પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો


ભારતરત્ન જયપ્રકાશ નારાયણ અને ભારતરત્ન નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

"ભારતમાં આવી નિર્ણાયક સરકાર અગાઉ ક્યારેય નહોતી આવી, અવકાશ ક્ષેત્ર અને અવકાશ ટેકનોલોજીમાં મોટા સુધારા આનું ઉદાહરણ છે"

"અવકાશ સુધારાઓ બાબતે સરકારનો અભિગમ 4 આધારસ્તંભ પર આધારિત છે"

"130 કરોડ દેશવાસીઓની પ્રગતિ માટે અવકાશ ક્ષેત્ર એક મોટું માધ્યમ છે. ભારત માટે, અવકાશ ક્ષેત્ર મતલબ સામાન્ય લોકો માટે બહેતર મેપિંગ, ઇમેજિંગ અને કનેક્ટિવિટી સુવિધાઓ"

“આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક દૂરંદેશી નથી પરંતુ એક સારી રીતે વિચાર કરેલી, સારું આયોજન કરેલી, એકીકૃત આર્થિક વ્યૂહનીતિ છે”

“સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગો સંબંધિત સ્પષ્ટ નીતિ સાથે આગળ વધે છે અને મોટાભાગના ક્ષેત્રો ખાનગી ઉદ્યોગો માટે ખોલી રહી છે જ્યાં સરકારની જરૂર નથી. એર ઇન્ડિયા અંગેનો નિર્ણય અમારી કટિબદ્ધતા અને ગંભીરતા બતાવે છે.”

“છેલ્લા 7 વર્ષ દરમિયાન, અવકાશ ટેકનલોજીને છેવાડા સુધીની ડિલિવરી અને છીંડા મુક્ત, પારદર્શક સુશાસન સાધનમાં પરિવર્તિત છે”

“મજબૂત સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ વિકસાવવા માટે, પ્લેટફોર્મનો અભિગમ ખૂબ જ મહત્વનો છે.

Posted On: 11 OCT 2021 1:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે દેશના બે મહાના પુત્રો, ભારતરત્ન જયપ્રકાશ નારાયણ અને ભારતરત્ન નાનાજી દેશમુખની જન્મજયંતી છે. આ બંને મહાન હસ્તીઓએ ભારતને સ્વતંત્રતા પછી યોગ્ય દિશા બતાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે બતાવ્યું હતું કે, કેવી રીતે દરેક વ્યક્તિને સાથે રાખીને, દરેક વ્યક્તિના પ્રયાસોની મદદથી, દેશમાં મોટા પરિવર્તનો ખરેખરમાં લાવી શકાય છે. પ્રધાનમંત્રીએ બંને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, તેમના જીવનની ફિલસૂફી આજે પણ આપણને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં આજે નિર્ણાયક જેટલી સરકાર છે તેવી નિર્ણાયક સરકાર અગાઉ ક્યારેય નહોતી. અવકાશ ક્ષેત્ર અને અવકાશ ટેકનોલોજીમાં આજે ભારતમાં મોટાપાયે જે સુધારા થઈ રહ્યા છે તે આ બાબતનું ઉદાહરણ છે. તેમણે ભારતીય અવકાશ સંગઠન- (ISPA)ની રચના બદલ તમામ ઉપસ્થિત લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, અવકાશમાં સુધારા અંગેનો સરકારનો અભિગમ ચાર આધારસ્તંભ પર આધારિત છે. તેમાં સૌથી પહેલો છે, ખાનગી ક્ષેત્રને આવિષ્કાર કરવાની આઝાદી. બીજો છે, સક્ષમકર્તા તરીકે સરકારની ભૂમિકા. ત્રીજો છે, યુવાનોને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવા અને ચોથો છે, અવકાશ ક્ષેત્રને સામાન્ય માણસની પ્રગતિના સંસાધન તરીકે જોવું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 130 કરોડ દેશવાસીઓની પ્રગતિ માટે અવકાશ ક્ષેત્ર એક મોટું માધ્યમ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત માટે, અવકાશ ક્ષેત્રનો મતલબ, સામાન્ય લોકો માટે વધુ સારું મેપિંગ, ઇમેજિંગ અને કનેક્ટિવિટી સુવિધાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત અવકાશ ક્ષેત્રનો મતલબ, ઉદ્યોગસાહસિકો માટે શિપમેન્ટથી લઇને ડિલિવરી સુધીની સારી ઝડપ છે, આનો મતલબ માછીમારો માટે સારી સુરક્ષા અને આવક છે તેમજ કુદરતી આફતોની સારી આગાહી પણ છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક દૂરંદેશી નથી પરંતુ એક સારી રીતે વિચાર કરેલી, સારું આયોજન કરેલી, એકીકૃત આર્થિક વ્યૂહનીતિ છે. એક એવી વ્યૂહનીતિ જે ભારતના ઉદ્યોગસાહસિકો અને ભારતના યુવાનોની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરીને ભારતને વૈશ્વિક વિનિર્માણનું પાવરહાઉસ બનાવશે. એક એવી વ્યૂહનીતિ જે ભારતના ટેકનિકલ કૌશલ્યના આધારે ભારતને આવિષ્કારોનું વૈશ્વિક કેન્દ્ર બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, તે એક એવી વ્યૂહનીતિ છે, જે વૈશ્વિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે, વૈશ્વિક સ્તરે ભારતના માનવ સંસાધનો અને પ્રતિભાની પ્રતિષ્ઠા વધારશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર જાહેર ક્ષેત્રના સાહસો અંગે સ્પષ્ટ નીતિ સાથે આગળ વધી રહી છે અને આમાંના મોટાભાગના ક્ષેત્રોને ખાનગી સાહસો માટે ખોલી રહી છે જ્યાં સરકારની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે, એર ઇન્ડિયા અંગેનો નિર્ણય અમારી પ્રતિબદ્ધતા અને ગંભીરતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષ દરમિયાન, અવકાશ ટેકનોલોજી છેવાડા સુધી ડિલિવરી અને છીંડા મુક્ત, પારદર્શક શાસનના સાધનમાં પરિવર્તિત થઈ છે. તેમણે ગરીબો માટેના આવાસ એકમો, માર્ગો અને માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓમાં જીઓટેગિંગના ઉપયોગના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા વિકાસ પરિયોજનાઓ પર નજર રાખવામાં આવી રહી છે. પાક વીમા યોજનાના દાવાઓની પતાવટમાં અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, NAVIC (નાવિક) પ્રણાલી માછીમારોને મદદરૂ થઇ રહી છે, ટેકનોલોજી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ માટે ટેકનોલોજી સુલભ બનાવવી ખૂબ જરૂરી છે. ડિજિટલ ટેકનોલોજીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે, ભારત આજે ટોચના ડિજિટલ અર્થતંત્રોમાંથી એક છે કારણ કે આપણે ડેટાની શક્તિને સૌથી ગરીબ લોકો માટે પણ પહોંચપાત્ર બનાવી શકીએ છીએ.

પ્રધાનમંત્રી યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર દરેક સ્તરે ઉદ્યોગ, યુવાન આવિષ્કારકર્તાઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે વિગતવાર સમજાવ્યું હતું કે, મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો વિકાસ કરવા માટે, એક પ્લેટફોર્મ અભિગમ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે પ્લેટફોર્મ પ્રણાલીને "એવા અભિગમ કે પરિભાષિત કરી હતી જ્યાં સરકાર લોકો દ્વારા નિયંત્રિત પ્લેટફોર્મની રચવા કરે જે ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ હોય. ઉદ્યોગસાહસિકો આ મૂળભૂત પ્લેટફોર્મ પર નવા ઉકેલો તૈયાર કરે.” પ્રધાનમંત્રીએ UPIના પ્લેટફોર્મને એક ઉદાહરણ આપીને સમજાવ્યું હતું જે મજબૂત ફીનટેકનું નેટવર્ક બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, આવા જ પ્લેટફોર્મને અવકાશ માટે, જીઓસ્પેટિલ ફિલ્ડસ માટે અને વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આજે એકત્ર થયેલાઓના સૂચનો અને હિતધારકોના સક્રિય જોડાણ દ્વારા ટૂંક સમયમાં બહેતર સ્પેસકોમ નીતિ અને રીમોટ સેન્સિંગ નીતિ તૈયાર થશે.

અવકાશ અને અવકાશ ક્ષેત્ર પર શાસન કરવાના પ્રયાસની વૃત્તિએ 20મી સદીમાં કેવી રીતે વિશ્વના દેશોને વિભાજિત કર્યા તેની પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી. તેમણે પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, હવે, 21મી સદીમાં ભારતે એ સુનિશ્ચિત કરવું પડશે કે અવકાશ ક્ષેત્ર વિશ્વને એકજૂથ કરવામાં અને જોડવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1762921) Visitor Counter : 459