પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુજરાતમાં દિયોદરની બનાસ ડેરીમાં વિકાસ પ્રવૃત્તિઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
19 APR 2022 5:37PM by PIB Ahmedabad
નમસ્તે!
આપ સૌ મજામાં છો ને?
હવે તમારી માફી માંગીને શરૂઆતમાં મારે થોડું હિંદીમાં બોલવું પડશે, કારણ કે મિડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે તમે હિંદીમાં બોલશો તો સારૂં રહેશે, તેથી મને લાગ્યું કે બધુ નહીં તો તેમની થોડી વાતને માનવામાં આવે.
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા વરિષ્ઠ સાથી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યશ્ર શ્રીમાન સી. આર પાટિલ, ગુજરાત સરકારના મંત્રી ભાઈશ્રી જગદીશ પંચાલ, આ ધરતીના સંતાન શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદગણ શ્રી પરબતભાઈ, શ્રી ભરતસિંહ ડાભી, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, બનાસ ડેરીના ચેરમેન ઊર્જાવાન મારા સાથી ભાઈ શંકર ચૌધરી, અન્ય મહાનુભવો તથા ભાઈઓ અને બહેનો.
મા નડેશ્વરી અને મા અંબાજીની આ પાવન ધરતીને હું શત્ શત નમન કરૂં છું. આપ સૌને પણ મારા પ્રણામ. જીવનમાં કદાચ પ્રથમ વખત એવો અવસર આવ્યો હશે કે એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનો આજે મને આશીર્વાદ આપી રહ્યા છે. આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. અને જ્યારે તમે ઓવારણાં લઈ રહ્યા હતા ત્યારે હું મારા પોતાના મનનો ભાવ રોકી શક્યો ન હતો. તમારા આશીર્વાદથી મા જગદંબાની ભૂમિની માતાઓઓના આશીર્વાદ એ મારા માટે એક અણમોલ આશીર્વાદ છે, અણમોલ શક્તિનું કેન્દ્ર છે. અણમોલ ઊર્જાનું કેન્દ્ર છે. હું બનાસની તમામ માતાઓ અને બહેનોને આદરપૂર્વક નમન કરૂં છું.
ભાઈઓ અને બહેનો,
વિતેલા એક થી બે કલાકમાં હું અહિંના અલગ અલગ સ્થળોએ ગયો છું. ડેરી સેક્ટર સાથે જોડાયેલી સરકારી યોજનાઓની લાભાર્થી પશુપાલક બહેનો સાથે મારી વિસ્તારપૂર્વક વાતચીત થઈ છે. અહીં જે નવું સંકુલ બન્યું છે, બટાકાનો પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાંની પણ મને મુલાકાત લેવાની તક મળી છે. આ તમામ સમય દરમિયાન મેં જે કાંઈપણ જોયું છે, જે ચર્ચા થઈ છે, મને જે જાણકારી આપવામાં આવી છે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. અને હું ડેરીના તમામ સાથીઓને તથા આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું.
ભારતમાં ગામડાંની અર્થવ્યવસ્થાને, માતાઓ અને બહેનોના સશક્તીકરણને કેવી રીતે મજબૂત બનાવી શકાય છે તે સહકારી ચળવળ એટલે કે સહકાર કેવી રીતે આત્મનિર્ભર ભારતના અભિયાનને તાકાત આપી શકે છે તે બધુ અહિંયા મેં જાતે અનુભવ્યું છે. થોડાંક જ મહિના પહેલાં મને મારા સંસદિય ક્ષેત્ર વારાણસીમાં બનાસ કાશી સંકુલનો શિલાન્યાસ કરવાની તક મળી હતી.
