પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગ્લાસગોમાં કૉપ-26 શિખર સંમેલનમાં ‘ક્લીન ટેકનોલોજી ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટમાં ઝડપ’ વિષય પર આયોજિત સત્રમાં પ્રધાનમંત્રી દ્વારા ટિપ્પણી

Posted On: 02 NOV 2021 11:45PM by PIB Ahmedabad

મહાનુભાવો

નમસ્કાર!

આજે ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ના લોન્ચ સમયે આપ સૌનું સ્વાગત છે. ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ની મારી અનેક વર્ષો જૂની પરિકલ્પનાને આજે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને યુકેના ગ્રીન ગ્રિડ ઈનિશિયેટિવની પહેલથી, એક નક્કર સ્વરૂપ મળ્યું છે. મહાનુભાવો, ઔદ્યોગિક ક્રાંતિને ફોસિલ ફ્યુલ્સે ઊર્જા આપી હતી. ફોસિલ ફ્યુલ્સના ઉપયોગથી અનેક દેશ તો સમૃદ્ધ થયા પરંતુ આપણી ધરતી, આપણું પર્યાવરણ નિર્ધન થઈ ગયા. ફોસિલ ફ્યુલ્સની હોડથી જિઓ-પોલિટિકલ તણાવ પણ સર્જાયા.પરંતુ આજે ટેકકનોલોજીએ આપણને એક ઉત્તમ વિકલ્પ આપ્યો છે.

મહાનુભાવો,

અમારે ત્યાં હજારો વર્ષ પૂર્વે, સૂર્યોપનિષદમાં કહેવામાં આવ્યું છે, સૂર્યાદ ભવન્તિ, સૂર્યેણ પાલિતાનિ તુ।। અર્થાત્, બધુ સૂર્યથી જ ઉત્પન્ન થયું છે, સૌની ઊર્જાનો સ્ત્રોત સૂર્ય જ છે, અને સૂર્યની ઊર્જાથી જ સૌનું પાલન થાય છે. પૃથ્વી પર જ્યારથી જીવન ઉત્પન્ન થયું, ત્યારથી તમામ પ્રાણીઓનું જીવન ચક્ર, તેમની દિનચર્યા, સૂર્યના ઉદય અને અસ્ત સાથે જોડાયેલી રહી છે. જ્યાં સુધી આ પ્રાકૃતિક કનેક્શન જળવાઈ રહ્યું, ત્યાં સુધી આપણો ગ્રહ પણ સ્વસ્થ રહ્યો. પરંતુ આધુનિક કાળમાં મનુષ્યે સૂર્ય દ્વારા સ્થાપિત ચક્રથી આગળ નીકળવાની હોડમાં, પ્રાકૃતિક સંતુલનમાં ખલેલ પહોંચાડી, અને પોતાના પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી દીધું. જો આપણે ફરીથી પ્રકૃતિ સાથે સંતુલિત જીવનનો સંબંધ સ્થાપિત કરવો હોય તો તેનો માર્ગ આપણા સૂર્યથી જ પ્રકાશિત થશે. માનવતાના ભવિષ્યને બચાવવા માટે આપણે ફરીથી સૂરજની સાથે ચાલવું પડશે.

મહાનુભાવો,

જેટલી ઊર્જા સમગ્ર માનવજાતિ વર્ષભરમાં ઉપયોગ કરે છે, એટલી ઊર્જા સૂર્ય એક કલાકમાં ધરતીને આપે છે. અને આ અપાર ઊર્જા સંપૂર્ણપણે ક્લીન છે, સસ્ટેનેબલ છે. પડકાર માત્ર એટલો છે કે સૌર ઊર્જા દિવસમાં જ ઉપલબ્ધ છે અને હવામાન પર પણ નિર્ભર છે. ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ આ પડકારોનો ઉપાય છે. એક વૈશ્વિક ગ્રિડથી ક્લીન એનર્જી દરેક સ્થળે દરેક સમયે મળી શકશે. તેના સંગ્રહની આવશ્યકતા પણ ઓછી હશે અને સોલર પ્રોજેક્ટની વાયેબિલિટી પણ વધશે. આ રચનાત્મક પહેલથી કાર્બન ફૂટપ્રિન્ટ અને ઊર્જાનો ખર્ચ તો ઘટશે જ પણ સાથે અલગ-અલગ ક્ષેત્રો અને દેશો વચ્ચે સહયોગનો એક નવો માર્ગ પણ ખૂલશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ અને ગ્રીન ગ્રિડ ઈનિશિયેટિવના સામંજસ્યથી એક સંયુક્ત અને સુદૃઢ વૈશ્વિક ગ્રિડનો વિકાસ થઈ શકશે. હું આજે  એ પણ જાણકારી આપવા માગું છું કે અમારી સ્પેસ એજન્સી ઈસરો, વિશ્વને એક સોલર કેલ્ક્યુલેટર એપ્લિકેશન આપવા જઈ રહી છે. આ કેલ્ક્યુલેટરથી, સેટેલાઈટ ડેટાના આધારે વિશ્વના કોઈપણ સ્થળે સોલર પાવર પોટેન્શિયલ માપી શકાશે. આ એપ્લિકેશન સોલર પ્રોજેક્ટનું સ્થાન નિર્ધારિત કરવામાં ઉપયોગી થશે તેમજ તેનાથી ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ને પણ મજબૂતી મળશે.

મહાનુભાવો,

ફરી એકવાર, હું ISAને અભિનંદન આપું છું, અને મારા મિત્ર બોરિસને તેમના સહયોગ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હું તમામ અન્ય દેશોના લીડર્સની ઉપસ્થિતિ માટે પણ હૃદયથી તેમનો આભાર માનું છું.

ધન્યવાદ!

SD/GP/JD



(Release ID: 1769083) Visitor Counter : 261