પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગુજરાતમાં રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 MAR 2022 8:37PM by PIB Ahmedabad

ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિમલ પટેલ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થી ગણ, વાલીઓ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીમાં આવવું તે મારા માટે એક વિશેષ આનંદનો અવસર છે. જે યુવાનો સમગ્ર દેશના રક્ષા ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ ઘડવા માગતા હોય તેમના માટે યુનિવર્સીટી તક પૂરી પાડે છે. રક્ષા ક્ષેત્ર એટલે માત્ર યુનિફોર્મ અને દંડો નહીં, પરંતુ તે એક વિસ્તૃત ક્ષેત્ર છે અને તેમાં સારી રીતે તાલીમ પામેલા માનવબળની હાલના ક્ષેત્રમાં સારી માગ છે. એટલા માટે રક્ષા ક્ષેત્રે 21મી સદીના જે પડકારો છે તે અનુસાર આપણી વ્યવસ્થાઓ વિકસીત કરવામાં આવી રહી છે. વ્યવસ્થાઓ સંભાળવામાં વ્યક્તિત્વનો પણ વિકાસ થાય અને તે સંદર્ભમાં એક વિઝન સાથે રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો છે. શરૂઆતમાં ગુજરાતમાં યુનિવર્સિટી રક્ષા યુનિવર્સિટી તરીકે જાણીતી હતી. પછીથી ભારત સરકારે તેને સમગ્ર દેશ માટેની એક મહત્વની યુનિવર્સિટી તરીકે માન્યતા આપી છે અને આજે તે એક પ્રકારે સમગ્ર દેશના નજરાના સમાન છે, દેશનું ઘરેણું છે. રાષ્ટ્રની રક્ષા માટે અહિંયા ચિંતન, મનન, શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે, જેનાથી રાષ્ટ્રની રક્ષા માટે આવનારા સમયમાં દેશમાં એક નવો વિશ્વાસ પેદા થશે. આજે જે છાત્ર- છાત્રાઓ અહિંયાથી અભ્યાસ કરીને બહાર નિકળ્યા છે તેમને અને તેમના પરિવારના સભ્યોને મારી તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આજે વધુ એક પાવન અવસર છે. આજના દિવસે મીઠાના સત્યાગ્રહ માટે ધરતી ઉપરથી દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. અંગ્રેજોના અન્યાયનો વિરોધ કરીને ગાંધીજીના નેતૃત્વમાં જે આંદોલન ચાલ્યું તેને કારણે અંગ્રેજી શાસનને આપણાં ભારતીયોના સામર્થ્યનો અનુભવ થયો હતો. હું પ્રસંગે દાંડી યાત્રામાં સામેલ થયેલા તમામ સત્યાગ્રહીઓનું પુણ્ય સ્મરણ કરૂં છું. અને આપણે જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આવા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું.

સાથીઓ,

આજનો દિવસ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા- પિતા માટે ખૂબ મહત્વનો દિવસ છે અને મારા માટે પણ તે યાદગાર અવસર છે. જે રીતે હમણાં અમિતભાઈ વાત કરી રહ્યા  હતા તે મુજબ એક કલ્પના સાથે યુનિવર્સિટીનો જન્મ થયો હતો અને સ્વાભાવિક છે કે લાંબાગાળા સુધી માટે મંથન કરવામાં આવ્યું, ઘણાં નિષ્ણાત લોકો સાથે મેં સંવાદ કર્યો. દુનિયામાં ક્ષેત્રમાં શું શું ચાલી રહ્યું છે તે અંગે અભ્યાસ કર્યો અને લાંબી વિચારણા પછી એક નાના સ્વરૂપે અહીં ગુજરાતની ધરતી પર સંસ્થાએ આકાર લીધો છે. આપણે જોઈ રહ્યા છીએ કે અંગ્રેજોના જમાનામાં દેશમાં રક્ષાનું જે ક્ષેત્ર હતું તેમાં સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાને રૂટિન કામગીરીનો હિસ્સો ગણવામાં આવતી હતી. અંગ્રેજો પણ પોતાની દુનિયા ચાલતી રહે તે માટે દમખમવાળા, લાંબુ પહોળું કદ ધરાવનારા અને દંડા ચલાવી શકે તેવા લોકોને સ્થાન આપતા હતા અને આવા ઈરાદાથી લોકોની ભરતી કરવામાં આવતી હતી. તે જાતિના ધોરણે પસંદગી કરતા હતા અને તેમના માટે ભારતના નાગરિકો પર દંડા ચલાવવાનું કામ હતું કે જેથી અંગ્રેજો સુખેથી પોતાની જીંદગી વ્યતિત કરી શકે, પરંતુ આઝાદી પછી આપણી ઉપર વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર ઊભી થઈ. આમૂલ પરિવર્તન કરવાની જરૂર હતી, પરંતુ આપણાં દેશમાં કમનસીબે તે દિશામાં જેટલું કામ થવું જોઈએ તેટલું થયું નહીં અને આપણે ઘણાં પાછળ રહી ગયા. અને તેથી સામાન્ય માણસમાં પોલીસ અંગે જે ખ્યાલ છે તે લોકોના માનસમાં જળવાઈ રહ્યો છે. લોકો માને છે કે પોલીસથી બચીને ચાલવું અને તેનાથી દૂર રહેવું.

