પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી


“ભારતની સભ્યતા, સંસ્કૃતિ, આસ્થા અને ધર્મ માટે ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબઝાદાઓનું બલિદાન અદ્વિતિય છે”

“સ્ટાર્ટ અપ્સના વિશ્વમાં ભારતના યુવાઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે એ જોઇને આજે આપણને ગર્વ થાય છે. ભારતના યુવાઓ નવીનીકરણ કરી રહ્યા છે અને દેશને આગળ લઇ જઈ રહ્યા છે એ જોઇને આપણને ગર્વ થાય છે”

“આ નૂતન ભારત છે જે નવું કરવામાં પાછીપાની કરતું નથી. હિંમત અને સંકલ્પ આજે ભારતની ઓળખ છે”

“રસીકરણના કાર્યક્રમમાં ભારતનાં બાળકોએ એમનો આધુનિક અને વૈજ્ઞાનિક સ્વભાવ દર્શાવ્યો છે અને 3 જાન્યુઆરીથી, માત્ર 20 દિવસોમાં 40 મિલિયનથી વધુ બાળકોએ કોરોના રસી લીધી છે”

Posted On: 24 JAN 2022 1:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (પીએમઆરબીપી‌ વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. વર્ષ 2022 અને 2021 માટે પીએમઆરબીપીનાં પુરસ્કાર વિજેતાઓને બ્લૉકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. પુરસ્કાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવા માટે આ ટેકનોલોજીનો પહેલી વાર ઉપયોગ કરાયો હતો. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની અને રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. મુંજપરા મહેન્દ્રભાઇ આ અવસરે ઉપથિત રહ્યાં હતાં. 

મધ્ય પ્રદેશના ઇન્દોરના માસ્ટર અવિ શર્મા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ રામાયણનાં વિવિધ પાસાંઓ બાબતે તેમના બહુફળદાયી નિષ્કર્ષ પાછળનાં રહસ્ય વિશે પૃચ્છા કરી હતી. માસ્ટર અવિ શર્માએ કહ્યું કે તેમને લૉકડાઉન દરમ્યાન રામાયણ ધારાવાહિક પ્રસારિત કરવાના નિર્ણયથી પ્રેરણા મળી. અવિએ પોતાની રચનામાંથી અમુક દોહાઓ પણ ગાયા હતા. પ્રધાનમંત્રીએ એક ઘટનાનું વર્ણન કર્યું હતું જ્યારે તેઓ ગયા અને સુશ્રી ઉમા ભારતીજીને સાંભળ્યા હતા, એક બાળક તરીકે, ઉમાજીએ એક કાર્યક્રમમાં અપાર આધ્યાત્મિક ગહનતા અને જ્ઞાનનાં દર્શન કરાવ્યાં હતાં. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની ધરતીમાં જ એવું કઈક છે જે આવી બાળ પ્રતિભાઓને ઉદય આપે છે. પ્રધાનમંત્રીએ અવિને કહ્યું હતું કે તે એક પ્રેરણા છે અને એ કહેવતનું ઉદાહરણ છે કે મોટી બાબતો કરતી વખતે તમે કદી નાનાં નથી હોતા.

કર્ણાટકનાં કુમારી રેમોના એવેટ્ટે પેરેરિયા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ ભારતીય નૃત્ય પ્રત્યે એમનાં લગાવ વિશે ચર્ચા કરી હતી. આ લગાવને આગળ ધપાવવામાં તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ વિશે તેમણે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ એમની માતાને અભિનંદન આપ્યા હતા કે દીકરીનાં સપનાંઓ પૂરાં કરવા માટે તેમણે પોતાની મુશ્કેલીઓ-પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રેમોનાની સિદ્ધિઓ એમની ઉમર કરતા ઘણી મોટી છે અને તેમને કહ્યું હતું કે તેમની કલા મહાન દેશની શક્તિને અભિવ્યક્ત કરવાનો માર્ગ છે.

