતની વિકાસની સફર તરફ દોરી જાય છે”

“આપણા ગામડાઓએ દર્શાવ્યું છે કે, તેઓ પરિવર્તન લાવી શકે છે અને સાથે સાથે પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે”

“ભારત પ્રકૃતિ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ કૃષિ આધારિત દેશ છે”

“જ્યારે આપણે અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થયા છીએ, ત્યારે વૈશ્વિક સ્તરે ઊભી થયેલી તકોનો સંપૂર્ણ લાભ લેવાનો ઉચિત સમય છે”

“જ્યારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિના પ્રમાણિત ઉત્પાદનોની નિકાસ કરે છે, ત્યારે તેમને આ ઉત્પાદનોની સારી કિંમત મળે છે”

Posted On: 10 JUL 2022 12:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નેચરલ ફાર્મિંગ કોન્ક્લેવ (રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી સંમેલન)ને સંબોધન કર્યું હતું. ગુજરાતના સુરતમાં આયોજિત આ સંમેલનમાં હજારો ખેડૂતો અને અન્ય તમામ હિતધારકોની ભાગીદારી જોવા મળી છે, જેમણે સુરતમાં પ્રાકૃતિક ખેતીની સ્વીકાર્યતાને સફળગાથા બનાવી છે. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એ બાબતનો સંકેત છે કે, દેશના અમૃતકાળના લક્ષ્યાંકો હાંસલ કરવાના દેશના સંકલ્પો તરફ ગુજરાતે કેવી રીતે નેતૃત્વ લીધું છે. તેમણે કહ્યું હતું કે, સુરતમાં પ્રાકૃતિક ખેતી સાથે દરેક પંચાયતમાં 75 ખેડૂતોને જોડવા માટેની સફળતાની ગાથા સંપૂર્ણ દેશ માટે ઉદાહરણરૂપ બનવા જઈ રહી છે. તેમણે પ્રાકૃતિક ખેતી તરફની દિશામાં અગ્રેસર થવા માટે સરપંચોની ભૂમિકાને બિરદાવી હતી અને ખેડૂતોને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના 75મા વર્ષ સાથેના સંબંધમાં દેશમાં ઘણા લક્ષ્યાંકો પાર પાડવાની કામગીરી શરૂ થઈ છે, જે આગામી સમયમાં મોટા પરિવર્તનો માટે આધારરૂપ બનશે. દેશની પ્રગતિ અને ઝડપનો આધાર જ સબ કા પ્રયાસનું હાર્દ છે, જે અમારી આ વિકાસલક્ષી સફરને આગળ વધારે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કારણે ગ્રામપંચાયતોને ગરીબો અને સમાજના વંચિત વર્ગો માટે વિવિધ કલ્યાણકારક પ્રોજેક્ટમાં ચાવીરૂપ ભૂમિકા સુપરત કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ દરેક પંચાયતમાંથી 75 ખેડૂતોની પસંદગી કરવામાં સહિયારી ભૂમિકા ભજવી હતી તથા તેમને તાલીમ અને અન્ય સંસાધનો પૂરાં પાડ્યાં હતાં. પરિણામે એવી સ્થિતિ ઊભી થઈ છે કે, 550 પંચાયતોમાં 40 હજારથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં સંકળાયેલા છે. આ બહુ સારી શરૂઆત છે અને અતિ પ્રોત્સાહનજનક પ્રતિસાદ છે. પ્રાકૃતિક ખેતીનું સુરત મોડલ સંપૂર્ણ દેશ માટે મોડલ બની શકે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે લોકોની ભાગીદારીની તાકાત સાથે વિવિધ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે, ત્યારે આ તમામ પ્રોજેક્ટની સફળતા દેશના લોકો દ્વારા સુનિશ્ચિત થાય છે. આ માટે શ્રી મોદીએ જલ જીવન અભિયાનનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં લોકોને ચાવીરૂપ અને આગળ પડતી ભૂમિકા સુપરત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે ડિજિટલ ઇન્ડિયા મિશનની અસાધારણ સફળતા દેશનો એ લોકોને જવાબ છે, જેઓ સામાન્ય રીતે કહે છે કે, ગામડામાં પરિવર્તન લાવવું સરળ નથી. આપણા ગામડાઓએ દર્શાવ્યું છે કે, ગામડાઓમાં પરિવર્તન લાવી શકાય છે એટલું જ નહીં તેઓ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રાકૃતિક ખેતી સાથે સંબંધિત જન આંદોલનને આગામી દિવસોમાં મોટી સફળતા હાંસલ થશે. આ આંદોલન સાથે શરૂઆત સાથે સંકળાયેલા હશે એ ખેડૂતોને મોટા ફાયદા થશે.

