યુવા બાબતો અને રમત મંત્રાલય
ભારતીય હોકીનો મહિમા પુનર્જીવિત
Posted On:
29 SEP 2021 11:32AM by PIB Ahmedabad
ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકમાં મેડલનો દુકાળ ખતમ કરવામાં 41 વર્ષ લાગ્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં મીઠી જીત મેળવીને એક દ્રઢ ભારતીય પુરુષ હોકી ટીમે ઇતિહાસ ફરીથી લખ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ માત્ર મેડલ જ નહોતો, પણ તેણે કરોડો દેશવાસીઓની આશાઓ અને સપનાઓને સાકાર કર્યા છે.
એક સમય હતો જ્યારે ભારતે વિશ્વ હોકી પર શાસન કર્યું હતું. ઓલિમ્પિકમાં આઠ વખતના ભૂતપૂર્વ ગોલ્ડ વિજેતા, જોકે, છેલ્લા ચાર દાયકામાં આધુનિક હોકી સાથે તાલ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. એસ્ટ્રો ટર્ફના આગમન અને રમતના નિયમોમાં અભૂતપૂર્વ ફેરફારોને કારણે ભારતીય હોકી સમય સાથે તાલમેલ મેળવી શકી નહોતી અને વિશ્વસ્તરીય સ્પર્ધાઓમાં સંઘર્ષ કરી રહી હતી. પરંતુ ભારતીય હોકી ટીમ ધૂળમાંથી ઉઠી છે અને પુનરુત્થાનના માર્ગ પર છે. મનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ ભારત આખરે ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યું.
આ ઐતિહાસિક જીત માટે ભારતીય ટીમને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ નવું ભારત છે, આત્મવિશ્વાસથી ભરેલું ભારત છે. આ એક ઐતિહાસિક દિવસ છે, જે હંમેશા દરેક ભારતીયની યાદમાં રહેશે. બ્રોન્ઝ ઘરે લાવવા માટે ટીમ ઇન્ડિયાને અભિનંદન. તેઓએ આપણા દેશના યુવાનોને નવી આશા આપી છે.” ટીમના તમામ સભ્યોએ પ્રધાનમંત્રીને તેમના સન્માન સમારોહ દરમિયાન તેમના ઓટોગ્રાફ સાથે હોકી સ્ટીક અર્પણ કરી હતી.
હવે આ હોકી સ્ટીક, જેણે લાખો મહત્વાકાંક્ષી હોકી ખેલાડીઓને પાંખો આપી છે, પ્રધાનમંત્રી દ્વારા મળેલી ભેટોની ઓનલાઈન બિડમાં સમાવવામાં આવી છે. જે કોઈ આ હોકી સ્ટીક મેળવવા માંગે છે તે ઓનલાઈન બિડિંગ સાઇટ - pmmementos.gov.in/ માં ભાગ લઈ શકે છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઓનલાઈન બિડ 7 ઓક્ટોબર સુધી ચાલશે.
હરાજીમાંથી એકત્ર થયેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટ, ગંગા નદીના સંરક્ષણ અને કાયાકલ્પ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1759183)
Visitor Counter : 258