પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદના બોપલ ખાતે IN-SPACeનાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 10 JUN 2022 6:22PM by PIB Ahmedabad

IN-SPACeનો શુભારંભ એ ભારતીય અવકાશ ઉદ્યોગ માટે ‘આ સ્પેસ જુઓ’ ક્ષણ છે

"IN-SPACe એ સ્પેસ (અવકાશ) માટે છે, IN-SPACe એ પેસ (ગતિ) માટે છે, IN-SPACe એ એસ (અવ્વલ)  માટે છે"

"ખાનગી ક્ષેત્ર માત્ર વિક્રેતા જ નહીં રહે પરંતુ અવકાશ ક્ષેત્રમાં એક મોટા વિજેતાની ભૂમિકા ભજવશે"

"જ્યારે સરકારી અવકાશ સંસ્થાઓની તાકાત અને ભારતનાં ખાનગી ક્ષેત્રનો જુસ્સો મળશે, ત્યારે આકાશની પણ મર્યાદા રહેશે નહીં"

"આજે આપણે આપણા યુવાનો સમક્ષ તેમની યોજનાઓ હાથ ધરવા માટે માત્ર સરકારી માર્ગની શરત મૂકી શકીએ નહીં"

"આપણું અંતરિક્ષ મિશન તમામ મતભેદોને પાર કરીને દેશના તમામ લોકોનું મિશન બની જાય છે"

"ઈસરો મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા બદલ અભિનંદનને પાત્ર છે"

"ભારતનો અવકાશ કાર્યક્રમ એ આત્મનિર્ભર ભારત અભિયાનની સૌથી મોટી ઓળખ રહી છે"

"ભારતે વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં તેનો હિસ્સો વધારવાની જરૂર છે અને ખાનગી ક્ષેત્ર તેમાં મોટી ભૂમિકા ભજવશે"

"ભારત નવી ભારતીય અવકાશ નીતિ અને અવકાશ ક્ષેત્રમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ માટેની નીતિ પર કામ કરી રહ્યું છે"