પ્રધાનમંત્રીએ આપણા જીવન, આપણા સ્વાસ્થ્ય, આપણા સમાજ પર ભાર મૂકીને આ ત્રણેય પરિબળોને આપણી કૃષિ વ્યવસાયના અભિન્ન અંગો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત કૃષિ આધારિત અર્થતંત્ર અને સંસ્કૃતિ ધરાવે છે. એટલે આપણી કૃષિ પ્રક્રિયાઓ અદ્યતન બનશે, તેમ આપણા ખેડૂતો પ્રગતિ કરશે, તેઓ વધુને વધુ સમૃદ્ધ થશે. આ રીતે આપણો દેશ સમૃદ્ધ થશે. તેમણે ખેડૂતોને યાદ અપાવ્યું હતું કે, પ્રાકૃતિક  ખેતી એટલે સમૃદ્ધિ તેમજ આપણી ધરતી માતાની સેવા અને એનો આદર. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે ધરતી માતાની સેવા કરો છો, જમીનની ફળદ્રુપતા રક્ષણ કરો છો અને  એની ઉત્પાદકતામાં વધારો કરો છો  જ્યારે તમે પ્રાકૃતિક  ખેતી કરો છો, ત્યારે તમે ધરતી માતા અને પર્યાવરણની સેવા કરો છો. જ્યારે તમે પ્રાકૃતિક ખેતીમાં સામેલ થાવ છો, ત્યારે તમને ગૌમાતાની સેવા કરવાની તક પણ મળે છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સંપૂર્ણ દુનિયા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશે વાત કરે છે. તેમણે કહ્યું હતું કે, આ એક એવું ક્ષેત્ર છે, જેમાં ભારત સદીઓથી દુનિયાનું નેતૃત્વ કરે છે. એટલે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થવાનો અને એમાંથી ઊભી થયેલી વૈશ્વિક તકોનો સંપૂર્ણ લાભ લેવાનો ઉચિત સમય છે. શ્રી મોદીએ પરંપરાગત કૃષિ વિકાસ યોજના જેવી યોજનાઓ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારે લીધેલા વિવિધ પગલાં વિશે વાત કરી હતી, જે પરંપરાગત કૃષિ માટે સંસાધનો અને તાલીમ પ્રદાન કરે છે. લાખો ખેડૂતોના લાભ માટે આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 30 હજાર ક્લસ્ટર્સ ઊભા કરવામાં આવ્યાં છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજનાહેઠળ 10 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એક અલગ અભિયાન સ્વરૂપે નમામિ ગંગે સાથે જોડાયેલ છે, જેને ગંગા નદીના કિનારાને સમાંતર પ્રાકૃતિક કૃષિ ઊભી કરવા હાથ ધરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું પ્રમાણપત્ર મેળવવા માટે ગુણવત્તાની ખાતરી માટેની વ્યવસ્થા વિશે પણ જાણકારી આપી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે ખેડૂતો પ્રમાણિત ઉત્પાદનોની નિકાસ કરે છે, ત્યારે આ ઉત્પાદનોને વધારે સારી કિંમતો મળે છે.

ભારતમાં લોકપ્રિય સંસ્કૃતિ અને ગ્રંથોમાં છૂપાયેલા પ્રાકૃતિક ખેતીના જ્ઞાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ સંસ્થાઓને, એનજીઓ (બિનસરકારી સંસ્થાઓ) અને નિષ્ણાતોને પ્રાચીન જ્ઞાન પર વધારે સંશોધન કરવા અને આધુનિક સમયની જરૂરિયાતોને આધારે ખેડૂતો સુધી આ જ્ઞાન કેવી પહોંચાડી શકાય એના વિશે વિનંતી કરી હતી. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, દરેક પંચાયતમાં 75 ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી હાથ ધરવાની શરૂઆતથી ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેડૂતોમાં મોટો વધારો થશે, કારણ કે આ રસાયણ-મુક્ત પ્રાકૃતિક ઉત્પાદનો માટેની માગ વધશે.

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ગુજરાત પંચાયત મહાસંમેલનને માર્ચ, 2022માં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દરેક ગામડામાં ઓછામાં ઓછા 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત સુરત જિલ્લાએ જિલ્લામાં ખેડૂત જૂથો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તલાટીઓ, કૃષિ ઉત્પાદન વેચાણ મંડળીઓ (એપીએમસી), સહકારી બેંકો વગેરે વિવિધ હિતધારકો અને સંસ્થાઓએ સહિયારા અને સંકલિત પ્રયાસ હાથ ધર્યા હતા, જેથી ખડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં મદદ મળે. પરિણામે દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોની ઓળખ થઈ હતી તથા તેમને પ્રાકૃતિક કૃષિ હાથ ધરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા અને તાલીમ આપવામાં આવી હતી. પરિણામે જિલ્લામાં 90 વિવિધ ક્લસ્ટરમાં 41,000થી વધારે ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1840540) Visitor Counter : 444