હું બનાસ ડેરીનો હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે કાશીના મારા મત વિસ્તારમાં આવીને પણ ત્યાંના ખેડૂતોની સેવા કરવાનો, પશુપાલકોની સેવા કરવાનો, ગુજરાતની ધરતી પરથી બનાસ ડેરીએ સંકલ્પ કર્યો અને હવે તેને મૂર્ત સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ માટે હું કાશીનો સાંસદ હોવાના નાતે આપ સૌનો કરજદાર છું. હું આપ સૌનો ઋણી છું. અને એટલા માટે ખાસ કરીને બનાસ ડેરીને હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છે. આજે અહિંયા બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનો હિસ્સો બનતાં મારો આનંદ અનેકગણો વધી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આજે અહિંયા જે પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે તે આપણી પારંપરિક તાકાતથી ભવિષ્યનું નિર્માણ કરવાનું ઉત્તમ ઉદાહરણ છે. બનાસ ડેરી સંકુલ ચીઝ અને વ્હે પ્લાન્ટ, આ બધું તો ડેરી ક્ષેત્રના વિસ્તરણ માટે તો મહત્વનું છે જ, પરંતુ બનાસ ડેરીએ પણ એ સિધ્ધ કર્યું છે કે સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે અન્ય સાધનોનો પણ ઉપયોગ કરી શકાય તેમ છે.
હવે કહો, દૂધ અને બટાકાને કોઈ સંબંધ છે ખરો? કોઈ મેલજોલ છે ખરો? પણ, બનાસ ડેરીએ તેનો સંબંધ જોડી દીધો છે. દૂધ, છાશ, દહીં, પનીર, આઈસ્ક્રિમની સાથે સાથે આલુ-ટિક્કી, આલુ વેજ, ફ્રેન્ચફ્રાઈઝ, હૈશ બ્રાઉન, બર્ગર પેટીસ જેવા ઉત્પાદનોને પણ બનાસ ડેરીના ખેડૂતોએ સામર્થ્ય પૂરૂં પાડ્યું છે. ભારતના લોકલને ગ્લોબલ બનાવવાની દિશામાં આ એક સારૂં કદમ છે.
સાથીઓ,
બનાસકાંઠા જેવા ઓછો વરસાદ ધરાવતા જિલ્લાની તાકાત, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને અહિંના બટાકાથી કેવી રીતે ખેડૂતોનું નસીબ બદલી શકાય છે તે મોડલ આજે બનાસકાંઠામાં આપણે જોઈ રહ્યા છીએ. બનાસ ડેરી તો ખેડૂતોને બટાકાની ઉત્તમ ચીજો પણ ઉપલબ્ધ કરાવે છે અને બટાકાના બહેતર ભાવ પણ આપે છે. તેનાથી બટાકાના ખેડૂતોને કરોડો રૂપિયાની કમાણી માટે એક નવુ ક્ષેત્ર મળ્યું છે. અને આ બાબત માત્ર બટાકા પૂરતી જ સીમિત નથી. હું સતત સ્વીટ રિવોલ્યુશનની વાત કરતો રહ્યો છું. ખેડૂતોને વધુ આવક માટે મધના સાથે જોડવાનો અનુરોધ કરતો રહ્યો છું. આ બાબતને બનાસ ડેરીએ સંપૂર્ણ ગંભીરતા સાથે અપનાવી છે. મને એ જાણીને આનંદ થયો છે કે બનાસકાંઠાની વધુ એક તાકાત અહીંની મગફળીથી માંડીને રાયડા માટે ડેરીએ મોટી શાનદાર યોજના બનાવી છે. ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે સરકાર અભિયાન ચલાવી રહી છે. તેને બળ પૂરૂં પાડવા માટે તમારી સંસ્થા તેલનો પ્લાન્ટ પણ બનાવી રહી છે. આ તેલિબિયાં ખેડૂતો માટે ઘણું મોટું પ્રોત્સાહન બની રહ્યા છે.
