મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારતમાં સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ ઇકોસિસ્ટમ વિકસાવવા માટેના કાર્યક્રમને મંજૂરી આપી


સેમી-કન્ડક્ટર્સનું પાયાના નિર્માણના બ્લૉક તરીકે ઉત્પાદન કરીને ભારતને ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણના વૈશ્વિક હબ તરીકેની સ્થિતિમાં લાવવા માટે INR 2,30,000 કરોડના પ્રોત્સાહનો

ભારતમાં સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ ઇકોસિસ્ટમનો વિકાસ કરવા માટે રૂ. 76000 કરોડ (>10 અબજ USD) મંજૂર કરવામાં આવ્યા

આ ક્ષેત્રને ચલાવવા માટે ભારત સેમી-કન્ડક્ટર મિશન (ISM)ની સ્થાપના કરવામાં આવશે

Posted On: 15 DEC 2021 4:00PM by PIB Ahmedabad

આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને આગળ ધપાવતા તેમજ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને વિનિર્માણના ક્ષેત્રે ભારતને વૈશ્વિક હબની સ્થિતિમાં લાવવાના ઉદ્દેશથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે દેશમાં જ દીર્ઘકાલિન સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમનો વિકાસ કરવાના વ્યાપક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમ સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ તેમજ ડિઝાઇન મામલે કંપનીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રોત્સાહન પેકેજ પ્રદાન કરશે જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ ક્ષેત્રે દેશમાં એક નવા યુગનો અરુણોદય થશે. આના કારણે વ્યૂહાત્મક મહત્વ અને આર્થિક આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં ભારતની ટેકનોલોજીકલ અગ્રેસરતાનો માર્ગ મોકળો થશે.

સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે આધુનિક ઇલેક્ટ્રોનિક્સના પાયા છે જે ઇન્ડસ્ટ્રી 4.0 હેઠળ ડિજિટલ પરિવર્તનના આગામી તબક્કાને ચલાવે છે. સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ ખૂબ જ જટિલ અને સઘન ટેકનોલોજી માંગી લે તેવું ક્ષેત્ર છે જેમાં ખૂબ જ મોટાપાયે મૂડી રોકાણ, ઉચ્ચ કક્ષાનું જોખમ, રોકાણ અને પરત વળતરનો ખૂબ લાંબો સમયગાળો તેમજ ટેકનોલોજીમાં ઝડપથી આવતા પરિવર્તનો જેવા પાસા સામેલ છે. આના કારણે તેમાં નોંધનીય અને ટકાઉક્ષમ રોકાણની જરૂર પડે છે. આ કાર્યક્રમ સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લે વિનિર્માણને મૂડી સહકાર અને ટેકનોલોજિકલ સહયોગ પ્રદાન કરીને વધુ વેગવાન બનાવશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સિલિકોન સેમી-કન્ડક્ટર ફેબ્સ (માઇક્રો ચીપ વિનિર્માણ પ્લાન્ટ), ડિસ્પ્લે ફેબ્સ, કમ્પાઉન્ડ સેમી-કન્ડક્ટર્સ/ સિલિકોન ફોટોનિક્સ / સેન્સર (MEMS સહિસ) ફેબ્સ, સેમી-કન્ડક્ટર પેકેજિંગ (ATMP / OSAT), સેમી-કન્ડક્ટર ડિઝાઇનમાં જોડાયેલી કંપનીઓ / વેપાર સંઘોને આકર્ષક પ્રોત્સાહન સહકાર આપવાનો છે.

