પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 25મી ઓક્ટોબરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના (પીએમએએસબીવાય) યોજનાનો શુભારંભ કરશે


પીએમએએસબીવાય સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અખિલ ભારતની સૌથી મોટી યોજના પૈકીની એક છે

પીએમએએસબીવાયનો ઉદ્દેશ શહેરી અને ગ્રામીણ બેઉ વિસ્તારોમાં જાહેર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અતિ મહત્વના તફાવતને ભરવાનો છે

5 લાખથી વધુની વસ્તીવાળા તમામ જિલ્લાઓમાં ક્રિટિકલ કેર સેવાઓ ઉપલબ્ધ રહેશે

તમામ જિલ્લાઓમાં એકીકૃત જાહેર આરોગ્ય લેબ્સ સ્થાપવામાં આવશે

વન હેલ્થ માટે એક રાષ્ટ્રીય સંસ્થાન, વાયરોલોજી માટે 4 નવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવામાં આવશે

આઇટી સમર્થ રોગ દેખરેખ પ્રણાલિ વિકસાવવામાં આવશે

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં નવ મેડિકલ કૉલેજોનું પણ ઉદઘાટન કરશે

વારાણસી માટે ₹ 5200 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી ઉદઘાટન કરશે

Posted On: 24 OCT 2021 2:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી ઓક્ટોબર, 2021ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે 10:30 કલાકની આસપાસ, સિદ્ધાર્થનગરમાં પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં નવ મેડિકલ કૉલેજોનું ઉદઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી વારાણસીમાં બપોરે 1:15 કલાકની આસપાસ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરશે. તેઓ વારાણસી માટે ₹ 5200 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના (પીએમએએસબીવાય) સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અખિલ ભારત સ્તરની સૌથી મોટી યોજનાઓમાંની એક હશે. તે રાષ્ટ્રીય આરોગ્ય મિશન ઉપરાંતની હશે.

પીએમએએસબીવાયનો ઉદ્દેશ શહેરી અને ગ્રામીણ વિસ્તારો બેઉમાં, જાહેર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ક્રિટિકલ કેર સુવિધાઓ અને પ્રાથમિક સંભાળમાં અતિ મહત્વના તફાવતને ભરવાનો છે. 10 ઉચ્ચ ફોકસવાળા રાજ્યોમાં 17,788 ગ્રામીણ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો માટે તે મદદ પૂરી પાડશે. વધુમાં, તમામ રાજ્યોમાં 11,024 શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં આવશે.

દેશમાં 5 લાખથી વધુની વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં ક્રિટિકલ કેર સુવિધાઓ વિશેષ ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લૉક્સ મારફત ઉપલબ્ધ રહેશે, જ્યારે બાકીના જિલ્લાઓને રેફરલ સેવાઓ મારફત આવરી લેવાશે.

સમગ્ર દેશમાં લૅબોરેટરીઝના નેટવર્ક મારફત લોકોને જાહેર આરોગ્યસંભાળ પ્રણાલિમાં નિદાન સેવાઓનું સંપૂર્ણ ક્ષેત્ર મળી રહેશે. એકીકૃત જાહેર આરોગ્ય લેબ્સ તમામ જિલ્લાઓમાં સ્થાપવામાં આવશે.

પીએમએએસબીવાય હેઠળ, વન હેલ્થ માટે એક રાષ્ટ્રીય સંસ્થાન, વાયરોલોજી માટે ચાર નવી રાષ્ટ્રીય સંસ્થાઓ, ડબલ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશ માટે એક પ્રાદેશિક રિસર્ચ પ્લેટફોર્મ, 9 બાયોસેફ્ટી લેવલ 3 લૅબોરેટરીઝ, રોગ નિયંત્રણ માટે 5 નવા પ્રાદેશિક રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે.

પીએમએએસબીવાય તાલુકા, જિલ્લા, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે મેટ્રોપોલિટન વિસ્તારોમાં દેખરેખ લૅબોરેટરીઝનું એક નેટવર્ક વિકસાવીને આઇટી સમર્થ રોગ દેખરેખ પ્રણાલિનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખે છે. તમામ જાહેર આરોગ્ય લૅબ્સને જોડવા માટે એકીકૃત આરોગ્ય માહિતી પોર્ટલ તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિસ્તારવામાં આવશે.

પીએમએએસબીવાયનો ઉદ્દેશ જાહેર આરોગ્યની કટોકટીઓ અને રોગચાળાને અસરકારક રીતે શોધવા, તપાસ કરવા, અટકાવવા અને સામનો કરવા માટે પ્રવેશના સ્થળે 17 નવા જાહેર આરોગ્ય એકમોને કાર્યરત કરવાનો અને 33 હયાત જાહેર આરોગ્ય એકમોને મજબૂત કરવાનો પણ છે. કોઇ પણ જાહેર આરોગ્ય કટોકટીનો વળતો સામનો કરવા તાલીમબદ્ધ અગ્રહરોળના આરોગ્ય કાર્યદળનું નિર્માણ કરવા તરફ પણ તે કામ કરશે.

જે નવ મેડિકલ કૉલેજોનું ઉદઘાટન થવાનું છે એ સિદ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરીયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લાઓમાં આવેલી છે, 8 મેડિકલ કૉલેજોને કેન્દ્રીય રીતે પુરસ્કૃત યોજના “જિલ્લા/રેફરલ હૉસ્પિટલો સાથે સંલગ્ન નવી મેડિકલ કૉલેજોની સ્થાપના” હેઠળ મંજૂરી અપાઇ છે અને એક મેડિકલ કૉલેજ, જૌનપુરને રાજ્ય સરકારે એના પોતાના સંસાધનો મારફત કાર્યરત કરી છે.

કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ, વંચિત, પછાત અને આકાંક્ષી જિલ્લાઓને પહેલી પસંદગી આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ આરોગ્ય વ્યવસાયીઓની ઉપલબ્ધતા વધારવાનો, મેડિકલ કૉલેજોના વિતરણમાં હયાત ભૌગોલિક અસંતુલનને સુધારવાનો અને જિલ્લા હૉસ્પિટલોના હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અસરકારક ઉપયોગ કરવાનો છે. આ યોજનાના ત્રણ તબક્કા હેઠળ, સમગ્ર દેશમાં 157 નવી મેડિકલ કૉલેજોને મંજૂરી આપવામાં આવી છે જેમાંથી 63 મેડિકલ કૉલેજો કાર્યરત પણ થઈ ચૂકી છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1766119) Visitor Counter : 435