પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઈક્વિટી ફંડ્સના પ્રતિનિધિઓ સાથે ગોળમેજી સંવાદ યોજ્યો


ભારતમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ-વેપાર કરવાની સુગમતાને વેગ આપવાના પ્રધાનમંત્રીના નિરંતર પ્રયાસને અનુરૂપ આ સંવાદ

આ મીટિંગ આગામી અંદાજપત્ર પૂર્વે ઉદ્યોગ અગ્રણીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા અંગત મસલતનું પ્રતિબિંબ પાડે છે

ફંડ પ્રતિનિધિઓએ એમ કહીને પ્રધાનમંત્રીનાં નેતૃત્વની પ્રશંસા કરી કે દેશમાં રોકાણનાં વાતાવરણને વિપુલ વેગ પાછળ તેમનું નેતૃત્વ મુખ્ય ચાલક બળ રહ્યું છે

પ્રધાનમંત્રીની સ્ટાર્ટ અપ પ્રાઈમ મિનિસ્ટર તરીકે પ્રશંસા કરી




Posted On: 17 DEC 2021 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઈક્વિટી ફંડ્સના પ્રતિનિધિઓ સાથે ગોળમેજી મસલત યોજી હતી.

દેશના રોકાણનાં વાતાવરણને વેગ આપવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. છેલ્લાં સાત વર્ષોમાં, સરકારે આ બાબતે બહુવિધ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. આ મીટિંગમાં ચર્ચા એ જ માર્ગે હતી અને આ મીટિંગ એ પણ નિર્દિષ્ટ કરે છે કે આગામી અંદાજપત્ર પૂર્વે સૂચનો એકત્ર કરવા પ્રધાનમંત્રી કેવી રીતે ઉદ્યોગ અગ્રણીઓ સાથે અંગત રીતે વાતચીત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ-વેપાર કરવાની સુગમતા સુધારવા, દેશમાં વધારે મૂડી આકર્ષવા અને સુધારાની પ્રક્રિયાને આગળ ધપાવવા અંગે સૂચનો માગ્યાં હતાં. તેમણે પ્રતિનિધિઓ તરફથી મળેલાં વ્યવહારૂ સૂચનોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સરકાર મુદ્દાઓ ઉકેલવા અને ઉજાગર કરવામાં આવેલા પડકારોને ઉકેલવા તરફ કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. વધુ સુધારાઓ કરવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો, પીએમ ગતિશક્તિ જેવી પહેલની ભાવિ સંભાવનાઓ અને બિનજરૂરી અનુપાલનનો બોજ ઘટાડવા માટે લેવાયેલાં પગલાંની તેમણે ચર્ચા કરી હતી. તેમણે ભારતમાં પાયાનાં સ્તરે થઈ રહેલાં નવીનીકરણનો અને સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમને વેગનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઈક્વિટી ફંડ પ્રતિનિધિઓએ પ્રધાનમંત્રીની એમનાં નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી જે દેશમાં રોકાણનાં વાતાવરણને વિપુલ વેગની પાછળ મુખ્ય ચાલક બળ રહ્યું છે. દેશમાં સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમને વેગ આપવા માટે લેવાયેલ પહેલની પ્રશંસા કરતા, શ્રી સિદ્ધાર્થ પાઇએ પ્રધાનમંત્રીને ‘સ્ટાર્ટ અપ પ્રાઈમ મિનિસ્ટર’ તરીકે ગણાવ્યા હતા.

વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઈક્વિટી ફંડ પ્રતિનિધિઓએ દેશની ઉદ્યમ સાહસિકતાની સંભાવના વિશે અને આપણા સ્ટાર્ટ અપ્સ વૈશ્વિક વ્યાપે પહોંચી શકે એ માટે એનો લાભ કેવી રીતે લઈ શકાય એની પણ વાત કરી હતી. શ્રી પ્રશાંત પ્રકાશે કૃષિ સ્ટાર્ટ અપ્સમાં રહેલી તકોને ઉજાગર કરી હતી. શ્રી રાજન અનાદને ટેકનોલોજીનો લાભ લઈને શિક્ષણમાં ભારતને વૈશ્વિક હબ બનાવવા તરફ કાર્ય કરવા સૂચવ્યું હતું. શ્રી શાંતનુ નલાવડીએ દેશ દ્વારા છેલ્લાં 7 વર્ષોમાં હાથ ધરાયેલા સુધારા, ખાસ કરીને ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ (આઇબીસી)ની સ્થાપનાની પ્રશંસા કરી હતી. શ્રી અમિત દાલમિયાએ કહ્યું કે બ્લૅકસ્ટૉન (ફંડ્સ) માટે વૈશ્વિક રીતે ભારત શ્રેષ્ઠ દેખાવ કરતા ભૌગોલિક વિસ્તારોમાંનું એક છે. શ્રી વિપુલ રૂંગટાએ સરકાર દ્વારા લેવાયેલ નીતિ વિષયક પહેલ, ખાસ કરીને આવાસ ક્ષેત્રે પરવડે એવા આવાસ ક્ષેત્રે કરાયેલી પહેલની પ્રશંસા કરી હતી. આ પ્રતિનિધિઓએ ઊર્જા સંક્રાંતિના ક્ષેત્ર સહિતની ભારતની અનુકરણીય આબોહવા પ્રતિબદ્ધતાઓને લીધે ઉદભવી રહેલી તકોની પણ ચર્ચા કરી હતી. ફિનટેક અને નાણાકીય વ્યવસ્થાપન, સોફ્ટવેર એઝ અ સર્વિસ (સાસ) ઇત્યાદિ જેવા ક્ષેત્રો અંગે પણ તેમણે સૂચનો કર્યાં હતાં. ભારતને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનની પણ તેમણે પ્રશંસા કરી હતી.

આ મસલતમાં એસ્સેલથી શ્રી પ્રશાંત પ્રકાશ, સેકૉયાથી શ્રી રાજન અનાદન, ટીવીએસ કૅપિટલથી શ્રી ગોપાલ શ્રીનિવાસન, મલ્ટીપલ્સથી સુશ્રી રેણુકા રામનાથ, સૉફ્ટબૅન્કથી શ્રી મુનિશ વર્મા, જનરલ એટલાન્ટિકથી શ્રી સંદીપ નાયક, કેદારા કેપિટલથી શ્રી મનિષ કેજરીવાલ, ક્રિસથી શ્રી એશ્લે મેનેઝીસ, કોટક ઑલ્ટરનેટ એસેટ્સથી શ્રી શ્રીનિ શ્રીનિવાસન, ઇન્ડિયા રિસર્જન્ટથી શ્રી શાંતનુ નાલાવડી, 3વન4થી શ્રી સિદ્ધાર્થ પાઇ, આવિષ્કારથી શ્રી વિનીત રાય, એડવેન્ટથી સુશ્રી શ્વેતા જાલન, બ્લૅકસ્ટૉનથી શ્રી અમિત દાલમિયા, એચડીએફસીથી શ્રી વિપુલ રૂંગ્ટા, બ્રુકફિલ્ડથી શ્રી અંકુર ગુપ્તા, એલિવેશનથી શ્રી મુકુલ અરોરા, પોસસથી શ્રી સેહરાજ સિંહ, ગજા કેપિટલથી શ્રી રણજીત શાહ, યોર્નેસ્ટથી શ્રી સુનિલ ગોયલ અને એનઆઇઆઇએફથી શ્રી પદ્મનાભ સિંહા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણાં મંત્રી, નાણાં રાજ્ય મંત્રી, પીએમઓ અને નાણાં મંત્રાલયના અધિકારીઓ પણ આ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD



(Release ID: 1782844) Visitor Counter : 307