રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતની વડી અદાલત દ્વારા આયોજિત મધ્યસ્થી અને માહિતી પ્રૌદ્યોગિકી પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું
જો આપણે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો બધા હિતધારકોએ મધ્યસ્થી તરફ સકારાત્મક વલણ દર્શાવવું જોઈએ: રાષ્ટ્રપતિ કોવિંદ
Posted On:
09 APR 2022 4:50PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (9 એપ્રિલ, 2022) ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે, ગુજરાત હાઇ કૉર્ટ દ્વારા આયોજિત મધ્યસ્થતા અને માહિતી ટેકનોલોજી પરની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કાનૂની પ્રેક્ટિશનર તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મગજમાં કબજો જમાવનાર એક મુદ્દો 'ન્યાય સુધીની પહોંચ' હતો. 'ન્યાય' શબ્દમાં ઘણું સમાયેલું છે અને આપણાં બંધારણની પ્રસ્તાવનામાં યોગ્ય રીતે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ શું તમામ લોકોને ન્યાયની સમાન પહોંચ છે, એમ તેમણે પૂછ્યું હતું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બધા માટે ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય. તેથી, તેમને લાગ્યું કે કૉન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરાયા છે. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણાં કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના મનમાં, તે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને આમ ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા બે દાયકા દરમિયાન, તમામ હિતધારકોએ વિવાદનાં નિરાકરણ માટે મધ્યસ્થતાને અસરકારક સાધન તરીકે ઓળખ્યું છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા કાનૂની વિદ્વાનોએ અવલોકન કર્યું છે તેમ, નાગરિક અધિકારોના સંદર્ભમાં વ્યક્તિઓ વચ્ચે અદાલતોમાં પેન્ડિંગ મોટાભાગના કેસ એવા છે કે તેમને ન્યાય તોળીને ચુકાદાની જરૂર નથી. આવા કેસોમાં પક્ષકારો મધ્યસ્થીઓના માળખાગત હસ્તક્ષેપ દ્વારા તેમના વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલી શકે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે મધ્યસ્થીનો ઉદ્દેશ્ય એ છે કે વિવાદને કોઈ આદેશ અથવા સત્તા દ્વારા ઉકેલવાનો નથી. તેના બદલે, તે પક્ષકારોને મધ્યસ્થી દ્વારા વ્યવસ્થિત મધ્યસ્થી બેઠકો દ્વારા સમાધાન પર પહોંચવા માટે પ્રોત્સાહિત કરે છે. કાયદો એક પ્રોત્સાહન પણ પૂરું પાડે છે: જો કોઈ પણ પડતર મુકદ્દમો મધ્યસ્થી દ્વારા પતાવટ કરવામાં આવે છે, તો અરજદાર પક્ષ દ્વારા જમા કરવામાં આવેલી સમગ્ર કૉર્ટ ફી પરત કરવામાં આવે છે. આમ, સાચી રીતે કહીએ તો, મધ્યસ્થીમાં દરેક જણ વિજેતા છે.
રાષ્ટ્રપતિએ ધ્યાન દોર્યું કે મધ્યસ્થતાની વિભાવનાને હજુ સમગ્ર દેશમાં વ્યાપક સ્વીકૃતિ મળી નથી. તેમણે નોંધ્યું કે કેટલાક સ્થળોએ પૂરતા પ્રશિક્ષિત મધ્યસ્થીઓ ઉપલબ્ધ નથી. ઘણાં મધ્યસ્થી કેન્દ્રો પર માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આ અસરકારક સાધનથી વ્યાપક વસ્તીને લાભ મળે તે માટે આ અડચણોને વહેલી તકે દૂર કરવી પડશે. તદુપરાંત, જો આપણે ઇચ્છિત પરિણામો હાંસલ કરવા માગતા હોય, તો તમામ હિતધારકોએ મધ્યસ્થી પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવવું જોઈએ. આ સંદર્ભે, તાલીમ ઘણો ફરક લાવી શકે છે. તે વિવિધ સ્તરો પર પ્રદાન કરી શકાય છે, ઇન્ડક્શન સ્ટેજ પર પ્રારંભિક અભ્યાસક્રમોથી લઈને મધ્ય-કારકિર્દી વ્યાવસાયિકો માટે રિફ્રેશર અભ્યાસક્રમો. તેમણે નોંધ્યું હતું કે સુપ્રીમ કૉર્ટની મધ્યસ્થી અને સમાધાન પ્રોજેક્ટ કમિટિ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્તમ કાર્ય કરી રહી છે.
