પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથેના પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

Posted On: 24 JAN 2022 3:05PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના અમારા સાથી સ્મૃતિ ઇરાનીજી, ડૉ. મહેન્દ્રભાઈ, તમામ અધિકારીગણ, તમામ અભિભાવક અને શિક્ષકગણ, અને ભારતના ભવિષ્ય એવા મારા તમામ યુવાન સાથીઓ.

તમારા સૌ સાથે વાતચીત કરવાથી ઘણું સારું લાગ્યું. તમારી પાસેથી તમારા અનુભવો વિશે જાણવા પણ મળ્યું. કલા સંસ્કૃતિથી લઇને વીરતા, શિક્ષણથી લઈને ઇનોવેશન, સમાજસેવા અને રમતગમતો જેવા અનેકવિધ ક્ષેત્રમાં તમારી અસાધારણ સિદ્ધિઓ માટે તમને એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડ ઘણી મોટી સ્પર્ધા બાદ તમને પ્રાપ્ત થયો છે. દેશના દરેક ખૂણાના બાળકો આગળ આવ્યા છે. તેમાંથી તમારો નંબર આવ્યો છે. મતલબ કે એવોર્ડ હાંસલ કરનારાઓની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ આ પ્રકારના હોનહાર બાળકોની સંખ્યા આપણા દેશમાં અપરંપાર છે.

તમને તમામને ફરી એક વાર આ પુરસ્કારો માટે ખૂબ ખૂબ અભિનંદન. આજે રાષ્ટ્રીય બાળા બાળ દિવસ પણ છે. હું દેશની તમામ દીકરીઓને પણ અભિનંદન પાઠવું છું. શુભકામના પાઠવું છું.

સાથીઓ,
આપની સાથે સાથે હું આપના માતા પિતા તથા શિક્ષકોને પણ ખાસ અભિનંદન પાઠવવા માગું છું. આજે તમે જે મુકામ પર પહોંચ્યા છો તેની પાછળ તેમનું પણ ઘણું મોટું યોગદાન છે. તેથી જ તમારી તમામ સફળા તમારા પોતાના લોકોની પણ સફળતા છે. તેમાં તમારા પોતાના લોકોના પ્રયાસો તથા ભાવના સામેલ છે.

મારા નવયુવાન સાથીઓ,

તમને આજે આ એવોર્ડ મળ્યો છે તે એક અન્ય કારણોસર પણ વિશેષ છે. આ કારણ છે આ પુરસ્કારોનો અવસર દેશ અત્યારે તેની આઝાદીના 75મા વર્ષના પર્વની ઉજવણી કરી રહ્યો છે. તમને આ એવોર્ડ આ મહત્વપૂર્ણ કાળખંડમાં મળ્યો છે. તમે જીવનભર કહી શકશો કે જ્યારે મારો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો હતો ત્યારે મને આ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડની સાથે તમને એક મોટી જવાબદારી પણ મળી છે. હવે મિત્રોની, સમાજની, પરિવારની તમામની તમારી પાસેથી અપેક્ષા વધી ગઈ છે. આ અપેક્ષાઓનું તમારે દબાણ લેવાનું નથી પરંતુ તેમાંથી તમારે પ્રેરણા લેવાની છે.

યુવાન સાથીઓ,

આપણા દેશના નાના નાના બાળકોએ, દીકરા દીકરીઓએ દરેક યુગમાં ઇતિહાસ લખ્યો છે. આપણી આઝાદીની લડતમાં વીરબાળા કનકલતા બરુઆ, ખુદીરામ બોઝ, રાણી ગાઇડિનિલ્યૂ જેવા વીરોનો ઇતિહાસ છે જે આપણને ગર્વથી ભરી દે છે. આ સેનાનીઓએ નાની ઉંમરમાં દેશની આઝાદીના પોતાના જીવનનું મિશન બનાવી દીધું હતું. તેના માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી.

તમે ટીવી પર જોયું હશે કે હું ગયા વર્ષે દિવાળી પર જમ્મુ-કાશ્મીરના નૌશેરા ક્ષેત્રમાં ગયો હતો. જ્યાં મારી મુલાકાત શ્રીમાન બલદેવસિંઘ અને શ્રીમાન બસંતસિંઘ નામના એવા વીરો સાથે થઈ જેમણે આઝાદી બાદ તરત જ કાશ્મીરની ધરતી પર જે યુદ્ધ થયું હતું અત્યારે તો તેમની ઉંમર ઘણી વધારે છે પણ એ વખતે તો તેમની ઉંમર ઘણી નાની હતી અને તેમણે એ યુદ્ધમાં બાળ સૈનિકની ભૂમિકા અદા કરી હતી. અને આપણા લશ્કરમાં પહેલી વાર બાળ સૈનિક તરીકે તેમની ઓળખ પણ કરવામાં આવી હતી.

