પ્રધાનમંત્રીનું કાર્યાલય
મન કી બાત (કડી-89) પ્રસારણ તારીખ 29-05-2022
Posted On:
29 MAY 2022 11:07AM by PIB Ahmedabad
મારાં પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ફરી એક વાર ‘મન કી બાત’ નાં માધ્યમ થી આપ સૌ મારાં કરોડો પરિવારજનોને મળવાનો અવસર મળ્યો છે.
‘મન કી બાત’ માં આપ સૌનું સ્વાગત છે. થોડાંક દિવસ પહેલાં દેશે એક એવી સિદ્ધી હાંસલ કરી છે, જે આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતનાં સામર્થ્ય પ્રત્યે એક નવો વિશ્વાસ જગાડે છે. તમે લોકો ક્રિકેટનાં મેદાન પર ટીમ ઇન્ડિયાનાં કોઇ બેટ્સમેનની સેન્ચ્યુરી સાંભળીને ખુશ થતાં હશો, પરંતુ ભારતે એક અન્ય મેદાનમાં પણ સેન્ચ્યુરી લગાડી છે અને તે ખૂબ વિશેષ છે.
આ મહિનાની પાંચમી તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100 નાં આંકડાં સુધી પહોંચી ગઈ છે, અને તમને તો ખબર જ છે કે, એક યુનિકોર્ન એટલે ઓછામાં ઓછા સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટ અપ. આ તમામ યુનિકોર્નનું કુલ વેલ્યુએશન 330 બિલીયન ડોલર, એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. નિશ્ચિત રૂપે આ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી વાત છે.
તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આપણાં કુલ યુનિકોર્નમાંથી 44 - ફોર્ટીફોર યુનિકોર્ન તો ગયા વર્ષે જ સ્થપાયા હતાં. એટલું જ નહીં આ વર્ષનાં 3-4 મહિનામાં જ બીજાં નવાં 14 યુનિકોર્ન બની ગયા છે. આનો અર્થ એ થયો કે, ગ્લોબલ પેન્ડેમિકનાં આ સમયમાં પણ આપણાં સ્ટાર્ટ અપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે.
ઇન્ડિયન યુનિકોર્ન્સનો એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ યુએસએ, યુકે અને અન્ય કેટલાંય દેશો કરતા પણ વધુ છે. એનાલિસ્ટ્સનું તો એવું પણ કહેવું છે કે આવનારાં વર્ષોમાં આ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે.
એક સારી વાત એ પણ છે કે, આપણાં યુનિકોર્ન્સ ડાઇવર્સીફાઇંગ છે. જે ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવાં કેટલાંય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. એક અન્ય વાત જેને હું વધુ મહત્વની માનું છું તે એ કે સ્ટાર્ટ-અપ્સની દુનિયા ન્યૂ ઇન્ડિયાનાં સ્પિરીટને રિફ્લેક્ટ કરી રહી છે.
આજે, ભારતનું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માત્ર મોટાં શહેરો સુધી જ સીમિત નથી, નાનાં-નાનાં શહેરો અને કસ્બાઓમાંથી પણ ઉદ્યોગ સાહસિકો સામે આવી રહ્યાં છે. આનાંથી સમજી શકાય છે કે ભારતમાં જેની પાસે ઇનોવેટિવ આઇડિયા છે તે વેલ્થ ક્રિએટ કરી શકે છે.
મિત્રો, દેશની આ સફળતાની પાછળ દેશની યુવા શક્તિ, દેશનું ટેલેન્ટ અને સરકાર, બધાં મળીને પ્રયત્નો કરી રહ્યાં છે, દરેકનું યોગદાન છે, પરન્તુ આમાં અન્ય એક મહત્વપૂર્ણ બાબત પણ છે અને તે એ કે સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં રાઇટ મોનિટરિંગ એટલે કે સાચું માર્ગદર્શન, એક સારો મેન્ટોર સ્ટાર્ટ-અપને નવીં ઊંચાઇઓ સુધી લઇ જઇ શકે છે. તે ફાઉન્ડર્સને રાઇટ ડિસિઝન માટે દરેક રીતે ગાઇડ કરી શકે છે. મને, એ વાતનો ગર્વ છે કે ભારતમાં આવાં ઘણાં મેન્ટોર છે જેમણે સ્ટાર્ટ-અપ ને આગળ વધારવાં માટે પોતાને સમર્પિત કરી દીધી છે.
શ્રીધર વેમ્બૂજીને તાજેતરમાં જ પદ્મ સમ્માન મળ્યું. તે સ્વયં સફળ ઉદ્યોગ સાહસિક છે, પરન્તુ હવે તેમણે બીજાં ઉદ્યોગ સાહસિકોને ગ્રૂમ કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રીધરજી એ પોતાનું કામ ગ્રામીણ વિસ્તારમાંથી શરૂ કર્યું છે.