ભાઈઓ અને બહેનો,
આજે અહિંયા એક બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 4 ગોબરગેસ પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આવા અનેક પ્લાન્ટ બનાસ ડેરી સમગ્ર દેશમાં સ્થાપવા તરફ આગળ વધી રહી છે. કચરામાંથી કંચનની આ પ્રવૃત્તિ સરકારના અભિયાનને મદદ પૂરી પાડી રહી છે. ગોબર ધનના માધ્યમથી એક સાથે અનેક લક્ષ્ય હાંસલ થઈ રહ્યા છે. એક તો, તેનાથી ગામડાંમાં સ્વચ્છતાને બળ મળી રહ્યું છે અને બીજું, તેના કારણે પશુપાલકોને છાણના પણ પૈસા મળી રહ્યા છે અને ત્રીજું, છાણમાંથી બાયો સીએનજી અને વિજળી જેવા ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે. ચોથું, આ સમગ્ર પ્રક્રિયામાં જે જૈવિક ખાતર મળે છે તેનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને આપણી ધરતી માતાને બચાવવામાં પણ આપણે એક કદમ આગળ વધી શકીશું. આ પ્રકારના પ્રયાસથી જ્યારે બનાસ ડેરીના માધ્યમથી સમગ્ર દેશમાં પહોંચીશું તો ચોક્કસપણે આપણી ગ્રામ્ય અર્થવ્યવસ્થા મજબૂત બનશે, ગામડાં મજબૂત થશે, આપણી બહેનો અને દીકરીઓ સશક્ત બનશે.
સાથીઓ,
ગુજરાત આજે સફળતાની જે ઉંચાઈ પર છે, વિકાસની જે ઉંચાઈ પર છે તે દરેક ગુજરાતીને ગર્વ અપાવે છે. તેનો અનુભવ મેં કાલે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ કર્યો. ગુજરાતના બાળકોના ભવિષ્યને, આપણી આવનારી પેઢીઓની કેળવણી માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક ખૂબ મોટી તાકાત બની રહ્યું છે. આપણી સરકારી પ્રાથમિક શાળા અને તેના માટે આટલી મોટી ટેકનોલોજીનો ઉપયોગ એ દુનિયા માટે એક અજાયબ બાબત છે.
એક રીત કહું તો હું અગાઉથી જ આ સેક્ટર સાથે જોડાયેલો રહ્યો છું, પણ ગુજરાત સરકારના આમંત્રણથી ગઈકાલે ખાસ કરીને ગાંધીનગરમાં તે જોવા ગયો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રના કામનું જે વિસ્તરણ થઈ રહ્યું છે, ટેકનોલોજીનો બહેતર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોઈને મને ઘણું સારૂં લાગ્યું. આપણાં લોકપ્રિય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દેશને દિશા દેખાડે તેવું કેન્દ્ર બની ગયું છે.
તમે વિચાર કરો, પહેલાં મારે એક કલાક માટે જ અહિંયા આવવાનું હતું, પરંતુ હું અહિં તમામ ચીજોને જોવા- સમજવામાં એટલો ડૂબી ગયો હતો કે એક કલાકના કાર્યક્રમમાં દોઢ થી બે કલાક સુધી જોડાયેલો રહ્યો. તેમાં મારી રૂચિ એટલી વધી ગઈ કે મેં શાળાના બાળકો અને શિક્ષકો સાથે વિસ્તારપૂર્વક વાતો પણ કરી. ઘણાં બધા બાળકો અલગ અલગ સ્થળેથી અહિંયા જોડાયા હતા. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ- સૌરાષ્ટ્રથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતની 54,000થી વધુ સ્કૂલોના સાડા ચાર લાખ કરતાં વધુ શિક્ષકો અને દોઢ કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓની જીવતી જાગતી ઊર્જાની તાકાતનું કેન્દ્ર બની ગયું છે. આ કેન્દ્રને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બીગ ડેટા એનાલિસીસ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દર વર્ષે 500 કરોડ ડેટા સેટનું વિશ્લેષણ કરે છે. તેમાં એસેસમેન્ટ ટેસ્ટ, સત્રના અંતમાં પરીક્ષા, શાળાની માન્યતા, બાળકો અને શિક્ષકોની હાજરી સાથે જોડાયેલા કાર્યો પણ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યની સ્કૂલોમાં એક રીતે કહીએ તો સમયપત્રક, પ્રશ્નપત્ર, ચેકીંગમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મોટી ભૂમિકા છે. આ સમીક્ષાને કારણે શાળાઓમાં બાળકોની હાજરી પણ 26 ટકા સુધી વધી ગઈ છે.
શિક્ષણના ક્ષેત્રમાં આધુનિક કેન્દ્ર સમગ્ર દેશમાં મોટા પરિવર્તન લાવી શકે તેમ છે. હું, ભારત સરકારના સંબંધિત મંત્રાલયો અને અધિકારીઓને પણ કહીશ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો ચોક્કસ અભ્યાસ કરે. વિવિધ રાજ્યોને આ વ્યવસ્થાનો લાભ મળે તથા દેશના વધુમાં વધુ બાળકોને જેટલો લાભ મળશે તેટલું જ ભારતનું ભવિષ્ય ઉજળું બનશે.
હવે મને લાગે છે કે મારે તમારી સાથે તમારી બનાસ અંગે વાત કરવી જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે બનાસ ડેરી સાથે જોડાઈને બનાસની ધરતી પર આવવાનું થાય છે ત્યારે મારૂં મસ્તક આદરપૂર્વક ઝૂકી જાય છે. જેમાં ગલબા કાકા માટે અને 60 વર્ષ પહેલાં ખેડૂત પુત્ર ગલબાકાકાએ જે સપનું જોયું હતું તે આજે વિરાટ વટવૃક્ષ બની ગયું છે. અને બનાસકાંઠામાં તેમણે ઘેર ઘેર એક નવી આર્થિક શક્તિ પેદા કરી છે તેના માટે સૌથી પહેલા તો હું ગલબાકાકાને આદરપૂર્વક નમન કરૂં છું. બીજુ નમન બનાસકાંઠાની મારી માતાઓ અને બહેનોને કરૂં છું. પશુપાલનનું કામ મેં જોયું છે. બનાસકાંઠાની મારી માતાઓ અને બહેનો ઘરમાં સંતાનની સંભાળ લેતી હોય છે તેના કરતાં પણ વધુ પ્રેમથી તે પશુઓની સંભાળ રાખતી હોય છે. પશુને ચારો ના મળ્યો હોય, પાણી ના મળ્યું હોય ત્યારે બનાસકાંઠાની મારી માતાઓ અને બહેનો જાતે પણ પાણી પીવામાં ખંચકાટ અનુભવતી હોય છે. ક્યારેક લગ્ન માટે, તહેવાર માટે, ઘર છોડીને બહાર જવાનું હોય ત્યારે બનાસની મારી માતાઓ અને બહેનો સગા- સંબંધીઓના લગ્નમાં જવાનું છોડી દે છે, પણ પશુઓને એકલા મૂકીને જતી નથી. આ ત્યાગ અને તપસ્યા છે. એટલા માટે આ માતાઓ અને બહેનોની તપસ્યાનું પરિણામ એવું મળ્યું છે કે બનાસકાંઠાનો વિકાસ થયો છે. એટલા માટે, મારૂં બીજુ નમન આ બનાસકાંઠાની માતાઓ અને બહેનોને છે. હું તેમને આદરપૂર્વક પ્રણામ કરૂં છું. કોરોનાના સમયગાળા દરમિયાન પણ બનાસ ડેરીએ મહત્વનું કામ કર્યું હતું. ગલબાકાકાના નામે મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે આ મારી બનાસ ડેરી બટાકાની ચિંતા કરે, પશુઓની ચિંતા કરે, દૂધની ચિંતા કરે, છાણની ચિંતા કરે, મધની ચિંતા કરે, ઊર્જા કેન્દ્ર ચલાવે અને બાળકોના શિક્ષણ માટે પણ ચિંતા કરતી હોય છે.