તેમણે પોતાના જીવનની પરવાહ કર્યા વિના એટલી નાની વયે પોતાના લશ્કરની મદદ કરી હતી.
આ જ રીતે આપણા ભારતનું એક ઉદાહરણ છે - ગુરુ ગોવિંદસિંહના પુત્રોના શૌર્ય અને બલિદાન. સાહિબઝાદાઓએ જ્યારે અસીમ વીરતાની સાથે, ધૈર્યની સાથે, સાહસની સાથે પૂર્ણ સમર્પણ ભાવથી બલિદાન આપ્યું હતું. ત્યારે તેમની ઉંમર ઘણી ઓછી હતી. ભારતની સભ્યતા, સંસ્કૃતિ, આસ્થા અને ધર્મ માટે તેમનું બલિદાન અતુલનિય છે. સાહિબઝાદાઓના બલિદાનની સ્મતિમાં દેશે 26મી ડિસેમ્બરે
વીર બાળ દિવસની શરૂઆત પણ કરી છે. હું ઇચ્છીશ કે તમે બધા અને દેશના તમામ યુવાનો વીર સાહિબઝાદાઓ અંગે જરૂર વાંચન કરે.

તમે એ પણ ચોક્કસ જોયું હશે કે કાલે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ડિજિટલ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. નેતાજી પાસેથી આપણને સૌથી મોટી પ્રેરણા મળે છે. કર્તવ્યની, રાષ્ટ્ર પ્રથમની. નેતાજીમાંથી પ્રેરણા લઈને આપણે સૌએ, અને ખાસ કરીને યુવાન પેઢીએ દેશ માટે પોતાના કર્તવ્યપથ પર આગળ ધપવાનું છે.

સાથીઓ,
આપણી આઝાદીના 75 વર્ષ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે આજે આપણી સામે આપણા અતીત પર ગર્વ કરવાનો, તેમાંથી ઉર્જા લેવાનો સમય છે.

આ સમય વર્તમાન સંકલ્પોને પૂરા કરવાનો છે. આ સમય ભવિષ્ય માટે નવા સ્વપ્નો નિહાળવાનો છે. આ સમય નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરીને તેના માટે આગળ ધપવાનો છે. આ લક્ષ્યાંક આગામી 25 વર્ષ માટે છે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે.

હવે તમે કલ્પના કરો કે તમારામાંથી મોટા ભાગના લોકો 10 થી 20 વર્ષની વયના છે. જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે તમે લોકો જીવનના એ પડાવ પર હશો, ત્યારે આ દેશ કેટલો ભવ્ય, દિવ્ય, પ્રગતિશીલ, ઉંચાઇઓ પર પહોંચેલો, તમારું જીવન કેટલું સુખ શાંતિથી ભરેલું હશે.
એટલે કે આ લક્ષ્યાંકો આપણા યુવાનો માટે છે, તમારી પેઢી અને તમારા માટે છે. આગામી 25 વર્ષમાં દેશ જે ઉંચાઈઓ પર હશે, દેશનું જે સામર્થ્ય વધશે તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી યુવાન પેઢીની હશે.


સાથીઓ,
આપણા પૂર્વજોએ જે વાવણી કરી, તેમણે જે તપ કર્યું, ત્યાગ કર્યો, તેના ફળ આપણને સૌને મળ્યા છે. પરંતુ તમે એવા લોકો છો, તમે એક એવા કાળખંડમાં પહોંચ્યા છો, દેશ આજે એ જગ્યાએ પહોંચેલો છે કે તમે જે વાવશો તેના ફળ તમને ખાવા મળશે, એટલી ઝડપથી પરિવર્તન થનારું છે. તેથી જ તમે જોતા હશો આજે દેશમાં જે નવી નીતિઓ બની રહી છે, જે પ્રયાસ થઈ રહ્યા છે તે તમામના કેન્દ્રમાં આપણી યુવાન પેઢી છે, તમે લોકો છો.

તમે કોઈ પણ ક્ષેત્રને સામે રાખો, આજે દેશ સામે સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા મિશન છે, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, ડિજિટલ ઇન્ડિયા જેવું મોટું અભિયાન આપણી સામે છે, મેક ઇન ઇન્ડિયાને ગતિ આપવામાં આવી રહી છે. આતમનિર્ભર ભારતના જનઆંદોલનને દેશે શરૂ કર્યું છે. દેશના દરેક ખૂણામાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તાર લઈ રહ્યું છે. હાઇવે માર્ગો બની રહ્યા છે, હાઇ સ્પિડ એક્સપ્રેસ વે બની રહ્યા છે. આ પ્રગતિ, આ ગતિ કોની ઝડપને મેચ કરે છે? તમે લોકો જ છો જે ખુદ આ પરિવર્તન સાથે પોતાને સાંકળી રહ્યા છો, આ તમામ માટે આટલા રોમાંચિત રહો છો. તમારી પેઢી ભારતની નહીં પરંતુ ભારતની બહાર પણ આ નવા યુગની આગેવાની લઈ રહી છે.