તેઓ ગ્રામીણ યુવાનો ને ગામમાં જ રહીને તે ક્ષેત્રમાં કંઇક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણાં ત્યાં મદન પડાકી જેવાં લોકો પણ છે જેમણે રુરલ એન્ટરપ્રિન્યોર્સને પ્રેરણા આપવા માટે 2014માં વન-બ્રિજ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. આજે, વન-બ્રિજ દક્ષિણ અને પૂર્વી-ભારતનાં 75થી પણ વધુ જિલ્લામાં કાર્યરત છે. તેનાથી જોડાયેલ 9000 થી પણ વધુ રુરલ એન્ટરપ્રિન્યોર્સ ગામડાંનાં ગ્રાહકોને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. મીરા શેનોયજી પણ એવી જ એક મિસાલ છે તેઓ રુરલ, ટ્રાયબલ અને ડિસેબલ્ડ યુથ માટે માર્કેટ લીંફૂડ સ્કિલ્સ ટ્રેઇનિંગનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે.
અહીંયા મેં તો થોડાંક જ નામનો ઉલ્લેખ કર્યો છે પરન્તુ આજે આપણી વચ્ચે મેન્ટોર્સ ની ઊણપ નથી. આપણાં માટે ખૂબ ખુશીની વાત છે કે સ્ટાર્ટ-અપ માટે આજે દેશમાં એક સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તૈયાર થઇ રહી છે. મને વિશ્વાસ છે કે આવનારાં સમયમાં આપણને ભારતનાં સ્ટાર્ટ-અપ વર્લ્ડમાં પ્રગતિની નવી ઊડાન જોવાં મળશે.
સાથીઓ થોડાંક દિવસો પહેલાં મને એક એવી ઇન્ટરેસ્ટિંગ અને અટ્રેક્ટિવ વસ્તુ મળી, જેમાં દેશવાસીઓની ક્રિએટીવિટી અને તેમનાં આર્ટિસ્ટિક ટેલેન્ટનો રંગ ભરેલો છે. એક ભેટ છે, જે તમિલનાડુનાં થંજાવુરનાં એક સેલ્ફ હેલ્પ ગ્રૃપે મને મોકલી છે. આ ભેટમાં ભારતીયતાની સુગંધ છે અને માતૃ-શક્તિનાં આશિર્વાદ તેમજ મારાં પર તેમનાં સ્નેહની ઝાંખી પણ જોવાં મળે છે. આ એક સ્પેશિયલ થંજાવુર ડૉલ છે, જેને જીઆઇ ટેગ પણ મળેલ છે.
હું થંજાવુર સેલ્ફ-હેલ્પ ગ્રૃપ ને વિશેષ ધન્યવાદ પાઠવું છું, કે જેમણે મને સ્થાનિક સંસ્કૃતિમાં ઓતપ્રોથ આ ભેટ મોકલી છે. જોકે, સાથીઓ આ થંજાવુર ડૉલ જેટલી સુંદર હોય છે, એટલી જ સુંદરતાથી તે મહિલા સશક્તિકરણની નવી ગાથા પણ લખી રહી છે.
થંજાવુરમાં મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ નાં સ્ટોર્સ અને કિઓસ્ક પણ ખુલી રહ્યાં છે. જેનાં થકી કેટલાંય ગરીબ પરિવારોનું જીવન બદલાઇ ગયું છે. આવાં કિઓસ્ક અને સ્ટોર્સની મદદથી મહિલાઓ હવે પોતાનાં પ્રોડક્ટ સીધાં ગ્રાહકો વેચી શકે છે.
આ પહેલને ‘થારગઇગલ કઇવિનઈ પોરુત્તકલ વિરપ્પનઈ અંગાડી’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલ સાથે 22 સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ જોડાયેલાં છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે મહિલા સેલ્ફ-હેલ્પ ગ્રૃપ્સ, મહિલા સ્વયં સહાયતા સમૂહનાં આ સ્ટોર થંજાવુરનાં અતિ પ્રાઇમ લોકેશનમાં ખુલ્યાં છે. તેની સંભાળની સંપૂર્ણ જવાબદારી પણ મહિલાઓ જ ઊપાડી રહી છે.
