પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બર્લિન, કોપેનહેગન અને પેરિસના પ્રવાસે રવાના થતા પહેલાં આપેલું નિવેદન

Posted On: 01 MAY 2022 11:56AM by PIB Ahmedabad

હું, જર્મનીના સંઘીય ચાન્સેલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણના અનુસંધાનમાં 2 મે 2022ના રોજ જર્મનીમાં બર્લિનની મુલાકાત લઇશ. ત્યારપછી, 3-4 મે 2022 દરમિયાન ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડ્રિક્સનના આમંત્રણના અનુસંધાનમાં હું ડેન્માર્કના કોપેનહેગનનો પ્રવાસ કરીશ અને ત્યાં દ્વિપક્ષીય જોડાણો યોજાશે તેમજ હું બીજી ઇન્ડિયા-નોર્ડિક શિખર મંત્રણામાં પણ ભાગ લઇશ. ભારત પરત ફરતી વખતે, હું ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણના પગલે રસ્તામાં આવતા ફ્રાન્સના પેરિસમાં થોડો સમય રોકાણ કરીશ.

બર્લિનની મારી મુલાકાત, ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વિગતવાર દ્વિપક્ષીય સંવાદ કરવા માટેની એક તક પૂરી પાડશે, તેમને હું ગયા વર્ષે G20માં મળ્યો હતો ત્યારે તેઓ વાઇસ-ચાન્સેલર અને નાણાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. અમે છઠ્ઠા ભારત- જર્મની આંતર સરકારી વાર્તાલાપ (IGC)ની સહ-અધ્યક્ષતા કરીશું જે એક અનન્ય દ્વિવાર્ષિક ફોર્મેટ છે જેનું આયોજન ભારત દ્વારા માત્ર જર્મની સાથે જ કરવામાં આવે છે. કેટલાક ભારતીય મંત્રીઓ પણ જર્મનીનો પ્રવાસ કરશે અને તેમના જર્મન સમકક્ષો સાથે વાર્તાલાપ યોજશે.

હું આ IGCને જર્મનીમાં નવી સરકારની રચના થઇ તેના છ મહિનાની અંદર જ તેમની સાથે પ્રારંભિક જોડાણ તરીકે જોઉં છુ, જે મધ્યમ અને લાંબા ગાળા માટે આપણી પ્રાથમિકતાઓને ઓળખવામાં મદદરૂપ થશે.

2021માં, ભારત અને જર્મનીએ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પૂરા કર્યા હતા અને 2000થી બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારીમાં જોડાયેલા છે. હું વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસના મુદ્દાઓ કે જે બંને માટે સંબંધિત હોય તે અંગે ચાન્સેલર સ્કોલ્ઝ સાથે અમારા અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા માટે તત્પર છું.

ભારત અને જર્મની વચ્ચે ઘણા લાંબા સમયથી સ્થાપિત વાણિજ્યિક જોડાણ આપણી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક આધારસ્તંભની રચના કરે છે તેમજ ચાન્સેલર સ્કોલ્ઝ અને હું આપણા ઉદ્યોગથી ઉદ્યોગોના સહકારમાં ઊર્જા ભરવાના લક્ષ્ય સાથે બિઝનેસ ગોળમેજી ચર્ચાને સંબોધન કરીશું. તેનાથી કોવિડ પછીની આર્થિક રિકવરી બંને દેશોમાં વધારે મજબૂત કરવામાં મદદ મળી રહેશે.

યુરોપ ખંડમાં ભારતીય મૂળના 10 લાખ કરતા વધારો લોકો વસે છે અને જર્મનીમાં આ અપ્રવાસી ભારતીયોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણ છે. યુરોપ સાથેના આપણા સંબંધોમાં અપ્રવાસી ભારતીય સમૂહ એક મહત્વપૂર્ણ એન્કર છે અને તેથી ત્યાં વસતા આપણા ભાઇ-બહેનોને મળવા માટે હું આ ખંડની મારી મુલાકાતની તકનો લાભ લઇશ.

બર્લિનથી હું કોપેનહેગનના પ્રવાસે જઇશ જ્યાં મારો પ્રધાનમંત્રી ફ્રેડ્રિક્સન સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે. તેનાથી ડેન્માર્ક સાથે આપણી અનન્ય ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક પ્રાપ્ત થશે તેમજ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપી શકાશે. હું ભારત ડેન્માર્ક વ્યવસાય ગોળમેજી બેઠકમાં ભાગ લઇશ તેમજ ડેન્માર્કમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ હું સંવાદ કરીશ.

ડેન્માર્ક સાથે દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત, હું ડેનમાર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના પ્રધાનમંત્રીઓ સાથે બીજી ભારત-નોર્ડિક શિખર મંત્રણામાં પણ ભાગ લઇશ, જ્યાં અમે 2018માં યોજાયેલી પ્રથમ ભારત-નોર્ડિક શિખર મંત્રણા પછીના આપણા સહકારની સ્થિતિ જાણીશું. આ શિખર મંત્રણામાં મહામારી પછીની આર્થિક રિકવરી, આબોહવા પરિવર્તન, આવિષ્કાર અને ટેકનોલોજી, અક્ષય ઊર્જા, ઉભરતી વૈશ્વિક સુરક્ષા પરિદૃશ્ય અને આર્કટિક પ્રદેશમાં ભારત-નોર્ડિક સહકાર જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

આ શિખર મંત્રણાની સાથે સાથે, હું અન્ય ચાર નોર્ડિક દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરીશ અને ભારતમાં તેમની સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરીશ.

નોર્ડિક દેશો ટકાઉક્ષમતા, અક્ષય ઊર્જા, ડિજિટાઇઝેશન અને આવિષ્કાર મામલે ભારત માટે મહત્વપૂર્ણ ભાગીદારો છે. આ મુલાકાતથી નોર્ડિક પ્રદેશ સાથે આપણા બહુપાસીય સહકારનું વિસ્તરણ કરવામાં મદદ મળી રહેશે.

મારી પરત યાત્રા દરમિયાન, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળવા માટે પેરિસમાં થોડો સમય રોકાણ કરીશ. રાષ્ટ્રપતિ મેક્રોન હજુ તાજેતરમાં જ ફરીથી ચૂંટાઇ આવ્યા છે અને પરિણામના માત્ર દસ દિવસ પછીની તેમની સાથે મારી મુલાકાતથી હું વ્યક્તિગત રીતે તો તેમને અભિનંદન આપી જ શકીશ, પરંતુ સાથે સાથે બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાની પુનઃપુષ્ટિ પણ થશે. આનાથી ભારત-ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કાનો સૂર સ્થાપિત કરવાની આપણને તક પ્રાપ્ત થશે.

રાષ્ટ્રપતિ મેક્રોન અને હું વિવિધ પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા મૂલ્યાંકનોનું આદાનપ્રદાન કરીશું અને હાલમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરીશું. હું દૃઢપણે માનું છું કે, વૈશ્વિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સમાન દૃષ્ટિકોણ અને મૂલ્યો ધરાવતા બે દેશોએ એકબીજા સાથે ગાઢ સહકારથી કામ કરવું જોઇએ.

યુરોપની મારી આ મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે આ પ્રદેશ સંખ્યાબંધ પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યો છે. મારા જોડાણો દ્વારા, હું આપણા યુરોપિયન ભાગીદારો સાથે સહકારની ભાવનાને મજબૂત કરવા માગું છું, જેઓ ભારત દ્વારા શાંતિ અને સમૃદ્ધિની શોધમાં આપણા મહત્વપૂર્ણ સાથી છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1821779) Visitor Counter : 267