આજે અમને ગર્વ થાય છે જ્યારે જોઇએ છીએ કે દુનિયાની તમામ મોટી કંપનીના સીઇઓ, દરેક લોકો તેની ચર્ચા કરે છે કે આ સીઇઓ કોણ છે, આપણા દેશનું સંતાન છે. આ જ દેશની યુવાન પેઢી છે જે આજે વિશ્વમાં છવાયેલી છે.

આજે અમને ગર્વ થાય છે જ્યારે જોઇએ છીએ કે ભારતના યુવા સ્ટાર્ટ અપ પણ દુનિયાભારમાં પોતાનો ઝંડો લહેરાવી રહ્યા છે. આજે અમને ગર્વ થાય છે જ્યારે જોઇએ છીએ કે ભારતના યુવાનો નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. દેશને આગળ ધપાવી રહ્યા છે. અત્યારથી થોડા સમય બાદ ભારત પોતાના બળ ઉપર પહેલી વાર અંતરિક્ષમાં ભારતીયોને મોકલનારું છે.

આ ગગનયાન મિશનનો સંપૂર્ણ આધાર આપણા યુવાનો પર છે. જે યુવાનો આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે તેઓ અત્યારે આકરી મહેનત કરી રહ્યા છે.

સાથીઓ,
આજે તમને મળેલા આ એવોર્ડ પણ આપણી યુવાન પેઢીના સાહસ અને વીરતાની ઉજવણી કરે છે. આ સાહસ અને વીરતા જ આજે નવા ભારતની ઓળખ છે. કોરોના સામે દેશની લડત આપણે જોઇ છે. આપણા વૈજ્ઞાનિકોએ, આપણા વેક્સિન ઉત્પાદકોએ દુનિયાની આગેવાની લેતા દેશોને વેક્સિન આપી છે. આપણા આરોગ્ય કર્મચારીઓએ કપરામાં કપરાં સમયમાં પણ જરાય ડર્યા વિના, અટક્યા વિના દેશવાસીઓની સેવા કરી. આપણી નર્સો ગામડે ગામડે જઈને મુશ્કેલમાં મુશ્કેલ જગ્યાઓએ જઇને લોકોને વેક્સિન આપી રહી છે. આ એક દેશના રૂપમાં  સાહસ અને હિંમતનું મોટું ઉદાહરણ છે.

આવી જ રીતે સરહદ પર અડગ રહેતા આપણા સૈનિકોની વીરતા જૂઓ. દેશના રક્ષણ માટે તેમની વીરતા આપણી ઓળખ બનેલી છે. આપણા ખેલાડીઓ પણ આજે જે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે જે ભારત માટે એક સમય અશક્ય માનવામાં આવતું હતું. એવી જ રીતે જે ક્ષેત્રમાં દીકરીઓને અગાઉ મંજૂરી જ મળતી ન હતી ત્યાં આજે આપણી દીકરીઓ કમાલ કરી રહી છે. આ જ  તો એ નવું ભારત છે જે નવું કરવામાં જરાય પાછળ રહેતું નથી. હિંમત અને જુસ્સો આજે ભારતની ઓળખ છે.

સાથીઓ,
આજે ભારત, તેની વર્તમાન અને આવનારી પેઢીઓના ભવિષ્યને મજબૂત કરવા માટે સતત પગલાં ભરી રહ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં અભ્યાસ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનાથી તમને અભ્યાસ કરવામાં અને શીખવામાં સરળતા રહેશે. તમે તમારી પસંદગીના વિષયો વાંચી શકશો, તેના માટે શિક્ષણની નીતિમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. દેશભરની હજારો શાળાઓમાં બની રહેલી અટલ ટિકરિંગ લેબ, અભ્યાસના પ્રારંભિક દિવસોથી જ બાળકોમાં ઇનોવેશનનું સામર્થ્ય વધારી રહી છે.