આ મહિલા સેલ્ફ હેલ્પ ગૃપ થંજાવુર ડૉલ અને બ્રોન્ઝ લેમ્પ જેવાં જીઆઇ પ્રોડક્ટ ઉપરાંત રમકડાં, મેટ અને આર્ટિફિશિયલ જ્વેલેરી પણ બનાવે છે. આવાં સ્ટોર્સનાં કારણે જીઆઇ પ્રોડક્ટની સાથે-સાથે હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ્સનાં વેચાણમાં ઘણી તેજી જોવાં મળી છે. આ ઝુંબેશને પરિણામે, ન માત્ર કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે, બલ્કે મહિલાઓની આવક વધવાથી તેમનું સશક્તિકરણ પણ થઇ રહ્યું છે. મારો ‘મન કી બાત’ નાં શ્રોતા મિત્રોને પણ એક આગ્રહ છે તમે, પોતાના ક્ષેત્રમાં એ જાણકારી મેળવો કે ત્યાં કયા-કયા મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૃપ કામ કરી રહ્યાં છે.
તેમનાં પ્રોડક્ટ્સ વિશે પણ તમે જાણકારી ભેગી કરો અને તે વસ્તુઓને વધુમાં વધુ ઉપયોગમાં લાવો. આમ કરીને, તમે સેલ્ફ હેલ્પ ગ્રૃપની આવક વધારવામાં મદદ તો કરશો જ, ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ ને પણ વેગ આપશો.
સાથીઓ, આપણાં દેશમાં ઘણી બધી ભાષાઓ, લિપિઓ અને બોલિઓનો સમૃદ્ધ ખજાનો છે. અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ-અલગ પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિએ આપણી ઓળખ છે. આ ડાયવર્સિટી, આ વિવિધતા, એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણને વધુ સશક્ત બનાવે છે અને એકજૂથ રાખે છે. અને લગતું જ એક ખૂબ જ પ્રેરક ઉદાહરણ – એક બેટી કલ્પનાનું છે, જેને હું આપ સૌ સાથે વહેંચવાં માગું છું. તેનું નામ કલ્પના છે પરન્તુ તેમનો પ્રયત્ન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની સાચી ભાવનાથી ભરપૂર છે. તાજેતરમાં જ કલ્પનાએ કર્ણાટકમાં પોતાની 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી છે, પરન્તુ તેની સફળતાની ખાસ વાત એ છે કે કલ્પનાને થોડાંક સમય પહેલાં સુધી કન્નડ ભાષા પણ આવડતી નહોતી.
તેમણે ત્રણ મહિનામાં માત્ર કન્નડ ભાષા જ ન શીખી, તેમાં 92 નંબર લાવીને પણ બતાવ્યાં. તમને એ જાણીને આશ્ચર્ય થતું હશે પણ આ સાચી વાત છે. તેના વિશેની બીજી કેટલીય વાતો એવી છે કે જે તમને આશ્ચર્યમાં પણ મૂકી દેશે અને પ્રેરણા પણ આપશે. કલ્પના, મૂળે ઉત્તરાખંડનાં જોશીમઠની રહેવાસી છે.
તે પહેલાં ટીબી થી પીડાઇ રહી હતી અને તે જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની આંખોની રોશની પણ જતી રહી હતી.
પરન્તુ કહેવાય છે ને કે, જહાં ચાહ વહાં રાહ. ત્યાર બાદ કલ્પના મૈસુરૂમાં રહેતાં પ્રોફેસર તારામૂર્તિનાં સંપર્કમાં આવી, જેમણે કલ્પનાને ન માત્ર પ્રોત્સાહિત કરી પરન્તુ બધી રીતે તેની મદદ પણ કરી. આજે તે પોતાની મહેનતથી આપણાં બધાં માટે ઉદાહરણ બની ગઇ છે. હું, કલ્પનાને તેમનાં હિમ્મ્ત માટે ધન્યવાદ પાઠવું છું.
આવી જ રીતે, આપણાં દેશમાં એવાં કેટલાય લોકો છે જે દેશની ભાષાગત વિવિધતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે. આવાં જ એક મિત્ર છે પશ્ચિમ બંગાળનાં પુરુલિયાનાં શ્રીપતિ ટૂડૂજી. ટૂડૂજી, પુરુલિયાનાં સિદ્ધો-કાનો-બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાનાં પ્રોફેસર છે. તેમણે, સંથાલી સમાજ માટે તેમની પોતીકી ‘ઓલ ચિકી’ લિપિમાં, દેશનાં બંધારણની પ્રત તૈયાર કરી છે. શ્રીપતિ ટૂડૂજી કહે છે કે, આપણું બંધારણ આપણાં દેશમાં દરેક નાગરિકને તેના અધિકાર અને કર્તવ્યનો બોધ કરાવે છે. એટલાં માટે, દરેક નાગરિકે તેનાથી પરિચિત હોવું જરૂરી છે. એટલા માટે, તેમણે સંથાલી સમાજ માટે તેમની જ લિપિમાં બંધારણની કોપી તૈયાર કરીને ભેટ સ્વરૂપે આપી છે. હું, શ્રીપતિજીનાં આ વિચાર અને તેમનાં પ્રયત્નોને બિરદાવું છું. આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. આ ભાવનાને આગળ વધારનારાં આવાં ઘણાં બધાં પ્રયત્નોનાં વિષયમાં તમને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની વેબસાઇટ પર પણ જાણકારી મળશે. અંહી તમને ખાનપાન, કળા, સંસ્કૃતિ, પર્યટનની સાથે આવાં કેટલાંય વિષયોને લગતી પ્રવૃતિઓ વિશેની જાણકારી મળશે.
