પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વૈશ્વિક આવિષ્કાર સંમેલન 2021નાં પ્રથમ સત્ર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 NOV 2021 5:53PM by PIB Ahmedabad

મંત્રીમંડળમાં મારા સાથી, શ્રી મનસુખભાઇ, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના પ્રેસિડેન્ટ શ્રી સમીર મહેતા, કૅડિલા હૅલ્થકેર લિમિટેડના ચૅરમેન શ્રી પંકજ પટેલ, ભાગ લઈ રહેલા મહાનુભાવો,

નમસ્તે!

સૌથી પહેલાં તો હું આ વૈશ્વિક આવિષ્કાર સંમેલન યોજવા માટે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિયેશનને અભિનંદન પાઠવું છું.

કોવિડ-19 મહામારીએ આરોગ્યસંભાળ ક્ષેત્રની અગત્યતાને તીવ્ર રીતે કેન્દ્રમાં લાવી દીધી છે. જીવનપદ્ધતિ હોય કે દવાઓ, મેડિકલ ટેકનોલોજી કે રસીઓ, આરોગ્યસંભાળનાં દરેક પાસાંને છેલ્લાં બે વર્ષોથી વૈશ્વિક ધ્યાન મળી રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં, ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પણ પડકારો સામે ઊભી થઈ છે.

ભારતીય આરોગ્યસંભાળ ક્ષેત્ર દ્વારા જે વૈશ્વિક વિશ્વાસ સંપાદિત થયો છે એનાથી ભારત તાજેતરના સમયમાં ‘વિશ્વની ફાર્મસી’ તરીકે ઓળખાવા લાગ્યું છે. આશરે 3 મિલિયન-30 લાખ લોકોને રોજી આપતો અને આશરે 13 અબજ ડૉલર્સની વેપાર પુરાંત સર્જતો ભારતીય ફાર્મા ઉદ્યોગ આપણી આર્થિક વૃદ્ધિનું મહત્વનું ચાલક રહ્યો છે.

પરવડે એવા દરે ઉચ્ચ ગુણવત્તા અને પરિમાણનાં મિશ્રણે વિશ્વભરમાં ભારતીય ફાર્મા ક્ષેત્રમાં અપાર રસ જગાવ્યો છે. 2014થી, ભારતીય આરોગ્યસંભાળ ક્ષેત્રએ સીધા વિદેશી રોકાણમાં 12 અબજ ડૉલર્સથી વધુનું રોકાણ આકર્ષ્યું છે. અને, હજી ઘણા બધા માટે સંભાવના રહેલી છે.

મિત્રો,

સુખાકારીની આપણી વ્યાખ્યા શારીરિક સીમાઓ પૂરતી સીમિત નથી. આપણે સમગ્ર માનવજાતનાં કલ્યાણમાં માનીએ છીએ.

સર્વે ભવંતુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:।

અને, આપણે આ ભાવના કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમ્યાન સમગ્ર વિશ્વને દર્શાવી છે. આપણે મહામારીના પ્રારંભિક તબક્કા દરમ્યાન જીવન રક્ષક દવાઓ અને તબીબી ઉપકરણો 150થી વધુ દેશોને નિકાસ કર્યા હતા. આપણે આ વર્ષે આશરે 100 દેશોને કોવિડ રસીઓના  65 મિલિયન-6.5 કરોડથી વધુ ડૉઝીસ પણ નિકાસ કર્યા છે. આગામી મહિનાઓમાં, આપણે આપણી રસી ઉત્પાદન ક્ષમતાઓ વધારી રહ્યા છે ત્યારે આપણે હજી ઘણું કરીશું.

મિત્રો,

જીવનનાં તમામ ક્ષેત્રોમાં, કોવિડ-19 યુગમાં નવીનીકરણનું મહત્વ વધુ બળવત્તર થયું છે. જે વિક્ષેપો પડ્યા એણે આપણને આપણી જીવન પદ્ધતિઓ, જે રીતે આપણે વિચારીએ છીએ અને કામ કરીએ છીએ એની ફરી કલ્પના કરવાની આપણને ફરજ પાડી. ભારતીય ફાર્મા ક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં પણ, નવીન વસ્તુઓ માટેની ઝડપ, વ્યાપ અને તૈયારી ખરેખર પ્રભાવક રહી છે. દાખલા તરીકે, આ નવોત્થાનની ભાવના છે જે ભારતને પીપીઈનો મોટો ઉત્પાદક અને નિકાસકાર બનવા તરફ દોરી ગઈ. અને, આ પણ એ જ આવિષ્કાર, નવીનીકરણની ભાવના છે જે ભારતને કોવિડ-19 રસીઓના આવિષ્કાર, ઉત્પાદન, રસીકરણ અને કોવિડ-19 રસીઓના નિકાસની અગ્રહરોળ તરફ દોરી ગઈ.

મિત્રો,

ફાર્મા ક્ષેત્રમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંઓમાં પણ આ જ નવીનીકરણની ભાવના પ્રતિબિંબિત થાય છે. ગયા મહિને, સરકારે, ‘ભારતમાં ફાર્મા-મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ અને નવીનીકરણની ઉદ્દીપક બનતી નીતિ’ની રૂપરેખા આપતો દસ્તાવેજનો મુસદ્દો જારી કર્યો હતો. આ નીતિ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસીસમાં આર એન્ડ ડીને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે.

અમારું સપનું ઇનોવેશન માટે એક એવી ઈકો-સિસ્ટમ સર્જવાનું છે કે ભારતને દવા શોધન અને નવીન તબીબી ઉપકરણોમાં અગ્રણી બનાવે. અમારી નીતિ દરમિયાનગીરીઓ તમામ હિતધારકો સાથે વ્યાપક મસલતોના આધારે બનાવાઇ રહી છે. નિયમનકારી માળખા અંગે ઉદ્યોગની માગણીઓ પ્રત્યે અમે સંવેદનશીલ છીએ અને આ દિશામાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છીએ. ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસીઝ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓ મારફત ઉદ્યોગને બહુ મોટો વેગ મળ્યો છે.

મિત્રો,

ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને ખાસ કરીને આપણા પ્રતિભાશાળી યુવાનો ટેકો અગત્યનો છે. અને એટલે જ અમે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારત પાસે વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટ્સનો મોટો ભંડાર છે અને ઉદ્યોગને વધુ મોટી ઊંચાઇઓએ લઈ જવાની સંભાવના ધરાવે છે. “ડિસ્કવર અને મેક ઇન ઇન્ડિયા’ માટે આ તાકાતને જોડવાની જરૂર છે.

મિત્રો,

હું બે ક્ષેત્રો પણ ઉજાગર કરવા માગું છું જે હું ઇચ્છું છું કે કાળજીપૂર્વક તમે ચકાસો. પહેલું કાચી સામગ્રીની જરૂરિયાતો સંબંધી છે. આપણે કોવિડ-19 સામે લડી રહ્યા છીએ ત્યારે આપણને લાગ્યું કે આ એક મુદ્દો એવો છે જેના પર ઘણું વધારે ધ્યાન આપવાની જરૂર છે. આજે, ભારતના 1.3 અબજ લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવા પોતાની જાતને તૈયાર કરી છે ત્યારે આપણે રસીઓ અને દવાઓ માટે મહત્વનાં ઘટક દ્રવ્યોનાં ઘરેલુ ઉત્પાદનને વધારવા વિશે વિચારવું જ રહ્યું. આ એક એવી સીમા છે જે ભારતે જીતવી જ રહી.

મને ખાતરી છે કે આ પડકારને પહોંચી વળવા પણ રોકાણકારો અને સંશોધકો ભેગા મળીને કામ કરવા આતુર છે. બીજું ક્ષેત્ર ભારતની પરંપરાગત દવાઓ સંબંધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હવે આ દવાઓનું મહત્વ અને માગ વધી રહ્યા છે. તાજેતરનાં વર્ષોમાં આ પેદાશોની નિકાસમાં તીવ્ર વધારાથી આ જોઇ શકાય છે. એકલા 2020-21માં જ, ભારતે 1.5 અબજ ડૉલર્સની હર્બલ દવાઓની નિકાસ કરી હતી. ડબલ્યુએચઓ પણ ભારતમાં પરંપરાગત દવાઓ માટે એનું વૈશ્વિક કેન્દ્ર સ્થાપવા કામ કરી રહ્યું છે. શું આપણે વૈશ્વિક જરૂરિયાતો, વૈજ્ઞાનિક ધારાધોરણો અને શ્રેષ્ઠ ઉત્પાદન પદ્ધતિઓને અનુરૂપ આપણી પરંપરાગત ઔષધિઓને લોકપ્રિય બનાવવાના વધુ ઉપાયો વિશે વિચારી શકીએ?

મિત્રો,

હું આપ સૌને ભારતમાં વિચાર ઘડવા, ભારતમાં નવીન આવિષ્કાર કરવા અને વિશ્વ માટે બનાવવા આમંત્રિત કરું છું. તમારી ખરી શક્તિને શોધી કાઢો અને વિશ્વની સેવા કરો.

આપણી પાસે નવીનીકરણ-આવિષ્કાર અને સાહસ માટે જરૂરી પ્રતિભા, સંસાધનો અને ઈકો-સિસ્ટમ છે. આપણી ઝડપી ફાળ, આપણી નવીનતાની ભાવના અને ફાર્મા ક્ષેત્રમાં આપણી સિદ્ધિઓનાં વ્યાપની વિશ્વએ નોંધ લીધી છે. આ આગળ વધવાનો અને નવી ઊંચાઇઓ સર કરવાનો શ્રેષ્ઠ સમય છે. હું વૈશ્વિક અને ઘરેલુ ઉદ્યોગ અગ્રણીઓ અને હિતધારકોને ખાતરી આપું છું કે ભારત ઇનોવેશન માટે આ ઈકો-સિસ્ટમને વધારવા પ્રતિબદ્ધ છે. આર એન્ડ ડી અને ઇનોવેશનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની સ્થિતિને મજબૂત કરવા આ શિખર બેઠક મહત્વપૂર્ણ ઘટના બની રહે.

હું ફરી એક વાર આયોજકોને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે આ બે દિવસીય સમિટની મસલતો ફળદાયી બની રહેશે.

આભાર.

ખૂબ ખૂબ આભાર.

SD/GP/JD

 

 


(Release ID: 1773066) Visitor Counter : 276