"ગુજરાત ઝડપથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી સંસ્થાઓનું કેન્દ્ર બની રહ્યું છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદના બોપલ ખાતે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સ્પેસ-આધારિત એપ્લિકેશન્સ અને સેવાઓનાં  ક્ષેત્રમાં કામ કરતી IN-SPACe અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે એમઓયુની આપ-લે પણ જોવા મળી હતી. સ્પેસ સેક્ટરમાં ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન અને સક્ષમ કરવાથી અવકાશ ક્ષેત્રને મોટો ટેકો મળશે અને ભારતના પ્રતિભાશાળી યુવાનો માટે તકોના નવા અવસર ખુલશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીમાં આધુનિક ભારતની વિકાસ યાત્રામાં એક અદ્ભુત અધ્યાય ઉમેરાયો છે અને ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર . IN-SPACeનાં વડાં મથક માટે તમામ દેશવાસીઓ અને વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ IN-SPACeના લોન્ચિંગને ભારતીય અવકાશ ઉદ્યોગ માટે ‘વૉચ ધીસ સ્પેસ’ ક્ષણ તરીકે ગણાવ્યું કારણ કે તે ઘણા વિકાસ અને તકોનું અગ્રદૂત છે. તેમણે કહ્યું, “IN-SPACe ભારતના યુવાનોને ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપશે. ભલે તેઓ સરકારમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં, IN-SPACe બધા માટે ઉત્તમ તકો ઊભી કરશે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે “IN-SPACeમાં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. તો આ હું રીતે કહીશ - 'વૉચ ધિઝ સ્પેસ- આ જગ્યા જુઓ'. IN-SPACe એ સ્પેસ (અવકાશ) માટે છે, IN-SPACe એ પેસ (ગતિ) માટે છે, અને IN-SPACe એ એસ (અવ્વલ) માટે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણા લાંબા સમયથી, અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રને માત્ર એક વિક્રેતા તરીકે જોવામાં આવ્યું છે, એક એવી સિસ્ટમ જેણે ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની પ્રગતિના માર્ગોને હંમેશા અવરોધિત કર્યા છે. પ્રધાનમંત્રીએ  કહ્યું કે મોટા વિચારો જ વિજેતા બનાવે છે. સ્પેસ સેક્ટરમાં સુધારો કરીને, તેને તમામ પ્રતિબંધોથી મુક્ત કરીને, IN-SPACe દ્વારા ખાનગી ઉદ્યોગને ટેકો આપીને, દેશ આજે વિજેતા બનાવવાનું અભિયાન શરૂ કરી રહ્યો છે. ખાનગી ક્ષેત્ર માત્ર વિક્રેતા જ નહીં રહે પરંતુ અવકાશ ક્ષેત્રમાં મોટા વિજેતાની ભૂમિકા ભજવશે. જ્યારે સરકારી અવકાશ સંસ્થાઓની તાકાત અને ભારતના ખાનગી ક્ષેત્રનો જુસ્સો મળશે, ત્યારે આકાશની પણ મર્યાદા રહેશે નહીં, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અગાઉની વ્યવસ્થામાં ભારતના યુવાનોને તેમની ક્ષમતાનો પૂરેપૂરો અહેસાસ કરવાની તકો મળતી ન હતી. ભારતીય યુવાનો તેમની સાથે નવીનતા, ઊર્જા અને સંશોધનની ભાવના લાવે છે. આ દેશની કમનસીબી રહી છે કે સમય જતાં, નિયમન અને પ્રતિબંધ વચ્ચેનો તફાવત ભૂલી જવાયો. આજે આપણે આપણા યુવાનો સમક્ષ તેમની યોજનાઓ હાથ ધરવા માટે માત્ર સરકારી માર્ગની શરત મૂકી શકીએ નહીં, એમ પ્રધાનમંત્રીએ  ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આવા નિયંત્રણોનો યુગ પૂરો થઈ ગયો છે અને સરકાર આપણા યુવાનોના માર્ગ પરથી આવા તમામ પ્રતિબંધો દૂર કરી રહી છે. તેમણે સંરક્ષણ ઉત્પાદન, આધુનિક ડ્રોન નીતિ, ભૌગોલિક-અવકાશી ડેટા માર્ગદર્શિકા અને ટેલિકોમ/આઈટી ક્ષેત્રમાં કોઈપણ જગ્યાએથી કામ કરવાની સુવિધાને સરકારના હેતુઓનાં  ઉદાહરણો તરીકે સૂચિબદ્ધ કર્યા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનાં ખાનગી ક્ષેત્ર માટે મહત્તમ સરળતાનું વાતાવરણ ઊભું કરવાનો અમારો પ્રયાસ છે જેથી દેશનું ખાનગી ક્ષેત્ર દેશવાસીઓને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં સમાન રીતે મદદ કરે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે "કોઈ વૈજ્ઞાનિક હોય કે ખેડૂત-શ્રમિક, વિજ્ઞાનની તકનીકો સમજે કે ન સમજે, આ બધાથી આગળ વધીને, આપણું અવકાશ મિશન દેશના તમામ લોકોનું મિશન બની જાય છે. આપણે મિશન ચંદ્રયાન દરમિયાન ભારતની આ ભાવનાત્મક એકતા જોઈ.” તેમણે ખુશી વ્યક્ત કરી કે 60 થી વધુ ખાનગી કંપનીઓ અદ્યતન તૈયારી સાથે દેશનાં અવકાશ ક્ષેત્રોમાં અગ્રણી છે. તેમણે દેશનાં અવકાશ ક્ષેત્રમાં આ મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા માટે ઈસરોની પ્રશંસા કરી. તેમણે અવકાશ ક્ષેત્રને ખોલવાનાં પગલાંના મહત્વનો પુનરોચ્ચાર કર્યો અને આ પહેલ માટે ઈસરોની કુશળતા અને નિશ્ચયને શ્રેય આપ્યો. ભારતનો અવકાશ કાર્યક્રમ એ આત્મનિર્ભર ભારત અભિયાનની સૌથી મોટી ઓળખ છે, એમ તેમણે જણાવ્યું હતું.

“21મી સદીમાં સ્પેસ-ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનવા જઈ રહી છે. સ્પેસ-ટેક હવે માત્ર દૂરના અવકાશની જ નહીં, પણ આપણી અંગત જગ્યાની ટેક્નોલોજી બનવા જઈ રહી છે,” એમ પ્રધાનમંત્રીએ  ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે IN-SPACe એ અવકાશ તકનીકના ફાયદાને દેશના લોકો માટે સુલભ બનાવવા માટે સતત કામ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાનગી સ્પેસ કંપનીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ભવિષ્યમાં તેમને મોટી શક્તિ આપશે. તેમણે કહ્યું કે વૈશ્વિક અવકાશ ઉદ્યોગનું મૂલ્ય 400 બિલિયન યુએસ ડૉલર છે અને તે 2040 સુધીમાં 1 ટ્રિલિયન ડૉલરનો ઉદ્યોગ બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં તેનો હિસ્સો વધારવાની જરૂર છે અને ખાનગી ક્ષેત્ર તેમાં મોટી ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ અવકાશ પ્રવાસન અને અવકાશ મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રોમાં પણ ભારતની મજબૂત ભૂમિકા જોઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણા દેશમાં અનંત શક્યતાઓ છે પરંતુ મર્યાદિત પ્રયાસોથી ક્યારેય અનંત શક્યતાઓને સાકાર કરી શકાતી નથી. હું તમને ખાતરી આપું છું કે અવકાશ ક્ષેત્રમાં સુધારાની આ પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહેશે, એમ તેમણે ખાતરી આપી. ખાનગી ક્ષેત્રને સાંભળવું અને સમજવું જોઈએ અને વ્યવસાયની શક્યતાઓનું યોગ્ય વિશ્લેષણ કરવું જોઈએ, આ માટે પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક મજબૂત મિકેનિઝમ મૂકવામાં આવી છે. IN-SPACEખાનગી ક્ષેત્રની તમામ જરૂરિયાતોની કાળજી લેવા માટે એક વિન્ડો, સ્વતંત્ર નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.

ભારત સરકારી કંપનીઓ, અવકાશ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓ વચ્ચે સંકલન માટે નવી ભારતીય અવકાશ નીતિ પર કામ કરી રહ્યું છે. અમે ટૂંક સમયમાં અવકાશ ક્ષેત્રમાં વ્યવસાય કરવાની સરળતા-ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ સુધારવા માટે એક નીતિ લાવવા જઈ રહ્યા છીએ, એમ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે માનવતાનું ભવિષ્ય, તેનો વિકાસ... આવનારા દિવસોમાં બે ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવશાળી બનવાના છે, તે છે - અવકાશ અને સમુદ્ર. ભારતે આ ક્ષેત્રોમાં વિલંબ કર્યા વિના આગળ વધવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ભારત દ્વારા કરાયેલી પ્રગતિ અને સુધારાઓ વિશે જાગૃતિ વધારવાની જરૂર છે. તેમણે માહિતી આપી કે શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સ આમાં ભૂમિકા ભજવી રહી છે અને તેમણે શ્રીહરિકોટા ખાતે ઉપગ્રહોનાં પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે 10 હજાર લોકો માટે વ્યુઇંગ ગેલેરી બનાવવાની પહેલ કરી હતી.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ગુજરાત ઝડપથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી સંસ્થાઓનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે યાદી આપતા કહ્યું કે જામનગર ખાતે WHO ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઈન્ફોર્મેટિક્સ-બીઆઈએસએજી અને હવે, IN- SPACe. તેમણે સમગ્ર ભારતમાંથી ખાસ કરીને ગુજરાતના યુવાનોને આ સંસ્થાઓનો ભરપૂર લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.

IN-SPACeની સ્થાપનાની જાહેરાત જૂન 2020માં કરવામાં આવી હતી. તે સરકારી અને ખાનગી બંને સંસ્થાઓની અવકાશ પ્રવૃત્તિઓના પ્રચાર, પ્રોત્સાહન અને નિયમન માટે અવકાશ વિભાગમાં એક સ્વાયત્ત અને સિંગલ વિન્ડો નોડલ એજન્સી છે. તે ખાનગી સંસ્થાઓ દ્વારા ISRO સુવિધાઓના ઉપયોગની પણ સુવિધા આપે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833015) Visitor Counter : 372