આપણાં દેશની સેના પણ યુનિફોર્મ પહેરે છે, પરંતુ તેમના અંગે દેશમાં અલગ ખ્યાલ છે. જ્યારે કોઈ સંકટની ઘડી હોય ત્યારે દૂરથી પણ સેના આવી પહોંચતી હોય છે. લોકો માને છે કે હવે સેના આવી પહોંચી છે તેથી કોઈ સંકટ રહેશે નહીં. આવો અલગ ખ્યાલ લોકોના મનમાં પ્રવર્તતો હતો. હેતુથી ભારતના સુરક્ષા ક્ષેત્રમાં એવું માનવબળ તૈયાર કરવું ખૂબ જરૂર છે, કે જેનાથી સામાન્ય માનવીના મનમાં મિત્રતાની અનુભૂતિ થાય, એક વિશ્વાસની અનુભૂતિ થાય અને એટલા માટે અમને તાલીમનું સમગ્ર મોડ્યુલ બદલી નાંખવાની ખૂબ આવશ્યકતા જણાઈ અને તેને ગહન ચિંતનમાંથી ભારતમાં પ્રથમ વખત પ્રકારનો પ્રયોગ થયો, જેનો આજે વિસ્તાર થઈને રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી સ્વરૂપે તે તમારી સામે પ્રસ્તુત છે.

ક્યારે એવું લાગતું હતું કે રક્ષાનો અર્થ યુનિફોર્મ છે, પાવર છે, હાથમાં દંડો છે કે પિસ્તોલ છે. આજે જમાનો ચાલ્યો ગયો છે. આજે રક્ષા ક્ષેત્રએ અનેક રંગરૂપ ધારણ કર્યા છે. તેમાં અનેક પડકારો ઊભા થયા છે. અગાઉ જ્યારે કોઈ જગાએ કોઈ ઘટના આકાર લેતી હતી ત્યારે તેના સમાચાર બીજા ગામ સુધી પહોંચવામાં કલાકો લાગતા હતા. ક્યારેક તો બીજા ગામ સુધી પહોંચવામાં દિવસો લાગી જતા હતા અને સમગ્ર  રાજ્યમાં પહોંચવામાં 24 કલાક, 48 કલાક લાગતા હતા. અને તે દરમિયાન પોલીસ તંત્ર પોતાની વ્યવસ્થા કરી લેતું હતું અને પરિસ્થિતિ સંભાળી લેતું હતું. આજે ખૂબ ઝડપથી સેકંડના થોડાક સમયમાં કોમ્યુનિકેશન થાય છે અને વાતો ફેલાઈ જાય છે.

તેવા સમયમાં કોઈ એક જગાએ વ્યવસ્થા સંભાળી લઈને આગળ વધવામાં આવતું હતું. આજે શક્ય નથી. એટલા માટે દરેક એકમમાં નિપુણતાની જરૂર પડે છે. દરેક એકમમાં સામર્થ્ય જરૂરી બને છે. દરેક એકમમાં પ્રકારે ભાર મૂકવો પડે છે ત્યારે સ્થિતિને સંભાળી શકાય છે. એટલા માટે સંખ્યાબળ કરતાં વધુ તાલીમબધ્ધ માનવબળને અનેક ચીજો સંભાળવાની જરૂર ઊભી થાય છે, જે ટેકનોલોજી પણ જાણતા હોય અને ટેકનોલોજીને અનુસરતા પણ હોય તેવી માનવીય માનસિકતા હોય, યુવા પેઢી સાથે સંવાદ કરીને તેમની કાર્ય પધ્ધતિ જાણવી જરૂરી બની રહેતી હોય છે. ક્યારેક મોટા મોટા આંદોલન થાય છે ત્યારે નેતાઓ સાથે વાત કરીને તેમની સાથે વાટાઘાટો કરવાની ક્ષમતા પણ જરૂરી બની રહે છે.

જો સુરક્ષા ક્ષેત્રમાં તાલીમ પામેલું માનવબળ ના હોય તો વાટાઘાટો કરવાની ક્ષમતા તે ગૂમાવી દે છે અને તેના કારણે સુધરેલી બાજી એકાદ શબ્દને કારણે છેલ્લે છેલ્લે બગડી જાય છે. મારા કહેવાનો અર્થ છે કે લોકશાહી વ્યવસ્થાઓમાં જનતા જનાર્દનને સર્વોપરી માનીને સમાજમાં દ્રોહ કરનારા જે તત્વો છે તેમની સાથે સખ્તાઈથી અને સમાજ તરફ નરમાઈ દાખવવાના મૂળ મંત્રને સાકાર કરીને આપણે એવા માનવ સ્રોતો વિકસાવવા પડશે. હવે આપણે જોઈએ છીએ કે દુનિયાના અનેક દેશોમાં પોલીસ અંગે ઘણી સારી છાપ પ્રવર્તતી હોય છે. આપણાં દેશનું દુર્ભાગ્ય છે કે જો કોઈ ફિલ્મ બને તો તેમાં ખરાબમાં ખરાબ છાપ કોઈની હોય તો તે પોલીસવાળાની હોય છે. અખબારોમાં પણ તેમનું ખરાબ ચિત્ર ઊભું કરવામાં આવે છે. વાસ્તવમાં પોલીસ આવી હોતી નથી, પરંતુ સમાજમાં જે પ્રકારે સાચી વાત પહોંચવી જોઈએ તે પહોંચતી નથી. સોશિયલ મીડિયાના વર્તમાન સમયમાં આપણે કોરોના કાળમાં જોયું છે કે યુનિફોર્મ પહેરી પોલીસ લોકોના કેટલા કામમાં આવતી હતી. તેમના અનેક વીડિયો પણ વાયરલ થયા છે. કોઈ પોલીસ રાત્રે નિકળ્યો હોય અને કોઈ ભૂખ્યું હોય તો તેને ભોજન પણ આપતો હોય, કોઈના ઘરમાં લૉકડાઉનના કારણે દવા ના હોય તો પોલીસના લોકો મોટરસાયકલ પર જઈને તેમને દવા પહોંચાડી હોય તેવા કિસ્સા પણ બન્યા છે. રીતે પોલીસનો એક માનવીય ચહેરો બહાર આવ્યો છે. આવો ચહેરો કોરોના કાળમાં ઉભરી રહ્યો છે, પણ વાત ત્યાં અટકી જાય છે.

