યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, રાજ્ય કક્ષાના રમત મંત્રી શ્રી નીતિશ પ્રમાણિક અને ઓલિમ્પિકના મહાન ખેલાડીઓએ નવી દિલ્હી ખાતેથી સ્ક્રિનિંગ ઇવેન્ટ દ્વારા આજે ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભમાં ભારતના ખેલાડીઓને બિરદાવ્યા
Posted On:
23 JUL 2021 6:45PM by PIB Ahmedabad
મુખ્ય હાઇલાઇટઃ
આજે નાના શહેરોમાંથી ઉભરતી પ્રતિભાને પારખવામાં આવે છે તથા તેનું સંવર્ધન કરવામાં આવે છે કેમ કે તેઓ ઉચ્ચ કક્ષાએ ભાગ લઈ શકે તે માટે તેમને સર્વશ્રેષ્ઠ સવલતો તથા પ્રોફેશનલ તાલીમ આપવામાં આવે છે.: શ્રી અનુરાગ ઠાકુર
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ છેલ્લા કેટલાક વર્ષમાં ભારત રમતગમતમાં શક્તિશાળી બને તે સુનિશ્ચિત કરવા માટે પાયાના કાર્યો હાથ ધરાયા છે.: શ્રી અનુરાગ ઠાકુર
આ ઇવેન્ટમાં ચાર વખતના ઓલિમ્પિયન યોગેશ્વર દત્ત તથા ભારતની પ્રથમ મહિલા મેડલ વિજેતા કુ. કરનામ મલ્લેશ્વરીએ પણ હાજરી આપી હતી
જાપાનના ટોક્યો ખાતે શરૂ થયેલી ઓલિમ્પિક્સ ગેમ્સના ઉદઘાટન સમારંભનો જીવંત પ્રસારણ સમારંભ આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) દ્વારા (યુવા બાબતો અને રમતો) નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો જેમાં ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને બિરદાવવા માટે યુવા બાબતો અને રમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર તથા યુવા બાબતો અને રમત મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી નીતિશ પ્રમાણિક ઉપરાંત ભારતના મહાન ઓલિમ્પિક ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સૂત્ર #Cheer4India ઝુંબેશના ભાગરૂપે ભારતીય રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય મહાનુભાવોમાં રેલવેના રાજ્યકક્ષાના મંત્રી શ્રી રાવ સાહેબ પાટીલ દાનવે અને શ્રીમતિ દર્શના જરદોષ, ચાર વખતના ઓલિમ્પિયન યોગેશ્વર દત્ત, ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા સુશ્રી કરનામ મલ્લેશ્વરી, મુક્કાબાજ અખિલ કુમાર અને રમત સચિવ શ્રી રવિ મિત્તલનો સમાવેશ થતો હતો.
ટોક્યો ગયેલા ભારતીય દળને બિરદાવવા માટેના આ પ્રયાસમાં અન્ય કેટલાક મહાનુભાવો તથા એથ્લેટ્સ દેશના વિવિધ પ્રાંતોમાંથી ઓનલાઇન જોડાયા હતા. મધ્ય પ્રદેશના રમત મંત્રી શ્રીમતિ યશોધરા રાજે સિંધિયા, હોકીમાં ઓલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલા તથા હરિયાણાના રમત મંત્રી શ્રી સંદીપ સિંઘ (હરિયાણા) અને ઓડિશાના રમત મંત્રી શ્રી તુષાર કાંતિ બેહેરા સહિત ઘણા મહાનુભાવો ભારતીય રમતવીરોને સપોર્ટ કરવા દેશના વિવિધ ભાગોમાંથી આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપતાં શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભાગ લેનારા ખેલાડીઓ અને આયોજકો બંને માટે ઘણી રીતે ટોક્યો ઓલિમ્પિક્સ સુધી પહોંચવાનો ભારતનો માર્ગ ઘણા પરિક્ષણ અને સફળતાઓથી આગળ ધપ્યો છે. તે ઓલિમ્પિક ગેમ્સની માફક જ આહલાદક રહ્યો છે.
શ્રી ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે અમે ભવિષ્યના વિઝનને ધ્યાનમાં રાખીને રમતવીરો તથા તેમના હિતોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડી હતી. છેલ્લા સાત વર્ષમાં અમે ભારતના રમતગમત માળખાનું પુનર્ગઠન કર્યું હતું અને તેનો વ્યાપ વધાર્યો હતો. આજે નાના નાના શહેરોમાંથી ઉભરતી પ્રતિભાને શોધી કાઢીને અમે તેનું સંવર્ધન કર્યું છે કારણ કે તેઓ ઉચ્ચ કક્ષાએ ભાગ લેવા માટે સક્ષમ બને તે માટે તેમને સર્વશ્રેષ્ઠ સવલતો તથા પ્રોફેશનલ તાલીમ આપવામાં આવી રહી છે. ભારતમાં રમત ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે માટે અમે નવા જ પરિણામો રચવા તરફ આગેકૂચ કરી છે. શ્રી ઠાકુરે ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત રમત ગમત ક્ષેત્રે સર્વશક્તિમાન બને તે સુનિશ્ચિત કરવા માટે પાયાના કાર્યો હાથ ધરાયા છે.
શ્રી ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે રમત ગમતની સર્વોચ્ચ સ્પર્ધા એટલે કે ઓલિમ્પિક્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે 127 ઓલિમ્પિક્સ એથ્લેટ્સની સાથે 130 કરોડ ભારતીયોની શુભેચ્છા છે. આજે ટોક્યો ખાતેની ઓલિમ્પિક ગેમ્સમાં આપણે ભારતીય દળને ચિયર કરી રહ્યા છે તે સૌથી ગૌરવશાળી ક્ષણ છે.
રાજ્ય કક્ષાના રમત મંત્રી શ્રી નીતિશ પ્રમાણિકે જણાવ્યું હતું કે ભારતના પૂર્વીય પ્રાંતે પણ અસામાન્ય રમતવીરો પૂરા પાડવામાં મહાન યોગદાન આપ્યું છે. જેમાં મેરિકોમ અને હિમા દાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓરિસ્સા અથવા બંગાળ અથવા મણિપુરના રમતવીરો પણ ભાગ લઈ રહ્યા છે.
આ ચર્ચા દરમિયાન ચાર વખતના ઓલિમ્પિયન યોગેશ્વર દત્તે જણાવ્યું હતું કે ભારતના રમતવીરોમાં મેડલ જીતવા માટેની જે ધગશ દેખાય છે તે ભારતને વિજયી બનાવશે. ઓલિમ્પિક્સમાં પોતાની સફળતાને યાદ કરતાં ભારતની સૌ પ્રથમ મેડલ વિજેતા મહિલા ખેલાડી કરનામ મલ્લેશ્વરીએ જણાવ્યું હતું કે જ્યારે ભારતના પ્રધાનમંત્રીએ મને દેશની દીકરી તરીકે સંબોધિત કરી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. ભારતના ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી પુલ્લેલા ગોપીચંદે જણાવ્યું હતું કે મારા માટે દેશમાં રમત ગમતની ઇકોસિસ્ટમ અને રમતોનો વિકાસ ખરેખર મને આગળ જવા માટે પ્રેરે છે. હું દેશની રમતોમાં તથા પ્રજાના સહકારમાં આમુલ પરિવર્તન નિહાળી રહ્યો છું.
રેલવેના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતિ દર્શના જરદોષે એ બાબતની નોંધ લીધી હતી કે રેલવેના 25 પ્રતિનિધિ ખેલાડીઓમાંથી 21 મહિલા રમતવીર છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત આ વખતે મેડલ જીતશે તેવો મને આત્મવિશ્વાસ છે. રેલવેના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાવ સાહેબ દાનવેએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે સામે રમતવીરોને તાલીમ આપવા માટે સર્વશ્રેષ્ઠ કોચ છે. નજીકના ભવિષ્યમાં અમે રેલવેના સેન્ટર ફોર એક્સેલન્સનો વિકાસ કરવા આતુર છીએ. જેનાથી ખેલાડીઓને વિશ્વકક્ષાની સવલતો અને તાલીમ પૂરી પાડી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. હરિયાણાના રમત મંત્રી શ્રી સંદીપ સિંઘે જણાવ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા એથ્લેટસમાંથી મોટી સંખ્યાના ખેલાડીઓ હરિયાણાના છે અને મને આશા છે કે તેઓ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવશે. મધ્ય પ્રદેશના રાજ્ય કક્ષાના રમત મંત્રી શ્રીમતિ યશોધરા રાજે સિંધિયાએ જણાવ્યું હતું કે જો આપણે આપણા રમતવીરોને યોગ્ય તાલીમ, સવલતો અને કોચિંગ પૂરું પાડીએ તો તેમની મેડલ જીતવાની તકો ઉજળી બનવાની શક્યતા છે.
સોની સ્ટુ઼ડિયો સાથેના વાર્તાલાપ દરમિયાન શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે અમે દેશમાં યોગ્ય રમત માળખાનો વિકાસ કરીને તથા ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ જેવી રમત સ્પર્ધાઓ યોજીને તેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત અમે ભારતમાં મોટી રમત ટુર્નામેન્ટ યોજવાનો પ્રયાસ પણ કરીશું. આ ઉપરાંત સારા કોચ પેદા કરવા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. અને અંતે ખેલાડીઓ રમતને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે રોજગારીની તકો પણ પેદા કરીશું.
આ ઇવેન્ટ બાદ મહાનુભાવોએ ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારંભનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને ટોક્યોમાં ભારતની માર્ચ પાસ્ટ દરમિયાન નેશનલ સ્ટેડિયમ ભારતીય દળને જોરદાર ચિયર દ્વારા વધાવી લીધું હતું.
ભારતે આ વખતે ટોકયો ઓલિમ્પિક્સ માટે 127 એથ્લેટ્સનું દળ મોકલ્યું છે જે 18 રમતોમાં ભાગ લેશે. ભારતનું આ સૌથી મોટું દળ છે અને તેમાં 56 મહિલા રમતવીરોના વિક્રમી આંકનો સમાવેશ થાય છે.
SD/GP/JD
(Release ID: 1738344)
Visitor Counter : 398