પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 14 સપ્ટેમ્બરના રોજ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના યુનિવર્સિટીના અલીગઢ નોડના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રદર્શન મોડલની પણ મુલાકાત લેશે

Posted On: 13 SEP 2021 11:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે ઉત્તર પ્રદેશના અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન આપશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના યુનિવર્સિટીના અલીગઢ નોડના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રદર્શન મોડલની પણ મુલાકાત લેશે.

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી વિશે

રાજ્ય સરકાર દ્વારા મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જીની સ્મૃતિ અને સન્માનમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે. અલીગઢની કોલ તહસીલના લોઢા ગામ અને મુસેપુર કરીમ જરોલી ગામમાં કુલ 92 એકર વિસ્તારમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે. તે અલીગઢ વિભાગની 395 કોલેજોને જોડાણ પ્રધાન કરશે.

ઉત્તર પ્રદેશના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વિશે

ઉત્તરપ્રદેશમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની સ્થાપનાની જાહેરાત પ્રધાનમંત્રીએ 21 ફેબ્રુઆરી, 2018ના રોજ લખનઉમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે કરી હતી. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં અલીગઢ, આગ્રા, કાનપુર, ચિત્રકૂટ, ઝાંસી અને લખનઉ - કુલ 6 નોડ્સ – બનાવવામાં આવ્યા છે. અલીગઢ નોડમાં જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને 19 કંપનીઓને જમીન ફાળવવામાં આવી છે, જે નોડમાં 1245 કરોડનું રોકાણ કરશે.

ઉત્તર પ્રદેશનો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT(Release ID: 1754436) Visitor Counter : 140