એવું નથી કે કામ બંધ થયું છે, પરંતુ જે લોકો પોલીસ અંગે સાચી બાબત બતાવતા હતા અને સારૂં કરવાની ઈચ્છા ધરાવતા હતા તેમના મનમાં પણ ક્યારેક નિરાશા આવી જતી હોય છે. આવા વિપરીત વાતાવરણમાં આપણે સૌ નવયુવાનો નક્કી કરીને નિકળીએ  છીએ ત્યારે આપણાં વાલીઓ એવો વિચાર નથી કરતા કે ક્યાં મોકલ્યા છે. ક્યારેક તો તમારે સામાન્ય માનવીના હક્કનું રક્ષણ, સામાન્ય માનવીના સુરક્ષાની ચિંતા, સમાજ જીવનમાં સુખ-ચૈનનું વાતાવરણ છવાયેલું રહે તેની ચિંતા તથા સામાન્ય જીવનમાં એકતા અને સદ્દભાવના જળવાઈ રહે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઉમંગ અને ઉત્સાહથી કામ કરી શકે ત્યારે જીવનના નાના મોટા ઉમંગ- ઉત્સવ આનંદ સાથે ચાલી શકતા હોય છે. આવી ભૂમિકા સાથે સમાજ જીવનમાં આપણે પોતાની ભૂમિકા કઈ રીતે વ્યક્ત કરી શકીએ તે માટે કદ અને બાંધાને આધારે નિર્ણય કરવાની જરૂર નથી. આપણે દેશની સેવા કરી શકીશું તો તે બાબત એક મર્યાદા સુધી સીમિત છે, પણ હવે તે ઘણું મોટું ક્ષેત્ર બની ગયું છે અને આપણને તાલીમ પામેલા માનવબળની જરૂર રહે છે.

આજનો જે જમાનો છે તેમાં પરિવાર નાનો હોય છે. પહેલાં એવું હતું કે પોલીસવાળા વધારાની ફરજ બજાવીને થાકીને ઘેર પાછા ફરે ત્યારે એક મોટો પરિવાર અને મા તેમની સંભાળ લેતી હતી, પિતાજી સંભાળ લેતા હતા. ઘરમાં જો દાદા- દાદી હોય તો પણ ધ્યાન રાખતા હતા. કોઈ ભત્રીજો હોય તો તે પણ ધ્યાન રાખતો હતો. મોટાભાઈ ઘરમાં હોય તો તે ધ્યાન રાખતા હતા. ભાભીજી હોય તો તે પણ ધ્યાન આપતા હતા અને આવી સ્થિતિમાં મન હળવું થઈ જાય છે અને વ્યક્તિ બીજા દિવસે તૈયાર થઈને પોતાના કામે જતો હોય છે. આજે પરિવાર નાના થતા જાય છે. પોલીસ ક્યારેક 6 કલાકની, ક્યારેક 8 કલાક અને ક્યારેક 16 કલાકની ફરજ બજાવીને ઘણી વિપરીત સ્થિતિમાં કામ કરતો રહેતો હોય છે અને જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે ઘરે કોઈ હોતું નથી. માત્ર ખાવાનું ખાઈ લો, કોઈ પૂછવાવાળું નથી, માતા-પિતા નથી અને કોઈ ચિંતા કરનાર પણ નથી. આવું એક અલગ વ્યક્તિત્વ કામ કરતું હોય છે. આવા સમયમાં થાકની અનુભૂતિ થાય ત્યારે આપણાં સુરક્ષ દળ જેવા ક્ષેત્રો સામે એક ખૂબ મોટો પડકાર બની રહે છે. પરિવાર જીવનની કઠણાઈઓ વચ્ચે કામ કરતા કરતાં જે તકલીફો પડે છે તેના કારણે મનમાં તાણની સ્થિતિ ઊભી થાય છે. આવા સમયમાં તાણ મુક્ત પ્રવૃત્તિઓની તાલીમ હાલમાં સુરક્ષા ક્ષેત્ર માટે ખૂબ આવશ્યક બની જાય છે. અને તે માટે તાલીમ આપનારની પણ જરૂરિયાત ઊભી થઈ છે. રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે કે જે દરેક પ્રકારની સ્થિતિ માટે તાલીમ લેનારને તાલીમ આપે છે. તેમને અલગ પ્રકારે તૈયાર કરે છે. કદાચ, યુનિફોર્મમાં હોય ત્યારે કામ ના હોય, પણ યુનિફોર્મવાળા લોકોનું મન મસ્ત રહે તેવી તાલીમ આપીને લોકોને તૈયાર કરવામાં આવે છે.

આજે લશ્કરમાં પણ ખૂબ મોટાપાયે યોગ ટીચરોની જરૂર ઊભી થતી રહે છે. આજે પોલીસ દળમાં પણ ખૂબ મોટાપાયે યોગ અને રાહતની ટેકનિકો ધરાવતા શિક્ષકોની આવશ્યકતા ઊભી થઈ છે. હાલમાં વ્યાપ આગળ વધીને રક્ષા ક્ષેત્રમાં પણ આવશે.

