પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થી અને સહયોગીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

Posted On: 23 OCT 2021 2:01PM by PIB Ahmedabad

 

आत्मनिर्भर भारताचे सपन, स्वयंपूर्ण गोवा येव-जणे-तल्येन, साकार करपी गोयकारांक येवकार। तुमच्या-सारख्या, धड-पड-करपी, लोकांक लागून, गोंय राज्याचो गरजो, गोयांतच भागपाक सुरू जाल्यात, ही खोशयेची गजाल आसा

જ્યારે સરકારની સાથે જનતાનો પરિશ્રમ ભળે છે તો કેવાં પરિવર્તન થાય છે, કેવી રીતે આત્મવિશ્વાસ આવે છે તેનો આપણે સૌએ સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન અનુભવ કર્યો છે. ગોવાના આ સફળ પરિવર્તનનો માર્ગ દેખાડનારા લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રીપદ નાયકજી, ગોવાના નાયબ મુખ્યમંત્રી શ્રી મનોહર અઝગાંવકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી ચંદ્રકાંત કેવલેકરજી, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સંસ્થાઓના તમામ પ્રતિ નિધિઓ, જીલ્લા પરિષદના સભ્યો, અન્ય લોકપ્રતિનિધિઓ અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો !!

કહેવામાં આવે છે કે ગોવા એટલે કે આનંદ, ગોવા એટલે પ્રકૃત્તિ, ગોવા એટલે પ્રવાસન, પણ આજે હું એ પણ કહીશ કે ગોવા એટલે વિકાસનું નવુ મોડલ. ગોવા એટલે સામુહિક પ્રયાસોનું પ્રતિબિંબ, ગોવા એટલે પંચાયતથી માંડીને વહિવટ સુધીના વિકાસની એકતા.

સાથીઓ,

વિતેલા વર્ષોમાં દેશે અભાવોમાંથી બહાર નીકળીને આવશ્યકતાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવાની બાબતને પોતાનું ધ્યેય બનાવી છે. જે મૂળભૂત સુવિધાઓથી દેશના નાગરિકો દાયકાઓથી વંચિત હતા તે સુવિધાઓ દેશવાસીઓને આપવાની સર્વોચ્ચ પ્રાથમિકતા દાખવવામાં આવી છે. આ વર્ષે 15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે હવે આપણે આ યોજનાઓની સંતૃપ્તિ એટલે કે 100 ટકા લક્ષ્ય સુધી પહોંચવાનું છે. આ લક્ષ્યની પ્રાપ્તિમાં પ્રમોદ સાવંતજી અને તેમની ટીમના નેતૃત્વમાં ગોવા અગ્રણી ભૂમિકા બજાવી રહ્યું છે. ભારતે ખૂલ્લામાં શૌચથી મુક્તિનું ધ્યેય નક્કી કર્યું તો ગોવાએ તેમાં 100 ટકા લક્ષ્ય હાંસલ કર્યું. દેશમાં દરેક ઘરમાં વિજળીના જોડાણનું લક્ષ્ય નક્કી થયુ તો ગોવાએ પણ તેને 100 ટકા હાંસલ કર્યું. ગોવાના દરેક ઘરમાં જળ અભિયાન તથા સૌથી પહેલાં 100 ટકા ગરીબોને મફત રાશન પૂરૂ પાડવામાં પણ ગોવા 100 ટકા સિધ્ધિ હાંસલ કરી ચૂક્યું છે !

સાથીઓ,

બે દિવસ પહેલાં ભારતે 100 કરોડ રસીના ડોઝ આપવાનો વિરાટ પડાવ પાર કર્યો છે તેમાં પણ ગોવા પ્રથમ ડોઝ બાબતે 100 ટકા સિધ્ધિ હાંસલ કરી શક્યું છે. ગોવા હવે બીજો ડોઝ લગાવવા ઉપર 100 ટકા લક્ષ્ય હાંસલ કરવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

મને એ બાબતનો આનંદ છે કે મહિલાઓની સુવિધા અને સન્માન માટે કેન્દ્ર સરકારે જે યોજનાઓ બનાવી છે તેમાં ગોવા સફળતાને જમીન ઉપર ઉતારી રહ્યું છે અને તેનું વિસ્તરણ પણ કરી રહ્યું છે. ભલે ટોયલેટસ હોય, ઉજ્જવલા ગેસ કનેક્શન હોય કે પછી જનધન બેંક ખાતા હોય, ગોવાએ મહિલાઓને આ સુવિધાઓ પૂરી પાડવામાં બહેતર કામગીરી બજાવી છે. આ કારણે કોરોના લૉકડાઉન દરમિયાન હજારો બહેનોને મફત ગેસ સિલિન્ડર મળ્યા, તેમના બેંક ખાતામાં પૈસા જમા થઈ શક્યા. ઘરે-ઘરે નળથી જળ પહોંચાડીને ગોવા સરકારે બહેનોને ખૂબ મોટી સુવિધા પૂરી પાડી છે. હવે ગોવા સરકાર ગૃહ આધાર અને દીનદયાળ સામાજીક સુરક્ષા જેવી યોજનાઓ મારફતે ગોવાની બહેનોનું જીવન વધુ બહેતર બનાવવાની કામગીરી કરી રહી છે.