એક રીતે કહીએ તો બનાસ ડેરી બનાસકાંઠાની સહકારી ચળવળને કારણે બનાસકાંઠા ઉજ્જવળ ભવિષ્યનું કેન્દ્ર બની ગયું છે. તેના માટે પણ એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતી વ્યવસ્થા હોવી જોઈએ. અને વિતેલા સાતથી આઠ વર્ષમાં જે રીતે ડેરી ક્ષેત્રનું વિસ્તરણ થયું છે અને મારી તો એમાં શ્રધ્ધા હોવાના કારણે મારાથી જે રીતે બની શકે તે રીતે હું જ્યારે મુખ્ય મંત્રી હતો ત્યારે પણ હાજર રહેતો હતો અને હવે તમે મને જ્યારે દિલ્હી મોકલ્યો છે ત્યારે પણ મેં તમને છોડ્યા નથી. તમારી સાથે રહીને તમારા સુખ- દુઃખનો હું સાથી રહ્યો છું. આજે બનાસ ડેરી ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને સોમનાથની ધરતીથી ઓડીશાનાજગન્નાથની ધરતી સુધી, આંધ્ર પ્રદેશ, ઝારખંડ વગેરેના પશુપાલકોને વધુને વધુ લાભ આપવાનું કામ કરી રહી છે. આજે દુનિયાના સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશોમાં આપણાં ભારતના કરોડો ખેડૂતોને આજીવિકા જ્યારે દૂધથી ચાલી રહી છે ત્યારે એક વર્ષમાં, આશરે ઘણી વખત આંકડા જોઈને કેટલાક લોકો મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ આની તરફ ધ્યાન નથી આપતાં. આપણાં દેશમાં વર્ષમાં સાડા આઠ લાખ કરોડ દૂધનું ઉત્પાદન થાય છે. ગામડાંની વિકેન્દ્રિત આર્થિક વ્યવસ્થા તેનું ઉદાહરણ છે. તેની સામે ઘઉં અને ચોખાનું ઉત્પાદન સાડા આઠ લાખ કરોડ પણ નથી. તેના કરતાં પણ વધુ ઉત્પાદન દૂધનું છે. ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળતો રહ્યો છે. બે વીઘા, ત્રણ વીઘા કે પાંચ વીઘા જમીન હોય, વરસાદનું નામોનિશાન ના હોય, પાણીની પણ તંગી હોય ત્યારે ખેડૂત ભાઈઓનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે, ત્યારે પણ પશુપાલન કરીને તે પરિવારનું પેટ ભરતો હોય છે. આ ડેરીએ નાના ખેડૂતોની ઘણી મોટી ચિંતા કરી છે અને નાના ખેડૂતોની મોટી ચિંતાના આ સંસ્કાર લઈને હું દિલ્હી ગયો. દિલ્હીમાં પણ મેં દેશના નાના ખેડૂતોની, નાના નાના ખેડૂતોની મોટી જવાબદારી ઉપાડવાનું કામ કર્યું અને આજે વર્ષમાં ત્રણ વખત બે- બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવું છું. અગાઉના પ્રધાનમંત્રી કહેતા હતા કે દિલ્હીથી એક રૂપિયો નીકળે તો લોકો સુધી પંદર પૈસા પહોંચતા હતા. આ પ્રધાનમંત્રી એવુ કહે છે કે દિલ્હીથી એક રૂપિયો નીકળે તો 100ના 100 પૈસા જેના ઘરે પહોંચવા જોઈએ તેના ઘર સુધી પહોંચે છે અને ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આવા અનેક કામ જ્યારે આજે ભારત સરકાર, ગુજરાત સરકારની સહકારી ચળવળ આ બધુ સાથે મળીને કરી રહી છે ત્યારે હું આ ચળવળને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમનો જય જયકાર થાય, હમણાં ભૂપેન્દ્રભાઈએ ખૂબ જ ભાવના સાથે એક વાત કરી- ઓર્ગેનિક ખેતી અંગે વાત કરી. બનાસકાંઠા એક વાત સમજી લે. બનાસકાંઠા ક્યારેક ક્યારેક તો પોતાની વાતને છોડતું નથી તે મારો અનુભવ છે. શરૂઆતમાં મહેનત કરવી પડતી હોય છે. મને યાદ છે કે વિજળી છોડો, વિજળી છોડો કહી કહીને હું થાકી ગયો. અને બનાસના લોકોને લાગતું હતું કે આ મોદીને કંઈ ખબર નથી અને અમે કહીએ છીએ કે વિજળીમાંથી બહાર આવો. અને