પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિડની સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ મુખ્ય સંબોધન કર્યું, ભારતની ટેકનોલોજી ઉત્ક્રાંતિ અને ક્રાંતિ વિશે વાત કરી


ભારતમાં થઇ રહેલા પાંચ મહત્વપૂર્ણ પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો

“લોકશાહીની સૌથી મોટી તાકાત મુક્તતા છે. સાથે સાથે, આપણે કેટલાક અંગત હિતો માટે આ મુક્તતાનો દુરુપયોગ ના થવા દેવો જોઇએ”

“ભારતની ડિજિટલ ક્રાંતિનાં મૂળ અમારી લોકશાહી, અમારી વસ્તી અને અમારા અર્થતંત્રની વ્યાપકતામાં છે”

“અમે ડેટાનો ઉપયોગ લોકોના સશક્તિકરણના સ્રોત તરીકે કરીએ છીએ. ભારત પાસે વ્યક્તિગત અધિકારોની પ્રબળ ખાતરી સાથે લોકશાહી માળખામાં આ કરવાનો અજોડ અનુભવ છે”

“ભારતની લોકશાહી પરંપરાઓ જુની છે; તેની આધુનિક સંસ્થાઓ મજબૂત છે. અને, અમે હંમેશા વસુધૈવ કુટુંબકમની ભાવના રાખી છે”

તે સાથે મળીને કામ કરવા માટે લોકશાહી માટે એક એવી રૂપરેખા આપે છે જે રાષ્ટ્રીય અધિકારોને ધ્યાનમાં લેવામાં આવે અને સાથે સાથે, વેપાર, રોકાણ તેમજ વિશાળ જાહેર ભલાઇને પ્રોત્સાહન આપે

“તમામ લોકશાહી રાષ્ટ્રો સાથે મળીને ક્રિપ્ટો-કરન્સી પર કામ કરે અને તે ખોટા લોકોના હાથમાં ના જાય તેવું સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા યુવાનોને બગાડી શકે છે”

Posted On: 18 NOV 2021 9:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિડની સંવાદના ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય સંબોધન આપ્યું હતું. શ્રી મોદીએ આ સંબોધન દરમિયાન, ભારતની ટેકનોલોજી ક્ષેત્રની ઉત્ક્રાંતિ અન ક્રાંતિની થીમ વિશે વાત કરી હતી. આ સંબોધન પછી ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી સ્કોટ મોર્રીસને પ્રારંભિક ટિપ્પણી કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ હિન્દ પ્રશાંત પ્રદેશ અને ઉભરી રહેલા ડિજિટલ વિશ્વમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા માટેની સ્વીકૃતીની નોંધ લીધી હતી. ડિજિટલ યુગના લાભોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વિશ્વ સમુદ્ર પટથી સાઇબરથી માંડીને અવકાશ સુધીમાં સર્વત્ર જગ્યાએ વિવિધ ખતરાઓમાં રહેલા નવા જોખમો અને નવા સ્વરૂપના સંઘર્ષોનો સામનો પણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીની સૌથી મોટી તાકાત મુક્તતા છે. સાથે સાથે, આપણે આ મુક્તતાનો અંગત હિતો માટે દુરુપયોગ પણ ના થવા દેવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહી અને ડિજિટલ ક્ષેત્રના અગ્રેસર તરીકે ભારત સહિયારી સમૃદ્ધિ અને સુરક્ષાના સહભાગીઓ સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ડિજિટલ ક્રાંતિનાં મૂળ અમારી લોકશાહી, અમારી વસતી અને અમારા અર્થતંત્રની વ્યાપકતામાં રહેલા છે. તે અમારા ઉદ્યોગો અને યુવાનોના આવિષ્કારો દ્વારા સંચાલિત છે. અમે ભવિષ્યમાં પ્રગતિની છલાંગ ભરવા માટે ભૂતકાળના પડકારોને તકોમાં પરિવર્તિત કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ ભારતમાં થઇ રહેલા પાંચ મહત્વપૂર્ણ પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં સૌથી પહેલા છે, દુનિયામાં સૌથી વ્યાપક જાહેર માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ભારતમાં થઇ રહ્યું છે. 1.3 અબજ કરતાં વધારે ભારતીયો પાસે અનન્ય ડિજિટલ ઓળખ છે, ટૂંક સમયમાં જ છ લાખ ગામડાઓને બ્રોડબેન્ડ અને દુનિયાની સૌથી કાર્યદક્ષ ચુકવણીની માળખાકીય સુવિધા UPIના માધ્યમથી સાંકળવામાં આવશે. બીજું પરિવર્તન છે, સુશાસન, સમાવેશીલતા, સશક્તિકરણ, કનેક્ટિવિટી, લોકો સુધી લાભો અને કલ્યાણ કાર્યો પહોંચાડવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ. ત્રીજું પરિવર્તન છે, ભારત દુનિયામાં ત્રીજી સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ધરાવે છે. ચોથું પરિવર્તન છે, ભારતના ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર જેમાં કૃષિ ક્ષેત્રમાં પણ વ્યાપક પરિવર્તન આવી રહ્યું છે. પાંચમુ છે, ભારતને ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશથી ખૂબ જ મોટાપાયે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે 5G અને 6G જેવી ટેલિકોમ ટેકનોલોજીમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા માટે તે દિશામાં રોકાણ કરી રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેમાં ખાસ કરીને માનવ કેન્દ્રીત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નૈતિક ઉપયોગ બાબતે ભારત અગ્રણી દેશોમાંથી એક છે. અમે ક્લાઉટ પ્લેટફોર્મ્સ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગના ક્ષેત્રમાં મજબૂત ક્ષમતાઓનો વિકાસ કરી રહ્યા છીએ.

