ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત હિંદી દિવસ 2021 સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા


શ્રી અમિત શાહે વર્ષ 2018-19, 2019-20 અને 2020-21 દરમ્યાન રાષ્ટ્રભાષા હિંદીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મંત્રાલયો, વિભાગો અને સંસ્થાનો ઈત્યાદિની રાજભાષા ગૌરવ પુરસ્કાર એનાયત કર્યા

હિંદીને કોઇ સ્થાનિક ભાષા સાથે કોઇ મતભેદ નથી, હિંદી ભારતની તમામ ભાષાઓની સહેલી છે અને એ સહઅસ્તિત્વથી જ આગળ વધી શકે છે

આઝાદીનાં 75 વર્ષો નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે

પ્રધાનમંત્રીજીએ લાલ કિલ્લા પરથી આઝાદીના અમૃત મહોત્સવનાં લક્ષ્યોમાંથી એક લક્ષ્ય આત્મનિર્ભર ભારતનું પણ રાખ્યું છે

આત્મનિર્ભર શબ્દ માત્ર ઉત્પાદન, વાણિજ્ય સંસ્થાઓ માટે જ નથી પણ આત્મનિર્ભર શબ્દ ભાષાઓ વિશે પણ હોય છે અને ત્યારે જ આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે

દેશના પ્રધાનમંત્રી દુનિયાના ઊંચામાં ઊંચા આંતરરાષ્ટ્રીય મંચ પર પણ હિંદીમાં બોલે છે, પોતાની ભાષામાં બોલે છે, તો આપણને કઈ વાતનો સંકોચ છે

દેશના પ્રધાનમંત્રીજીએ કોઇ પણ મંચ પર હિંદીમાં વક્તવ્ય આપવાનો એક રિવાજ બનાવી દીધો છે, એનાથી રાજભાષાને સ્થાપિત કરવામાં એક બહુ મોટું યોગદાન મળ્યું છે

14 સપ્ટેમ્બરનો દિવસ આંતરિક મૂલ્યાંકન કરવાનો દિવસ છે કે આપણી ભાષાઓ અને રાજભાષાને આગળ વધારવા અને એના સંવર્ધન માટે શું કર્યું છે

યુગો સુધી ભારત પોતાની ભાષાઓને સંભાળીને, સાચવીને રાખશે અને આપણે એને લચીલી અને લોકોપયોગી પણ બનાવીએ

સ્વદેશી, સ્વભાષા અને સ્વરાજ, આઝાદીની લડાઈનાં ત્રણ મૂળ સ્તંભ હતાં

મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રભાષાને રાષ્ટ્રીયતાની સાથે પણ જોડી, તેમણે કહ્યું હતું કે આ દેશની
ચેતનાને જો સમજવી હોય તો અમારી ભાષાઓ વગર તમે એને સમજી નહીં શકો

કોઇ પણ બહારની ભાષા આપણને ભારતની મહાન સંસ્કૃતિ અને ગૌરવથી પરિચિત ન કરાવી શકે, દેશના વૈચારિક પિંડ સાથે જોડી નહીં શકે, માત્ર માતૃભાષા જ એક બાળકને એનાં સ્થાનીય મૂળ સાથે જોડીને રાખી શકે છે

આપણે આપણી નવી પેઢીને સમજાવવી પડશે કે ભાષા કદી બાધક ન હોઇ શકે, આપણે ગૌરવની સાથે આપણી ભાષાનો ઉપયોગ કરીએ, ખચકાઇએ નહીં
જ્ઞાનની અભિવ્યક્તિનું માતૃભાષાથી વધારે સારું માધ્યમ બીજું કોઇ હોઇ જ ન શકે

દેશના દરેક પ્રદેશના ઈતિહાસનો અનુવાદ રાજભાષા અને સ્થાનિક ભાષામાં થવો જોઇએ

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષા અને રાજભાષાને મહત્વ આપ્યું છે

Posted On: 14 SEP 2021 7:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત હિંદી દિવસ-2021 સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ પ્રસંગે શ્રી અમિત શાહે વર્ષ 2018-19, 2019-20 અને 2020-21 દરમ્યાન રાજભાષા હિંદીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મંત્રાલયો, વિભાગો અને સંસ્થાનો ઇત્યાદિની રાજભાષા કીર્તિ અને રાજભાષા ગૌરવ પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ રાજભાષા ભારતી પુસ્તિકાના 160મા અંકનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, શ્રી અજય કુમાર મિશ્રા અને શ્રી નિશિથ પ્રામાણિક, કેન્દ્રીય ગૃહ સચિવ, રાજભાષા વિભાગના સચિવ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે આપણે જ્યારે બંધારણને સ્વીકાર્યું, એની સાથે જ 14 સપ્ટેમ્બર 1949ના રોજ એક નિર્ણયને પણ સ્વીકાર્યો હતો કે આ દેશની રાજભાષા હિંદી હશે અને લિપિ દેવનાગરી હશે. શ્રી અમિત શાહે કહ્યું કે આ જે પુરસ્કારો હોય છે એ ઘણાં લોકોને પ્રેરણા આપે છે અને રાજભાષાને ઉત્તેજન આપવા માટે આગળ વધવાનો જુસ્સો આપે છે. તેમણે બિન-હિંદી પુરસ્કાર વિજેતાઓને ખાસ અભિનંદન આપતા કહ્યું કે આપ જે પ્રદેશથી આવો છો, એ પ્રદેશની ભાષાની સાથે રાજભાષાને પણ એ પ્રદેશમાં પહોંચાડવા માટે આપે બહુ સરસ કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે હિંદીને કોઇ સ્થાનિક ભાષા સાથે કોઇ મતભેદ નથી અને હિંદી ભારતની તમામ ભાષાઓની સખી છે અને તે સહઅસ્તિત્વથી જ આગળ વધી શકે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે 14 સપ્ટેમ્બર આપણા માટે એક મૂલ્યાંકનનો દિવસ હોય છે કે આપણે આપણા દેશની ભાષાઓ અને રાજભાષા માટે શું કર્યું અને એને આગળ વધારવા માટે શું કર્યું છે, એના સંરક્ષણ અને સંવર્ધન માટે શું કર્યું છે, ખાસ કરીને નવી પેઢીના દિલમાં, એની બોલચાલમાં, પોતાની સ્થાનિક ભાષાઓને ગૌરવ અપાવવા માટે શું કર્યું છે. તેમણે કહ્યું કે આજે જ્યારે આપણે પાછું ફરીને જોઇએ છીએ ત્યારે દેશમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે આપણને એવું લાગતું હતું કે કદાચ ભાષાની લડાઈ દેશ હારી જશે. શ્રી શાહે કહ્યું કે આપણે એ લડાઈ કદી હારીશું નહીં, યુગો સુધી ભારત પોતાની ભાષાઓને સંભાળીને, સાચવીને રાખશે અને આપણે એને લચીલી અને લોકોપયોગી પણ બનાવીશું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે આઝાદીનાં 75 વર્ષો નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રીજીએ લાલ કિલ્લાની દિવાલ પરથી આઝાદીના અમૃત મહોત્સવનાં લક્ષ્યોમાં એક લક્ષ્ય આત્મનિર્ભર ભારતનું પણ રાખ્યું છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર શબ્દ માત્ર ઉત્પાદન, વાણિજ્ય સંસ્થાઓ માટે જ નથી પણ આત્મનિર્ભર શબ્દ ભાષાઓ વિશે પણ હોય છે અને ત્યારે જ આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે. તેમણે કહ્યું કે જો ભાષાઓ વિશે આપણે આત્મનિર્ભર ન બનીએ તો આત્મનિર્ભર ભારતનો કોઇ જ અર્થ નથી.

શ્રી અમિત શાહે કહ્યું કે આઝાદીની લડાઈમાં સ્વદેશી, સ્વભાષા અને સ્વરાજ, આ ત્રણ શબ્દોએ બહુ મોટું યોગદાન આપ્યું છે અને તે આઝાદીની લડાઈનાં ત્રણ મૂળ સ્તંભ હતાં. પ્રધાનમંત્રીજીએ સ્વદેશીને આગળ વધારવા માટે આત્મનિર્ભર ભારતનું એક બહુ મોટું અભિયાન આદર્યું છે. સ્વભાષાને મજબૂત કરવાનું કામ આપણે સૌએ મળીને, ખાસ કરીને દેશની નવી પેઢીએ કર્યું છે. તેમણે કહ્યું કે હવે કોઇ સંકોચ રાખવાની જરૂર નથી, દેશના પ્રધાનમંત્રી દુનિયાનાં ઊંચામાં ઊંચા આંતરરાષ્ટ્રીય મંચ પર પણ હિંદીમાં બોલે છે, પોતાની ભાષામાં બોલે છે, તો આપણને કઈ વાતનો સંકોચ છે. શ્રી શાહે કહ્યું કે હવે એ જમાનો ગયો જ્યારે હિંદી બોલતા હતા તો થતું હતું કે સામેની વ્યક્તિ કઈ રીતે મારું મૂલ્યાંકન કરશે. આપનું મૂલ્યાંકન આપના કામોના આધારે જ થશે, આપની ક્ષમતાઓના આધારે જ થશે, ભાષાને આધારે નહીં થાય.

શ્રી અમિત શાહે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પોતાની ભાષા કરતા વધારે સારી અભિવ્યક્તિ કોઇ અન્ય ભાષામાં ન કરી શકે અને એ વાત આપણે નવી પેઢીને સમજાવવી પડશે કે ભાષા કદી બાધક ન હોઇ શકે, આપણે ગૌરવની સાથે પોતાની ભાષાનો ઉપયોગ કરીએ, ખચકાઇએ નહીં. તેમણે કહ્યું કે હવે એ સમય આવી ગયો છે કે દેશના યુવા એ વાતને મનમાં ઠસાવી લે કે આપણે આપણી ભાષાઓને છોડીશું નહીં. તેમણે બાળકોના વાલીઓને પણ કહ્યું કે ભલે તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય, પણ ઘરમાં તમે એની સાથે પોતાની ભાષામાં વાત કરવાની શરૂઆત કરો, નહીંતર એ પોતાનાં મૂળથી કપાઇ જશે. કોઇ બહારની ભાષા આપણને આ દેશના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત ન કરાવી શકે. તેમણે કહ્યું કે જે દિવસે આપ આપનાં બાળકને માતૃભાષાનાં જ્ઞાનથી વંચિત કરી દેશો, તો એ પોતાનાં મૂળથી કપાઈ જશે અને જે લોકો પોતાનાં મૂળથી કપાય જાય છે એ લોકો ઉપર આવી શક્યા નથી, ઉપર એ જ જઈ શકે જે વૃક્ષનાં મૂળિયાં ઊંડાં, મજબૂત અને ફેલાયેલાં હોય.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે જ્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એ સમયે ઘણા નેતાઓએ સ્વભાષાના ઉપયોગ પર બહુ ભાર મૂક્યો હતો. પછી તે મહાત્મા ગાંધી હોય, રાજેન્દ્ર પ્રસાદ હોય, પંડિત નહેરુ હોય, સરદાર વલ્લભભાઇ પટેલ હોય, કે એમ મુનશી હોય, અને વિનોબા ભાવેએ તો સમગ્ર જીવન ભારતીય ભાષાઓને મજબૂત કરવામાં લગાવી દીધું. મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રભાષાને રાષ્ટ્રીયતા સાથે પણ જોડી હતી, તેમણે કહ્યું હતું કે આ દેશની ચેતનાને જો સમજવી હોય તો આપણી ભાષાઓ વિના તમે એને સમજી ન શકો. શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીનું એ વાક્ય આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું એ 1920થી લઈને 1947 સુધી હતું.

તેમણે એ માટે પોતે અખબાર કાઢ્યા, ગુજરાત સાહિત્ય પરિષદની ચૂંટણી પણ ગાંધીજી લડ્યા અને સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા અને તેમણે ગુજરાતી શબ્દકોષની રચના પણ કરી. આટલાં મોટાં આંદોલનમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ, સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરનારી વ્યક્તિ, મારી સ્વભાષા મજબૂત હોય એ માટે કેટલો સમય એમણે આપ્યો હતો એનાથી આપણે સમજવું જોઇએ કે રાજભાષા હિંદીને મજબૂત કરવાનું કેટલું મહત્વ છે.
 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલયનું એક મહત્વપૂર્ણ અંગ છે અને અમે નક્કી કર્યું છે કે આ વર્ષે ખાસ કરીને રાજભાષાને ઉત્તેજન, સંરક્ષિત અને સંવર્ધિત અને પ્રચાર-પ્રસાર માટે વિશેષ પ્રયાસ કરવામાં આવશે. જેટલા પણ કાર્યક્રમો થશે એમાં આઝાદીના આંદોલનમાં રાજભાષા અને સ્થાનિક ભાષાઓનાં યોગદાનના વિષય પર કાર્યક્રમ કરવામાં આવશે. જ્યાં સુધી આપણી નવી પેઢી આ બાબત નહીં જાણે, એને ખબર નહીં હોય કે આઝાદીની સફળતાનાં ઘણાં બધાં કારણો હતાં અને એમાંનું એક સ્થાનીય ભાષા અને રાજભાષાને મહત્વ આપવાનું હતું.

શ્રી અમિત શાહે કહ્યું કે આપણો દેશ બહુ વિવિધતાઓથી ભરેલો છે, ઘણાં બધાં પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને સૌનો પોતપોતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે અને આ બધું અલગ અલગ સ્થાનીય ભાષાઓમાં છે. તેમણે કહ્યું કે દેશના દરેક પ્રદેશનો ઇતિહાસ જે સ્થાનીય ભાષામાં છે એનો અનુવાદ અને ભાવાનુવાદ બેઉ રાજભાષામાં થવો જોઇએ જેથી એક રાજ્ય નહીં પણ સમગ્ર દેશ એ ઈતિહાસને વાંચી શકે. તેમણે કહ્યું કે જે સંગ્રામ મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના નેતૃત્વમાં સ્વરાજ માટે થયો, જે સંગ્રામ ગુજરાતમાં થયો, એના વિશે જાણવાનો હક દેશનાં દરેક બાળકને છે અને એ ત્યારે જ જાણી શકશે જ્યારે તેનો રાજભાષામાં અનુવાદ થશે. તેમણે કહ્યું કે આ માટે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ એક વિકસેલાં સો પાંખડીઓવાળાં કમલ જેવી છે જેની દરેક પાંખડી આપણી પ્રાદેશિક ભાષા જેમ છે અને કમલ આપણી રાજભાષા છે. તેમણે કેટલી સરસ રીતે આપણી વિવિધતાને એક અલંકૃત ભાષામાં સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આઝાદીનાં સમગ્ર આંદોલન સુધી 1857થી 1947 સુધી ભારતીય ભાષાઓ, રાજભાષામાં થયેલ પત્રકારત્વનું બહુ મોટું યોગદાન છે, અમે એનું પણ સંકલન કરવાના છીએ. દેશભરમાં 100 વર્ષો સુધી જે ઘણાં બધાં સંગ્રામો થયાં એ તમામનો ઇતિહાસ સ્થાનિક ભાષાઓમાં છે, અમે એનો પણ અનુવાદ કરવાના છીએ.

શ્રી અમિત શાહે કહ્યું કે જે લોકો અલગ રીતે આ પ્રકારનો પ્રચાર કરે છે કે આપણી સ્વભાષા અને રાજભાષા આપણાં વ્યક્તિત્વને આગળ વધારવામાં બાધક બની શકે છે. તેમણે કહ્યું કે જ્ઞાનની અભિવ્યક્તિનું માતૃભાષાથી વધારે સારું માધ્યમ બીજું કોઇ હોઇ જ ન શકે અને જ્યારે આપની પાસે જ્ઞાન છે અને અભિવ્યક્તિ જે ભાષામાં આપ વિચારો છે એ ભાષામાં કરો છો ત્યારે એનાથી સારું સમજાવવાનું કોઇ માધ્યમ હોઇ જ ન શકે. તેમણે કહ્યું કે જ્યારે અભિવ્યક્તિ પોતાની ભાષામાં હોય ત્યારે સરળ અને સ્વાભાવિક બની જાય છે. તેમણે કહ્યું હતું કે ઘણાં લાંબા સમય બાદ દેશના પ્રધાનમંત્રી નવી શિક્ષણ નીતિ લાવ્યા છે અને તેમણે નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષા અને રાજભાષાને સ્થાન આપવા માટે વિશેષ કાર્ય કર્યું છે, ગ્રેડ પાંચ સુધીનું શિક્ષણ ઘરની ભાષા, માતૃભાષામાં થાય એનો આગ્રહ રાખ્યો છે. ભારતીય ભાષાઓને વાંચવા અને શીખવા માટે દરેક શાળા અને ઉચ્ચ શિક્ષણ સ્તરે એકીકૃત કરવાની વાત કહેવામાં આવી છે. ટેકનિકલ અભ્યાસક્રમો જેમ કે ઇજનેરી કોલેજો છે એમાં પાંચ ભાષાઓમાં આઠ રાજ્યોની ચૌદ કોલેજો ભણાવવાનું શરૂ કરશે જેમાં હિંદી, તેલુગુ, તમિલ, મરાઠી, અને બાંગ્લામાં શિક્ષણ આપવાની શરૂઆત કરશે. ભારતીય ભાષાઓનાં સંરક્ષણ અને વિકાસ માટે ભારતીય અનુવાદ અને વ્યાખ્યાન સંસ્થાનની સ્થાપના કરવાની યોજના પણ નવી શિક્ષણ નીતિમાં રાખવામાં આવી છે જે આપણી ભાષાઓને એક લાંબા સમય સુધી બળ આપશે. ઈ અભ્યાસક્રમ આપણી પ્રાદેશિક ભાષાઓમાં પણ તૈયાર કરાઇ રહ્યા છે જેથી ઓનલાઇન ભણતાં બાળકો પણ સ્વભાષા, રાજભાષામાં ભણી શકે. ઘણી બધી બાબતોને નવી શિક્ષણ નીતિમાં સામેલ કરીને પ્રધાનમંત્રીજીએ આપણા આંદોલનને ગતિ આપવાનો બહુ મોટો પ્રયોગ કર્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે એક જમાનો હતો જ્યારે ભારતના નેતા વિદેશમાં જતા હતા, ત્યાં જે બોલતા હતા એ કદાચ જ દેશ સમજી શકતો હતો. આ સૌથી પહેલા અટલજીએ શરૂઆત કરી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એને એક રિવાજ બનાવી દીધો છે કે જ્યાં પણ જઈશું, કોઇ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર જઈશું, પોતાનું વક્તવ્ય ભારતીય ભાષા, રાજભાષામાં જ આપીશું અને એનાથી રાજભાષાને સ્થાપિત કરવામાં બહુ મોટું યોગદાન મળ્યું છે. ઘણાં લોકોનાં મનમાં જે સંકોચ, લઘુતાગ્રંથિ હતી એનું નિવારણ થયું છે. તેમણે કહ્યું જે જ્યારે પણ પરિવર્તન થાય છે ત્યારે માનસ પરિવર્તન પણ થાય છે, જનમાનસનું પરિવર્તન કરવાની અમારી ફરજ અને જવાબદારી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ભારતે કોરોના સામેની લડાઇ બહુ સારી રીતે લડી છે. ભારત ઓછામાં ઓછી હાનિ સાથે આ મહામારીમાંથી બહાર નીકળ્યું અને આમ એટલા માટે થયું કારણ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલગ મુખ્ય મંત્રીઓની સાથે, રાજ્યપાલોની સાથે, વેપારી મંડળોની સાથે, ડૉક્ટરો સાથે અને દેશની જનતાને સંબોધિત કરવાના 35થી વધુ પ્રયાસ કર્યા અને એ તમામે તમામ પ્રયાસ રાજભાષામાં કર્યા. એનાથી જનતાની વચ્ચે સરકારની વાત પહોંચાડવામાં મદદ મળી અને દેશભરમાં કોરોના સામે મજબૂતાઈથી લડવામાં મદદ મળી.

આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી શ્રી અજયકુમાર મિશ્રાએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણો દેશ બહુ પ્રાચીન દેશ છે જેની સંસ્કૃતિ અને જ્ઞાનની પરંપરા રહી છે. દેશનાં અલગ ક્ષેત્રોમાં અલગ ભાષાઓ વિકસિત થઈ પણ હિંદી સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. તેમણે કહ્યું કે પ્રાદેશિક ભાષાઓ બહુ મહત્વપૂર્ણ છે અને એમાં ઘણી સમૃદ્ધ રચનાઓ પણ થઈ છે એટલે ક્ષેત્રીય ભાષાઓનું પણ રાષ્ટ્ર નિર્માણમાં બહુ મોટું યોગદાન રહ્યું છે, આપણે હિંદીની સાથે ક્ષેત્રીય ભાષાઓને પણ પૂરું સન્માન આપવું જોઇએ. શ્રી અજય કુમાર મિશ્રાએ કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ હિંદીમાં કામકાજને ઉત્સાહવર્ધક રીતે આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે અને એમની પ્રેરણાથી ચોક્કસ જ કાર્યાલયોનાં કામકાજમાં તો હિંદી ભાષાનો ઉપયોગ વધ્યો જ છે પણ સંસદમાં પણ અગાઉની સરખામણીએ વધારે સાંસદગણ હિંદીમાં ભાષણ આપે છે. આ બધું પ્રધાનમંત્રીજી અને ગૃહમંત્રીજીની પ્રેરણાને કારણ શક્ય બન્યું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1754886) Visitor Counter : 408