આયુષ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું


ભારત આયુષ ઉપચાર માટે ભારત આવવા ઇચ્છતાં લોકોને સુવિધા આપવા વિશેષ આયુષ વિઝા કેટેગરી પ્રસ્તુત કરશેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

ગ્લોબલ સમિટ ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય સ્તરે આધુનિક ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા અને આધુનિક નવીનતાઓને પ્રદર્શિત કરવા પ્રોત્સાહન આપશેઃ શ્રી સર્બાનંદ સોનોવાલ

Posted On: 20 APR 2022 3:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થિત મહાત્મા મંદિરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ દિવસીય આયુષ વૈશ્વિક શિખર સંમેલનમાં ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકો સાથે આયુષમાં ઇનોવેશન (નવીનતા) લાવવા માટે રોકાણ વધારવા તેમને પ્રોત્સાહન આપવા માટે સંવાદ થશે, કારણ કે આયુષ ક્ષેત્ર વૃદ્ધિ માટે પ્રચૂર સંભાવના ધરાવે છે.

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022 માટે પ્રારંભિક ક્ષેત્રમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જગન્નાથ, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રેયેસિસ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર કાળુભાઈ અને વિવિધ દેશોના રાજદૂતો, વિદેશી મહાનુભાવો, રોકાણકારો, ઉદ્યોગના નિષ્ણાતો તથા અન્ય મહત્વપૂર્ણ હિતધારકો સામેલ થયા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક સંબોધનમાં કહ્યું હતું કે, આપણે આયુષ દવાઓ, પૂરક દવાઓ અને કોસ્મેટિક્સના ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. વર્ષ 2014માં આયુષ ક્ષેત્ર 3 અબજ ડોલરથી ઓછું મૂલ્ય ધરાવતું હતું, જે અત્યારે વધીને 18 અબજ ડોલરથી વધારે થઈ ગયું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આયુષ ઉત્પાદનોની નિકાસને વેગ આપવા અસાધારણ પ્રયાસો થયા છે.

પ્રધાનમંત્રીએ આયુષ ક્ષેત્રમાં ઘણી નવી પહેલોની જાહેરાત કરી હતી, જેમાં સૌપ્રથમ આયુષ ઉત્પાદનોની અલગ ઓળખ ઊભી કરવા માટે વિશેષ આયુષ ચિહ્નો છે. એનાથી દુનિયાભરના લોકોનો ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોમાં ભરોસો વધશે. સરકાર સમગ્ર દેશમાં આયુષ ઉત્પાદનોના સંવર્ધન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આયુષ પાર્કનું એક નેટવર્ક વિકસાવશે. આયુષ આહાર નામની એક નવી કેટેગરીની જાહેરાત પણ થઈ હતી, જે હર્બન પોષક દ્રવ્યો પૂરાં પાડતા સપ્લીમેન્ટના ઉત્પાદકોને મોટી સુવિધા મળશે.

વળી વિદેશી નાગરિકો માટે અન્ય એક મોટી પહેલની જાહેરાત પણ થઈ છે, જેઓ ભારત આવીને આયુષ ઉપચારનો લાભ લેવા ઇચ્છે છે. ટૂંક સમયમાં ભારત વિશેષ આયુષ વિઝા કેટેગરી પ્રસ્તુત કરશે. વર્તમાન યુગને યુનિકોર્ન્સનો યુગ ગણાવીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2022માં અત્યાર સુધી ભારતમાંથી 14 સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, મને ખાતરી છે કે, અતિ ટૂંક સમયમાં આપણા આયુષ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન્સ સ્વરૂપે બહાર આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ નિકાસ સંવર્ધન પરિષદ શરૂ કરવાની અને ચાર આયુષ આઇસીટીની પહેલોની જાહેરાત કરી હતી, જેમાં આયુષ ઇન્ફોર્મેશન હબ, આયુસોફ્ટ, આયુષ નેક્સ્ટ અને આયુષ જીઆઇએસ સામેલ છે. પ્રધાનમંત્રીએ પ્રોફેસર આયુષ્માન નામની કોમિક બુકનું લોકાર્પણ પણ કર્યું હતું, જેમાં કોવિડ-19 સામે લડવામાં આયુષ ઉપચાર પદ્ધતિઓ અને ઉત્પાદનો કેવી રીતે મદદરૂપ થાય છે અને સાથે સાથે અન્ય રોગોની સારવારમાં પણ કેવી રીતે ઉપયોગી છે એ જણાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સાથે જોડાણમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (એઆઇઆઇએ) દ્વારા આયોજિત આયુષ સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને પુરસ્કારોનું વિતરણ કર્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સરકારો વચ્ચે 5 સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર પણ થયા હતા. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ (આરએવી)એ આર્જેન્ટિના સાથે એમઓયુ કર્યા હતા, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (એઆઇઆઇએ) અને બ્રાઝિલ વચ્ચે આયુર્વેદમાં શૈક્ષણિક જોડાણ કરવા ત્રિપક્ષીય એમઓયુ કર્યા હતા. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા અને યુનિવર્સિટી હેલ્થ નેટવર્ક, ટોરોન્ટો (યુએચએન), કેનેડા વચ્ચે યુનિવર્સિદાદ ઓટોનોમા દા નુએવો લીઓન (યુએએનએલ), મેક્સિકોમાં આયુર્વેદ ચેર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) થયા હતા. ઉપરાંત એનઆઇએ, જયપુર અને ફિલિપાઇન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રેડિશનલ એન્ડ અલ્ટરનેટિવક હેલ્થ કેર (પીઆઇટીએએચસી) વચ્ચે આયુર્વેદ અને ચિકિત્સાની અન્ય પરંપરાગત ઉપચાર વ્યવસ્થાના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) થયા હતા.