તમે, તે એક્ટિવિટીનો ભાગ પણ બની શકો છો, તેનાથી તમને, પોતાના દેશ વિશે જાણકારી પણ મળશે અને તમે દેશની વિવિધતાનો અનુભવ પણ કરી શકશો.
મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે આપણાં દેશમાં ઉત્તરાખંડમાં ‘ચાર-ધામ’ની પવિત્ર યાત્રા ચાલી રહી છે. ‘ચાર-ધામ’ અને ખાસ કરીને કેદારનાથમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો પોતાની ચારધામ યાત્રાના સુખદ અનુભવો શેઅર કરી રહ્યા છે. પરન્તુ મેં એ પણ જોયું છે કે, શ્રદ્ધાળુઓ કેદારનાથમાં કેટલાક યાત્રીઓ દ્વારા ફેલાવાતી ગંદકીનાં કારણે ખૂબ દુખી પણ છે. કેટલાય લોકોએ આ વિશે સોશિયલ મિડિયા પર પણ લખ્યું છે. આપણે પવિત્ર યાત્રામાં જઇએ અને ત્યાં ગંદગીનો ખડકલો થાય એ યોગ્ય નથી. પરન્તુ સાથીઓ, આ ફરિયાદો વચ્ચે કેટલીય સુંદર તસ્વીરો પણ જોવાં મળી રહી છે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં સર્જન અને સકારાત્મકતા પણ છે. કેટલાય શ્રદ્ધાળું એવાં પણ છે કે જે બાબા કેદારનાં ધામમાં દર્શન-પૂજનની સાથોસાથ સ્વચ્છતાની સાધના પણ કરી રહ્યાં છે.
કોઈ પોતાનાં રોકાણની જગ્યાએ સાફસફાઇ કરી રહ્યાં છે તો કોઇ યાત્રા માર્ગ પરથી કચરો સાફ કરી રહ્યાં છે. સ્વચ્છ ભારત અભિયાન ટીમની સાથે મળીને કેટલીયે સંસ્થાઓ અને સ્વયંસેવી સંગઠનો પણ ત્યાં કામ કરી રહ્યાં છે. સાથીઓ, આપણે ત્યાં જેમ તીર્થયાત્રાનું મહત્વ છે તેમ તીર્થ સેવાનું પણ મહત્વ સૂચવવામાં આવ્યું છે, અને હું તો એમ પણ કહીશ કે, તીર્થ-સેવા વગર, તીર્થ-યાત્રા પણ અધૂરી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કેટલાય લોકો છે જે સ્વચ્છતા અને સેવાની સાધનામાં જોડાયેલાં છે. રુદ્ર પ્રયાગમાં રહેતાં શ્રીમાન મનોજ બૈંજવાલજી પાસેથી પણ તમને ઘણી પ્રેરણા મળશે. મનોજજી એ પાછલાં પચ્ચીસ વર્ષોથી પર્યાવરણની જાણવણીનું બીડું લઈ રાખ્યું છે. તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવવાની સાથે જ પવિત્ર સ્થાનોને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પણ જોતરાયેલા રહે છે. વળી, ગુપ્તકાશીમાં રહેતાં સુરેન્દ્ર બગવાડીજી એ પણ સ્વચ્છતાને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. તેઓ ગુપ્તકાશીમાં નિયમિત રૂપથી સફાઈ કાર્યક્રમ ચલાવે છે અને મને જાણ થઇ છે કે, આ અભિયાનનું નામ પણ તેમણે ‘મન કી બાત’ રાખ્યું છે. આવી જ રીતે દેવર ગામનાં ચમ્પાદેવી ગયા ત્રણ વર્ષથી પોતાનાં ગાંમની મહિલાઓને કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શીખવાડી રહ્યાં છે. ચંપાજીએ અસંખ્ય છોડ રોપ્યા છે અને તેમણે જાતમહેનતથી એક સુંદર હરિયાળું વન તૈયાર કરી દીધું છે.
