પ્રધાનમંત્રીનું કાર્યાલય
મુંબઈ સમાચારના દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
14 JUN 2022 9:26PM by PIB Ahmedabad
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારીજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેજી, મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતા શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એચ એન કામાજી, શ્રી મેહરવાન કામાજી, એડિટર ભાઈ નિલેશ દવેજી, અખબાર સાથે સંકળાયેલા તમામ સાથી, દેવીઓ તથા સજ્જનો.
પ્રથમ તો નિલેશભાઈએ જે કહ્યું તેની સામે હું વિરોધ દાખવું છું તેમણે કહ્યું કે ભારત ભાગ્ય વિધાતા પરંતુ ભારત ભાગ્ય વિધાતા જનતા જનાર્દન છે, 130 કરોડ દેશવાસીઓ છે, હું તો સેવક છું.
મને વિચાર આવે છે કે આજે ન આવ્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત કેમ કે અહીંથી જોવાનું શરૂ કરું તો લગભગ તમામ જાણીતા ચહેરાઓ જોવા મળે છે. આટલા બધા લોકોના દર્શન કરવાની તક મળે તો તેનાથી વિશેષ આનંદનો અવસર બીજો કયો હોઈ શકે છે. ત્યાંથી સૌ હાથ ઉપર કરી કરીને વંદન કરી રહ્યા છે.
મુંબઈ સમાચારના તમામ વાચકો, પત્રકારો અને કર્મચારીઓને આ ઐતિહાસિક સમાચાર પત્રની 200મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. આ બે સદીઓમાં અનેક પેઢીઓના જીવનને, તેમની ચિંતાઓ, સમસ્યાઓને મુંબઈ સમાચારે અવાજ આપ્યો છે. મુંબઈ સમાચારે આઝાદીના આંદોલનને પણ અવાજ આપ્યો અને પછી સ્વતંત્ર ભારતના 75 વર્ષોને પણ તમામ વયના વાચકો સુધી પહોંચાડ્યા. ભાષાનું માધ્યમ જરૂર ગુજરાતી રહ્યું છે પરંતુ ચિંતા રાષ્ટ્રીય હતી. વિદેશીઓના પ્રભાવમાં જ્યારે આ શહેર બોમ્બે બન્યું, બમ્બઈ બન્યું ત્યારે પણ આ અખબારે પોતાનો સ્થાનિક સંપર્ક છોડ્યો નથી, પોતાના મૂળિયાઓથી જોડાણ છોડ્યું નથી. આ ત્યારે પણ સામાન્ય મુંબઈગરાનું અખબાર હતું અને આજે પણ એવું જ છે -- મુંબઈ સમાચાર. મુંબઈ સમાચારના પ્રથમ તંત્રી મહેરજી ભાઈના લેખો તો એ વખતે પણ ખૂબ લગનથી વંચાતા હતા. આ અખબારમાં છપાયેલા સમાચારોની પ્રામાણિકતા સામે ક્યારેય શંકા થતી ન હતી. મહાત્મા ગાંધી તથા સરદાર પટેલ પણ અવાર નવાર મુંબઈ સમાચારનો દાખલો આપતા હતા. આજે અહીં જે પોસ્ટલ સ્ટેમ્પ જારી થઈ છે, બુક કવર જારી કરાયું છે, જે ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવી છે તેના માધ્યમથી આપની આ અદભૂત યાત્રા દેશ અને દુનિયા સુધી પહોંચનારી છે.