કૉન્ફરન્સના બીજા વિષય એટલે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિશે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે બધા ખૂબ જ મુશ્કેલ સંકટમાંથી પસાર થયા છીએ. છેલ્લાં બે વર્ષ દરમિયાન અભૂતપૂર્વ માનવ દુઃખની વચ્ચે, જો કોઈ બચાવનારી કૃપા હતી તો તે માહિતી અને સંચાર ટેકનોલોજીથી હતી. આવશ્યક પ્રવૃત્તિઓ જાળવવામાં અને અર્થવ્યવસ્થાનાં પૈડાંને ગતિમાન રાખવામાં ICT સૌથી વધુ મદદરૂપ સાબિત થયું. રિમોટ વર્કિંગની જેમ, રિમોટ લર્નિંગે શિક્ષણમાં વિરામ ટાળવામાં મદદ કરી. એક રીતે, કટોકટી ડિજિટલ ક્રાંતિ માટે એક તક સાબિત થઈ છે. જાહેર સેવા વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ICT અપનાવવાની ગતિ વધી છે. જ્યારે ભૌતિક મેળાવડાને ટાળવું પડે ત્યારે ન્યાયનું વિતરણ પણ વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા શક્ય બન્યું હતું.
રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે મહામારી પહેલા પણ, ન્યાય વિતરણ પ્રણાલીને અરજદારો અને તમામ હિતધારકોને આપવામાં આવતી સેવાઓની માત્રા અને ગુણવત્તા સુધારવા માટે ICTથી ફાયદો થયો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કૉર્ટમાં રચાયેલી ઈ-કમિટીનાં નેતૃત્વ હેઠળ અને ભારત સરકારના ન્યાય વિભાગની સક્રિય સહાય અને સંસાધન સહાયથી, નીતિ મુજબ ઈ-કૉર્ટ્સ પ્રોજેક્ટના બે તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે. અને ક્રિયા યોજનાને સંબંધિત તબક્કાઓ માટે મંજૂર અને અપનાવવામાં આવી છે. પરિણામે, ઈ-કૉર્ટના પોર્ટલ પર પ્રકાશિત થયેલા આંકડાઓની સરળ ઍક્સેસ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે અન્ય જાહેર સંસ્થાઓની જેમ, ન્યાયતંત્રને પણ ડિજિટલ વિશ્વમાં સ્થાનાંતરિત થવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવો જોઈએ. આને વ્યાપક રીતે ચૅન્જ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને તે પરિવર્તનનો એક ભાગ છે. આ કૉન્ફરન્સમાં 'ફ્યુચર ઓફ ટેક્નોલોજી ઇન ધ જ્યુડિશિયરી' વિષયને સમર્પિત સંપૂર્ણ કાર્યકારી સત્ર છે તેની નોંધ લેતા, તેમણે કહ્યું કે ICT પર સ્વિચ કરવાના ઘણા ઉદ્દેશ્યો પૈકી, ન્યાય સુધીની પહોંચમાં સુધારો કરવો એ સર્વોચ્ચ છે. આપણે જેનું લક્ષ્ય રાખીએ છીએ તે પરિવર્તન ખાતર પરિવર્તન નથી, પરંતુ વધુ સારી દુનિયા માટે પરિવર્તન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ રાષ્ટ્રીય પરિષદ અદાલતોમાં મધ્યસ્થી અને ICT બંનેની વિશાળ સંભાવનાઓ જ નહીં, પરંતુ માર્ગમાં પડકારોનો શ્રેષ્ઠ રીતે કેવી રીતે પ્રતિસાદ આપવો તે અંગે પણ વિચારણા કરશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964