સાથીઓ, આવાં જ લોકોનાં પ્રયત્નોથી દેવભૂમિ અને તીર્થોની તે દૈવીય અનુભૂતિ જળવાઇ રહી છે, જેનો અનુભવ કરવા માટે આપણે ત્યાં જઇએ છીએ, આ દેવત્વ અને આધ્યાત્મિકતાને જાળવી રાખવાની જવાબદારી આપણી પણ તો છે.
અત્યારે આપણાં દેશમાં ‘ચારધામ યાત્રા’ ની સાથે આગામી સમયમાં ‘અમરનાથ યાત્રા’, ‘પંઢરપુર યાત્રા’ અને ‘જગન્નાથ યાત્રા’ જેવી કેટલીએ યાત્રાઓ થશે. શ્રાવણ મહિનામાં તો કદાચ દરેક ગામમાં કોઇક ને કોઇક મેળો લાગતો હોય છે.
સાથીઓ, આપણે જ્યાં પણ જઇએ, આ તીર્થ ક્ષેત્રોની ગરિમા જળવાય, શુદ્ધતા, સાફ-સફાઇ, એક પવિત્ર વાતાવરણ સચવાય તે આપણે ક્યારેય ન ભૂલીએ. તેને હમેશા જાળવી રાખએ અને તેથી જરૂરી છે કે આપણે હમેશા સ્વચ્છતાનાં સંકલ્પને યાદ રાખીએ. થોડાંક જ દિવસો પછી, 5મી જૂનને સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં રૂપમાં ઊજવે છે. પર્યાવરણને કેન્દ્રમાં રાખીને આપણે આપણી આસ-પાસ સકારાત્મક અભિયાન ચલાવવાં જોઇએ અને આ નિરંતર કરવા જેવું કાર્ય છે. તમે, આ વખતે બધાંને સાથે લઇને સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે કોઇક પ્રયત્ન જરૂર કરો. તમે સ્વયં છોડ વાવો અને અન્યોને પણ પ્રેરિત કરો.
મારાં વહાલાં દેશવાસીઓ, આગામી મહીનાની 21 જૂને આપણે આઠમો ‘અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ’ ઊજવવાનાં છીએ. આ વખતે યોગ દિવસની થીમ – યોગા ફોર હ્યુમેનીટી – છે. હું આપ સૌને ‘યોગ દિવસ’ ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવાનો આગ્રહ કરીશ. હાં, કોરોનાને લગતી સાવચેતીઓનું પાલન પણ કરજો. આમ તો, હવે સમગ્ર દુનિયામાં કોરોનાને લઇને પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થઇ હોય તેવું લાગે છે. વધુને વધુ વેક્સિનેશન કવરેજનાં કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ બહાર નિકળી રહ્યાં છે. અને તેથી સમગ્ર દુનિયામાં ‘યોગ દિવસ’ ને લઇને ઘણી તૈયારીઓ થઈ રહેલી જોવાં મળી રહી છે.
કોરોના મહામારીએ આપણને સૌને એ અનુભવ કરાવ્યો છે કે આપણાં જીવનમાં, સ્વાસ્થ્યનું કેટલું બધું મહત્વ છે અને યોગ તેમાં કેટલું મોટું માધ્યમ છે. લોકો અનુભવી રહ્યાં છે કે યોગથી ફિઝીકલ, સ્પીરિચ્યુઅલ અને ઇન્ટલેક્ચ્યુઅલ વેલ બિઇંગમાં પણ કેટલો વધારો થાય છે. વિશ્વનાં ટોપ બિઝનેસ પર્સન્સથી લઇને ફિલ્મ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ સુધી, સ્ટુડન્ટ્સથી લઇને સામાન્ય માનવી સુધી, સહુ યોગને પોતાનાં જીવનનું અભિન્ન અંગ બનાવી રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર દુનિયામાં યોગની વધતી લોકપ્રિયતાને જોઇને તમને બધાને ખૂબ સારું લાગતું હશે. સાથીઓ, આ વખતે દેશ-વિદેશમાં ‘યોગ દિવસ’ પર થનાર કેટલાક ખૂબ જ ઇનોવેટીવ ઉદાહરણો વિશે મને જાણકારી મળી છે. તેમાંનું જ એક છે – ગાર્ડિયન રિંગ – એક ખૂબ મોટો યુનિક પ્રોગ્રામ થવાનો છે. તેમાં મુવમેન્ટ ઓફ સનને સેલિબ્રેટ કરવામાં આવશે, એટલે કે, સૂરજ જેમ-જેમ યાત્રા કરશે, ધરતીનાં ભિન્ન-ભિન્ન સ્થળોએથી, આપણે યોગનાં માધ્યમથી તેનું સ્વાગત કરીશું. અલગ-અલગ દેશોમાંનાં ઇન્ડિયન મિશન્સ ત્યાંના લોકલ ટાઇમ પ્રમાણે સૂર્યોદયનાં સમયે યોગ કાર્યક્રમનું આયોજન કરશે. એક દેશ પછી બીજાં દેશમાં કાર્યક્રમ શરૂ થશે. પૂર્વથી પશ્ચિમ સુધી નિરંતર યાત્રા ચાલતી રહેશે, અને એવી જ રીતે, કાર્યક્રમ આગળ વધતો રહેશે. આ કાર્યક્રમોની સ્ટ્રિમીંગ પણ એવી જ રીતે એક પછી એક, જોડાતી જશે, એટલે કે, આ એક રીતે રીલે યોગા સ્ટ્રિમીંગ ઇવેન્ટ હશે. તમે પણ બધાં તેને જરૂર જોજો.