આ સત્રને સંબોધન કરતાં ડો. ટેડ્રોસે કહ્યું હતું કે, આયુષ ક્ષેત્રનીમહત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે – વર્ષ 2014થી અત્યાર સુધી દર વર્ષે 14 ટકાની વૃદ્ધિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, આયુષ ઉદ્યોગ ચાલુ વર્ષના અંત સુધીમાં 23 અબજ અમેરિકન ડોલરને આંબી જાય એવી ધારણા છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે અભ્યાસની નવી ડિઝાઇનો ચકાસી રહ્યાં છીએ અને જ્યારે પ્રમાણભૂત રેન્ડમાઇઝ પરીક્ષણો શક્ય ન હોય અથવા હાથ ધરવા મુશ્કેલ હોય, ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની અસરનું દસ્તાવેજીકરણ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પુરાવા આધારિત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને મજબૂત કરવા સમુદાયોમાં એના ઉપયોગની સુવિધા આપવી જોઈએ, જેથી સ્વાસ્થ્ય સાથે સંબંધિત શ્રેષ્ઠ પરિણામો મળે, લોકોને વધુને વધુ લાભ મળે અને સંપૂર્ણ અસરમાં વધારો થાય.

આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથે ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન શરૂ કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, મોરેશિયસને સમજાયું છે કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં પૂરક છે.

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ વ્યવસાયિક તકો વિશે હિતધારકો વચ્ચે જાગૃતિ લાવશે, યુવા ઉદ્યોગસાહસિકોને આધુનિક ટેકનોલજીઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આધુનિક નવીનતાઓ દર્શાવવાની તક પૂરી પાડશે એવી અપેક્ષા છે. શિખર સંમેલનમાં ચર્ચાવિચારણાથી યુવાન ઉદ્યોગસાહસિકોને આયુર્વેદ ક્ષેત્રમાં વ્યવસાયિક વિકાસની વિવિધ સંભવિતતાઓ વિશે જાણકારી મળશે એવી પણ અપેક્ષા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આયુષ મંત્રાલય તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસ મંત્રાલય (એમએસએમઇ) આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સા વ્યવસાયિકો વચ્ચે ઉદ્યોગસાહસિકતા વિકસાવી રહ્યાં છે. આયુષ મંત્રાલયે પ્રધાનમંત્રીની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની જેમ આયુષ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કરવા યુવાન ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઇડીપી) પણ વિકસાવ્યો છે.

આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં લગભગ 90 પ્રસિદ્ધ વક્તાઓ અને 100 પ્રદર્શકોની ઉપસ્થિતિમાં 5 સંપૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ, 6 કાર્યશાળાઓ અને 2 સિમ્પોઝિયમ (સંવાદ)નું આયોજન થશે. આ શિખર સંમેલન રોકાણક્ષમતાને બહાર લાવવામાં મદદરૂપ થશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. આ ઉદ્યોગપતિઓ, શિક્ષાવિદો અને વિદ્વાનોને એકમંચ પર લાવવામાં મદદરૂપ થશે તથા ભવિષ્યના સહયોગ માટે એક મંચ સ્વરૂપે કામ કરશે.

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ ગુજરાતના ગાંધીનગરમાં 22 એપ્રિલ, 2022 સુધી ચાલશે અને પ્રધાનમંત્રીએ જામનગરમાં ડબલ્યુએચઓ – ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કર્યાના એક દિવસ પછી શરૂ થઈ હતી.

SD/GP/JD



(Release ID: 1818455) Visitor Counter : 291