ભારતમાં સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ ઇકોસિસ્ટમનો વિકાસ કરવા માટે નીચે મુજબના વ્યાપક પ્રોત્સાહનોને મંજૂરી આપવામાં આવી છે:

સેમી-કન્ડક્ટર્સ ફેબ્સ અને ડિસ્પ્લે ફેબ્સ: ભારતમાં સેમી-કન્ડક્ટર ફેબ્સ અને ડિસ્પ્લે ફેબ્સ ઉભા કરવા માટેની સ્કીમ અંતર્ગત એવા અરજદારોને સમકક્ષ ધોરણે પરિયોજના ખર્ચના 50% સુધીનો નાણાકીય સહકાર આપવા માટે વિસ્તારવામાં આવશે જેઓ પાત્રતા ધરાવતા હોય અને તેમની પાસે ટેકનોલોજી હોય તેમજ આવી સઘન મૂડી પ્રોત્સાહક અને સંસાધન પ્રોત્સાહક પરિયોજનાઓના અમલીકરણની તેમનામાં ક્ષમતા હોય. ભારત સરકાર દેશમાં ઓછામાં ઓછા બે ગ્રીન ફિલ્ડ સેમી-કન્ડક્ટર ફેબ્સ અને બે ડિસ્પ્લે ફેબ્સ ઉભા કરવા માટે અરજીઓને મંજૂરી આપવા માટે જમીન, સેમી-કન્ડક્ટર ગ્રેડ પાણી, ઉચ્ચ ગુણવત્તાની વીજળી, લોજિસ્ટિક્સ અને સંશોધન ઇકોસિસ્ટમના સંદર્ભમાં જરૂરી માળખાકીય સુવિધા ધરાવતા હાઇ-ટેક ક્લસ્ટર્સ સ્થાપિત કરતી રાજ્ય સરકારો સાથે નીકટતાપૂર્વક કામ કરશે.

સેમી-કન્ડક્ટર લેબોરેટરી (SCL): કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા એ પણ મંજૂરી આપવામાં આવી છે કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સેમી-કન્ડક્ટર લેબોરેટરી (SCL) ના આધુનિકીકરણ તેમજ વ્યાપારીકરણ માટે જરૂરી પગલાં લેશે. MeitY બ્રાઉનફિલ્ડ ફેબ સુવિધાને આધુનિક બનાવવા માટે કોમર્શિયલ ફેબ પાર્ટનર સાથે SCLના સંયુક્ત સાહસની સંભાવનાઓની પણ ચકાસણી કરશે.

કમ્પાઉન્ડ સેમી-કન્ડક્ટર / સિલિકોન ફોટોનિક્સ / સેન્સરો (MEMS સહિત) ફેબ્સ અને સેમી-કન્ડક્ટર ATMP / OSAT એકમો: ભારતમાં કમ્પાઉન્ડ સેમી-કન્ડક્ટર્સ / સિલિકોન ફોટોનિક્સ / સેન્સરો (MEMS સહિત) ફેબ્સ અને સેમી-કન્ડક્ટર ATMP / OSAT એકમો સ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવેલા એકમોના મૂડી ખર્ચના 30% નાણાકીય સહકાર સુધી વિસ્તરિત કરવામાં આવશે. કમ્પાઉન્ડ સેમી-કન્ડક્ટર્સ અને સેમી-કન્ડક્ટર્સ પેકેજિંગના ઓછામાં ઓછા 15 એકમો આ યોજના હેઠળ સરકારના સહકારથી સ્થાપિત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

સેમી-કન્ડક્ટર ડિઝાઇન કંપનીઓ: ડિઝાઇન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (DLI) યોજના લાયક ખર્ચ અને પાંચ વર્ષ સુધી ચોખ્ખા વેચાણ પર 6%-4%ના ઉત્પાદન નિયુક્તિ સાથે સંકળાયેલા પ્રોત્સાહનના 50% સુધીના ઉત્પાદન ડિઝાઇન સાથે સંકળાયેલા પ્રોત્સાહનને વિસ્તૃત કરશે. આ સહકાર એવી 100 સ્થાનિક કંપનીઓને પ્રદાન કરવામાં આવશે જેઓ સેમી-કન્ડક્ટરની ડિઝાઇન માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC), ચીપસેટ્સ, સિસ્ટમ ઓન ચિપ્સ (SoC), સિસ્ટમ્સ અને IP કોર તેમજ સેમી-કન્ડક્ટર સાથે સંકળાયેલી ડિઝાઇનમાં જોડાયેલી હોય અને જે આવનારા પાંચ વર્ષમાં રૂપિયા 1500 કરોડ કરતાં વધારેનું ટર્નઓવર પ્રાપ્ત કરી શકે તેવી ઓછામાં ઓછી 20 કંપનીઓના વિકાસની સુવિધા પૂરી પાડતી હોય.

ઇન્ડિયા સેમી-કન્ડક્ટર મિશન: દીર્ઘકાલિન સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમ વિકસાવવા માટે લાંબા ગાળાની વ્યૂહરચનાઓને આગળ ધપાવવા માટે, એક વિશિષ્ટ અને સ્વતંત્ર ઇન્ડિયા સેમી-કન્ડક્ટર મિશન (ISM)”ની સ્થાપના કરવામાં આવશે. ઇન્ડિયા સેમી-કન્ડક્ટર મિશનનું નેતૃત્વ સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગના વૈશ્વિક નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. તે સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમ પર યોજનાઓના કાર્યક્ષમ અને સરળ અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.

સેમી-કન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ માટે વ્યાપક નાણાકીય સહકાર

ભારતમાં સેમી-કન્ડક્ટર્સ અને ડિસ્પ્લે વિનિર્માણ ઇકોસિસ્ટમ વિકસાવવાના કાર્યક્રમને આપવામાં આવેલી આ મંજૂરીમાં કુલ રૂ. 76,000 કરોડ (>10 અબજ USD)નો ખર્ચ થશે. ભારત સરકારે ઈલેક્ટ્રોનિક ભાગો, પેટા એસેમ્બલીઓ અને તૈયાર માલ સહિત સમગ્ર પૂરવઠા શ્રૃંખલાના દરેક હિસ્સા માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. મોટાપાયાના ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ, IT હાર્ડવેર માટે PLI, SPECS યોજના અને મોડિફાઇડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ (EMC 2.0) સ્કીમ હેઠળ રૂપિયા 55,392 કરોડ (7.5 અબજ USD)ના પ્રોત્સાહક સમર્થનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ACC બેટરી, ઓટો ભાગો, ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો, સોલર PV મોડ્યૂલો, વ્હાઇટ ગુડ્સ (ઇલેક્ટ્રોનિક્સના મોટા સામાન) સહિત સંલગ્ન ક્ષેત્રો માટે રૂપિયા 98,000 કરોડ (13 અબજ USD)ના PLI પ્રોત્સાહનોની પણ જાહેરાત કરવામાં આવી છે. કુલ મળીને, ભારત સરકારે સેમી-કન્ડક્ટર્સને પાયાના બ્લૉક બનાવીને ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકેની સ્થિતિમાં લાવવાના ઉદ્દેશથી રૂ. 2,30,000 કરોડ (USD 30 અબજ)નો સહકાર આપવાની કટિબદ્ધતા દર્શાવી છે.

વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદૃશ્યમાં, સેમીકન્ડક્ટર્સ અને ડિસ્પ્લેના વિશ્વસનીય સ્રોતો વ્યૂહાત્મક રીતે ઘણું મહત્વ ધરાવે છે અને મહત્વપૂર્ણ માહિતી માળખાકીય સુવિધાઓની સુરક્ષા માટે ચાવીરૂપ છે. મંજૂર કરવામાં આવેનો કાર્યક્રમ આવિષ્કારોને પ્રોત્સાહન આપશે તેમજ ભારતની ડિજિટલ સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરશે. તે દેશના વસ્તી વિષયક લાભાંશનો ઉપયોગ કરવા માટે ઉચ્ચ કૌશલ્યવાન રોજગારીની તકોનું પણ સર્જન કરશે.

સેમી-કન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમનો વિકાસ કરવાથી વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં ઊંડા એકીકરણ સાથે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં તેનો બહુગુણક પ્રભાવ પડશે. આ કાર્યક્રમ ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણમાં ઉચ્ચ સ્થાનિક મૂલ્યવૃદ્ધિને પ્રોત્સાહન આપશે તેમજ 2025 સુધીમાં USD 1 ટ્રિલિયનના ડિજિટલ અર્થતંત્ર અને USD 5 ટ્રિલિયનના GDPને પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1781829) Visitor Counter : 461