માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે માધવપુર ઘેડ મેળાની મુલાકાત લીધી


વર્તમાન અને ભાવિ પેઢીઓએ અવશ્યપણે સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવું જોઇએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં પૂર્વોત્તરમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે: ઠાકુર

Posted On: 12 APR 2022 8:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે, ગુજરાતમાં યોજાયેલા માધવપુર ઘેડ મેળાના ત્રીજા દિવસે હાજરી આપી હતી. ચાર દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મણીપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેનસિંહ અને ગુજરાત સરકારના મંત્રીઓ પણ જોડાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માધવપુર ઘેડ મહોત્સવ લોકોને એકબીજા સાથે જોડવાનું પ્રતીક છે અને આ તહેવાર દેશમાં પૂર્વથી માંડીને પશ્ચિમ સુધીના લોકોને એક સાથે એકઠા કરે છે. પૂર્વોત્તરના રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા વિકાસના કાર્યો વિશે વાત કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, અગાઉની લૂક ઇસ્ટ (પૂર્વ તરફ જોવાની) નીતિ હવે ફક્ત વર્તમાન સરકારના શાસનમાં એક્ટ ઇસ્ટ (પૂર્વમાં કામ કરવાની) નીતિ બની ગઇ છે અને ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સુવિધાઓમાં અભૂતપૂર્વ રીતે વિકાસના કાર્યો જોવા મળ્યા છે.

શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે સક્રિયતાપૂર્વક ભારતના વિસરાઇ ગયેલા સાંસ્કૃતિક વારસાને ફરી સજીવન કરવાની દિશામાં કામ કર્યું છે અને પ્રધાનમંત્રીના સમર્થ નેતૃત્વ હેઠળ જ એક તરફ કેદારનાથજી ધામનો કાયાકલ્પ થયો છે તો સાથે સાથે સોમનાથ મંદિરમાં પણ વિકાસના કાર્યો નવી ઊંચાઇએ પહોંચ્યા છે. મંત્રીશ્રીએ કાશી વિશ્વનાથ કોરિડોર, રામ મંદિરના નિર્માણ અને ચાર ધામના સૌંદર્યકરણમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામની ખૂબ જ પ્રશંસા કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતે 1947માં રાજકીય સ્વતંત્રતા મેળવી ત્યારે, સાંસ્કૃતિક સ્વતંત્રતા પ્રાપ્ત થઇ શકી નહોતી અને માત્ર 2014માં જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ રાજકીય નિરુપણનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, વર્તમાન અને ભાવિ પેઢીએ અવશ્યપણે તેમના સાંસ્કૃતિ મૂળ સાથે જોડાવું જોઇએ અને ઉમેર્યું હતું કે, આપણાં સાંસ્કૃતિક વારસાની ગાથાઓ તેમને સંભાળવવામાં આવે તે આપણી જવાબદારી હતી.

મંત્રીશ્રીએ તાજેતરમાં તેમણે અબુ ધાબીની મુલાકાત લીધી તેને યાદ કરી હતી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ સ્થપાયેલા સૌહાર્દપૂર્ણ સંબંધોના કારણે જ અખાતી દેશમાં હવે ભગવાન સ્વામીનારાયણનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે.

શ્રી અનુરાગ ઠાકુરે વચન આપ્યું હતું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમના મીડિયા એકમો સાથે મળીને તહેવારોનો પ્રચાર કરશે અને તેની ભવ્યતામાં વધારો કરશે.

માધવપુર ઘેડ તહેવારનું આયોજન 10 થી 13 એપ્રિલ 2022 દરમિયાન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન સાંસ્કૃતિક મંત્રાલય અને પૂર્વોત્તર પ્રદેશ વિકાસ મંત્રાલયના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1816163) Visitor Counter : 398