ભાઈઓ અને બહેનો,

જ્યારે સમય મુશ્કેલ હોય છે, સામે પડકારો હોય છે ત્યારે જ અસલી સામર્થ્યની ઓળખ થાય છે. વિતેલા દોઢ- બે વર્ષમાં ગોવા સામે 100 વર્ષની સૌથી મોટી મહામારી તો આવી જ, ગોવાએ ભયાનક વાવાઝોડા અને પૂરની સમસ્યા પણ સહન કરી. મને ખબર છે કે ગોવાના પ્રવાસન ક્ષેત્રને પણ કેટલી બધી મુશ્કેલીઓ નડી છે, પણ આ બધા પડકારોની વચ્ચે ગોવાની સરકાર, કેન્દ્ર સરકાર બમણી તાકાતથી ગોવાના લોકોને રાહત પહોંચાડવામાં લાગી ગઈ હતી. અમે ગોવામાં વિકાસ કાર્યોને અટકવા દીધા નહીં. હું, પ્રમોદજી અને તેમની સમગ્ર ટીમને આ માટે અભિનંદન આપું છું કે તેમણે સ્વયંપૂર્ણ ગોવા અભિયાનને ગોવાના વિકાસનો આધાર બનાવ્યો. હવે આ મિશનને વધુ ઝડપથી સાકાર કરવા માટે 'સરકાર તમારે આંગણે' જેવું મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે.

સાથીઓ,

આ લોકલક્ષી, સક્રિય શાસનની એવી ભાવનાનો વિસ્તાર છે કે જેના ઉપર છેલ્લા 7 વર્ષમાં દેશ આગળ ધપી રહ્યો છે. એવુ શાસન કે જ્યાં સરકાર, ખુદ નાગરિકની પાસે જાય છે અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે છે. ગોવાએ તો ગામડાંના સ્તરે, પંચાયતના સ્તરે, જીલ્લા સ્તરે સારૂ મોડલ વિકસિત કરી દીધુ છે. મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે કેન્દ્ર સરકારના અનેક અભિયાનમાં અત્યાર સુધી ગોવા 100 ટકા સફળ થયું છે ત્યારે બાકી લક્ષ્યોને પણ સૌના પ્રયાસથી આપ જલ્દી હાંસલ કરી દેશો તેવી મને પૂરો વિશ્વાસ છે.

સાથીઓ,

હું ગોવાની વાત કરૂં અને ફૂટબૉલની વાત ના કરૂં એવું તો બની શકે જ નહીં. ફૂટબોલ માટે ગોવાની દિવાનગી થોડીક અલગ છે, ફૂટબૉલ માટે ગોવાની ઘેલછા કંઈક અલગ છે. ફૂટબોલમાં ભલે ડિફેન્સ હોય કે ફોરવર્ડ, તમામ ગોલ ઓરિએન્ટેડ હોય છે. કોઈએ ગોલ બચાવવાનો છે તો કોઈએ ગોલ કરવાનો છે. પોતપોતાના ગોલને હાંસલ કરવાની આ ભાવના ગોવામાં ક્યારેય ઓછી ન હતી, પરંતુ ગોવામાં અગાઉ જે સરકારો હતી તેમનામાં એક સંઘ ભાવનાની, એક હકારાત્મક વાતાવરણ બનાવવાની ઊણપ હતી. લાંબા સમય સુધી ગોવામાં રાજકીય સ્વાર્થ, સુશાસનને ભારે પડી રહ્યો હતો. ગોવામાં રાજકીય અસ્થિરતાએ પણ રાજ્યના વિકાસને ખૂબ નુકસાન પહોંચાડયું છે, પરંતુ વિતેલા થોડાક વર્ષોમાં ગોવાની સમજદાર જનતાએ આ અસ્થિરતાને સ્થિરતામાં બદલી છે. મારા મિત્ર, સ્વ. મનોહર પરિકરજીએ વિશ્વાસ સાથે ગોવામાં જે રીતે ઝડપી વિકાસને આગળ ધપાવ્યો તેને પ્રમોદજીની ટીમ સંપૂર્ણ ઈમાનદારીથી નવી ઉંચાઈ પર લઈ જઈ રહી છે. આજે ગોવા નવા આત્મવિશ્વાસ સાથે આગળ ધપી રહ્યું છે. ટીમ ગોવાની આ નવી સંઘ ભાવનાનું પરિણામ સ્વયંપૂર્ણ ગોવાનો સંકલ્પ છે.

ભાઈઓ અને બહેનો,

ગોવાની પાસે એક ખૂબ જ સમૃધ્ધ ગ્રામીણ સંપત્તિ પણ છે અને એક આકર્ષક શહેરી જીવન પણ છે. ગોવા પાસે ખેતી અને ખળાં પણ છે અને બ્લૂ ઈકોનોમીના વિકાસની સંભાવનાઓ પણ છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે જે કાંઈ જરૂરી છે તે તમામ ગોવા પાસે છે. એટલા માટે ગોવાનો સંપૂર્ણ વિકાસ ડબલ એન્જીનની સરકારની ખૂબ મોટી પ્રાથમિકતા છે.

સાથીઓ,

ડબલ એન્જીન સરકાર ગોવાના ગ્રામીણ, શહેરી અને સાગરકાંઠા વિસ્તાકરોની માળખાકિય સુવિધા પર વિશેષ ધ્યાન આપી રહી છે. ગોવામાં એક બીજુ એરપોર્ટ બને, લોજીસ્ટીક હબનું નિર્માણ થાય, ભારતનો બીજા નંબરનો સૌથી મોટો કેબલ બ્રીજ બને, હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નેશનલ હાઈવેનું નિર્માણ થાય તે બધુ ગોવાની નેશનલ અને ઈન્ટરનેશનલ કનેક્ટિવીટીને એક નવું પાસુ પૂરૂ પાડનાર બની રહેશે.

ભાઈઓ અને બહેનો,

ગોવામાં વિકસી રહેલી માળખાકિય સુવિધાઓ, ખેડૂતો, પશુપાલકો અને આપણા માછીમાર સાથીઓની આવક વધારવામાં સહાયરૂપ બનશે. ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને તેના આધુનિકીકરણ માટે આ વર્ષે ગોવાને મળનારા ફંડમાં અગાઉની તુલનામાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે. ગોવાની ગ્રામીણ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂ.500 કરોડ ફાળવ્યા છે તેનાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ગોવામાં થઈ રહેલા કામોને નવી ગતિ મળશે.

સાથીઓ,

ખેડૂતો અને માછીમારોને બેંક અને બજાર સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે જે યોજનાઓ બનાવી છે તેને દરેક માણસ સુધી પહોંચાડવામાં ગોવા સરકાર લાગી ગઈ છે. ગોવામાં નાના ખેડૂતોની ઘણી મોટી સંખ્યા છે. આ લોકો કાં તો ફળ અને શાકભાજી અથવા તો માછલીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ નાના ખેડૂતોને, પશુપાલકોને, માછીમારોને આસાનીથી લોન મળવાનો એક ખૂબ મોટો પડકાર હતો. આ પરેશાનીને ધ્યાનમાં રાખીને કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એક તરફ નાના ખેડૂતોને મિશન મોડ પર કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ પશુપાલકો અને માછીમારોને પ્રથમ વખત તેની સાથે જોડવામાં આવ્યા છે. ગોવામાં પણ ખૂબ ઓછા સમયમાં સેંકડો નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાની મદદ કરવામાં આવી છે. પીએમ કિસાન સન્માન નિધિમાંથી પણ ગોવાના ખેડૂતોને ખૂબ મોટી મદદ મળી છે. આવા જ પ્રયાસોના કારણે અનેક નવા સાથી પણ ખેતીને અપનાવી રહ્યા છે. માત્ર એક જ વર્ષની અંદર ગોવામાં ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં આશરે 40 ટકાની વૃધ્ધિ થઈ છે. દૂધના ઉત્પાદનમાં પણ 20 ટકાથી વધુ વધારો થયો છે. મને કહેવામાં આવ્યું છે કે ગોવા સરકારે પણ આ વખતે ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં ખરીદી કરી છે.

સાથીઓ,

સ્વયંપૂર્ણ ગોવાની એક મોટી તાકાત ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ બનવાનો છે. ખાસ કરીને ફીશ પ્રોસેસીંગમાં ગોવા ભારતની તાકાત બની શકે તેમ છે. ભારત લાંબા સમયથી રૉ ફીશની નિકાસ કરતું રહ્યું હતું. ભારતની માછલી પૂર્વ એશિયાના દેશોમાંથી પ્રોસેસ થઈને દુનિયાના મોટા બજારો સુધી પહોંચે છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે માછીમારી ક્ષેત્રને પ્રથમ વખત ખૂબ મોટા પાયે મદદ કરવામાં આવી રહી છે. માછલીના વેપાર માટે અલગ મંત્રાલયથી માંડીને માછીમારીઓની હોડીઓના આધુનિકીકરણ સુધી દરેક સ્તરે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ગોવામાં આપણાં માછીમારોને ઘણી મદદ મળી રહી છે.