ભારતની લવચિકતા અને ડિજિટલ સાર્વભૌમત્વ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે હાર્ડવેર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અમે સેમી કન્ટક્ટર્સના મુખ્ય ઉત્પાદક બનવા માટે પ્રોત્સાહનોના પેકેજો તૈયારી કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ ક્ષેત્રમાં અમારી ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓ પહેલાંથી જ સ્થાનિક અને વૈશ્વિક ખેલાડીઓને ભારતમાં તેનો પાયો સ્થાપિત કરવા માટે આકર્ષી રહી છે. તેમણે ડેટા સુરક્ષા, ગોપનીયતા અને સુરક્ષા માટે ભારતની કટિબદ્ધતાનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાથે સાથે, અમે ડેટાનો ઉપયોગ લોકોના સશક્તિકરણના સ્રોત તરીકે કરીએ છીએ. ભારત પાસે વ્યક્તિગત અધિકારોની પ્રબળ ખાતરી સાથે લોકશાહી માળખામાં આ કરવાનો અજોડ અનુભવ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, Y2K સમસ્યાનો સામનો કરવામાં ભારતે યોગદાન આપ્યું છે અને ભારત દુનિયાને મુક્ત સ્રોત સોફ્ટવેર તરીકે CoWin પ્લેટફોર્મ આપે છે જે ભારતના મૂલ્યો અને દૂરંદેશીના ઉદાહરણો છે. તેમણે કહ્યું હતું કે, ભારતની લોકશાહી પરંપરાઓ જુની છે; તેની આધુનિક સંસ્થાઓ મજબૂત છે. અને, અમે હંમેશા વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનીએ છીએ.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, લોકોની ભલાઇ, સહિયારા વિકાસ અને સામાજિક સશક્તિકરણ માટે ભારત દ્વારા ટેકનોલોજી અને નીતિઓનો વ્યાપક ઉપયોગ દુનિયાનો વિકાસ કરવા માટે ખૂબ જ મોટી મદદ કરી શકે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, રાષ્ટ્રો અને તેમના લોકોને સશક્ત બનાવવા માટે અને તેમને આ સદીની તકો માટે તૈયાર કરવાના ઉદ્દેશથી આપણે સાથે મળીને કામ કરી શકીએ છીએ.

સાથે મળીને કામ કરવા માટે લોકશાહી રાષ્ટ્રોને રૂપરેખા આપતા શ્રી મોદીએ ભવિષ્યની ટેકનોલોજીમાં સાથે મળીને સંશોધન અને વિકાસ કરવાની દિશામાં રોકાણ કરવા; ભરોસાપાત્ર વિનિર્માણ આધાર અને ભરોસાપાત્ર પુરવઠા શ્રૃંખલાનો વિકાસ કરવા; સાઇબર સુરક્ષા માટે, મહત્વપૂર્ણ માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે ઊંડાણપૂર્વક ઇન્ટેલિજન્સ અને પરિચાલન સહકાર માટે; લોકશાહી મૂલ્યોને અનુરૂપ ટેકનિકલ અને સુશાસન ધોરણો અને માપદંડો તૈયાર કરવા; અને વેપાર, રોકાણ તેમજ વ્યાપક પ્રમાણમાં લોકોની ભલાઇની સાથે સાથે, ડેટાની સુરક્ષા અને સંરક્ષણ માટે ડેટા સુશાસન અને સરહદ પારના પ્રવાહો માટે ધોરણો અને માપદંડો તૈયાર કરવા માટે સહિયારા માળખાનું આહ્વાન કર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે ક્રિપ્ટો-કરન્સીનું ઉદાહરણ ટાંક્યું હતું અને જણાવ્યું હતું કે, તમામ લોકશાહી રાષ્ટ્રો સાથે મળીને ક્રિપ્ટો-કરન્સી પર કામ કરે અને તે ખોટા લોકોના હાથમાં ના જાય તેવું સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા યુવાનોને બગાડી શકે છે.

 

SD/GP/NP(Release ID: 1772852) Visitor Counter : 324