મારો વિરોધ કરે છે, પરંતુ જ્યારે બનાસકાંઠાના ખેડૂતોને સમજ આવી ત્યારે મારાથી પણ 10 કદમ આગળ નીકળી ગયા અને પાણી બચાવવાનું મોટું અભિયાન ચલાવ્યું. ટપક સિંચાઈ અપનાવી અને આજે બનાસ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યું છે. આ કામ મારૂં બનાસકાંઠા કરી રહ્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે મા નર્મદા જ્યારે બનાસને મળવા આવી છે ત્યારે આ પાણીને ઈશ્વરનો પ્રસાદ માનીને, પાણીને પારસ માનીને આ વખતે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે, આઝાદીને 75 વર્ષ થઈ રહ્યા છે ત્યારે બનાસ જિલ્લાને મારી વિનંતી છે કે 75 એવા મોટા તળાવ બનાવે કે જેનાથી બનાસની સૂકી જમીન કે જ્યાં કશું પણ પેદા થઈ શકતું નથી અને એક કે બે વખત પડેલું પાણી વરસીને ધડાધડ વહી જાય છે. આ માટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે જેનાથી અહિંયા તળાવ ભરવાની શરૂઆત થઈ શકે. આવુ થઈ શકશે તો મને વિશ્વાસ છે કે આ ધરતી અમૃતમયી બની જશે. એટલા માટે મારી એ અપેક્ષા છે કે જૂન મહિના પહેલાં, વરસાદ આવે તે પહેલાં, આગામી બે- ત્રણ મહિનામાં જોરદાર અભિયાન ચલાવો અને 2023માં 15 ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવના સમયમાં આ એક વર્ષમાં માત્ર બનાસ જિલ્લામાં ઓછામાં ઓછા 75 તળાવ બની જાય અને તેમાં પાણી છલોછલ ભરેલું રહે. આજે જે મોટી મોટી તકલીફો પડે છે તેમાંથી આપણે બહાર આવી શકીશું. અને હું તમારો અનન્ય સાથી છું. જે રીતે ખેતરમાં એક સાથી પોતાનું કામ કરતો રહે છે તે રીતે હું પણ તમારો સાથી જ છું. અને એટલા માટે તમારા સાથી તરીકે તમારી સાથે ઉભો રહીને કામ કરવા ઈચ્છું છું. હવે તો આપણા નડાબેટ પ્રવાસનનું કેન્દ્ર બની ગયું છે. ભારતના સરહદ પરના જિલ્લાઓનો વિકાસ કેવી રીતે કરવો, ભારતની સરહદોને કેવી રીતે જીવંત બનાવવી તેનું ઉદાહરણ ગુજરાતે પૂરૂં પાડ્યું છે. કચ્છની સરહદે રણોત્સવ સમગ્ર કચ્છની સરહદને તથા ત્યાંના ગામડાંને આર્થિક રીતે જીવંત બનાવી રહ્યું છે. તો હવે નડાબેટ કે જ્યાંથી સીમા દર્શન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાના કારણે મારા આ બનાસ અને પાટણ જિલ્લાની સરહદોના કિનારા પર આવેલા ગામડાંઓમાં પ્રવાસન પ્રવૃત્તિને કારણે એક રોનક આવશે. દૂર દૂરના ગામોને રોજી રોટીની તકો મળી રહેશે, વિકાસ માટે અનેક રસ્તા ખૂલી શકે છે, પ્રકૃતિની ગોદમાં રહીને કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં કેવું પરિવર્તન લાવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ તમારી સામે જ છે. આથી હું બનાસના, ગુજરાતના નાગરિકોને અને એક રીતે કહીએ તો, દેશના નાગરિકોને આ અણમોલ રત્ન તેમના ચરણોમાં સમર્પિત કરી રહ્યો છું. આ પ્રસંગ માટે બનાસ ડેરીએ મને પસંદ કર્યો તે માટે હું બનાસ ડેરીનો પણ આભારી છું. મારી સાથે બંને હાથ ઉપર કરીને જોરથી બોલો- ભારત માતા કી જય, અવાજ જોરદાર હોવો જોઈએ, ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ ખૂબ ધન્યવાદ!
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1818188)
Visitor Counter : 328
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam