નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી


પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં આવતીકાલથી અનુક્રમે રૂ. 5 અને રૂ. 10 ઘટાડો થશે

તે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે

ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ કરતા બમણો થશે અને આગામી રવિ સિઝન દરમિયાન ખેડૂતોને પ્રોત્સાહન આપશે.

રાજ્યોને ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા વિનંતી કરવામાં આવી છે

Posted On: 03 NOV 2021 8:18PM by PIB Ahmedabad

ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેના અનુસંધાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે.

ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ કરતાં બમણો થશે. ભારતીય ખેડૂતોએ, તેમની સખત મહેનત દ્વારા, લોકડાઉનના તબક્કા દરમિયાન પણ આર્થિક વિકાસની ગતિ જાળવી રાખી છે અને ડીઝલ પરની એક્સાઇઝમાં જંગી ઘટાડો આગામી રવિ સિઝન દરમિયાન ખેડૂતોને પ્રોત્સાહન રૂપે આવશે.

તાજેતરના મહિનાઓમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વૈશ્વિક ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે, તાજેતરના સપ્તાહોમાં પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક ભાવમાં ફુગાવાના દબાણમાં વધારો થયો હતો. વિશ્વએ પણ અછત અને તમામ પ્રકારની ઊર્જાના ભાવમાં વધારો જોયો છે. ભારતમાં ઊર્જાની અછત ન રહે અને પેટ્રોલ અને ડીઝલ જેવી ચીજવસ્તુઓ આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે પ્રયાસો કર્યા છે.

ભારતની મહત્વાકાંક્ષી વસ્તીની સાહસિક ક્ષમતા દ્વારા સંચાલિત, ભારતીય અર્થતંત્રમાં કોવિડ-19 પ્રેરિત મંદી પછી નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો - પછી તે ઉત્પાદન, સેવાઓ અથવા કૃષિ હોય - નોંધપાત્ર  આર્થિક પ્રવૃત્તિનો અનુભવ કરી રહ્યા છે.

અર્થતંત્રને વધુ વેગ આપવા માટે, ભારત સરકારે ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો પણ વપરાશને વેગ આપશે અને ફુગાવાને નીચો રાખશે, આમ ગરીબ અને મધ્યમ વર્ગને મદદ મળશે. આજના નિર્ણયથી સમગ્ર આર્થિક ચક્રને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

રાજ્યોને ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પરના વેટને અનુરૂપ ઘટાડો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

SD/GP/JD


(Release ID: 1769329) Visitor Counter : 323