સાથીઓ,
આજના યુગમાં જ્યારે આપણે એમ સાંભળીએ છીએ કે કોઈ સમાચાર પત્ર 200 વર્ષથી ચાલી રહ્યું છે તો આશ્ચર્ય થવું અત્યંત સ્વાભાવિક છે. તમે જૂઓ કે જ્યારે આ અખબારનો પ્રારંભ થયો ત્યારે રેડિયોની શોધ થઈ ન હતી, ટીવીનો તો સવાલ જ પેદા થતો નથી. છેલ્લા બે વર્ષમાં આપણે ઘણી વાર 100 વર્ષ અગાઉ ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની ચર્ચા કરી છે પરંતુ આ અખબાર તો એ વૈશ્વિક મહામારીના પણ 100 વર્ષ અગાઉ શરૂ થયું હતું. ઝડપથી બદલાતા યુગમાં જ્યારે આવા તથ્યો સામે આવે છે ત્યારે આપણને મુંબઈ સમાચારના 200 વર્ષનું મહત્વ વધુ સારી રીતે સમજાય છે. અને એ પણ ઘણું સુખદ છે કે મુંબઈ સમાચારના 200 વર્ષ અને ભારતની સ્વતંત્રતાના 75 વર્ષનો સંયોગ પણ આ વર્ષે જ રચાયો છે. આથી જ આજના આ પ્રસંગે આપણે માત્ર ભારતના પત્રકારત્વના ઉચ્ચ માપદંડો, રાષ્ટ્રભકિતની ભાવના સાથે જોડાયેલા પત્રકારત્વનો ઉત્સવ જ નથી મનાવી રહ્યા પરંતુ આ આયોજન આઝાદીના અમૃત મહોત્સવની શોભા વધારી રહ્યું છે. જે સંસ્કારો, જે સંકલ્પો સાથે આપ ચાલ્યા છો, મને ભરોસો છે કે રાષ્ટ્રને જાગૃત કરવાનો આપનો આ મહાયજ્ઞ આમ જ જારી રહેશે.
સાથીઓ,
મુંબઈ સમાચાર માત્ર એક સમાચારનું માધ્યમ નથી પરંતુ એક ધરોહર છે. મુંબઈ સમાચાર ભારતનું દર્શન છે, ભારતની અભિવ્યક્તિ છે. ભારત કેવી રીતે પ્રત્યેક ઝંઝાવાત છતાં અટલ રહ્યું છે તેની ઝલક આપણને મુંબઈ સમાચારમાં પણ મળે છે. સમય-કાળ પરિસ્થિતિના તમામ પરિવર્તનની સાથે સાથે ભારતે ખુદને બદલ્યો છે પરંતુ પોતાના મૂળ સિદ્ધાંતોને વધારે મજબૂત કર્યા છે. મુંબઈ સમાચારે પણ પ્રત્યેક નવા પરિવર્તનને ધારણ કર્યું છે. સપ્તાહમાં એક વારથી સપ્તાહમાં બે વાર, પછી દૈનિક અને હવે ડિજિટલ. દરેક યુગના નવા પડકારોને આ સમાચાર પત્રએ શ્રેષ્ઠ રીતે અપનાવ્યા છે. પોતાના મૂળિયાને વળગી રહીને, પોતાના મૂળિયા પર ગૌરવ કરીને કેવી રીતે પરિવર્તનનો સ્વિકાર કરી શકાય છે, મુંબઈ સમાચાર તેનો પણ એક પુરાવો છે.
સાથીઓ,
મુંબઈ સમાચાર જ્યારે શરૂ થયું ત્યારે દેશ ગુલામીમાં ઘેરાયેલો હતો. એવા કાળખંડમાં ગુજરાતી જેવી ભારતીય ભાષામાં અખબાર પ્રકાશિત કરવું આસાન ન હતું. મુંબઈ સમાચારે એ યુગમાં ભાષાકીય પત્રકારત્વનો વ્યાપ વધાર્યો. તેની સફળતાને તેનું માધ્યમ બનાવ્યું. લોકમાન્ય તિલકજીએ કેસરી અને મરાઠા સાપ્તાહિક પત્રો મારફતે આઝાદીના આંદોલનને ધાર આપી હતી. સબ્રમણિયમ ભારતીએ કવિતાઓ અને તેમના લેખોથી વિદેશી સત્તા પર પ્રહાર કર્યા હતા.
સાથીઓ,
ગુજરાતી પત્રકારત્વ આઝાદીના લડતમાં ઘણું પ્રભાવશાળી માધ્યમ બની ગયું હતું. ફર્દુનજીએ ગુજરાતી પત્રકારત્વનો એક સશક્ત પાયો રચ્યો હતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પોતાના પ્રથમ અખબાર ઇન્ડિયન ઓપનિયનનો પ્રારંભ કર્યો હતો. જેના સંપાદક જૂનાગઢના મનસુખલાલ નાજર હતા. ત્યાર બાદ પૂજ્ય બાપુએ પહેલી વાર તંત્રીના રૂપમાં ગુજરાતી અખબાર નવજીવનની કમાન સંભાળી જેને ઇન્દુલાલ યાજ્ઞિકજીએ તેમને સોંપ્યું હતું. એક સમયે એ ડી ગોરવાલાનું ઓપિનિયન દિલ્હીમાં સત્તાની પાંખોમાં લોકપ્રિય હતું. કટોકટી દરમિયાન સેન્સરશીપ હતી ત્યારે પ્રતિબંધ લાગ્યો તો સાઇક્લોસ્ટાઇલ પ્રકાશિત થવા લાગ્યા હતા. આઝાદીની લડત હોય કે પછી લોકશાહીની પુનઃસ્થાપના પત્રકારત્વની એક મહત્વની ભૂમિકા રહી છે. તેમાં પણ ગુજરાતી પત્રકારત્વની ભૂમિકા ઉચ્ચ દરજજાની રહી છે.
સાથીઓ,
આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતીય ભાષાઓની મહત્વની ભૂમિકા રહેવાની છે. જે ભાષા સાથે આપણે જીવીએ છીએ, જેમાં આપણે વિચારીએ છીએ તેના માધ્યમથી રાષ્ટ્રની ક્રિએટિવિટીને નિખારવા માગીએ છીએ. આ જ વિચારો સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મેડિકલનું શિક્ષણ હોય, સાયન્સ અને ટેકનોલોજીનો અભ્યાસ હોય તે તમામને સ્થાનિક ભાષામાં કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ જ વિચાર સાથે ભારતીય ભાષાઓમાં વિશ્વના બેસ્ટ કન્ટેન્ટના નિર્માણ પર જોર આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
ભાષાકીય પત્રકારત્વએ ભારતીય ભાષાઓના સાહિત્યએ આઝાદીના આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સામાન્ય માનવી સુધી પોતાની વાત પહોંચાડવા માટે પૂજ્ય બાપુએ પણ પત્રકારત્વને મુખ્ય આધાર બનાવ્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રેડિયોને તેનું માધ્યમ બનાવ્યું હતું.
સાથીઓ,
આજે વધુ એક પાસા અંગે તમારી સાથે ચોક્કસ વાત કરવા માગીશ. આપ પણ જાણો છો કે આ અખબારને શરૂ કર્યું ફરદુનજી મુર્જવાને અને જ્યારે તેની ઉપર સંકટ આવ્યું તો તેને સંભાળ્યું કામા પરિવારે. આ પરિવારે આ અખબારને નવી ઊંચાઈ પ્રદાન કરી. જે લક્ષ્ય સાથે તેને શરૂ કરવામાં આવ્યું હતું તે લક્ષ્યને મજબૂતી પ્રદાન કરી.
સાથીઓ,
ભારતનો હજારો વર્ષોનો ઇતિહાસ આપણને ઘણું શીખવે છે. અહીં જે કોઈ પણ આવ્યું, નાનું હોય કે મોટું, નબળું હોય કે બળવાન, તમામને માતા ભારતીએ પોતાની ગોદમાં ઉછરવાની, સમૃદ્ધ બનવાની તક આપી અને પારસી સમૂદાયથી બહેતર તેનું અન્ય કોઈ ઉદાહરણ હોઈ જ શકે નહીં. જેઓ એક સમયે ભારત આવ્યા હતા અને આજે પોતાના દેશને સશક્ત કરી રહ્યા છે. આઝાદીના આંદોલનથી લઈને ભારતના નવનિર્માણ સુધી પારસી બેહન-ભાઈઓનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ આ સમૂદાય દેશના સૌથી નાના સમૂદાય પૈકીનો એક છે. એક રીતે માઇક્રો-માઇનોરિટી છે પરંતુ સામર્થ્ય અને સેવાની દૃષ્ટિએ ઘણો વિશાળ છે. ભારતીય ઉદ્યોગ, રાજનીતિ, સમાજ સેવા, ન્યાયતંત્ર, રમતગમત અને પત્રકારત્વ અને લશ્કર, ફોજ તમામ ક્ષેત્રમાં પારસી સમૂદાયની એક છાપ જોવા મળે છે. સાથીઓ, ભારતની આ જ તો પરંપરા છે, આ જ મૂલ્ય છે જે આપણને શ્રેષ્ઠ બનાવે છે.