ત્રિપુરાનાં કુમારી પુહાબી ચક્રવર્તી સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ એમનાં કોવિડ સંબંધી ઈનોવેશન વિશે પૃચ્છા કરી હતી. તેમણે પ્રધાનમંત્રીને રમતવીરો માટેની પોતાની ફિટનેસ એપ વિશે માહિતી પણ આપી હતી. પ્રધાનમંત્રીએ શાળામાંથી, મિત્રો તરફથી અને માતા-પિતા તરફથી એમને તેમના આ પ્રયાસમાં કેવી મદદ મળી એવું પૂછ્યું હતું. નવી નવી એપ્સ વિકસાવવામાં અને રમતોમાં પણ પોતાનો સમય ફાળવવામાં તેઓ સંતુલન કેવી રીતે જાળવે છે એ વિશે તેમણે પૂછ્યું હતું.

બિહારના પશ્ચિમ ચંપારણના માસ્ટર ધીરજ કુમારની સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ એ બનાવ વિશે પૂછ્યું હતું જ્યારે તેમણે તેમના નાના ભાઇને મગરના હુમલામાંથી બચાવ્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને તેમના નાના ભાઇને બચાવતી વખતે મન:સ્થિતિ શું હતી અને હવે તેમને જ્યારે પ્રસિદ્ધિ મળી છે ત્યારે કેવી લાગણી થાય છે એ વિશે પૂછ્યું હતું. ધીરજે પ્રધાનમંત્રીને જણાવ્યું કે તે સૈન્યના જવાન તરીકે દેશની સેવા કરવા માગે છે.

પંજાબના માસ્ટર મીધાંશ કુમાર ગુપ્તા સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ કોવિડ સમસ્યાઓ માટે એક એપ સર્જવાની એમની સિદ્ધિ વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે મીધાંશ જેવાં બાળકોમાં તેઓને લાગે છે કે ઉદ્યમ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો ફળદાયી રહ્યાં છે અને નોકરી માગવાને બદલે નોકરી પ્રદાતાઓ બનવાની વૃત્તિ વધુ ને વધુ પ્રચલિત બની રહી છે.

ચંદીગઢનાં કુમારી તરુષિ ગૌર સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ સ્પોર્ટ્સ અને અભ્યાસ વચ્ચેના સંતુલન પર એમનાં અભિપ્રાય વિશે પૃચ્છા કરી હતી. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે તરુષી શા માટે બૉક્સર મેરી કૉમને આદર્શ માને છે. તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી કે તેમને મેરી કૉમ ખેલવીર તરીકે અને એક માતા તરીકે ઝળકે છે એ સંતુલન અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે ગમે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર રમતવીરોને તમામ સુવિધાઓ પૂરી પાડવા અને દરેક સ્તરે જીતવાની માનસિકતા સર્જવા માટે કટિબદ્ધ છે.

મેળાવડાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ મહત્વના ગાળામાં આ પુરસ્કારો એનાયત થઈ રહ્યા છે એ હકીકતને કારણે આ પુરસ્કારો વધારે મહત્વના બની રહે છે. તેમણે કહ્યું હતું કે આ સમય ભૂતકાળમાંથી ઊર્જા લઈને અમૃત કાળનાં આગામી 25 વર્ષોમાં મહાન પરિણામો સિદ્ધ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરવાનો સમય છે. તેમણે રાષ્ટ્રીય કન્યા દિવસે દેશની દીકરીઓને પણ શુભાકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ સ્વાધીનતા સંગ્રામના ભવ્ય ઈતિહાસને યાદ કર્યો હતો અને વીરબાળા કનકલતા બરૂઆ, ખુદીરામ બોઝ અને રાની ગાઇડિનિલ્યુનાં યોગદાનને યાદ કર્યું હતું. “આ સેનાનીઓએ બહુ નાની વયે દેશની સ્વતંત્રતાને એમનાં જીવનનું મિશન બનાવી દીધું હતું અને પોતાની જાતને એ માટે સમર્પિત કરી દીધી હતી”, એમ પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું.

પ્રધાનમંત્રી ગયા વર્ષે દિવાળી જમ્મુ અને કાશ્મીરના નૌશેરા ક્ષેત્રની તેમની મુલાકાતને યાદ કરી હતી જ્યાં તેઓ બલદેવ સિંહ અને બસંત સિંહને મળ્યા હતા જેમણે સ્વતંત્રતા પછીના યુદ્ધમાં બાળ સૈનિકોની ભૂમિકા અદા કરી હતી. તેમણે આટલી નાની વયે પોતાનાં જીવનની પરવા કર્યા વિના એમનાં સૈન્યને મદદ કરી હતી. પ્રધાનમંત્રીએ આ નાયકોની વીરતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રોની વીરતા અને બલિદાનનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે ધ્યાન દોર્યું હતું કે સાહિબઝાદાઓએ જ્યારે અપાર વીરતા સાથે બલિદાન આપ્યું ત્યારે તેમની વય બહુ નાની હતી. તેમનું બલિદાન ભારતની સભ્યતા, સંસ્કૃતિ, આસ્થા અને ધર્મ માટે અદ્વિતિય હતું. પ્રધાનમંત્રીએ યંગસ્ટર્સને સાહિબઝાદાઓ અને એમનાં બલિદાન વિશે વધુ જાણવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની ડિજિટલ પ્રતિમા પણ સ્થાપિત થઈ છે. “નેતાજીમાંથી આપણને સૌથી મોટી પ્રેરણા મળે છે-દેશ કર્તવ્ય પહેલાં. નેતાજીમાંથી પ્રેરણા લઈને તમારે દેશ માટે કર્તવ્યના પથ પર આગળ વધવાનું છે”, એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઇ પણ ક્ષેત્રમાં નીતિઓ અને પહેલ યુવાઓને કેન્દ્રમાં રાખી રહી છે. તેમણે સ્ટાર્ટ અપ્સ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની સાથે આત્મનિર્ભર ભારતનાં જન આંદોલન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં સર્જન જેવી પહેલનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. આ, તેમણે કહ્યું કે ભારતના યુવાઓની ઝડપ સાથે તાલ મેળવે છે જેઓ ભારતમાં અને બહાર પણ આ નવા યુગનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ઇનોવેશન અને સ્ટાર્ટ અપ્સ ક્ષેત્રમાં દેશનાં વધતા જતા કૌશલ્ય પર ભાર મૂક્યો હતો. મોટી વૈશ્વિક કંપનીઓનું નેતૃત્વ ભારતીય યુવા સીઈઓ લઈ રહ્યા છે એ હકીકત દેશનું ગર્વ છે એમ તેમણે કહ્યું હતું. “આજે આપણે ભારતના યુવાઓ સ્ટાર્ટ અપ્સના વિશ્વમાં ઉત્કૃષ્ટતા બતાવી રહ્યા છીએ એ જોઇએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે. ભારતના યુવાઓ નવીનીકરણ કરી રહ્યા છે, દેશને આગળ લઈ જઈ રહ્યા છે એ જોઇને આપણને આજે ગર્વ થાય છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એ ક્ષેત્રો જ્યાં અગાઉ દીકરીઓને પ્રવેશ સુદ્ધાં ન હતો, દીકરીઓ આજે એમાં અજાયબીઓ સર્જી રહી છે. આ નૂતન ભારત છે જે કંઈક નવું કરવામાં પાછીપાની કરતું નથી, હિમ્મત અને સંકલ્પ ભારતની આજે ઓળખ બની ગયાં છે.

પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી કે ભારતનાં બાળકોએ રસીકરણમાં પણ એમના આધુનિક અને વૈજ્ઞાનિક સ્વભાવનાં દર્શન કરાવ્યાં છે. 3 જાન્યુઆરીથી, માત્ર 20 દિવસોમાં 40 મિલિયનથી વધુ બાળકોએ કોરોના રસી લઈ લીધી છે. સ્વચ્છ ભારત અભિયાનમાં પણ તેમણે એમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને વોકલ ફોર લોકલ માટે રાજદૂત બનવા અને આત્મનિર્ભર ભારત અભિયાનનું નેતૃત્વ કરવા અપીલ કરી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1792161) Visitor Counter : 341