પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

13મી બ્રિક્સ શિખર બેઠક ખાતે પ્રધાનમંત્રીનું આવકાર સંબોધન

Posted On: 09 SEP 2021 8:04PM by PIB Ahmedabad

યોર એક્સલન્સી રાષ્ટ્રપતિ પુટિન, રાષ્ટ્રપતિ શિ, રાષ્ટ્રપતિ રામાફોસા, રાષ્ટ્રપતિ બોલ્સોનારો,

નમસ્કાર,

આ બ્રિક્સ શિખર બેઠકમાં હું આપ સૌને આવકારું છું. બ્રિક્સની 15મી વર્ષગાંઠના અવસરે આ શિખર બેઠકની અધ્યક્ષતા કરવી મારા માટે અને ભારત માટે બહુ આનંદની વાત છે. આપની સાથે આજની શિખર બેઠક માટે આપની પાસે વિગતવાર કાર્યસૂચિ છે. જો આપ સૌ સંમત થશો તો આપણે આ એજન્ડા-કાર્યસૂચિને અપનાવી શકીએ છીએ. આભાર. આ એજન્ડા હવે અપનાવી લેવાય છે.

મહાનુભાવો!
એક વાર આ એજન્ડા અપનાવી લેવાય એટલે આપણે સૌ ટૂંકમાં આપણું આરંભિક સંબોધન આપી શકીએ છીએ. હું પહેલા મારું આવકાર પ્રવચન આપવાની છૂટ લઈશ. ત્યારબાદ હું આપ સૌ દરેક મહાનુભાવને આપની આરંભિક ટિપ્પણીઓ માટે આમંત્રિત કરીશ.

આ અધ્યક્ષપદ દરમ્યાન તમામ બ્રિક્સ ભાગીદારો તરફથી અને દરેકેદરેક તરફથી ભારતને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે અને એ માટે હું આપ સૌનો અત્યંત આભારી છું. છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સ મંચે ઘણી સિદ્ધિઓ જોઇ છે. આજે આપણે વિશ્વના ઉભરતા અર્થતંત્રોમાં એક વગદાર પ્રભાવક અવાજ છીએ. આ પ્લેટફોર્મ વિક્સતા દેશોની અગ્રતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં પણ ઉપયોગી રહ્યું છે.

ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક, ધ કન્ટિજન્સી રિઝર્વ એરેન્જમેન્ટ અને એનર્જી રિસર્ચ કો-ઓપરેશન પ્લેટફોર્મ જેવી મજબૂત સંસ્થાઓનું સર્જન બ્રિક્સે કર્યું છે. આ બધી બહુ મજબૂત સંસ્થાઓ છે. એમાં કોઇ શંકા નથી કે આપણે ગર્વ લઈ શકીએ એવું ઘણું છે. તેમ છતાં, એ પણ અગત્યનું છે કે આપણે બહુ આત્મ-સંતુષ્ટ ન બનીએ અને આપણે એ સુનિશ્ચિત કરવું જ રહ્યું કે આગામી 15 વર્ષોમાં બ્રિક્સ વધારે પરિણામલક્ષી પણ બને.

ભારતે એના અધ્યક્ષપદના કાર્યકાળ માટે જે થીમ-વિષય પસંદ કર્યો છે એ બરાબર આ જ અગ્રતાનું નિદર્શન કરે છે- ‘બ્રિક્સ@15: ઈન્ટ્રા બ્રિક્સ કો-ઓપરેશન ફોર કન્ટિન્યુટિ, કૉન્સોલિડેશન અને કન્સેન્સસ’- ‘બ્રિક્સ@15: સાતત્ય, સંગઠન અને સર્વાનુમત માટે આંતરિક બ્રિક્સ સહકાર’. આપણી બ્રિક્સ ભાગીદારીના મૂળભૂત સિદ્ધાંતોમાં કઈક અંશે આ ચાર ‘સી’ રહેલા છે.

આ વર્ષે, કોવિડ દ્વારા ઊભા થયેલા પડકારો છતાં, 150થી વધુ બ્રિક્સ મીટિંગ્સ અને કાર્યક્રમો આયોજિત થયા, એમાંથી 20થી વધુ પ્રધાન સ્તરે હતા. પરંપરાગત ક્ષેત્રોમાં સહકાર વધારવાની સાથે, આપણે બ્રિક્સ એજન્ડાને વધુ વિસ્તારવા પણ પ્રયાસો કર્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં, બ્રિક્સે ઘણાં ‘પ્રથમ’ હાંસલ કર્યા છે, મતલબ કે એવી બાબતો જે પહેલી વાર થઈ છે. હમણાં તાજેતરમાં જ પહેલવહેલી બ્રિક્સ ડિજિટલ સમિટ યોજાઇ ગઈ. ટેકનોલોજીની મદદથી આરોગ્ય પહોંચ વધારવાનું આ એક નવીન પગલું છે. નવેમ્બરમાં, આપણા જળ સંસાધન પ્રધાનો બ્રિક્સ રચના હેઠળ પહેલી વાર મળવાના છે. ‘બહુપક્ષીય વ્યવસ્થાઓ મજબૂત કરવા અને સુધારવા’ પર બ્રિક્સે એક સામૂહિક વલણ લીધું હોય એવું પણ પહેલી વાર છે.

આપણે બ્રિક્સ ત્રાસવાદ વિરોધી કાર્યયોજના પણ અપનાવી છે. આપણી અંતરિક્ષ એજન્સીઓ વચ્ચે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કૉન્સ્ટલેશન અંગે સમજૂતી સાથે સહકારનો એક નવો અધ્યાય શરૂ થયો છે. આપણા કસ્ટમ્સ વિભાગો વચ્ચે સહકારની સાથે-આંતરિક બ્રિક્સ વેપાર વધુ સરળ બનશે. વર્ચ્યુઅલ બ્રિક્સ વૅક્સિનેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે પણ સર્વસંમતિ છે. ગ્રીન પર્યટન અંગે બ્રિક્સ એલાયન્સ પણ વધુ એક નવી પહેલ છે.


મહાનુભાવો!
આ તમામ નવી પહેલો આપણા નાગરિકોને લાભ કરશે એટલું જ નહીં પણ આગામી વર્ષોમાં એક સંસ્થા તરીકે બ્રિક્સને પ્રસ્તુત થઈ રહેવા સમર્થ કરશે. મને વિશ્વાસ છે કે આજની મીટિંગ આપણને બ્રિક્સને વધુ ઉપયોગી બનાવવા માટે સાચી દિશામાં માર્ગદર્શન આપશે.

આપણે મહત્વની વૈશ્વિક અને પ્રાદેશિક બાબતોની પણ ચર્ચા કરીશું. હું હવે આપ સૌને આપની પ્રારંભિક ટિપ્પણીઓ માટે આમંત્રિત કરું છું.

SD/GP/JD




(Release ID: 1753662) Visitor Counter : 357