તેવી રીતે ટેકનોલોજી પણ એક ખૂબ મોટો પડકાર છે અને મેં જોયું છે કે જ્યારે નિપુણતા ના હોય અને સમસયસર કામ કરવાનું હોય તો તે થઈ શકતું નથી. કામમાં ઘણો વિલંબ થતો હોય છે. જે રીતે સાયબર સિક્યોરિટીના કિસ્સાઓ બનતા જાય છે, જે રીતે ગૂનામાં ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે તેવી સ્થિતિમાં ગૂનો પકડી પાડવા માટે પણ ટેકનોલોજી સૌથી વધુ મદદગાર થઈ રહી છે. અગાઉના સમયમાં ક્યાંક ચોરી થાય તો ચોરને પકડવામાં ઘણો સમય લાગતો હતો, પણ આજે સીસીટીવી કેમેરા હોય છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી લેવામાં આવે છે અને ખબર પડે છે કે અમૂક વ્યક્તિ શંકાસ્પદ હોય તે રીતે આગળ વધી રહ્યો છે. પહેલાં તે મહોલ્લામાં ગયો, પછી બીજા મહોલ્લામાં ગયો તેની કડી જોડવામાં આવે છે. હાલમાં તમારી પાસે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનું નેટવર્ક છે અને તેના આધારે વ્યક્તિનો ખૂબ આસાનીથી પીછો થઈ શકે છે. તમે શોધી શકો છો કે વ્યક્તિ ક્યાંથી નિકળ્યો હતો અને અહિંયા આવ્યો હતો. અહિંયા તેણે કાયદા વિરૂધ્ધ કામ કર્યું હોય તો તે પકડાઈ જાય છે.

તો, હાલમાં જે રીતે ગૂનેગારોની દુનિયામાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે રીતે સુરક્ષાદળો માટે પણ ટેકનોલોજી ખૂબ મોટું હથિયાર બન્યું છે. જો સાચા લોકોના હાથમાં સાચું હથિયાર હોય અને તે સમયસર કામ કરી શકે છે તેવું સામર્થ્ય તાલીમ વગર શક્ય બનતું નથી. અને હું માનું છું કે દુનિયામાં જે મોટી મોટી ઘટનાઓ બને છે તેનો અભ્યાસ તમે ક્ષેત્રમાં કરો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગૂના કરવામાં આવી રહ્યા છે અને ટેકનોલોજીના ઉપયોગથી કઈ રીતે ગૂના શોધી કાઢવામાં આવે છે.

તાલીમ માત્ર સવારે પરેડ કરીને, શારીરિક ચુસ્તિ જાળવીને ફીઝીકલ ફીટનેસથી પ્રાપ્ત થતી નથી. હવે રક્ષા ક્ષેત્રનું કામ ઘણું આગળ વધ્યું છે. હું ક્યારે વિચાર કરૂં છું ત્યારે મને લાગે છે કે મારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો કદાચ શારીરિક રીતે ચુસ્ત ના હોય તો પણ તેમને જો રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં તાલીમ આપવામાં આવે તો તે શારીરિક રીતે અક્ષમ હોવા છતાં પણ તાલીમને કારણે મળેલી માનસિકતાથી તે ખૂબ મોટું યોગદાન આપી શકે તેમ છે. આનો અર્થ થયો કે જૂનું વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. આપણે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટીના માધ્યમથી સ્થિત અનુસાર અનુકૂળ વ્યવસ્થાઓ કેવી રીતે વિકસીત કરી શકાય તે દિશામાં વિચારવાનું રહે છે.

અને હમણાં ગૃહમંત્રીએ જણાવ્યું તે મુજબ ગાંધીનગર હાલમાં શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ મોટો વાયબ્રન્ટ વિસ્તાર બની રહયો છે. એક વિસ્તારમાં આટલી બધી યુનિવર્સિટીઓ અને બે યુનિવર્સિટીઓ તો આપણી પાસે એવી છે કે જે વિશ્વમાં પ્રથમ વખત ધરતી ઉપર આકાર પામી છે. સમગ્ર વિશ્વમાં એક માત્ર એવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અહિંયા છે. સમગ્ર દુનિયામાં કોઈપણ સ્થળે ચિલ્ડ્રન યુનિવર્સિટી નથી. ભારત અને તેમાં માત્ર ગાંધીનગર આવી યુનિવર્સિટી ધરાવે છે અને તેની પાસે માત્ર આવી બે યુનિવર્સિટી છે. અને હું ઈચ્છા રાખીશ કે જે રીતે નેશનલ લૉ યુનિવર્સિટી છે તે જેના નેજા હેઠળ  ગૂનો શોધવાથી માંડીને ન્યાય અપાવવા સુધીના કામને આવરી લેવામાં આવ્યું છે, અને આવરી લેવાયું હોવાથી તે કામ આવશે. ત્રણેય યુનિવર્સિટી એક બીજા સાથે સમન્વયથી કામ કરશે. રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી પોતાની દુનિયા ચલાવે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પોતાની દુનિયા ચલાવે અને નેશનલ લૉ યુનિવર્સિટી પોતાની રીતે કામ કરતી રહે તો મારે જે પરિણામ લાવવું છે તે પરિણામ લાવી શકાશે નહીં.

અને એટલા માટે હું જ્યારે અહીં તમારી વચ્ચે આવ્યો છું, યુનિવર્સિટીને ચલાવનાર લોકો અહિંયા બેઠા છે ત્યારે મારો આગ્રહ રહેશે કે શું આપણે ત્રણેય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓનું, ફેકલ્ટીઝનું કોમન સિમ્પોઝિયમ કરી શકીએ? શું ત્રણેય પાસાની ચર્ચા કરી શકીએ અને રક્ષાને વધુ મજબૂત કરવા માટે એક નવું મોડલ લઈને આવીએ. ફોરેન્સિક સાયન્સ ન્યાય માટે કેવી રીતે કામ કરશે તે નેશનલ લૉ યુનિવર્સિટીના બાળકોએ ભણવું પડશે.

જે લોકો ગૂનો શોધવાનું કામ કરે છે તેમણે જોવું પડશે કે કલમમાંથી કઈ કલમનો કેવી રીતે ઉપયોગ કરવો પડશે. હું સાક્ષી કેવા લાવીશ કે જેથી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો મને ટેકનિકલ સપોર્ટ મળી શકે અને નેશનલ લૉ યુનિવર્સિટી પાસેથી મને કાયદા અંગેનો પણ ટેકો મળી શખે અને હું ગૂનામાં ન્યાય અપાવીને રહીશ અને રીતે મારા દેશને સુરક્ષિત બનાવી શકીશ. જો આવું થશે તો ન્યાયતંત્ર સમયસર ન્યાય આપી શકશે અને ગૂનેગારોને સજા કરશે કે જેથી ગૂનેગારોમાં ભયનું વાતાવરણ ઊભું થાય.

હું તો ઈચ્છીશ કે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં એવા લોકો પણ તૈયાર થાય કે જેમનામાં જેલની વ્યવસ્થા બાબતે પણ નિપુણતા હોય. જેલની વ્યવસ્થાઓ કેવી રીતે આધુનિક બને, જેલની અંદર જે કેદી હોય, અંડર ટ્રાયલ હોય તેમની માનસિકતા અંગે ધ્યાન આપતા રહીને લોકોને કઈ રીતે તૈયાર કરી શકાય. લોકો ગૂનો  કરવામાંથી કઈ રીતે બહાર નિકળી શકે, કેવી પરિસ્થિતિમાં ગૂનો કરવામાં આવ્યો હતો. આવી તમામ બાબતોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પણ ક્રિમિનલ માનસિકતા અંગે મોટાપાયે અભ્યાસ થઈ શકે તેમ છે. રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં તો તેના એક પાસાંનો અભ્યાસ થતો હશે.

મારી એવી સમજ છે કે શું આપણે એવા લોકોને તૈયાર કરી શકીએ કે જે નિપુણ હોય, આવા લોકો કેદીઓમાં અને સમગ્ર જેલનું વાતાવરણ બદલવાનું કામ કરી શકે. તેમની માનસિકતા અંગે ધ્યાન આપી શકતા હોય છે અને તેમને સારા માણસ બનાવી જેલની બહાર નિકળવા માટે યોગ્ય માનવસ્રોતની જરૂર પડતી હોય છે. માત્ર જે લોકો દેશના કોઈ ખૂણે ગઈકાલ સુધી પોલીસમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું કામ કરી રહ્યા હતા તેમને અચાનક કહેવામાં આવે કે આવો અને જેલ સંભાળો. તેની તાલીમ તો તેમને છે નહીં, તેમને તો એવી તાલીમ મળેલી છે કે ગૂનેગાર લોકો સાથે કેવી રીતે ઉઠવું- બેસવું તે અંગે જાણતા હોય છે, પરંતુ માત્ર આટલી બાબતથી કામ થતું નથી. હું સમજું છું કે આટલા બધા ક્ષેત્રો પ્રસરી ચૂક્યા છે. તમામ ક્ષેત્રો માટે અને દિશામાં આપણે પ્રયાસ કરતાં રહેવું પડશે.

આજે મને રક્ષા શક્તિ યુનિવર્સિટીના એક ભવ્ય ભવનનું લોકાર્પણ કરવાની તક મળી છે. અમે જ્યારે તેના માટે જગા શોધી રહ્યા હતા ત્યારે ઘણાં મોટા સવાલો સામે આવ્યા હતા. ઘણું મોટું દબાણ હતું. દરેકનું કહેવું હતું કે સાહેબ તમે આટલે દૂર શા માટે મોકલી રહ્યા છો, શું કરી રહ્યા છો, પરંતુ મારો મત એવો હતો કે જો ગાંધીનગરથી 25 થી 50 કી.મી. દૂર જવું પડે તેનાથી યુનિવર્સિટીનું મહત્વ ઓછું થઈ જતું નથી. જો યુનિવર્સિટીમાં દમ હશે તો તે ગાંધીનગર માટે સૌથી મોટો ફોકસ એરિયા બની શકે તેમ છે. અને આજે ભવન જોઈને મને લાગે છે કે તેની શરૂઆત થઈ ચૂકી છે.

પરંતુ, ભવનને લીલુછમ રાખવું, ઊર્જાવાન રાખવું, તેની શાન જાળવી રાખવી તેની જવાબદારી એક કોન્ટ્રાક્ટર બિલ્ડીંગ બનાવીને ચાલ્યો જાય તેની સાથે પૂરી થતી નથી. એક સરકાર બજેટ ખર્ચ કરે, તેનાથી જવાબદારી પૂરી થતી નથી. તેમાં રહેનારા દરેક વ્યક્તિએ તેને પોતાનું માનવું જોઈએ અને દરેક દિવાલને, દરેક બારીને પોતાની માનીને, દરેક ફર્નિચરની એક એક ચીજ પોતાની માનીને તેને સારી બનાવવાની રહેશે. તેના માટે જાતે કશુંક કરવું પડશે અને ત્યારે ભવન શાનદાર બની શકે તેમ છે.