સાથીઓ, આપણાં દેશમાં આ વખતે ‘અમૃત મહોત્સવ’ ને ધ્યાનમાં રાખીને દેશનાં 75 પ્રમુખ સ્થળો પર પણ ‘અંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નું આયોજન થશે.
આ અવસર પર કેટલાય સંગઠનો અને દેશવાસીઓ પોતપોતાનાં સ્તર પર પોતપોતાનાં ક્ષેત્રોની ખાસ જગ્યાઓ પર કંઇક ને કંઇક ઇનોવેટીવ કરવાની તૈયારી કરી રહ્યાં છે. હું, તમને પણ આગ્રહ કરું છું કે આ વખતે યોગ દિવસ ઊજવવા માટે, તમે, તમારા શહેર, કસ્બા અથવા ગામમાં કોઇ એવી જગ્યા પસંદ કરો જે સૌથી વિશેષ હોય. આ જગ્યા કોઇ પ્રાચીન મંદિર કે પર્યટન કેન્દ્ર હોઇ શકે છે, અથવા તો કોઇ પ્રસિદ્ધ નદી, ઝરણું અથવા તળાવનો કિનારો પણ હોઇ શકે છે. તેનાથી યોગની સાથોસાથ તમારાં વિસ્તારની ઓળખ પણ વધશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. અત્યારે ‘યોગ દિવસ’ ને લઇને 100 દિવસનું કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે, અથવા એમ કહો કે ખાનગી અને સામાજિક પ્રયાસો મારફત યોજાનાર કાર્યક્રમે, ત્રણ મહિના પહેલાંથી જ શરૂ થઇ ચૂક્યા છે. જેમ કે દિલ્લીમાં 100માં દિવસના અને 75માં દિવસના કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સ થયાં છે. એવી જ રીતે આસામનાં શિવસાગરમાં 50માં અને હૈદરાબાદમાં 25માં કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હું ઇચ્છું છું કે તમે પણ અત્યારથી ‘યોગ દિવસ’ ની તૈયારિયો શરૂ કરી દો. વધુને વધુ લોકોને મળો, બધાને ‘યોગ દિવસ’નાં કાર્યક્રમ સાથે જોડાવા માટે આગ્રહ કરો, પ્રેરિત કરો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા ‘યોગ દિવસ’ માં ઉત્સાહભેર જોડાશો, સાથે સાથે યોગને પોતાના રોજીંદા જીવનમાં પણ અપનાવશો.