સાથીઓ,
ે સેવાની દૃ્સમૂદાય પૈકીનો એક છે.્માલોકશાહીમાં ભલે જન પ્રતિનિધિ હોય, રાજકીય પક્ષ હોય, સંસદ હોય કે ન્યાયપાલિકા હોય દરેક ઘટકની પોતપોતાની ભૂમિકા હોય છે, પોતપોતાની ચોક્કસ ભૂમિકા હોય છે. આ ભૂમિકાનો સતત નિર્વાહ જરૂરી છે. ગુજરાતીમાં એક કહેવત છે – જેનું કામ તેનું થાય, બીજા કરે તો ગોથા ખાય, એટલે કે જેનું જે કામ છે તે તેણે જ કરવું જોઈએ. રાજકારણ હોય, મીડિયા હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્ર હોય તમામ માટે આ કહેવત પ્રાસંગિક છે. અખબારોનું, મીડિયાનું કામ સમાચાર પહોંચાડવાના છે, લોક શિક્ષણનું છે, સમાજ કે સરકારમાં કોઈ ખામી છે તો તેને સામે લાવવાની છે. મીડિયાનો જેટલો અધિકાર ટીકા કરવાનો છે તેટલી જ જવાબદારી સકારાત્મક સમાચારોને રજૂ કરવાની છે. તાજેતરના વર્ષોમાં મીડિયાનો એક મોટો વર્ગ રાષ્ટ્રહિત સાથે સંકળાયેલા, સમાજ હિત સાથે સંકળાયેલા અભિયાનોને આગળ વધીને અપનાવ્યું છે તેનો સકારાત્મક પ્રભાવ આજે દેશ અનુભવી રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનથી જો દેશના ગામડાઓ અને ગરીબના જીવન, તેમનું આરોગ્ય બહેતર બની રહ્યું છે તો તેમાં કેટલાક મીડિયાના લોકોએ પણ ઘણી મોટી ભૂમિકા ભજવી છે. પ્રશંસનીય ભૂમિકા અદા કરી છે. આજે ભારત ડિજિટલ પેમેન્ટના મામલે વિશ્વમાં અગ્રણી છે તો લોક શિક્ષણના મીડિયાએ ચલાવેલા અભિયાનથી ઘણી મદદ મળી છે. તમને જાણીને આનંદ થશે કે ડિજિટલ લેવડ દેવડમાં વિશ્વનો 40 ટકા કારોબાર એકલું હિન્દુસ્તાન કરે છે. છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન આપણા પત્રકારોએ રાષ્ટ્રહિતમાં એક કર્મયોગીની માફક કામ કર્યું તેને પણ હંમેશાં યાદ રાખવામાં આવશે. ભારતના મીડિયાના સકારાત્મક યોગદાનથી ભારતને 100 વર્ષના આ સૌથી મોટા સંકટ સામે લડવામાં ઘણી મદદ મળી. મને વિશ્વાસ છે કે આઝાદીના અમૃત કાળમાં દેશનું મીડિયા પોતાની સકારાત્મક ભૂમિકાનો વ્યાપ હજી પણ વધારશે. આ દેશ ડિબેટ અને ડિસ્કશનના માધ્યમથી આગળ ધપનારા સમૃદ્ધ પરંપરાઓનો દેશ છે. હજારો વર્ષથી આપણે તંદુરસ્ત દલીલબાજીને, તંદુરસ્ત આલોચનાઓને, યોગ્ય તર્કને સામાજિક વ્યવસ્થાનો હિસ્સો બનાવ્યો છે.આપણે ઘણા અઘરા સામાજિક વિષયો પર પણ ખૂલીને તંદુરસ્ત ચર્ચા કરી છે. આ જ તો ભારતની પરંપરા રહી છે. જેને આપણે સશક્ત કરવાની છે.
