સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ NCDCના 112મા વાર્ષિક દિવસ નિમિત્તે ડિજિટલ માધ્યમથી AMR માટે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ રાષ્ટ્રીય સંદર્ભ લેબોરેટરી અને નવી BSL 3 લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું


NCDC એ સતત આવિષ્કારો કરવાની ઝંખના જાળવી રાખવી જોઇએ જેથી ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વને તેમના કાર્યોનો લાભ પ્રાપ્ત થાય: શ્રી મનસુખ માંડવિયા

ઝૂનોટિક બીમારીઓ પર IEC સામગ્રી અને વાયુ પ્રદૂષણ અને ઉષ્મા પર રાષ્ટ્રીય આરોગ્ય અનુકૂલન યોજનાઓ બહાર પાડવામાં આવી

Posted On: 30 JUL 2021 12:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને આજે અહીં રાજ્યમંત્રી (HFW) ડૉ. ભારતી પવારની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બીમારી નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના 112મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) માટે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ રાષ્ટ્રીય સંદર્ભ લેબોરેટરી અને BSL 3 લેબોરેટરી તેમજ PG છાત્રાલય અને અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું. L3 લેબોરેટરી સંકુલમાં પાંચ માળ છે અને તેમાં 22 જૈવ સલામતી સ્તર (BSL) II લેબોરેટરીઓ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AA7R.jpg

NCDCએ આપેલા યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવતા શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડ મહામારી દરમિયાન અન્ય ઘણા દેશોની સરખામણીએ ભારતની કામગીરી વધુ સારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, NCDCના 112 વર્ષના ભવિષ્ય ઇતિહાસના વારસામાં આજે નવા પરિમાણો ઉમેરવામાં આવ્યા છે. તેમણે NCDCને વધુમાં વધુ આવિષ્કારો કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું જેથી તેમના કાર્યોથી ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભ થાય. કેન્દ્રીય મંત્રીશ્રીએ એવું પણ રેખાંકિત કર્યું હતું કે, NCDCના વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, અધિકારીઓ અને સ્ટાફે આવનારા વર્ષોમાં તેઓ જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે તેના લક્ષ્યો સહયોગપૂર્ણ રીતે નિર્ધારિત કરવા જોઇએ.

તાજેતરની કોવિડ-19 મહામારીએ ઝુનોટિક બીમારીઓ પર સતત સતર્કતા દાખવવાની અને તેના વિશે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. તદનુસાર, NCDC ખાતે "ઝુનોસીસના નિવારણ અને નિયંત્રણ માટે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામઅંતર્ગત ઝુનોટિક બીમારી કાર્યક્રમના પ્રભાગ દ્વારા ભારતમાં રહેલી 7 પ્રાથમિક ઝુનોટિક બીમારી એટલે કે, હડકવા, સ્ક્રબ ટાઇફસ, બ્રુસેલોસિસ, એન્થ્રેક્સ, CCHF, નિપાહ, ક્યાસાનુર ફોરેસ્ટ બીમારી પર IEC સામગ્રી (પ્રિન્ટ, ઓડિયો અને વીડિયો) તૈયાર કરવામાં આવી છે. રાજ્યમંત્રી (HFW) સાથે મળીને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આનું વિમોચન કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VU0F.jpg

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વાયુ પ્રદૂષણ અને ઉષ્મા માટે રાષ્ટ્રીય આરોગ્ય અનુકૂલન યોજનાઓનો પણ પ્રારંભ કર્યો હતો તેમજ "રાષ્ટ્રીય આબોહવા પરિવર્તન અને માનવ આરોગ્ય કાર્યક્રમઅંતર્ગત ઇન્ફોગ્રાફિક અને પ્રથમ ન્યૂઝલેટરનું પણ વિમોચન કર્યું હતું. NCDC ખાતે પર્યાવરણ અને રોજગારી આરોગ્ય, આબોહવા પરિવર્તન અને આરોગ્ય દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, NCDC તેમની લેબોરેટરીઓ દ્વારા લોકોને સંખ્યાબંધ સેવાઓ પૂરી પાડે છે અને રોગચાળા વિજ્ઞાન, જાહેર આરોગ્ય ક્ષમતા નિર્માણ, કીટ વિજ્ઞાન વગેરેમાં વધુ મજબૂતી લાવે છે. દેશમાં એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) નિયંત્રણ કાર્યક્રમમાં NCDCની ચાલકબળ તરીકેની ભૂમિકા પ્રશંસનીય છે. ડૉ. પવારે ઉલ્લેખ કર્યો હતો કે, “NCDC મોટી ઓથોરિટી અને સંસાધનો સાથે બીમારી પર દેખરેખ, આરોગ્ય સ્થિતિ પર દેખરેખ, જાહેર જનતામાં માહિતીના પ્રસાર, જાહેર આરોગ્ય ક્રિયાઓ માટે પૂરાવા પાડવા અને જાહેર આરોગ્ય નિયમનોના અમલીકરણમાં ફોકલ પોઇન્ટ તરીકે કામ કરી શકે છે.” તેમણે જાહેર આરોગ્ય અંગે લોકોમાં જાગૃતિ અને આજના સમયની જીવનશૈલી સંબંધિત બીમારીઓથી દૂર રહેવામાં લોકોની સહભાગીની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, આરોગ્ય સેવાઓના મહા નિદેશક ડૉ. સુનિલ કુમાર, અધિક સચિવ શ્રીમતી આરતી આહુજા, સંયુક્ત સચિવ શ્રી લવ અગ્રવાલ, NCDCના નિદેશક ડૉ. સુજિતસિંહ, ભારતમાં WHOના પ્રતિનિધી ડૉ. રોડ્રિકો એચ. ઓફ્રીન આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1740649) Visitor Counter : 324