સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન પરિષદ 2022 યોજાઇ અને તેમણે ઇન્ડિયન ફાર્માકોપિયાની 9મી આવૃત્તિનું વિમોચન કર્યું


“ભારત આખી દુનિયામાં સૌથી મોટું જેનરિક દવાઓનું સપ્લાયર છે અને દુનિયાભરમાં જેનરિક દવાઓના કુલ જથ્થામાં 20% પુરવઠો ભારત પૂરો પાડે છે”

આપણે આંતરરાષ્ટ્રીય વેપાર, સ્વદેશી ઉદ્યોગો અને વૈશ્વિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માકોપિયા માટે ભાવિ રૂપરેખા તૈયાર કરવાની જરૂર છે: ડૉ. મનસુખ માંડવિયા

“દવાના ઉત્પાદનોમાં ગુણવત્તાના ધોરણો જાળવી રાખીને સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભારતના વિકાસ માટે ફાર્માકોપિયા ખૂબ જ જરૂરી છે”

Posted On: 01 JUL 2022 3:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે IPC પરિષદ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તેમણે ઇન્ડિયન ફાર્માકોપિયાની નવમી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

આ વર્ષની પરિષદની થીમ ભવિષ્ય માટે દવાની ગુણવત્તા પર ધ્યાન આપવું રાખવામાં આવી હતી.


 

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે ડૉ. મનસુખ માંડવિયાએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, ભારતના ફાર્માકોપિયાને દુનિયાભરમાં સ્વીકારવામાં આવે અને તેની પ્રશંસા થાય. તેમણે કહ્યું હતું કે, જેનરિક મેડિસિન ફોર્મ્યુલેશનમાં તજજ્ઞતા અને વિનિર્માણની મદદથી તેમજ દુનિયાભરમાં પરવડે તેવી દવાઓનો પુરવઠો પહોંચાડીને આપણે ફાર્મસી ઓફ વર્લ્ડ બન્યા છીએ. પરંતુ હજુ પણ આપણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધનનું વધારે મજબૂતીકરણ કરવાની જરૂર છે. આજદિન સુધીમાં ચાર દેશ – અફઘાનિસ્તાન, ઘાના, નેપાળ અને મોરેશિયસે IPને માપદંડોના પુસ્તક તરીકે સ્વીકાર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, આપણે ચોક્કસ ભાવિ રૂપરેખા તૈયાર કરવી જોઇએ અને તેના પર આગળ વધવું જોઇએ જેથી વધુને વધુ દેશો આપણા ફાર્માકોપિયાને સ્વીકારે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની ભૂમિકા પર પ્રકાશ પાડતા ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની દૂરંદેશી અને તે દિશામાં આપણે કરેલા કાર્યોના પરિણામ સ્વરૂપે દુનિયા આપણને ઓળખવા લાગી છે અને આપણાં કામને મહત્વ આપવા લાગી છે તેમજ સ્વીકારવા લાગી છે. આપણે સ્વદેશી દવાઓમાં આપણી શક્તિના આધારે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણું ફાર્માકોપિયા તેનો લાભ કેવી રીતે ઉઠાવી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભારતનો વિકાસ કરવા માટે, આપણા તબીબી ઉત્પાદનો- રસીઓ, દવાઓ, સાધનો વગેરેની પ્રમાણભૂત ગુણવત્તા જાળવવા અને દર્દીઓ પર આ દવાઓની અસર પર દેખરેખ રાખવા માટે ફાર્માકોપિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત સમગ્ર દુનિયામાં જેનરિક દવાઓનું સૌથી મોટું સપ્લાયર છે અને દુનિયામાં જનેરિક દવાઓને કુલ પુરવઠામાંથી 20% પુરવઠો ભારત દ્વારા પૂરો પાડવામાં આવે છે તે બાબતનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે આગળ જણાવ્યું હતું કે, કોવિડ મહામારી દરમિયાન, ભારતે 150 દેશોમાં પહોંચપાત્ર અને પરવડે તેવી રસીનો જથ્થો પહોંચાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ઘણા દેશોમાં રસી અને અન્ય જેનરિક દવાઓ પહોંચાડતી વખતે, આપણે ક્યારેય ગુણવત્તા અને ધોરણો સાથે બાંધછોડ નથી કરી અથવા ઓછા માપદંડોની અથવા બનાવટી દવાઓ પહોંચાડી નથી. આના પરિણામે ભારત આખી દુનિયામાં પ્રશંસા મેળવી શક્યું છે.

ઇન્ડિયન ફાર્માકોપિયા વિશે

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વતી ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (IPC) દ્વારા ઇન્ડિયન ફાર્માકોપિયા (IP) બહાર પાડવામાં આવે છે જે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940ની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે બહાર પાડવામાં આવે છે. IPમાં ભારતમાં ઉત્પાદિત કરવામાં આવતી અને/અથવા માર્કેટિંગ કરવામાં આવતી દવાઓ માટે સત્તાવાર ધોરણો સૂચવવામાં આવે છે અને આ પ્રકારે તે દવાઓની ગુણવત્તાના નિયંત્રણ અને ખાતરીમાં યોગદાન આપે છે. IPના ધોરણે અધિકૃત હોય છે અને કાનૂની રીતે અમલ પાત્ર હોય છે. તેનો ઉદ્દેશ આપણા દેશમાં દવાઓના ઉત્પાદન, નિરીક્ષણ અને વિતરણના લાઇસન્સિંગમાં મદદરૂપ થવાનો છે.

IP 2022માં કુલ 92 નવા મોનોગ્રાફ સામેલ કરવામાં આવ્યા છે જેમાં 60 રસાયણ, 21 વિટામિન, ખનીજતત્વો, એમિનો એસિડ, ફેટી એસિડ વગેરે છે. 3 બાયોટેકનોલોજીથી ચાલિત ઉપચારાત્મક ઉત્પાદનો, 4 માનવીય રસી, 2 લોહી અને લોહી સંબંધિત ઉત્પાદનો, 2 ઔષધી અને ઔષધી સંબંધિત ઉત્પાદનો તેમજ 7 ફાઇયોફાર્માસ્યુટિકલ ઘટક શ્રેણી મોનોગ્રાફ છે. આના કારણે IPની વર્તમાન આવૃત્તિમાં મોનોગ્રાફની કુલ સંખ્યા 3152 થઇ ગઇ છે. આ ઉપરાંત, 12 નવા સામાન્ય પ્રકરણો પણ રજૂ કરવામાં આવ્યા છે. કેટલાક મોનોગ્રાફ્સ અને સામાન્ય પ્રકરણો પણ વર્તમાન વૈશ્વિક જરૂરિયાતો અનુસાર અને USP, BP, EP વગેરે જેવા અન્ય ફાર્માકોકિયા સાથે સૂમેળ સાધવા માટે અપડેટ કરવાના ઉદ્દેશતી સુધારવામાં આવ્યા છે. વૈશ્વિક ધોરણો સાથેના IP ધોરણોના સૂમેળથી તેને વિદેશીમાં સ્વીકારમાં અને અપનાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.     

IPના વિમોચનના આ પ્રસંગને ખાસ રીતે અંકિત કરવા માટે, IPC દ્વારા IPC કોન્ફરન્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોચના ફાર્મા ઉદ્યોગો, રાજ્યો અને કેન્દ્રીય દવા અને નિયમનકારી સંગઠનો, આંતરરાષ્ટ્રીય ફાર્માકોપિયા સંગઠનો (BP, USP), IDMA, BDMA, IPA જેવા ઔદ્યોગિક સંગઠનો અને શિક્ષણ સંસ્થાઓમાંથી નોંધાયેલા 350 જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન જે-તે વિષય નિષ્ણાંતો દ્વારા ફાર્માકોપિયાના ધોરણે, નિયમનકારી અને ગુણવત્તાને લગતી અપેક્ષા અને ભારતીય ફાર્મા ઉદ્યોગ સંબંધિત વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશનો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પેનલ ચર્ચા પણ યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ. અતુલ ગોયલ, ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડૉ. વી.જી. સોમાણી, IPCના સચિવ અને વૈજ્ઞાનિક નિદેશક ડૉ. રાજીવ સિંહ રઘુવંશી તેમજ ઉદ્યોગ જગતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

 



(Release ID: 1838575) Visitor Counter : 234