સાથીઓ, થોડાં દિવસ પહેલાં હું જાપાન ગયો હતો. મારાં કેટલાંય કાર્યક્રમો વચ્ચે મને કેટલાંક શાનદાર લોકોને મળવાનો અવસર મળ્યો. હું ‘મન કી બાત’ માં તમારી સાથે તેમનાં વિશે વાત કરવા માગું છું. તે લોકો છે તો જાપાનનાં, પરન્તુ ભારત માટે તેમને ગજબની લાગણી અને પ્રેમ છે. તેમાંના એક છે હિરોશિ કોઇકેજી, જે એક પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર છે. તમને એ જાણીને ખુશી થશે કે તેમણે મહાભારત પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કમ્બોડિયામાં થઇ હતી અને પાછલાં નવ વર્ષોથી તે નિરંતર ચાલે છે. હિરોશિ કોઇકેજી દરેક કાર્ય ખૂબ જ નોખી રીતે કરે છે. તેઓ દર વર્ષે એશિયાનાં કોઇ એક દેશની યાત્રા કરે છે અને ત્યાંનાં લોકલ આર્ટિસ્ટ અને મ્યુજિશીયનની સાથે મહાભારતનાં કેટલાંક અંશોને પ્રોડ્યુસ કરે છે. આ પ્રોજેક્ટનાં માધ્યમથી તેમણે ભારત, કમ્બોડિયા અને ઇન્ડોનેશિયાની સહિત નવ દેશોમાં પ્રોડક્શન કર્યા છે અને સ્ટેજ પ્રર્ફોર્મન્સ પણ આપ્યા છે. હિરોશિ કોઇકેજી એવાં કલાકારોને સાથે એકત્ર કરે છે જેમનું ક્લાસિકલ અને ટ્રેડિશનલ એશિયન પરફોર્મિગ આર્ટમાં ડાયવર્સ બેકગ્રાઉન્ડ રહેલું હોય. આના કારણે તેમનાં કામમાં વિવિધ રંગો જોવા મળે છે. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને જાપાનનાં પર્ફોમર્સ જાવા નૃત્ય, બાલી નૃત્ય, થાઈ નૃત્યનાં માધ્યમથી તેને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમાં પ્રત્યેક પરફોર્મર પોતાની જ માતૃભાષામાં બોલે છે અને કોરિયોગ્રાફી ખૂબ સુંદર રીતે આ વિવિધતાને પ્રદર્શિત કરે છે. અને મ્યુઝિકની ડાયવર્સિટી આ પ્રોડક્શનને વધુ જીવંત બનાવી દે છે. તેમનો હેતુ એ વાતને ઊજાગર કરવાનો છે કે આપણાં સમાજમાં ડાયવર્સિટી અને કો-એક્ઝિસ્ટન્સ નું શું મહત્વ છે અને શાંતિનું રૂપ વાસ્તવમાં કેવું હોવું જોઇએ.
આ સિવાય, હું જાપાનમાં અન્ય જે બે લોકોને મળ્યો તે છે – આત્સુશિ માત્સુઓજી અને કેન્જી યોશીજી. આ બંને ટેમ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીનો સંબંધ રામાયણની તે જાપાની એનિમેશન ફિલ્મ સાથે છે જે 1993 માં રિલીઝ થઇ હતી. આ પ્રોજેક્ટ જાપાનનાં ખૂબ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર યુગો સાકોજી સાથે જોડાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલાં, 1983 માં, તેમને પહેલી વાર રામાયણ વિશે જાણવા મળ્યું હતું. ‘રામાયણ’ તેમનાં હ્રદયને સ્પર્શી ગયી, ત્યાર બાદ તેમણે તેનાં પર ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું. આટલું જ નહીં પણ તેમણે જાપાની ભાષામાં રામાયણનાં 10 વર્ઝન વાંચી નાખ્યા. અને તેઓ અહીં જ ન અટક્યા તેઓ તેને એનિમેશનમાં પણ રૂપાંતરિક કરવા માંગતા હતા. આ માટે ઇન્ડિયન એનિમેટર્સે પણ તેમની ઘણી મદદ કરી, તેમને ફિલ્મમાં દેખાડવામાં આવેલ ભારતીય રીતી-રિવાજો અને પરંપરાઓ વિશે ગાઇડ કરવામાં આવ્યાં. તેમને જણાવવામાં આવ્યું કે ભારતમાં લોકો ધોતી કેવી રીતે પહેરે છે, સાડી કેવી રીતે પહેરે છે, વાળ કેવી રીતે ઓળે છે. બાળકો પરિવારમાં અંદરોઅંદર એકબીજાનું માન-સમ્માન કેવી રીતે કરે છે, આશીર્વાદની પરંપરા શું હોય છે. સવારે ઉઠીને પોતાના ઘરનાં જે વડીલો છે તેમને પ્રણામ કરવું, તેમનાં આશીર્વાદ લેવા – આ તમામ બાબતો 30 વર્ષો પછી હવે આ એનિમેશન ફિલ્મ ફરીથી 4k માં રી-માસ્ટર કરાઈ રહી છે. આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી પૂરો થવાની સંભાવના છે. આપણાથી હજારો કિલોમીટર દૂર જાપાનમાં રહેતા લોકો, જે ન તો આપણી ભાષા જાણે છે, ન તો આપણી પરમ્પરાઓ વિશે એટલું જાણે છે, તેમ છતાં તેમનું આપણી સંસ્કૃતિ માટેનું સમર્પણ, શ્રદ્ધા, આદર ખૂબ પ્રશંસનીય છે. – કયો હિન્દુસ્તાની આ વાત માટે ગર્વ નહીં કરે ?
મારા વહાલાં દેશવાસીઓ, સ્વ થી ઉપર ઊઠીને સમાજની સેવાનો મંત્ર, સેલ્ફ ફોર સોસાયટીનો મંત્ર, આપણાં સંસ્કારોનો ભાગ છે. આપણાં દેશમાં અગણિત લોકોએ આ મંત્રને પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. મને આંધ્રપ્રદેશમાં, મર્કાપુરમમાં રહેતાં એક સાથી, રામ ભૂપાલ રેડ્ડીજી વિશે જાણકારી મળી. તમે જાણીને અચંબામાં મૂકાશો કે રામભૂપાલ રેડ્ડીજીએ રિટાયરમેન્ટ પછી મળેલી પોતાની સંપૂર્ણ કમાણીને દિકરીઓના અભ્યાસ માટે દાન કરી દીધી છે. તેમણે લગભગ 100 જેટલી દીકરીઓ માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ખાતા ખોલાવ્યા અને તેમાં પોતાનાં 25 લાખથી પણ વધુ રૂપિયા જમા કરાવી દીધા. આવી જ સેવાનું અન્ય એક ઉદાહરણ યૂ.પી. માં આગરાનાં કચૌરા ગામનું છે. ઘણાં વર્ષોથી આ ગામમાં મીઠા પાણીની તંગી હતી. આ દરમિયાન, ગામનાં એક ખેડૂત કુંવરસિંહ ને ગામથી 6-7 કિલોમીટર દૂર પોતાનાં ખેતરમાં મીઠું પાણી મળી ગયું. તે તેમનાં માટે ખૂબ આનંદનો અવસર હતો. તેમણે વિચાર્યું કે આ પાણીથી ગામના બાકીનાં તમામ લોકોની સેવા કરીએ તો કેવું સારું. પરન્તુ ખેતરથી ગામ સુધી પાણી લઇ જવા માટે 30-32 લાખ રૂપિયા જોઇતા હતા. થોડાંક સમય પછી કુંવર સિંહનાં નાનાં ભાઇ શ્યામ સિંહ સેનામાંથી નિવૃત થઇને ગામ આવ્યા. તેમને આ વાત જાણવા મળી. તેમણે નિવૃતિ સમયે મળેલ પોતાની સંપૂર્ણ ધનરાશિ આ કામ માટે આપી દીધી અને ખેતરથી ગામ સુધી પાઇપલાઇન પાથરીને ગામનાં લોકો સુધી મીઠું પાણી પહોંચાડ્યું. જો ઇચ્છાશક્તિ હોય, પોતાના કર્તવ્યો પ્રત્યે ગંભીરતા હોય, તો એક વ્યક્તિ પણ કેવી રીતે સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે, આ પ્રયત્ન તે વાતની સૌથી મોટી પ્રેરણા છે.
આપણે કર્તવ્ય પથ પર ચાલીને જ સમાજને સશક્ત કરી શકીએ છીએ, દેશને સશક્ત કરી શકીએ છીએ. આઝાદીનાં આ ‘અમૃત મહોત્સવ’ માં આ જ આપણો સંકલ્પ હોવો જોઇએ અને આ જ આપણી સાધના પણ હોવી જોઇએ અને જેનો એક જ માર્ગ છે – કર્તવ્ય, કર્તવ્ય અને કર્તવ્ય.
મારાં વહાલાં દેશવાસીઓ, આજે ‘મન કી બાત’ માં આપણે સમાજ સાથે જોડાયેલાં કેટલાંય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. તમે બધા, અલગ-અલગ વિષયો સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ સૂચનો મને મોકલતાં રહો છો, અને તેનાં જ આધારે આપણી ચર્ચા આગળ વધે છે. ‘મન કી બાત’ નાં આગામી સંસ્કરણ માટે પણ આપના સૂચનો મોકલવાનું ભૂલતા નહીં. હાલમાં આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે જોડાયેલ જે કાર્યક્રમ ચાલી રહ્યાં છે, જે આયોજનોમાં તમે ઉપસ્થિત રહો છો, તે વિષય સંદર્ભે પણ મને જરૂર જણાવજો. Namo app અને MyGov પર હું તમારા સૂચનોની રાહ જોઇશ. આવતી વખતે આપણે ફરી એકવાર મળીશું, ફરીથી દેશવાસીઓ સાથે જોડાયેલ આવાં જ વિષયો પર વાતો કરીશું. તમે, તમારું ધ્યાન રાખજો અને તમારી આસપાસના તમામ જીવજંતુઓનો પણ ખ્યાલ રાખજો. ઉનાળાની આ ઋતુમાં તમે પશુ-પક્ષીઓ માટે દાણાં-પાણી આપવાનું તમારું માનવીય દાયિત્વ પણ નિભાવતા રહો – તે જરૂર યાદ રાખજો, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1829133)
Visitor Counter : 359
Read this release in:
Telugu
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam