ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ ભારતીય સંસ્કૃતિ અને વારસા પર ભાર મુકીને મૂલ્ય આધારિત શિક્ષણનું આહ્વાન કર્યું


શિક્ષણને એક મિશન તરીકે માનવું જોઈએ જે સામાજિક રીતે સભાન અને જવાબદાર નાગરિકોનું નિર્માણ કરે: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ શ્રીએ પાટીબંધલા સીતારમૈયા હાઈસ્કૂલ, ગુંટુરની હીર જયંતી ઉજવણીમાં ભાગ લીધો

ગુંટુરમાં અન્નમય પુસ્તકાલયની મુલાકાત લીધી, બાળકોમાં નાનપણથી જ વાંચનની આદત કેળવવાનું આહવાન કર્યું

Posted On: 01 MAR 2022 12:55PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે ભારતીય સંસ્કૃતિ અને વારસા પર ભાર મુકીને બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'શિક્ષણનો અર્થ સશક્તિકરણ, જ્ઞાન અને રોજગાર માટે છે, માત્ર ડિગ્રી અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે નહીં.'

શિક્ષણના વ્યાપારીકરણની નિંદા કરતા તેમણે કહ્યું કે જૂના જમાનામાં શિક્ષણ અને દવાને મિશન તરીકે ગણવામાં આવતા હતા. શિક્ષણે સામાજિક રીતે સભાન અને જવાબદાર નાગરિકો પેદા કરવા જોઈએ જે સમાજ અને દેશના મોટા ભલા માટે નિઃસ્વાર્થપણે પ્રયત્ન કરે. "જો તમે તમારી જાતને પ્રેમ કરશો તો કોઈ યાદ કરશે નહીં, પરંતુ જો તમે બીજા માટે જીવશો તો તમે અમર બની જશો અને બીજાની યાદમાં લાંબું જીવશો", તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી નાયડુ ગુંટુરની શ્રી પાટીબંદલા સીતારમૈયા હાઈસ્કૂલના હીરક જયંતી ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ સર્વગ્રાહી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. શારીરિક તંદુરસ્તી અને બાગકામ જેવી પ્રવૃત્તિઓ પર સમાન ધ્યાન આપવું જોઈએ. તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાને પ્રાથમિકતા આપવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. અન્ય ભાષાઓ શીખતી વખતે માતૃભાષામાં નિપુણ હોવું મહત્વપૂર્ણ છે.

સમાજમાં ઘટી રહેલા મૂલ્યો અંગે તેમની ચિંતા વ્યક્ત કરતાં શ્રી નાયડુએ લોકોને 4C - ચારિત્ર્ય, ક્ષમતા, આચરણ (સારા) અને ક્ષમતાવાળા જનપ્રતિનિધિઓને ચૂંટવા અને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે જનપ્રતિનિધિઓ માટે શિસ્ત અને લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધતા રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ ઉમેર્યું કે તેઓ ભારતને એક મજબૂત અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે જોવાની ઈચ્છા ધરાવે છે, જ્યાં કોઈ ભૂખ નથી, કોઈ નિરક્ષરતા નથી અને કોઈ ભેદભાવ નથી.

અંતમાં, ઉપરાષ્ટ્રપતિએ ગુંટુરમાં અન્નમય પુસ્તકાલયની મુલાકાત લીધી, જેમાં વ્યાપક વિષયો પરના કેટલાક દુર્લભ પુસ્તકો સહિત 2 લાખ પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ છે. શ્રી નાયડુએ કહ્યું કે દરેક ગામમાં એક પુસ્તકાલય હોવું જોઈએ અને બાળકોમાં નાનપણથી જ વાંચનની આદત કેળવવા આહવાન કર્યું.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1802051) Visitor Counter : 257