સાથીઓ,

ગોવાનું પર્યાવરણ અને ગોવાનું પર્યટન, આ બંનેનો વિકાસ, સીધો ભારતના વિકાસ સાથે જોડાયેલો છે. ગોવા પ્રવાસન ક્ષેત્રનું એક મહત્વનું કેન્દ્ર છે. ખૂબ ઝડપથી આગળ ધપી રહેલી ભારતની અર્થવ્યવસ્થામાં ટુર, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગનો હિસ્સો સતત વધી રહ્યો છે. સ્વાભાવિક છે કે તેમાં ગોવાની હિસ્સેદારી પણ ઘણી મોટી છે. વિતેલા થોડાંક વર્ષોમાં પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રને ગતિ આપવા માટે દરેક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે. વિઝા ઓન અરાઈવલ સુવિધાને વિસ્તારવામાં આવી છે. કનેક્ટિવિટી સિવાય પણ પ્રવાસનલક્ષી માળખાકીય વિકાસના કામોમાં કેન્દ્ર સરકારે ગોવાને કરોડો રૂપિયાની મદદ કરી છે.

સાથીઓ,

ભારતના રસીકરણ અભિયાનમાં પણ ગોવા સહિત પ્રવાસનના કેન્દ્રો છે તેવા રાજ્યોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેનો ગોવાને પણ ઘણો લાભ મળ્યો છે. ગોવાએ દિવસ- રાત એક કરીને પોતાને ત્યાં રસીપાત્ર તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે. હવે દેશે પણ 100 કરોડ રસીના ડોઝનો આંકડા પાર કરી દીધો અને તેનાથી દેશના લોકોનો વિશ્વાસ વધ્યો છે, પ્રવાસીઓમાં વિશ્વાસ વધ્યો છે. હવે જ્યારે તમે દિવાળી, ક્રિસમસ અને નૂતન વર્ષની તૈયારી કરી રહ્યા છો ત્યારે તહેવારો અને રજાઓની આ સિઝનમાં ગોવાના પ્રવાસન ક્ષેત્રમાં નવી ઉર્જા જોવા મળશે. ગોવામાં સ્વદેશી અને વિદેશી પ્રવાસીઓની આવન- જાવન પણ હવે ચોક્કસપણે વધવાની છે. ગોવાના ટુરિઝમ ઉદ્યોગ માટે આ એક મોટો શુભ સંકેત છે.

ભાઈઓ અને બહેનો,

ગોવા જ્યારે વિકાસની દરેક સંભાવનાનો 100 ટકા ઉપયોગ કરશે ત્યારે જ ગોવા સ્વયંપૂર્ણ બનશે. સ્વયંપૂર્ણ ગોવા સામાન્ય લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને સાકાર કરવાનો સંકલ્પ છે. સ્વયંપૂર્ણ ગોવા માતાઓ, બહેનો, દિકરીઓની સ્વાસ્થ્ય સુવિધા, સુરક્ષા અને સન્માનનો ભરોંસો છે. સ્વયંપૂર્ણ ગોવામાં યુવાનોને રોજગાર અને સ્વરોજગારની તકો છે. સ્વયંપૂર્ણ ગોવામાં સમૃધ્ધ ભવિષ્યની ઝલક છે. આ માત્ર પાંચ મહિના અથવા તો પાંચ વર્ષનો જ કાર્યક્રમ નથી, પણ આવનારા 25 વર્ષના વિઝનનો પ્રથમ પડાવ છે. આ પડાવ સુધી પહોંચવા માટે ગોવાની દરેક વ્યક્તિએ જોડાઈ જવાનું છે અને તેના માટે ગોવાને ડબલ એન્જીનના વિકાસનું સાતત્ય જરૂરી બનશે. ગોવાને હાલના જેવી સ્પષ્ટ નીતિની જરૂર છે, હાલની જેમ સ્થિર સરકારની જરૂર છે. હાલમાં છે તેવા જ ઉર્જાવાન નેતૃત્વની જરૂર છે. સંપૂર્ણ ગોવાના પ્રચંડ આશીર્વાદથી આપણે સ્વયંપૂર્ણ ગોવાના સંકલ્પને સિધ્ધ કરીશું તેવા વિશ્વાસની સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છઓ પાઠવું છું !

ખૂબ ખૂબ ધન્યવાદ !

 


(Release ID: 1765983) Visitor Counter : 266