સાથીઓ,
આજે હું મુંબઈ સમાચારના પ્રબંધકો, પત્રકારોનો ખાસ કરીને તેમને આગ્રહ કરવા માગું છું. તમારી પાસે 200 વર્ષનો જે આક્રાઇવ છે જેમાં ભારતના ઇતિહાસના અનેક ટર્નિંગ પોઇન્ટ છે તેને દેશ દુનિયા સમક્ષ રજૂ કરવો ખૂબ જરૂરી છે. મારું સૂચન છે કે મુંબઈ સમાચાર પોતાના આ પત્રકારત્વ ખજાનાને અલગ અલગ ભાષાઓમાં પુસ્તક સ્વરૂપે દેશ સમક્ષ લાવવાનો પ્રયાસ કરે. આપે મહાત્મા ગાંધી અંગે જે અહેવાલ આપ્યો, સ્વામી વિવેકાનંદ જીનો અહેવાલ આપ્યો હતો, ભારતના અર્થતંત્રને બારિકાઈથી સમજ્યું, સમજાવ્યું, આ તમામ હવે માત્ર એક અહેવાલ નથી. આ એ પળ છે જેણે ભારતનું ભાગ્ય બદલવામાં ભૂમિકા નિભાવી છે. આથી જ આવનારી પેઢીને પ્રેરિત કરવાનું એક મોટું માધ્યમ, ઘણો મોટો ખજાનો કામા સાહેબ આપની પાસે છે અને દેશ રાહ જોઈ રહ્યો છે. ભવિષ્યમાં પત્રકારત્વ માટે પણ એક મોટું શિક્ષણ આપના ઇતિહાસમાં છુપાયેલું છે. આ દિશામાં આ તમામ જરૂર પ્રયાસ કરો અને આજે 200 વર્ષ મેં અગાઉ પણ કહ્યું આ યાત્રાએ કેટલા ચડાવ ઉતાર જોયા હશે અને 200 વર્ષ સુધી નિયમિત અખબાર ચાલે તે પણ
પોતાનામાં એક મોટી તાકાત છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે આપ સૌએ મને આમંત્રિત કર્યો, આપ સૌ વચ્ચે આવવાની મને તક મળી, આટલા મોટા વિશાળ સમૂદાયને મળવાની તક મળી અને હું ક્યારેક મુંબઈમા કોઈ સાહિત્યના કાર્યક્રમમાં આવ્યો હતો, કદાચ આપણા સુરજ ભાઈ દલાલે મને બોલાવ્યો હતો. એ દિવસે મેં કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્ર ગુજરાતી ભાષાનું મોસાળ છે. ફરી એક વાર આપ સૌને મુંબઈ સમાચારના 200 વર્ષ પૂરા થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કામા પરિવારે રાષ્ટ્રની ઘણી મોટી સેવા કરી છે અને સમગ્ર પરિવાર અભિનંદનને પાત્ર છે તથા હું મુંબઈ સમાચારના તમામ વાચકોને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. કામા સાહેબે જે કહ્યું તે માત્ર શબ્દ ન હતા, 200 વર્ષ સુધી પેઢી દર પેઢી એક ઘરમાં એક અખબાર નિયમિત રીતે વાંચવામાં આવે, જોવામાં આવે, સાંભળવામાં આવે તે પોતાનામાં આ અખબારની એક મોટી તાકાત છે ભાઈ. અને તેને શક્તિ આપનારા આપ સૌ લોકો છો અને તેથી જ હું ગુજરાતીઓના આ સામર્થ્યને અભિનંદન આપવા માગું છું. હું નામ લેવા માગતો નથી આજે પણ એક દેશ એવો છે જ્યાં એક શહેરમાં (હું વિદેશની વાત કરી રહ્યો છું) સૌથી વધુ ફેલાવો ધરાવતું અખબાર ગુજરાતી છે. તેનો અર્થ એ થયો કે ગુજરાતી લોકો કદાચ ઝડપથી સમજી જાય છે કે કઈ ચીજમાં ક્યાં તાકાત છે. ચાલો હસી—ખુશીની સાંજ સાથે ખૂબ ખૂબ આભાર.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834113)
Visitor Counter : 332
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam