પ્રધાનમંત્રીનું કાર્યાલય

અગ્રદૂત ગ્રૂપના અખબારની સુવર્ણ જયંતિની ઉજવણીના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

Posted On: 06 JUL 2022 6:44PM by PIB Ahmedabad

આસામના ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી હિમંતા બિશ્વા શર્માજી, મંત્રીજી અતુલ બોરાજી, કેશબ મહંતાજી, પિજૂષ હઝારિકાજી, સુવર્ણ જયંતિ ઉજવણીની સમિતિના અધ્યક્ષ ડૉ. દયાનંદ પાઠકજી, અગ્રદૂતના ચીફ એડિટર અને કલમ સાથે આટલો લાંબો સમય જેમણે તપસ્યા કરી છે, સાધના કરી છે, એવા કનકસેન ડેકાજી, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,

અસમિયા ભાષામાં પૂર્વ ઉતરની સશક્ત અવાજ, દૈનિક અગ્રદૂત સાથે જોડાયેલા તમામ સાથીદારો, પત્રકારો, કર્મચારીઓ અને પાઠકોને 50 વર્ષ – પાંચ દાયકાની આ સ્વર્ણિમ યાત્રા માટે હું ખૂબ અભિનંદન આપું છું, બહુ શુભકામનાઓ આપું છું. આગામી સમયમાં અગ્રદૂત નવી ઊંચાઈને સ્પર્શે, ભાઈ પ્રાંજલ અને યુવાન ટીમને આ માટે હું શુભકામનાઓ આપું છું.

આ સમારંભ માટે શ્રીમંત શંકરદેવની કળા ક્ષેત્રની પસંદગી પણ અદ્ભૂત સંયોગ છે. શ્રીમંત શંકરદેવજીએ અસમિયા કાવ્ય અને રચનાઓના માધ્યમથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરી હતી. તેમના જ મૂલ્યોએ દૈનિક અગ્રદૂતને પણ પોતાના પત્રકારત્વથી સમૃદ્ધ કર્યું છે. દેશમાં સદભાવ અને એકતાની લાગણીથી સમૃદ્ધ કરી છે. દેશમાં સદભાવ અને એકતાની અલખ પ્રજ્જવલિત રાખવામાં તમારા અખબારે પત્રકારત્વના માધ્યમથી મોટી ભૂમિકા અદા કરી છે.

ડેકાજી માર્ગદર્શનમાં દૈનિક અગ્રદૂતે હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખ્યું છે. કટોકટી દરમિયાન પણ જ્યારે લોકશાહી પર સૌથી મોટો હુમલો થયો હતો, ત્યારે પણ દૈનિક અગ્રદૂતે અને ડેકાજીએ પત્રકારત્વના મૂલ્યો સાથે સમાધાન કર્યું નહોતું. તેમણે આસામમાં ભારતીયતાથી ઓતપ્રોત પત્રકારત્વને સશક્ત કરવાની સાથે મૂલ્ય આધારિત પત્રકારત્વ માટે એક નવી પેઢી તૈયાર કરી છે. આઝાદીના 75મા વર્ષમાં દૈનિક અગ્રદૂતનો સ્વર્ણ જયંતિ સમારંભ ફક્ત એક પડાવ નથી, પણ આ આઝાદીના અમૃતકાળમાં પત્રકારત્વ માટે, રાષ્ટ્રીય કર્તવ્યો માટે પ્રેરણા પણ છે.

સાથીદારો,

છેલ્લાં કેટલાંક દિવસોમાં આસામ પૂર સ્વરૂપે મોટા પડકાર અને મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યું છે. આસામના અનેક જિલ્લાઓમાં સામાન્ય જીવનને બહુ માઠી અસર થઈ છે. હિમંતાજી અને તેમની ટીમ રાહત અને બચાવ કાર્યો માટે રાતદિવસ મહેનત કરી રહી છે. મારો પણ સમયે-સમયે આ બાબતે ત્યાં અનેક લોકો સાથે વાતચીત થતી રહે છે. મુખ્યમંત્રીજી  સાથે વાતચીત થતી રહે છે. હું આજે આસામના લોકોને અગ્રદૂતના પાઠકોને આ ખાતરી આપું છું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખભેખભો મિલાવીને તેમની મુશ્કેલીઓ ઓછી કરવા માટે રાતદિવસ એક કરી રહી છે.

સાથીદારો,

ભારતની પરંપરા, સંસ્કૃતિ, આઝાદીની લડાઈ અને વિકાસ યાત્રામાં ભારતીય ભાષાઓના પત્રકારત્વની ભૂમિકા અગ્રણી રહી છે. આજથી લગભગ 150 વર્ષ અગાઉ અસમિયા ભાષામાં પત્રકારત્વનો પ્રારંભ થઈ ગયો હતો અને આ સમયની સાથે સમૃદ્ધ થતું રહ્યું છે. અસમે ભાષાકીય પત્રકારત્વને એક નવું પરિમાણ આપનાર અનેક પત્રકારો, એવા અનેક સંપાદકોની દેશને ભેટ ધરી છે. આજે પણ આ પત્રકારત્વ સામાન્ય જનતાને સરકાર અને જનહિત સાથે જોડવામાં બહુ મોટી સેવા કરી રહ્યું છે.

સાથીદારો,

દૈનિક અગ્રદૂતની છેલ્લાં 50 વર્ષની સફર આસામમાં પરિવર્તનને બયાન કરે છે. જનઆંદોલનોએ આ પરિવર્તનને સાકાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. જનઆંદોલનોએ આસામના સાંસ્કૃતિક વારસા અને અસમિયા ગૌરવનું રક્ષણ કર્યું છે. હવે જનભાગીદારીને પગલે આસામ વિકાસની નવી ગાથા લખી રહ્યું છે.

સાથીદારો,

ભારતના આ સમાજમાં લોકશાહી એટલે અર્થસભર છે, કારણ કે તેમાં ચર્ચાવિચારણાથી દરેક મતભેદને દૂર કરવાનો માર્ગ છે. જ્યારે સંવાદ થાય છે, ત્યારે સમાધાન મળે છે. સંવાદથી જ સંભાવનાઓનો વિસ્તાર થાય છે. એટલે ભારતીય લોકશાહીમાં જ્ઞાનના પ્રવાહની સાથે જ સૂચનાનો પ્રવાહ પણ અવિરત વહે છે અને સતત લોકોને માહિતી મળે છે. અગ્રદૂત પણ આ જ પરંપરાને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.

સાથીદારો,

હાલ દુનિયામાં આપણે ગમે ત્યાં રહેતા હોય, આપણી માતૃભાષામાં પ્રકટ થતા અખબાર આપણા ઘરમાં એક સભ્ય હોવાનો અહેસાસ કરાવે છે. તમે પણ જાણો છો કે, અસમિયા ભાષામાં પ્રકાશિત થનાર દૈનિક અગ્રદૂત અઠવાડિયામાં બે વાર પ્રકાશિત થતું હતું. ત્યાંથી શરૂ થયેલી એની સફર  હવે દૈનિક અખબાર બનવા સુધી પહોંચી અને હવે આ ઈ-પેપર સ્વરૂપે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહીને પણ તમે આસામના સમાચારોથી વાકેફ રહી શકો છો, આસામ સાથે જોડાયેલા રહી શકો છો.

આ અખબારની વિકાસ યાત્રામાં આપણા દેશમાં પરિવર્તન અને ડિજિટલ વિકાસની ઝલક જોવા મળે છે. ડિજિટલ ઇન્ડિયા અત્યારે લોકલ કનેક્ટનું મજબૂત માધ્યમ બની ગયું છે. આજે જે વ્યક્તિ ઓનલઆઇન અખબારનો અભ્યાસ કરે છે, તે ઓનલાઇન પેમેન્ટ પણ કરવાની પ્રક્રિયાથી પણ વાકેફ હોય છે. દૈનિક અગ્રદૂત અને આપણું મીડિયા આસામ અને દેશમાં આ પરિવર્તનનું સાક્ષી રહ્યું છે.

સાથીદારો,

જ્યારે આપણે આપણા દેશની આઝાદીના 75 વર્ષ પૂરાં કરી રહ્યાં છીએ, ત્યારે એક પ્રશ્ર આપણે જરૂર પૂછવો જોઈએ. Intellectual space (બૌદ્ધિક ક્ષેત્ર) કોઈ વિશેષ ભાષાથી પરિચિત થોડા લોકો સુધી જ મર્યાદિત કેમ રહેવું જોઈએ? આ સવાલ ફક્ત લાગણીનો નથી, પણ વૈજ્ઞાનિક તર્ક સાથે પણ સંબંધિત છે. તમે જરા વિચારો. અગાઉ દુનિયામાં થયેલી 3 ઔદ્યોગિક ક્રાંતિઓમાં ભારત સંશોધન અને વિકાસમાં પાછળ કેમ રહ્યું? જ્યારે ભારત પાસે જ્ઞાન કે જાણકારી છે, જાણવા-સમજવાની, નવું વિચારવાની, નવું કરવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે.

એનું એક મોટું કારણ એ છે કે, આપણી આ સંપતિ ભારતીય ભાષાઓમાં હતી. ગુલામીના લાંબા કાળખંડમાં ભારતીય ભાષાઓના વિસ્તારને અટકાવવામાં આવ્યો અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાન, સંશોધનને એકથી બે ભાષાઓ સુધી મર્યાદિત કરવામાં આવ્યું. ભારતના એક બહુ મોટા વર્ગને એ ભાષાઓ સુધી, એ જ્ઞાન સુધી પહોંચ પણ નહોતી. એટલે કે બૌદ્ધિકતાનો, કુશળતાનો દાયરો સતત સંકોચાઈ ગયો, જેના પગલે સંશોધન અને નવીનતામાં તકો મર્યાદિત થઈ ગઈ.

જ્યારે 21મી સદીમાં દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહી છે, ત્યારે ભારત પાસે દુનિયાનું નેતૃત્વ કરવાનો એક બહુ મોટો પ્રસંગ છે. આ તક આપણા ડેટા પાવરને કારણે છે, ડિજિટલ સર્વસમાવેશકતાને કારણે છે. કોઈ પણ ભારતીય શ્રેષ્ઠ માહિતી, શ્રેષ્ઠ જ્ઞાન, શ્રેષ્ઠ કુશળતા અને શ્રેષ્ઠ તકથી ફક્ત ભાષાને કારણે વંચિત ના રહે – આ જ અમારો પ્રયાસ છે.

એટલે અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે. માતૃભાષામાં શિક્ષણ કરતા આ વિદ્યાર્થી આવતીકાલે કોઈ પણ વ્યવસાયમાં જાય, તેઓ તેમના ક્ષેત્રની જરૂરિયાતો અને પોતાના લોકોની આકાંક્ષાઓની સમજણથી વાકેફ રહેશે. સાથે સાથે હવે આપણો પ્રયાસ એ છે કે, ભારતીય ભાષાઓમાં દુનિયાની શ્રેષ્ઠ સામગ્રી ઉપલબ્ધ થાય. આ માટે રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાન પર અમે કામ કરી રહ્યાં છીએ.

અમારો પ્રયાસ છે કે, ઇન્ટરનેટ, જે નોલેજ કે જ્ઞાન કે જાણકારીનું, માહિતીનો બહુ મોટો ભંડોળ છે, તેનો ઉપયોગ દરેક ભારતીય પોતાની ભાષામાં પ્રયોગ કરી શકે. બે દિવસ અગાઉ જ આ માટે ભાષીની પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ ભારતીય ભાષાઓનું યુનિફાઇડ લેંગ્વેજ ઇન્ટરેફેસ છે, દરેક ભારતીયને ઇન્ટરનેટથી સરળતાપૂર્વક જોડવાનો પ્રયાસ છે. પરિણામે તે જાણકારીના, જ્ઞાનના આ આધુનિક સ્ત્રોત્ સાથે, સરકાર સાથે સરકારી સુવિધાઓ સાથે સરળતાથી પોતાની ભાષા સાથે જોડાઈ શકે, સંવાદ કરી શકે.

ઇન્ટરનેટને કરોડ-કરોડ ભારતીયોને પોતાની ભાષામાં ઉપલબ્ધ કરાવવું સામાજિક અને આર્થિક એમ બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. સૌથી મોટી વાત એ છે કે આ એક ભારત, શ્રેષ્ઠ ભારતને મજબૂત કરવા, દેશના અલગ-અલગ રાજ્યો સાથે જોડાવા, ફરવા અને સંસ્કૃતિને સમજવામાં બહુ મદદરૂપ પુરવાર થશે.

સાથીદારો,

આસામ સહિત સંપૂર્ણ ઉત્તર પૂર્વ પ્રવાસન, સંસ્કૃતિ અને જૈવવિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે. તેમ છતાં આ વિસ્તાર હજુ જોઈએ એટલો ખેડાયો નથી, જેટલો ખેડાવો જોઈએ. આસામની પાસે ભાષા, ગીત-સંગીત સ્વરૂપે જે સમૃદ્ધ વારસો છે, તેને દેશ અને દુનિયા સુધી પહોંચાડવો જોઈએ. છેલ્લાં 8 વર્ષથી આસામ અને સંપૂર્ણ ઉત્તર પૂર્વને આધુનિક કનેક્ટિવિટીના હિસાબ સાથે જોડવાનો અભૂતપૂર્વ પ્રયાસ ચાલી રહ્યો છે. તેમાં આસામની, પૂર્વોતરની, ભારતની વૃદ્ધિમાં ભાગીદારી સતત વધી રહી છે. હવે ભાષાઓના દ્રષ્ટિકોણથી પણ આ ક્ષેત્ર ડિજિટલી કનેક્ટ થશે તો આસામની સંસ્કૃતિ, જનજાતિય પરંપરાઓ અને પ્રવાસનને બહુ લાભ થશે.

સાથીદારો,

એટલે મારી અગ્રદૂત જેવા દેશના દરેક ભાષામાં પત્રકારત્વ કરતી સંસ્થાઓને વિશેષ અપીલ છે કે, ડિજિટલ ઇન્ડિયાના દરેક પ્રયાસ વિશે પોતાના પાઠકોને જાગૃત કરે. ભરાતનું ટેક ભવિષ્ય સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે તમામે પ્રયાસ કરવો જોઈએ.

સ્વચ્છ ભારત અભિયાન જેવા અભિયાનમાં આપણા મીડિયાએ જે સકારાત્મક ભૂમિકા અદા કરી છે, તેની સંપૂર્ણ દેશ અને દુનિયામાં પ્રશંસા થાય છે. આ જ રીતે અમૃત મહોત્સવમાં દેશના સંકલ્પોમાં પણ તમે ભાગીદાર બનીને તેને એક દિશા આપો, નવી ઊર્જા આપો.

આસામમાં જળસંરક્ષણ અને એના મહત્વથી તમે સારી રીતે પરિચિત છો. આ જ દિશામાં આ સમયે અમૃત સરોવર અભિયાનને આગળ વધારવાની કામગીરી ચાલી રહી છે. દેશ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરો માટે કામ કરી રહ્યો છે. અમને પૂરો વિશ્વાસ છે કે, અગ્રદૂતના માધ્યમથી આસામનો કોઈ નાગરિક એવો નહીં હોય, જે આની સાથે નહીં જોડાયેલો હોય, તમામના પ્રયાસ નવી ગતિ આપી શકે છે.

આ જ રીતે આઝાદીની લડાઈમાં આસામના સ્થાનિક લોકોને, આપણા આદિવાસી સમાજનું આટલું મોટું યોગદાર રહ્યું છે. એક મીડિયા સંસ્થા સ્વરૂપે આ ગૌરવશાળી ભૂતકાળને જન જન સુધી પહોંચાડવામાં તમે મોટી ભૂમિકા અદા કરી શકે છે. મને ખાતરી છે કે, અગ્રદૂત સમાજના આ સકારાત્મક પ્રયાસોને દરજ્જો આપવા કર્તવ્યને છેલ્લાં 50 વર્ષથી અદા કરે છે, આગામી અનેક દાયકા સુધી અદા કરશે. મને પૂરી ખાતરી છે કે, આસામના લોકો અને આસામની સંસ્કૃતિના વિકાસમાં તેઓ લીડર તરીકે કામ કરતા રહેશે.

સુમાહિતગાર, શ્રેષ્ઠ જાણકાર સમાજ જ આપણે તમામનો ધ્યેય હોય, આપણે તમામ મળીને આ માટે કામ કરીએ, આ સારી ઇચ્છા સાથે એક વાર ફરી તમને સ્વર્ણિમ સફરના અભિનંદન અને શ્રેષ્ઠ ભવિષ્યની અનેક અનેક શુભકામનાઓ.

SD/GP/JD



(Release ID: 1839705) Visitor Counter : 231