એક સમય હતો કે જ્યારે અમદાવાદમાં આઈઆઈએમ બન્યું હતું. વાત 50 વર્ષ પહેલાંની છે. ત્યારે તે ભવનને ભારતના એક મોડલ તરીકે માનવામાં આવતું હતું. તે પછી જ્યારે નેશનલ લૉ યુનિવર્સિટીનું ભવન બન્યું તો તે ભવન તરફ લોકોને આકર્ષણ પેદા થયું. આજે હું ચોક્કસપણે માનું છું કે આવનારા દિવસોમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સંકુલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અમારા સમયમાં જ્યારે આઈઆઈટીનું સંકુલ બન્યું હતું ત્યારે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું કેમ્પસ બન્યું ત્યારે, હું સમજું છું કે વધુ એક રત્ન આપણી રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટીના સંકુલ તરીકે ઉમેરાયું છે. એક નવું રત્ન બનીને જોડાઈ ગયું છે. અને તે માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મને પૂરો વિશ્વાસ છે કે અહીં આવીને એક નવી ઊર્જા સાથે, એક નવા ઉમંગ સાથે, અને દેશને જે ગુણવત્તાની જરૂર છે એક રીતે કહીએ તો સમાજમાં જે તેજસ્વી બાળક હોય છે તેમને હું નિમંત્રણ આપું છું કે તમે કોઈ કામને નાનું માનશો નહીં. આવો અને દેશની સેવા કરવા માટેનું મોટું ક્ષેત્ર હોઈ શકે છે. અને આપણાં પોલીસના જવાનો પણ, ગૃહ મંત્રાલય પણ બધા ક્યારેય ભૂલ ના કરે. અમે ભૂલ કરી છે કે પોલીસ યુનિવર્સિટી નથી, રક્ષા યુનિવર્સિટી છે, જે સંપૂર્ણ રાષ્ટ્રની રક્ષા કરવાના સંદર્ભમા માનવબળ તૈયાર કરનાર યુનિવર્સિટી છે. તે અનેક ક્ષેત્રોમાં જશે અને ત્યાં એવા લોકો પણ તૈયાર થશે કે જે રક્ષા ક્ષેત્રમાં કામ કરનાર લોકોને કેવું પોષણ મળવું જોઈએ તેની નિપુણતા તૈયાર કરશે. અનેક એવા નિષ્ણાતો છે કે જે ગૂનેગારોની દુનિયાનો રેકોર્ડ તૈયાર કરવા માટે સોફ્ટવેર કેવા પ્રકારના હોવા જોઈએ તેના માટે કામ કરશે. જરૂરી નથી કે તેમને યુનિફોર્મ પહેરવાની જરૂર પડે, પણ તે યુનિફોર્મની માનસિકતા જાણતા હોય તો સાથે મળીને સારાં પરિણામો આપી શકે છે. આવી ભાવના સાથે આજે યુનિવર્સિટીની પ્રગતિની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

અને આપણે જે રીતે વિચાર્યું છે તે મુજબ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો દેશમાં વિસ્તાર થવો જોઈએ. રક્ષા શક્તિ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ કે જે ગઈકાલે બાળક હતા, કેટલાક બાળકો એવા હોય છે કે જે બાળપણથી વિચારતા હોય છે કે મારે સ્પોર્ટસ પર્સન બનવું છે. કેટલાક બાળકો બાળપણથી વિચારતા હોય છે કે મારે ડોક્ટર બનવું છે. કેટલાક લોકો બાળપણથી વિચારતા હોય છે કે મારે એન્જીનિયર બનવું છે. ભલે આજે સમાજનો એક વિભાગ એવો હોય કે જે યુનિફોર્મ તરફ નકારાત્મકતા ધરાવતો હોય, પણ આપણે આપણાં કાર્યોથી, પોતાના કઠોર પરિશ્રમથી અને આપણાં માનવીય મૂલ્યોનું સન્માન જાળવીને કામ કરતાં રહીશું તો મને પૂરો વિશ્વાસ છે કે જે કેટલાક લોકો છે તેમની માન્યતા બદલીને સામાન્ય માનવીમાં વિશ્વાસ જગાવવાનું કામ કરી શકીશું. યુનિફોર્મ ફોર્સ બની શકે છે અને જ્યારે યુનિફોર્મ ફોર્સ તરીકે કામ કરતો હોય ત્યારે સરકારી વાતાવરણમાં કામ કરનારા અને પટ્ટા અને ટોપી લગાવનાર લોકોની વાતનો તેમાં સમાવેશ થતો નથી. આજે ખાનગી સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ મોટાપાયે આગળ ધપી રહી છે. ખાનગી સુરક્ષા ક્ષેત્ર ખૂબ મોટાપાયે વિકસ્યું છે અને મેં જોયું છે કે અનેક સ્ટાર્ટઅપ્સ વિકસી રહ્યા છે કે જે માત્ર રક્ષા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તમારી તાલીમ નવા નવા સ્ટાર્ટઅપને દુનિયામાં લાવવા માટે નિમંત્રણ આપી રહી છે.