સાથીઓ,
ભારતના બાળકોએ, યુવાન પેઢીએ હંમેશાં પુરવાર કર્યું છે કે તેઓ 21મી સદીમાં ભારતને નવી ઉંચાઇઓ પર લઈ જવા માટે કેટલા સામર્થ્યથી ભરેલા છે. મને યાદ છે કે ચંદ્રયાનના સમયે મેં દેશભરના બાળકોને બોલાવ્યા હતા. તેમનો ઉત્સાહ, તેમના જુસ્સાને હું ભૂલી શકું તેમ નથી. ભારતના બાળકોએ તાજેતરમાં જ વેક્સિનેશન પ્રોગ્રામમાં પણ પોતાની આધુનિક અને વૈજ્ઞાનિક વિચારધારાનો પરિચય આપ્યો છે. ત્રીજી જાન્યુઆરી પછી માત્ર 20 જ દિવસમાં ચાર કરોડથી વધુ બાળકોએ કોરોના વેક્સિન લીધી છે. આ જ પુરવાર કરે છે કે આપણા દેશના બાળકો કેટલા જાગૃત છે. તેમને પોતાની જવાબદારીનો કેટલો અહેસાસ છે.

સાથીઓ,
સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો મોટો શ્રેય પણ હું ભારતના બાળકોને આપું છું. તમે લોકોએ ઘર ઘરમાં બાળ સૈનિક બનીને, સ્વચ્છાગ્રહી બનીને, તમારા પરિવારને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા. ઘરના લોકો, સ્વચ્છતા રાખે, ઘરની અંદર અને બહાર ગંદકી ના હોય તેનું બીડું બાળકોએ ખુદે જ ઝડપી લીધું હતું.

આજે હું દેશના બાળકો પાસેથી વધુ એક બાબત માટે સહયોગ માગી રહ્યો છું. અને બાળકો મારો સાથ આપશે તો દરેક પરિવારમાં પરિવર્તન આવશે. અને મને વિશ્વાસ છે કે આ મારા નાના સાથીઓ, આ જ મારી બાળ સેના મને આ કામમાં મદદ કરશે.

જેવી રીતે તમે સ્વચ્છતા અભિયાન માટે આગળ આવ્યા તેવી જ રીતે તમે વોકલ ફોર લોકલ અભિયાન માટે પણ આગળ આવો. તમે ઘરમાં બેસીને, તમામ ભાઈ બહેન સાથે બેસીને એક યાદી બનાવો, ગણતરી કરો, કાગળ લઈને કરી જૂઓ, સવારથી મોડી રાત સુધી તમે જે ચીજોનો ઉપયોગ કરો છો, ઘરમાં જે સામાન છે તેમાંથી એવી કેટલી ચીજો છે જે ભારતમાં બની નથી અને વિદેશી છે. ત્યાર બાદ ઘરના લોકોને આગ્રહ કરો કે ભવિષ્યમાં જે ચીજ ખરીદવામાં આવે તે ભારતમાં બની હોય. તેમાં ભારતની માટીની સુગંધ હોય, જેમાં ભારતના યુવાનોના પરસેવાની મહેક હોય. જ્યારે તમે ભારતમાં બનેલી ચીજો ખરીદશો તો શું થશે. અચાનક જજ આપણું ઉત્પાદન વધવા લાગશે. દરેક ચીજમાં ઉત્પાદન વધશે. અને જ્યારે ઉત્પાદન વધશે તો રોજગારીની નવી તકો  પણ વધશે. જ્યારે રોજગારી વધશે તો તમારું જીવન આત્મનિર્ભર બનશે. આથી જ આત્મનિર્ભર ભારતનું અભિયાન આપણી યુવાન પેઢી, તમારા સૌની સાથે સંકળાયેલું છે.

સાથીઓ,
આજથી બે દિવસ બાદ આપણો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવશે. આપણે ગણતંત્ર દિવસ પર આપણા દેશ માટે કેટલાક નવા સંકલ્પ લેવાના છે. આપણા આ સંકલ્પ સમાજ માટે, દેશ માટે અને સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે હોઈ શકે છે. જેમ કે પર્યાવરણનું ઉદાહરણ તમારી સામે જ છે. ભારત પર્યાવરણની દિશામાં આજે એટલું બધું કરી રહ્યો છે અને તેનો લાભ સમગ્ર વિશ્વને મળશે.

હું ઇચ્છીશ કે તમે એવા સંકલ્પો અંગે વિચારો જે ભારતની ઓળખ સાથે સંકળાયેલા હોય, જે ભારતને આધુનિક અને વિકસિત બનાવવામાં મદદ કરે. મને સંપૂર્ણ ભરોસો છે કે તમે આપણા દેશના સંકલ્પો સાથે સંકળાશો અને તમે આવનારા સમયમાં દેશ માટે અગણિત સિદ્ધિઓ કિર્તિમાનો સ્થાપિત કરશો.
આ જ ભરોસા સાથે તમને તમામને ફરી એક વાર ખૂબ ખૂબ અભિનંદન,

મારા તમામ બાળ મિત્રોને ખૂબ જ પ્રેમ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/JD



(Release ID: 1792287) Visitor Counter : 373