પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રીએ 1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું

"ગ્રામ્ય મિલકત, જમીન અથવા ઘરોની માલિકીના દસ્તાવેજો અનિશ્ચિતતાઓ અને અવિશ્વાસથી મુક્ત કરવા અત્યંત જરૂરી છે"

"સ્વતંત્રતાના દાયકાઓ બાદ પણ, ગામડાઓની ક્ષમતાઓ બંધનમાં સીમિત રહી હતી. ગામડાઓ, જમીનો અને ગ્રામીણ લોકોના ઘરોની શક્તિનો તેમના વિકાસ માટે સંપૂર્ણપણે ઉપયોગ કરી શકાયો નથી."

"સ્વામિત્વ યોજના આધુનિક ટેકનોલોજીની મદદથી ગામડાઓના વિકાસ માટેનો અને વિશ્વાસ વધારવાનો નવો મંત્ર છે."

"હવે સરકાર પોતે જ ગરીબો પાસે આવી રહી છે અને તેમને સશક્ત બનાવી રહી છે."

"ડ્રોન ભારતને નવી ઊંચાઇઓ પર લઇ જવાની ક્ષમતા ધરાવે છે."

Posted On: 06 OCT 2021 2:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજના અંતર્ગત 1,71,000 લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, સંસદસભ્યો અને ધારાસભ્યો, લાભાર્થીઓ, ગામડાં, જિલ્લા અને રાજ્યસ્તરના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

મધ્યપ્રદેશના હર્દા જિલ્લાના હાંદિયા ગામના નિવાસી શ્રી પવન સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રોપર્ટી કાર્ડ મેળવ્યા બાદ તેમના અનુભવ વિશે પૂછ્યું હતું. શ્રી પવને તેમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાર્ડ દ્વારા તેમણે 2 લાખ 90 હજાર રૂપિયાની લોન મેળવી છે અને દુકાન ભાડે આપી છે અને તેણે લોનની પરત ચૂકવણી કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રધાનમંત્રીએ તેમને ડિજિટલ વ્યવહારો વધારવાનો આગ્રહ કર્યો હતો. શ્રી મોદીએ ગામડાઓમાં ડ્રોન દ્વારા સર્વે અંગે ગામના અનુભવ વિશે ચર્ચા પણ કરી હતી. શ્રી પવને જણાવ્યું હતું કે, કાર્ડ મેળવવામાં તેમણે ખૂબ જ સરળતા અનુભવી હતી અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોના જીવનમાં સરળતામાં વધારો કરવો તે તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રીએ પીએમ સ્વામિત્વ યોજના મારફતે પ્રોપર્ટી કાર્ડ મેળવવા બદલ ડિંડોરીના શ્રી પ્રેમસિંઘને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ડ્રોન દ્વારા મેપિંગ માટે લાગેલા સમય અંગે પૂછપરછ કરી હતી. તેમણે શ્રી પ્રેમસિંઘને પ્રોપર્ટી કાર્ડ મેળવ્યા બાદ ભવિષ્યના આયોજનો અંગે પૂછપરછ કરી હતી. શ્રી પ્રેમસિંઘે જણાવ્યું હતું કે, હવે તે તેમના ઘરને પાકું બનાવવાનું આયોજન કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ તેમને આ યોજના વિશે કેવી રીતે જાણકારી મળી હતી તે અંગે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ સ્વામિત્વ યોજનાના ઝૂંબેશ બાદ ગરીબો અને વંચિતોના મિલકતના અધિકારોની સલામતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મેળવ્યા બાદ સિંહોરના બુંધની ગામના શ્રીમતી વિનીતાબાઇને તેણીના આયોજન અંગે પૂછપરછ કરી હતી. તેમણે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે તે બેંકમાંથી લોન મેળવીને દુકાન ખોલવાનો વિચાર ધરાવે છે. તેણીએ પોતાની મિલકત પ્રત્યે સલામતીની ભાવના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાના કારણે અદાલતોમાં કેસોના ભારણમાં ઘટાડો થશે અને ગામડાઓ અને દેશની પ્રગતિ થશે. પ્રધાનમંત્રીએ તેણીને અને તેણીના પરિવારને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

એકત્ર થયેલા ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના પ્રારંભ સાથે બેંકોમાંથી લોન મેળવવાની કામગીરી ખૂબ જ આસાન બની ગઇ છે. તેમણે જે ઝડપે આ યોજનાનું અમલીકરણ થઇ રહ્યું છે તે બદલ મધ્યપ્રદેશ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આજે રાજ્યના 3000 ગામડાઓમાં 1.70 લાખ પરિવારોએ કાર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્ડ તેમની સમૃદ્ધિનું વાહક બની રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મોટાભાગે એવું કહેવાય છે કે ભારતનો આત્મા ગામડામાં વસે છે પરંતુ સ્વતંત્રતા મળ્યાના દાયકાઓ વીતિ ગયા પછી પણ ગામડાઓનું સામર્થ્ય બંધનોમાં સીમિત રહ્યું હતું. ગામડાઓની તાકાત, ગામડાઓની જમીનો અને ઘરોમાં વસતા લોકોનો તેમના વિકાસ માટે પૂર્ણપણે ઉપયોગ થઇ શક્યો નહોતો. તેનાથી ઉલટું, ગામડાના લોકોની ઉર્જા તેમનો સમય અને નાણાં વિવાદો, ઝઘડાઓ, ગામડાઓની જમીનો અને મકાનો પર કરાતા ગેરકાયદેસર કબજામાં વેડફાતા રહ્યા છે. પ્રધાનમંત્રીએ એ વાતને યાદ કરી હતી કે, કેવી રીતે મહાત્મા ગાંધી પણ આ સમસ્યાથી ચિંતિત હતા, તેમજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરૂઢ હતા તે શાસનકાળ દરમિયાન ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલી 'સમરસ ગ્રામ પંચાયત યોજના'ને યાદ કરી હતી.

કોરોના કાળ દરમિયાન ગામડાઓએ જે પ્રકારે કામગીરી કરી તેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારતના ગામડાઓએ એક લક્ષ્યને ધ્યાનમાં રાખીને સાથે મળીને કામ કર્યું છે અને ખૂબ જ તકેદારી સાથે મહામારીને અંકુશમાં લીધી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ભારતના ગામડાઓ બહારથી આવી રહેલા લોકો માટે અલગ રહેવાની વ્યવસ્થા અને તેમના માટે ભોજન તેમજ કામ માટે પણ અલગ વ્યવસ્થા જેવી સાવચેતીઓ રાખવામાં આગળ હતા અને રસીકરણનું પણ ખંતપૂર્વક તેમણે પાલન કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં મહામારીને નિયંત્રણમાં લાવવામાં ગામડાઓએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

પ્રધાનમંત્રીએ દેશના ગામડાઓ, ગામડાની મિલકતો, જમીનો અને ઘરોના રેકોર્ડ્સની અનિશ્ચિતતા અને અવિશ્વાસમાંથી મુક્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો ગતો. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના ગામડામાં વસતા આપણા ભાઇઓ અને બહેનો માટે ખૂબ જ મોટી તાકાત બની રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વામિત્વ યોજના ગામડાઓમાં મિલકતના દસ્તાવેજો પૂરા પાડવા માટેની માત્ર એક યોજના નથી પરંતુ, તે આધુનિક ટેકનોલોજીની મદદથી દેશના ગામડાઓના વિકાસ અને વિશ્વાસમાં વૃદ્ધિ કરવાનો એક મંત્ર પણ છે. તેમણે કહ્યું હતું કે, “ગામડાઓ અને વિસ્તારોમાં સર્વેનું કામ કરવા માટે ઉડી રહેલા ઉડન ખટોલા (ડ્રોન) ભારતના ગામડાઓને નવી ઉડાન આપી રહ્યાં છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષમાં સરકારના પ્રયાસો ગરીબોને કોઇની પણ પરાધીનતામાંથી મુક્ત કરવાની દિશામાં થઇ રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે નાના ખેડૂતોને ખેતવાડી માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત સીધા જ તેમના બેંક ખાતામાં નાણાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. શ્રી મોદી જણાવ્યું હતું કે, હવે એ દિવસો જતા રહ્યાં છે જ્યારે ગરીબોને કંઇપણ કરવું હોય તો સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડતા હતા. હવે સરકાર પોતે ગરીબો સુધી પહોંચી રહી છે અને તેમને સશક્ત બનાવી રહી છે. તેમણે મુદ્રા યોજનાનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે, આ યોજના કોઇપણ જામીન વગર ધીરાણ મારફતે લોકોને નાણાં ઉપલબ્ધ કરાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં અંદાજે 29 કરોડ લોન મંજૂર કરીને લોકોને 15 લાખ કરોડ રૂપિયા આપવાની માન્યતા આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં 70 લાખ સ્વ સહાય સમૂહો અને મહિલાઓને જન ધન ખાતાઓ દ્વારા બેન્કિંગ પ્રણાલી સાથે જોડવામાં આવ્યા છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, સ્વ સહાય સમૂહોને જામીન વગર લોનની મર્યાદા હાલમાં 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા સુધી કરવા માટે તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે, 25 લાખ કરતાં વધારે રસ્તા પરના ફેરિયાઓને સ્વનિધિ યોજના હેઠળ લોન પ્રાપ્ત થઇ છે.

પ્રધાનમંત્રીએ વિલંબ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સંખ્યાબંધ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે જેથી ખેડૂતો, દર્દીઓ અને દૂરસ્થ વિસ્તારોમાં રહેતા લોકો સુધી ડ્રોન ટેકનોલોજીની મદદથી મહત્તમ લાભ પહોંચાડી શકાય. ભારતમાં ડ્રોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક PLI યોજના પણ જાહેર કરવામાં આવી છે જેથી મોટી સંખ્યામાં ભારતમાં આધુનિક ડ્રોનનું ઉત્પાદન થાય અને ભારત આ મહત્વના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે. પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપરો અને સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યરોને પણ ભારતમાં ઓછા ખર્ચે ડ્રોનનું ઉત્પાદન કરવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “ડ્રોનમાં ભારતને નવી ઉંચાઇઓ સુધી લઇ જવાની ક્ષમતા છે.”

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1761405) Visitor Counter : 337