મને વિશ્વાસ છે કે તમારા જેવા સાથી, મારા નવયુવાન સાથીઓ દેશની સુરક્ષાને અગ્રતા આપવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે એક વધુ મોટા ક્ષેત્રને સમજવું પડશે. જે રીતે મેં શરૂઆતમાં કહ્યું તે મુજબ વાટાઘાટો કરવી તે પણ એક કલા બની શકે તેમ છે. જ્યારે તાલીમ આપવામાં આવે છે ત્યારે વાટાઘાટો કરનાર તૈયાર થાય છે અને જ્યારે વાટાઘાટો કરનાર તૈયાર થાય છે ત્યારે તે વિશ્વસ્તરે કામ આપી શકે તેમ હોય છે. આપણે ધીમે ધીમે પ્રગતિ કરીને વૈશ્વિક સ્તરે નેગોશિયેટર તૈયાર કરી શકીએ તેમ છીએ.

અને હું માનું છું કે સમાજ જીવનની એક મોટી આવશ્યકતા છે કે પ્રકારની માનસિકતા, ટોળાની વિચાર પધ્ધતિ, ટોળાની માનસિકતા, તમે જો તેનો વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કર્યો ના હોય તો તેને હેન્ડલ કરી શકતા નથી. રક્ષા શક્તિ યુનિવર્સિટીના માધ્યમથી આપણે આવા લોકો તૈયાર કરવા પડશે કે જે પ્રકારના વાતાવરણમાં વિવિધ બાબતોનું ધ્યાન રાખવાનું સામર્થ્ય ધરાવતા હોય. આપણે દેશની સુરક્ષા માટે સમર્પિત માનવબળ દરેક સ્તરે તૈયાર કરવું પડશે. મને આશા છે કે આપણે સૌ સાથે મળીને દિશામાં પ્રયાસ કરતા રહીશું.

આજે જે લોકોનો પોતાનો અભ્યાસ પૂરો કરવાની તક મળી છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે તેમને કહેવા માગીશ કે આવનારા સમયમાં તમારા મનમાં એવો વિચાર આવે કે યુનિફોર્મ પહેરી લીધો તો સમગ્ર દુનિયા પોતાની મૂઠ્ઠીમાં છે તેવું માનવાની ભૂલ મિત્રો ક્યારેય કરશો નહીં. યુનિફોર્મનું સન્માન વધે તે પ્રકારે કામ કરવાથી તેની ઈજ્જતમાં વધારો થતો હોય છે. જ્યારે તેની અંદર માનવતા જીવતી હોય ત્યારે યુનિફોર્મની ઈજ્જત વધતી હોય છે. જ્યારે તેની અંદર કરૂણાનો ભાવ હોય ત્યારે તેની કિંમત વધી જાય છે. જ્યારે માતાઓ, બહેનો, દલિત, પિડીત, શોષિત, વંચિત વગેરે માટે કશુંક કરી છૂટવાની આકાંક્ષા આપણી અંદર હોય ત્યારે આપણી તાકાત વધતી હોય છે. એટલા માટે મારા સાથીઓ તમારા જીવનમાં એવો દિવસ આવવાનો છે, કોઈને કોઈ સ્વરૂપે આવવાનો છે, કારણ કે ક્ષેત્રમાં જનારા લોકોએ માનવતાના મૂલ્યોને જીવનમાં સર્વોપરી માનીને આગળ વધવાનું છે. આપણે મનમાં સંકલ્પ કરવો પડશે કે સમાજ જીવનમાં ફોર્સ પ્રત્યે જે ભાવ ઊભો થયેલો  છે, તે અભાવનો પ્રભાવ જાળવી રાખીને પણ તેમાં માનવતાનો અભાવ ક્યારેય પણ રહેવો જોઈએ નહીં. ભાવ સાથે મારી સંપૂર્ણ નવયુવાન પેઢી આગળ વધશે તો ખૂબ મોટું પરિણામ પ્રાપ્ત થશે.

મારા માટે આનંદની વાત છે કે આજે હું જે લોકોનું અહિંયા સન્માન કરી રહ્યો છું તેમાં વિદ્યાર્થીનીઓ પણ છે. મેં ગણતરી કરી નથી પણ મારી પ્રથમ છાપ એવી છે કે કદાચ દિકરીઓની સંખ્યા વધારે હતી. આનો અર્થ થયો કે રક્ષા ક્ષેત્રમાં આજે આપણી દિકરીઓ સમગ્ર દેશના પોલીસ દળમાં મોટાપાયે આવી રહી છે. દિકરીઓનું સ્થાન મોટાપાયે આગળ ધપી રહ્યું છે. આટલું નહીં, લશ્કરના ખૂબ મોટા પદ ઉપર પણ આપણી દિકરીઓ આગળ ધપી રહી છે. તેવી રીતે મેં એનસીસીમાં પણ જોયું છે કે એનસીસીમાં ખૂબ મોટાપાયે દિકરીઓ આવી રહી છે. આજે ભારત સરકારે એનસીસીનો વ્યાપ અનેકગણો વધાર્યો છે અને સરહદ ઉપર આવેલી જે શાળાઓ છે તેને ધીરે ધીરે વિકસાવવામા આવી રહી છે. તમે સ્કૂલોમાં એનસીસીની કાળજી રાખવામાં ખૂબ મોટું યોગદાન આપી શકો તેમ છો.

તેવી રીતે જે સૈનિક સ્કૂલો છે, તે સૈનિક સ્કૂલોમાં  પણ દિકરીઓને પ્રવેશ આપવાનો એક મોટો નિર્ણય ભારત સરકારે કર્યો છે. આથી આપણી દિકરીઓની જે શક્તિ છે અને આપણે જોયું છે કે જીવનનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં આપણી દિકરીઓનો પ્રભાવ વર્તાતો ના હોય. તેમની ભૂમિકા અસરકારક ના હોય. ઓલિમ્પિકમાં વિજય માટે જવાનું હોય તો તેમાં પણ આપણી દિકરીઓની સંખ્યા વધતી જાય છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં વાત કરીએ તો ત્યાં પણ આપણી દિકરીઓ મોટા પ્રમાણમાં છે. સુરક્ષાના ક્ષેત્રમાં પણ આપણી દિકરીઓનું પ્રભુત્વ એટલું ભાગીદારીવાળું બનશે ત્યારે મને વિશ્વાસ છે કે મારા દેશની માતાઓ અને બહેનોને સુરક્ષાનો અનુભવ થશે. બાબતને મહત્વની ગણીને તેની ભૂમિકા અંગે સૌ આગળ આવો. એક ખૂબ મોટી પહેલ આપણે હાથ ધરી છે. પહેલને સફળ બનાવવા માટેનું કામ પ્રથમ બેચે સારી રીતે કરવાનું હોય છે.

યુનિવર્સિટી કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે, એક માનવ સંશાધન વિકાસની સંસ્થા કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે તે ગુજરાતની ધરતીની બે ઘટનાઓએ તમારી સામે રાખ્યું છે. ઘણાં સમય પહેલાં અને સમયે ગુજરાતમાં સરકારની ભૂમિકા હતી, પણ આપણાં મહાજન લોકો હતા. અમદાવાદના શ્રેષ્ઠી લોકો હતા. તે બધાએ સાથે મળીને નક્કી કર્યું હતું કે ગુજરાતમાં એક ફાર્મસી કોલેજ લાવવી જોઈએ. આજથી 50 વર્ષ પહેલાં ફાર્મસીની એક કોલેજ બની ત્યારે એક નાની સરખી કોલેજનું નિર્માણ થયું અને આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત આગેવાની લઈ રહ્યું છે અને તેથી તેનું મૂલ્ય વધ્યું છે. એક નાની ફાર્મસી કોલેજ બની અને ત્યાં જે છોકરાંઓ તૈયાર થયા તેના કારણે ગુજરાત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું ખૂબ મોટું મથક બની ગયું. અને આજે તે ફાર્મા દુનિયાએ, કોરોના પછીની દુનિયાએ માન્યું છે કે ભારત એક ફાર્મા હબ છે. અને કામ એક નાની સરખી કોલજથી શરૂ થયું હતું.

એવી રીતે અમદાવાદનું આઈઆઈએમ છે- તે યુનિવર્સિટી નથી, તે ડીગ્રી કોર્સ નથી. ત્યાં યુનિવર્સિટીનો કોઈ વિભાગ નથી. એક સર્ટિફિકેટ કોર્સ છે. તેનો જ્યારે પ્રારંભ થયો ત્યારે કદાચ લોકો ભાગ્યે વિચારતા હશે કે - આઠ, બાર મહિનાનો સર્ટિફિકેટ કોર્સ જીંદગીમાં કેવું કામ કરશે, પણ આઈઆઈએમની એવી પ્રતિષ્ઠા ઊભી થઈ કે આજે દુનિયામાં જે મોટા સીઈઓ છે તે કોઈને કોઈ તબક્કે આઈઆઈએમમાંથી પસાર થયા છે.

મિત્રો, એક યુનિવર્સિટી શું કરી શકે છે તેનું સપનું આજે હું રક્ષા યુનિવર્સિટીમાં જોઈ રહયો છું, જે સમગ્ર ભારતના રક્ષા ક્ષેત્રનું ચિત્ર બદલી નાંખશે, રક્ષા અંગેની વિચારધારાને બદલી નાંખશે અને રક્ષા ક્ષેત્રમાં આવનારી આપણી યુવા પેઢી માટે નવા પરિણામો લાવીને રહેશે. આવા પૂરા વિશ્વાસ સાથે પ્રથમ પેઢીની જવાબદારી વધી જતી હોય છે. પ્રથમ પદવીદાન સમારંભમાં આવનારા લોકોની જવાબદારી ઘણી વધી જતી હોય છે. એટલા માટે આપણે પ્રથમ પદવીદાન સમારંભમાં જે લોકોને અહિંથી વિદાય આપી રહ્યા છીએ, જેમની આજે વિદાય થઈ રહી છે. હું કહીશ કે લોકોએ અહીંથી જે કાંઈ પણ મેળવ્યું છે તેને સમગ્ર જીવન દરમિયાન પોતાનો મંત્ર બનાવીને તમે રક્ષા યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધારે. ક્ષેત્રમાં આગળ આવનારા પ્રમાણિક નવયુવાનોને પ્રેરણા આપતા રહેજો. દિકરા- દિકરીઓને પણ પ્રેરણા પૂરી પાડજો. તે તમારા જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ જીવનમાં ઘણી મોટી ભૂમિકા અદા કરી શકશે.

તમે જો કામ કરવાનો હો તો મને વિશ્વાસ છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં એક એવી યાત્રાનો પ્રારંભ થયો છે કે ભારત જ્યારે દેશની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે રક્ષા ક્ષેત્રની એક અલગ ઓળખ હશે. રક્ષા ક્ષેત્રના અંદર જોવાનો લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે. દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક કે જે ભલે સરહદ ઉપર સુરક્ષાનું કામ કરતો હોય, પોતાના મહોલ્લા કે ગલીનું રક્ષણ કરતો હોય, એક રીતે જોઈએ તો સમાજ અને વ્યવસ્થા સાથે મળીને કામ કરતા હોય છે. દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યારે તે તાકાતની સાથે આપણે ઊભા હોઈશું. તેવા વિશ્વાસ સાથે હું તમામ નવયુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમના પરિવારના લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1805492) Visitor Counter : 561